અનોખી પ્રેતકથા - 3 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી પ્રેતકથા - 3

એનો રતાશ પકડતો સુંદર ચહેરો ખૂંખાર થાય એ પહેલાં મેં નમતું જોખતા વાત બદલતાં કહ્યું,
"ઓકે... ઓકે...પણ તમે એ ન જણાવ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ડૉક્ટર છું?"

"અમને જે જીવને પ્રેત દ્વારેથી લાવવાનો આદેશ મળે છે એની બેસિક જાણકારી ટેલિપથીથી મોકલી અપાય છે. થયું સમાધાન?" હવે એણે ખરેખર કંટાળી જવાબ આપ્યો.
મેં હકારમાં માથું હલાવ્યું.

કાળાં અંધારે થોડાં ચમકતાં રસ્તા પર ચાલતાં ચાલતાં અમે એક કલાત્મક કૅબીન પાસે પહોંચ્યા. એણે મારું ફોર્મ કૅબિનની મધ્યમાં આવેલી એક તિરાડમાં સરકાવ્યું.

"આપણે બેસીએ ક્યાંક?" મેં પૂછયું.

"આ શું પાર્ક દેખાય છે? દેખાતું નથી કેટલી લાંબી લાઈન છે?" એણે મારી પાછળ ઇશારો કરતાં થોડાં ગુસ્સાથી કહ્યું. મેં પાછળ ફરીને જોયું પણ કોઈ લાઈન નહોતી.

"ક્યાં છે લાઈન?" મેં આશ્ચર્યથી પૂછ્યું.

"આને થોડી દેખાશે લાઈન." એ માથે હાથ દઇ બોલી ને ઉમેર્યું,
"તને નહીં દેખાય. એકવાર પ્રેતશીપ મળી જશે પછી કદાચ દેખાશે."

"શું પ્રેતશીપ! એટલે?"

"અહીંની સિટીઝનશીપ."

"ઓહ... ઓકે. તો આ ફોર્મ ભરાવ્યું એ સિટીઝનશીપ મેળવવાનું ફોર્મ હતું?"

"તારે એમ સમજવું હોય તો એમ રાખ." એણે કંટાળા સાથે જવાબ આપ્યો.

હવે, મને સાચે જ લાગ્યું કે એ ખરેખર કંટાળી છે એટલે મેં મૌન જાળવ્યું.

થોડીવારમાં એ જ તિરાડમાંથી એક કવર બહાર આવ્યું એટલે,

"આ શું મારું શગુન છે?" મેં પૂછયું.

"તું શું નવીનવેલી દુલ્હન છે?" એણે ફરી એજ અંદાજે રોકડું પરખાવ્યું , કવર ખોલીને ચબરખી વાંચી અને બીજી એક દિશામાં લઈ ગઇ.

"આપણે ક્યાં જઈએ છીએ?"

એણે એક તોતિંગ મશીન બતાવ્યું.

"શું પ્રેતોનો પણ એક્સ-રે લેવાય છે?" એમ કહી હું જોરજોરથી હસ્યો અને એણે મને મશીનમાં ધકેલી દીધો. પહેલાં તો બહું ડર લાગ્યો. થયું કે ક્યાં રણચંડીને કોપાયમાન કરી! પણ થોડી ક્ષણોમાં હું જેમ છાપું છપાયને નીકળે એમ બહાર નીકળ્યો.

હવે, હું એક અલગ જ વ્યક્તિત્વ હતો. હું પોતાની જાતને અને બીજાને જોઇ શકતો હતો. હું દેવીની જેમ પૂર્ણ સફેદ કપડામાં સજ્જ હતો.

ફરી દેવીએ ઇશારો કરતાં હું એની પાછળ ચાલવા લાગ્યો. આ નવા અવતારમાં હું થોડોક શાંત હતો. અત્યાર સુધી સ્વજનોથી અલગ થવાની પીડા જે થોડીઘણી શમી હતી એ અહીં મારું કોણ? એ વિચારે ફરી ઉથલો મારી ગઈ. મન રડતું હતું મમ્મી માટે પપ્પા માટે પણ આંખો છલકાતી નહોતી. આ પીડા કદાચ મને તોડી નાંખશે એ ડરે, થોડી ગમગીની સાથે મેં દેવીને પ્રશ્ન કર્યો.
"શું બધાં મૃત્યુ પામેલાઓને પહેલાં પ્રેતલોકમાં લવાય છે?"

"ના. એ લોકો કર્મનાં આધારે ક્યાં તો સીધાં સ્વર્ગલોક કે નર્કલોકમાં જાય છે."

"તો આપણે કેવાં કર્મ કર્યા કે અહીં પ્રેતલોકમાં પડ્યાં?"

"કર્મ નહીં, અકાળ મૃત્યુ લાવે છે પ્રેતલોકમાં." એણે એક નિસાસો નાખી કહ્યું.

"એટલે?"

"એટલે કે લખાયેલા આયુષ્ય કરતાં વહેલા કે પછી અસામાન્ય રીતે મૃત્યુ થયું હોય તો જીવ અહીં આવે છે."

"અસામાન્ય મૃત્યુ એટલે કેવું મૃત્યુ?"

"અકસ્માત, હત્યા, આત્મહત્યા વગેરે અસામાન્ય કહેવાય ને!"

"હમમમ્..." મેં ગંભીર થઇ કહ્યું.

"એ સિવાય જીવની પ્રબળ ઈચ્છાઓ પણ એને મુક્ત નથી થવા દેતી એ પણ પ્રેતલોકમાં આવે છે."

થોડુંક અંતર કાપ્યા બાદ ત્રણ દરવાજા નજરે પડે છે. એક સંપૂર્ણ કાળો, સોનેરી કિનાર ન હોય તો દેખાય પણ નહીં. બીજો કાબરચીતરો અને ત્રીજો પૂર્ણ સફેદ.

દેવીએ મને પૂર્ણ સફેદ દરવાજો બતાવી કહ્યું, "જા."

"તમે નહીં આવો?"

"ના. મારો સાથ અહીં સુધીનો જ. મારું કાર્ય પૂર્ણ થયું. હવે, આગળ તારે જાતે વધવાનું છે."

"ત્યાં શું હશે?" ડરેલા મેં પૂછયું.

"ડર નહીં. કંઈ નહીં થાય. ત્યાં માત્ર તને કેટલાક સવાલો પૂછવામાં આવશે અને તારા જવાબો જ તારું ભાવિ નિર્ધારિત કરશે."

"પણ.. ત્યાં મને કાગળની જેમ બાળશે તો નહીં ને! અને..."

"મેં કહ્યું ને કે કંઇ નહીં થાય. ત્યાં કોઈ જીવ અસત્ય બોલી જ નથી શકતો એટલે સજા પણ નથી મળતી." મારી વાત કાપતાં એ બોલી.

"હાશ! મને તો એમ કે ઉકળતાં તેલની કડાઈમાં નાંખશે. મારે ભજીયુ તો નહોતું જ બનવું."

એ ખડખડાટ હસી પડી અને બોલી,
"તું ભજીયુ બન્યો હોત તો કેવો લાગત! હું તો તને ખાઈ જ જાત. હાહાહા...અહીં એવી કોઈ સજા નથી મળતી. ગાઈડલાઈન્સ વાંચજે એટલે ઘણું બધું સમજાય જશે."

એનાં કહેવાથી હું દરવાજા પાસે જઈ ઉભો રહ્યો ને દરવાજો ઍલિવેટરના દરવાજાની જેમ આપોઆપ ખૂલી ગયો અને હું એમાં વેક્યુમ ક્લીનરમાં જેમ કચરો ખેંચાય એમ ખેંચાઈ ગયો.

(ક્રમશઃ)