જોરથી ચીસ પાડી પગ પાસે જોયું તો એક બિલાડી મારી જેમ જ ટ્રેનિંગ સેન્ટરમાં ફેંકાઈ હતી. એ કાળી બિલાડીની લીલી આંખો જોઈને પહેલાં તો ખૂબ જ ડર લાગ્યો પણ યાદ આવ્યું કે હું ક્યાં જીવું છું કે મરવાનો ડર!
ફરી મેં એને જોઈ તો એ પણ મને જ જોતી હતી. એને અહીં જોઈને મને હસવું આવી ગયું, લે અહી તો બિલાડી જેવા જાનવર પણ પ્રેત બનીને આવે છે.
જાણે મારા વિચારો વાંચતી હોય એમ એ બોલી,
"કેમ અહિયાં પણ માણસોનો ઈજારો છે!"
હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો. અચાનક જ મને યાદ આવ્યું કે આ તો એ જ બિલાડી છે જેને બચાવવા મેં અણધારી બ્રેક મારી હતી અને અહિયાં પહોંચી ગયો હતો.
"તારા લીધે હું અહિયાં છું." મેં ધીમેથી ગુસ્સામાં બબડાટ કર્યો.
"અને તારા લીધે હું." એણે એવો જ જવાબ આપ્યો.
"શું મારા લીધે? હેં ? અરે તને બચાવવા જ મારે ઈમરજન્સી બ્રેક મારવી પડી હતી, ઓકે."
"ઈમરજન્સી બ્રેક મારા લીધે નહીં, તારી બેદરકારીનાં લીધે મારવી પડી. હું તો રસ્તાના કિનારે જ ચાલતી હતી પણ તું? તું ચાલું બાઈકે પણ ફોનમાં બીઝી હતો. તેં મને જોઈ જ નહીં અને મને કન્ફ્યુઝ કરી. હું શું કરતી જીવ બચાવવા? પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ નીવડ્યો. તારી ઈમરજન્સી બ્રેક પાછળ વાળા ટ્રક ડ્રાઈવરને મોડી સમજાય અને આપણે બંને ટ્રક નીચે કચડાઇ ગયાં."
"એય.... આ કોણ ઝગડે છે? શાંતિ જાળવો. આ ટ્રેનિંગ સેન્ટર છે શાકમાર્કેટ નહીં." એક ભારેખમ અવાજે તથા એટલાં જ ભારેખમ શરીરે અમારું ધ્યાન ખેંચ્યું.
"તમે અહીં ક્યારે આવ્યા?" જેવો મેં એમનો ચહેરો જોયો, મારાથી અનાયાસે જ પૂછાય ગયું.
"ક્યારે આવ્યા એટલે?? હું તો અહિયાં જ રહું છું."
"સો ટકા, માંરી ગેરસમજ નથી થતી. તમે તો... શાકભાજી માર્કેટમાં પેલી શાકની મોટી દુકાન એ તમારી જ ને?"
"તને કેવી રીતે ખબર?"
"હું મમ્મી સાથે શાક લેવા આવતો હતો એટલે. પણ તમે અહીં કેવી રીતે? મતલબ શું થયું હતું તમને?"
"મને? મને કંઈ નથી થયું. ગાંડા કાઢવાનું બંધ કર. આ જ મારું પરમેનન્ટ ઠેકાણું છે."
"તો પેલી દુકાન?"
"એ તો પાર્ટ ટાઇમ બિઝનેસ છે."
પાર્ટ ટાઈમ બિઝનેસ?"
"હાસ્તો વળી. પૃથ્વી પર આખો દિવસ એમનેમ ભટકું તો કોઈને શંકા ન જાય કે આ બાઈ શું કામ કરતી હશે ને કેમ ગુજરાન ચલાવતી હશે! એટલે દુકાન ખોલી દીધી. બાકી મારી ડ્યુટી તો ચોવીસ કલાક ચાલું."
"હેં! ચોવીસ કલાક! એવું તે શું કામ કરો છો?"
"ભાગેલા ભૂત પકડવાનું."
"ભાગેલા ભૂત?"
"હા. અહિયાંથી ભાગી ગયા હોય એવાં ભૂતોને શોધી શોધીને પાછાં લાવવાનું કામ."
"ઈન શોર્ટ તમે પ્રેત પોલીસ. બરાબર ને!"
"હા. એકદમ બરાબર. "
"પણ અહિયાંથી કોઈ ભાગી કંઈ રીતે શકે? અહિયાં તો તરત જ ખબર પડી જાય ને!"
"એ હા. અહિયાંની સિક્યોરિટી સિસ્ટમ તો ટકાટક પણ હોલિડે પર ગયેલા ભૂત પાછાં ન આવે તો પકડીને લાવવા પડે. ભાઈસાબ મારું કામ તો બહું ભારે. ભૂતડા આવવા જ તૈયાર ન થાય, જેમતેમ લાવવા પડે."
"એમ? તો કેવી રીતે લાવો? મતલબ કે કઈ રીતે પકડો ભૂતને?"
"જો. પહેલાં તો જણાવું કે એમના હોલિડે પતી ગયા છે છતાં ન માને તો સમજાવું, તોય ન માને તો પછી હંટરવાળી કરું ને એનાથી જ બાંધીને લઈ આવું."
"ખાલી હંટરથી માની જાય? એમને તો હંટર ક્યાં વાગવાનું?"
"એ કોઈ સામાન્ય હંટર થોડું છે, સ્પેશિયલ છે સ્પેશિયલ. ભૂતોની બોડીમા એવા ભડાકા કરે કે આવવા માનવું જ પડે અને એમાંય હું, હું, એટલે એકદમ પરફેક્ટ કામ. આ હમણાં જ બે ચાર પકડી લાવી, નવરાત્રીનો શોખીન, આવવા તૈયાર જ ન થાય પછી કરી હંટરવાળી. સીધ્ધાદોર થઈ ગ્યા. પણ તમે બેય શું મંડી પડ્યા હતા. નવાં આવ્યાં છો?"
"હા. નવાં છીએ. આને લીધે હું અને મારી લીધે એ, બંને અહિયાં પહોંચી ગયા."
"હમમમમ્... ઠીક છે ઠીક છે. થવાનું હતું એ થવા કાળે થઈ ગયું, બદલાવાનું નથી એટલે હવે લડતા નહીં. શાંતિથી ટ્રેનિંગ લો ને મજા કરો."
"હાસ્તો. ભૂતકાળ, જે નથી બદલાવાનું એનો અફસોસ શો કરવો હેં! એનાં કરતાં વર્તમાન સ્વીકારી ખુશ રહેવાનું. નવી જિંદગી શરૂ કરવાની."
"જિંદગી?"
"એટલે કે પ્રેતજીવન. ધીમે ધીમે મજા આવશે."
માસી આટલું બોલ્યાં, ત્યાં તો હું ખેંચાયો.
"હેપ્પી રિન્યુઅલ" કહી એ તો હસતાં હસતાં જવા લાગ્યા ને હું એક રૂમમાં પીંછાની જેમ ઉતર્યો જેની મને કલ્પના તો જરાય નહોતી.
(ક્રમશઃ)