કાલચક્ર - 4 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલચક્ર - 4

( પ્રકરણ : ચાર )

અજવાળું કરવા માટે સડક પર દરિયાઈ ફટાકડાં સળગાવી રહેલા આલ્બર્ટ સર અચાનક એક ચીસ સાથે ગૂમ થઈ ગયા અને ચોથી પળે જ તેઓ જે ફટાકડો સળગાવી રહ્યા હતા, એ ફટાકડો આકાશમાંથી સડક પર આવીને પડયો, એટલે બેલા ટીચર, ડ્રાઈવર રહેમાન, તેમ જ ઈરફાન, રોમિત, લવલી વગેરે વિદ્યાર્થીઓ ખાલી સડક તરફ તાકી રહ્યા.

‘સર !’ ડ્રાઈવર રહેમાને અત્યારે સડક તરફ એક પગલું આગળ વધતાં બૂમ પાડી.

‘હમણાં અંધારામાંથી કયાંકથી આલ્બર્ટ સર બહાર નીકળશે,’ એવી આશા સાથે બધાં જોઈ રહ્યા, પણ આલ્બર્ટ સર દેખાયા નહિ.

‘સર કયાં ગયા ? !’ નેહાએ પૂછયું.

‘હજુ હમણાં તો અહીં જ હતા !’ બોલતાં અનૂજે બેલા ટીચર સામે જોયું. બેલા ટીચરના ચહેરા પર ગભરાટ હતો. આ રીતના અચાનક આલ્બર્ટ સર ગૂમ થઈ ગયા હતા એ નાની-સૂની ઘટના નહોતી. ‘આલ્બર્ટ !’ બેલા ટીચરે સૂની સડક તરફ તાકી રહેતાં બૂમ પાડી, પણ જવાબ સંભળાયો નહિ. ‘રહેમાન!’ બેલા ટીચરે હવે બાજુમાં ઊભેલા રહેમાન સામે જોતાં સૂચના આપી : ‘.... બધાંને બસમાં બેસાડ.’

‘ચાલો બધાં, બસમાં બેસો.’ રહેમાને ડરેલા ને મૂંઝાયેલા ચહેરે ઊભેલા વિદ્યાર્થીઓ તરફ જોતાં કહ્યું : ‘કોઈ બહાર નહિ રોકાય.’

બધાં ધીમે-ધીમે બસમાં ચઢવા માંડયા, પણ રોમિત રહેમાન પાસે જ ઊભો રહ્યો, ને એણે રહેમાનને પૂછયું : ‘હા, પણ અમારા સર ગયા કયાં ? !’

‘એ અમે જોઈએ છીએ, પણ તું બધાંને લઈને બસની અંદર જા, અને અંદરથી દરવાજો બંધ કરી દે.’ ને રહેમાને ખાલી સડક તરફ જોઈને, કડક અવાજમાં રોમિતને સૂચના આપી : ‘જલ્દી અંદર જા.’

‘ચાલ, રોમિત !’ ઈરફાને રોમિતનો હાથ પકડીને એને બસ તરફ ખેંચતાં બાકીના બધાંને કહ્યું : ‘ચાલો જલ્દી, બધાં બસની અંદર બેસી જાવ, હું અં- દરથી દરવાજો બંધ કરી લઉં છું.’

હવે બાકીના પણ ઝડપભેર બસમાં બેસવા માંડયા.

રહેમાન સડક તરફ ચાલ્યો. ‘આલ્બર્ટ સર ! તમે કયાં છો, સર ?!’ની બૂમો પાડતો રહેમાન સડક પર સળગતા ને અજવાળું ફેલાવી રહેલા ત્રણેય ફટાકડાંની પેલી તરફ પહોંચ્યો. પણ તેને આલ્બર્ટ સર તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ. તે બસના દરવાજા પાસે ઊભેલી બેલા ટીચર પાસે પાછો આવ્યો, ત્યાર સુધીમાં ઈરફાન અને રોમિત બધાં વિદ્યાર્થીઓને બસમાં લઈને બેસી ચૂકયા હતા. તેમણે અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો અને અત્યારે ઈરફાન ડ્રાઈવરની સીટ પર બેસીને મોબાઈલ પરથી હાઈવે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,

પણ નંબર લાગતો નહોતો.

‘ટીચર !’ બસની બહાર ઊભેલો રહેમાન બોલ્યો : ‘આખરે આલ્બર્ટ સર કયાં. ’

‘...એક મિનિટ, તું અહીં જ ઊભો રહે !’ કહેતાં બેલા ટીચર હાથમાં ફટાકડાં સાથે બસની આગળની સડક તરફ ચાલી.

રહેમાનને પહેલાં તો સમજાયું નહિ કે, બેલા ટીચર શું કરવા માંગે છે ? પણ જેવો બેલા ટીચરે એક ફટાકડો સળગાવીને આલ્બર્ટ સરે સળગાવેલા ફટાકડાંથી આગળની ખાલી સડક પર મૂકયો, ત્યારે જ રહેમાનને સમજાયું કે, ‘આલ્બર્ટ સર કયાં ? કેવી રીતના ગૂમ થઈ ગયા હતા ?’ એનો ભેદ પામવા માટે બેલા ટીચર પણ, જેવી રીતના આલ્બર્ટ સર ફટાકડાં સળગાવીને સડક પર મૂકતાં આગળ વધ્યાં હતાં, એવી જ રીતના ફટાકડાં સળગાવીને સડક પર મૂકતાં આગળ વધી રહી હતી.

તે બેલા ટીચર તરફ જોઈ રહ્યો, તો બસની અંદર, ડ્રાઈવરની સીટ પર બેઠેલા ઈરફાનનો હાઈવે પોલીસને મોબાઈલ લાગ્યો નહોતો, એટલે તે પણ બહાર, પહેલો ફટાકડો સડક પર મૂકીને, બીજો ફટાકડો સળગાવીને સડક પર આગળ વધી રહેલી બેલા ટીચર તરફ જોઈ રહ્યો હતો.

બેલા ટીચરે આસપાસમાં એક નજર ફેરવી અને હાથમાંનો બીજો સળગતો ફટાકડો સડક પર મૂકવા ગઈ, ત્યાં જ અચાનક ને એકદમથી જ બેલા ટીચર એક ચીસ સાથે અંધારા આકાશમાં ખેંચાઈ ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ !

ઈરફાન સીટ પરથી ઊભો થઈ ગયો અને ખાલી સડક તરફ નવાઈ ને આઘાત સાથે જોઈ રહ્યો.

પહેલી સીટ પર બેઠેલા અનૂજની પણ આ ઘટના તરફ નજર ખેંચાઈ જ હતી, એટલે તે પણ પોતાની સીટ પરથી ઊભો થઈને, બસના આગળના કાચમાંથી દેખાઈ રહેલી ખાલી સડક તરફ ફાટેલી આંખે જોઈ રહ્યો. તો બાકીનાઓને બેલા ટીચરની ચીસ સંભળાઈ જ હતી, એટલે તેઓ પણ ‘‘...શું થયું ?’’ ‘‘બેલા ટી- ચરે ચીસ કેમ પાડી, હેં...?’’ના સવાલ સાથે પોત-પોતાની સીટ પરથી ઊભાં થઈને આગળની તરફ જોવા લાગ્યા.

ધમ્‌-ધમ્‌-ધમ્‌-ધમ્‌ !

એકદમથી જ દરવાજા પાસેથી અવાજ સંભળાયો, એટલે નતાશા અને સ્મિતાના મોઢેથી ચીસ નીકળી ગઈ, તો ઈરફાન અને અનૂજ પણ રીતસરના ચોંકી ઊઠયા. તેમણે દરવાજા તરફ જોયું તો દરવાજે જોરથી હાથ મારતો ડ્રાઈવર રહેમાન ગભરાટભર્યા અવાજે બોલી રહ્યો હતો : ‘જલ્દી, દરવાજો ખોલો ! જલ્દી-જલ્દી !’

અનૂજે આગળ વધીને ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો, એ સાથે જ રહેમાને બે પગથિયાં અંદર ચઢી આવીને, ડરભર્યા ચહેરે અનૂજ સામે જોઈ રહેતાં ગભરાટ ભર્યા અવાજે પૂછયું : ‘..શું થયું ? તેં..તેં શું જોયું ? !’ ‘...તમે...?’ અનૂજે સામો સવાલ કર્યો : ‘..તમે શું જોયું ?’

‘હું તને પૂછું છું...,’ રહેમાન ગુસ્સે થઈ ગયો : ‘...તેં શું જોયું, એ કહે ?’ ‘મેં...,’ ને અનૂજે નજીકમાં જ ઊભેલા ઈરફાન સામે જોયુ, અને ઈરફાને એનો અધૂરો જવાબ પૂરો કર્યો : ‘...બેલા ટીચર આકાશમાં ઊડી ગઈ !’ સાંભળીને રહેમાન સ્થિર નજરે ઈરફાન તરફ જોઈ રહ્યો.

લવલી, નેહા, શિલ્પા, મનજીત, નતાશા, જેકબ, સ્મિતા, તેજસ, મિલિન્દ, અખિલ, યશ, અને કરણને સાપ સૂંઘી ગયો. તો લવલીની બાજુની સીટ પાસે ઊભેલા રોમિતનું મગજ ફટકી ગયું : ‘તારો કહેવાનો મતલબ શું છે ? !’ બરાડતાં રોમિત ઈરફાન અને અનૂજ પાસે ધસી આવ્યો.

‘મેં જે જોયું એ કહ્યું !’ ઈરફાને ઠંડા અવાજે જવાબ આપ્યો.

‘..પણ..’ રોમિત ધૂંધવાટભર્યા અવાજે બોલ્યો : ‘...ટીચર કેવી રીતના ઊડી શકે !’

‘તમે લોકો...’ રહેમાનનો ચહેરો ગભરાટથી પીળો પડી ચૂકયો હતો : ‘... તમે લોકો ખોટો વાદ-વિવાદ ને ઝઘડો ન કરો !’

‘હા, પણ આ બધું થઈ શું રહ્યું છે ?’ રોમિત એ જ રીતના ચિલ્લાયો.

‘તું તારી બકવાસ બંધ કર, અને..’ રહેમાન બોલ્યો : ‘તારી સીટ પર જઈને બેસી જા. જા...!’

પણ રોમિત ત્યાંજ ઊભો રહ્યો.

રોમિતની સાથે જ બસમાંના બધાં જ રહેમાન તરફ ગભરાટ અને સવાલભરી નજરે જોઈ રહ્યા.

રહેમાન પણ એ બધાં સામે જોઈ રહ્યો. ‘આંખો પર વિશ્વાસ ન બેસે,

માનવામાં ન આવે એવી રીતના પલકવારમાં જ બેલા ટીચર અંધારા આકાશમાં ઊડી ગઈ હતી ! આ ભયાનક-ભેદી ઘટનાને એ પોતે જ કંઈ સમજી શકયો નહોતો, ત્યાં એ આ બધાંને તો કયાંથી સમજાવી શકે ? !’

‘આપણે...’ જેકબ આગળ બોલવા ગયો, ત્યાં જ રહેમાને કહ્યું : ‘પ્લીઝ ! તમે બધાં તમારી સીટ પર બેસી જાવ. મને તપાસ કરવા દો.’

અનૂજ, ઈરફાન અને જેકબ તેમ જ બાકીનાં બધાં પણ બેસી ગયાં, પણ રોમિત ત્યાં જ પગથિયાં પાસે જ ઊભો રહ્યો.

રહેમાન બસની નીચે ઊતર્યો ત્યાંજ તેની નજર પગથિયાં પાસે ઊભેલા રોમિત પર પડી : ‘રોમિત તું સમજતો કેમ નથી.’ રહેમાને કહ્યું : ‘હું કહું છું એમ કર. તું તારી જગ્યા...’ અને રહેમાન પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં અચાનક જ ઉપરથી બે ભયાનક, મોટા-અણીદાર નખવાળા રાક્ષસી પગ-પંજા આવ્યા અને એ બન્ને પંજાએ રહેમાનને બન્ને ખભા પાસેથી પકડી લીધો ને જોરથી ઉપરની તરફ ખેંચ્યો.

‘એય..’ રહેમાનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, અને તેણે બન્ને હાથે પગથિયાં પાસેના બસના બન્ને હેન્ડલ પકડી લીધાં

રોમિત ડરી ગયો. ઈરફાન, અનૂજ અને જેકબ પોતાની સીટ પરથી ઊભાં થઈ ગયાં. યશ થરથરવા માંડયો. લવલી, નેહા, સ્મિતા, નતાશા, અને શિલ્પાએ આ જોયું અને તેઓ ચીસાચીસ કરવા માંડી તો મનજીત, તેજસ, મિલિન્દ, અખિલ અને કરણને શું કરવું ? એ કંઈ સમજાયું નહિ.

તો એ બન્ને રાક્ષસી પંજા રહેમાનને ઉપરની તરફ ખેંચી રહ્યા હતા, અને હવે રહેમાન ‘‘મને ખેંચો.., મને છોડાવો-મને બચાવો !’ની બૂમો પાડવા માંડયો હતો. તેની હેન્ડલ પરની હાથની પકડ ઢીલી થવા માંડી હતી.

અચાનક જ કોઈ ભયાનક-રાક્ષસી પંજાએ આવીને રહેમાનને પકડી લીધો હતો, એ હકીકતના આંચકામાંથી અત્યારે બહાર આવતાં ઈરફાને પોતાની આગળ ઊભેલા રોમિતને બૂમ પાડી : ‘રોમિત ! રહેમાનને પકડ નહિંતર એ રહેમાનને પણ ખેંચી જશે.’

અને ઈરફાનની આ વાત પૂરી થઈ ન થઈ, ત્યાં તો રહેમાનના હેન્ડલ પર રહેલા હાથ છૂટી ગયા. રોમિતે છલાંગ મારી, એટલી વારમાં એ રાક્ષસી પંજા રહેમાનને અધ્ધર ખેંચી ચૂકયા હતા. રહેમાનનો કમર સુધીનો ભાગ બસની ઉપર ચાલ્યો ગયો હતો, પણ એના પગ રોમિતના હાથમાં આવી ગયા. રોમિત રહેમાનના પગ પકડીને ઝૂલી ગયો.

‘ છોડતો નહિ ! હું અને અનૂજ પણ આવીએ છીએ !’ યુવતીઓની ચીસો વચ્ચે બરાડીને કહેતાં ઈરફાન બસનું પગથિયું ઊતર્યો, ત્યાં જ રહેમાનના પગ દેખાવાના બંધ થઈ ગયા અને રોમિત પણ ધડ સુધી બસના ઉપરના ભાગ તરફ ચાલ્યો ગયો. ઈરફાને રોમિતને પગ પાસેથી પકડયો અને જોરથી ખેંચ્યો, એ સાથે જ રોમિત ખેંચાઈ આવ્યો અને ઈરફાન રોમિત સાથે બસની બહાર રસ્તા પર પટકાયો.

ઈરફાને જોયું, તો જમીન પર ફકત રોમિત જ પડયો હતો ! રહેમાન નહોતો ! ઈરફાને આકાશ તરફ જોયું, તો અંધારું હતું. ત્યાં જ તેના કાને રોમિતના ગભરાટભર્યા બરાડા સંભળાયા : ‘જલદી ! મને અંદર લઈ લો !’ ઈરફાન ઝડપથી ઊભો થયો. તેણે રોમિતને પકડીને ઊભો કર્યો. તેણે રોમિતને બસની અંદર ધકેલ્યો ને પોતે પણ બસની અંદર આવ્યો.

‘જલદી !’ રોમિત પગથિયાં ચઢતાં કંપતાં અવાજે બોલી ગયો : ‘જલદી, દરવાજો બંધ કરી દે, જલદી !’

ઈરફાને દરવાજો બંધ કર્યો.

હવે બસમાં સન્નાટો છવાઈ ગયો. બધાં ફફડતા જીવે રોમિત તરફ જોઈ રહ્યાં. રોમિતના ચહેરા પર ભય હતો અને એ ભયભર્યાર્ ચહેરા પર લોહી લાગેલું હતું !

યશે રોમિતના ચહેરા તરફ આંગળી ચિંધી. રોમિતે ચહેરા પર હાથ ફેરવ્યો. તેના હાથ લોહીભીના થઈ ગયા !

-એ લોહી રહેમાનનું હતું !

-બે ભયાનક-રાક્ષસી પંજા રહેમાનને આકાશમા ખેંચી ગયાં હતાં !

ઈરફાન અને જેકબ બારી બહાર આકાશમાં જોવા માંડયા, એટલે બાકીના બધાં પણ બારી બહાર, આકાશમાં જોવા માંડયા. આકાશમાં અંધારા સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું.

‘બધાં બારીઓ બંધ કરી દો !’ બહારથી નજર પાછી વાળતાં ઈરફાને કહ્યું, એટલે બધાંએ ટપોટપ બારીઓ બંધ કરીને પાછું રોમિત સામે જોયું !

રોમિત ડઘાયેલી હાલતમાં જ ઊભો હતો !

‘રોમિત ! રહેમાનને જે આકાશમાં ખેંચીને લઈ ગયું, એ. ,’ જેકબે રોમિતને પૂછયું : ‘....એ કોણ હતું, રોમિત ?’ રોમિતે જવાબ આપ્યો નહિ.

‘બતાવ, રોમિત !’ ઈરફાને પૂછયું : ‘કોણ હતું એ. ?’

રોમિતે કોઈ જવાબ આપ્યો નહિ. તે વચ્ચેની-લવલી બેઠી હતી એની બાજુની સીટ પર પહોંચીને ફસડાતો હોય એવી રીતના બેઠો.

‘રોમિત !’ લવલીએ અધિરાઈ સાથે પૂછયુંઃ ‘પ્લીઝ ! જવાબ આપ, રોમિત ! રહેમાનને લઈ જનાર કોણ હતું ?’

‘હું-હું નથી જાણતો કે, એ કોણ હતું !’ રોમિત સહેજ વાંકો વળીને, બંધ બારીના કાચમાંથી આકાશ તરફ જોઈ રહ્યો.

બાકીના બધાં પણ ફરી અંધારા આકાશ તરફ જોઈ રહ્યાં.

પહેલાં આલ્બર્ટ સર ગૂમ થયાં ! પછી બેલા ટીચરને કોઈ ઊડાવી ગયું અને હવે રહેમાનને બે રાક્ષસી પંજા આકાશમાં ખેંચી ગયાં ! આખરે..આખરે એ હતું કોણ ? એ હતું શું ? !

‘રહેમાનને જે આકાશમાં ખેંચી ગયું, એને...’ રોમિતે અંધારા આકાશ તરફ જોઈ રહેતાં ધીરેથી કહ્યું : ‘. એને પાંખો હતી, બે ખૂબ જ મોટી-મોટી પાંખો !’

બસમાં સન્નાટો છવાઈ ગયો.

બસ મુંબઈ-ખંડાલાના મેઈન હાઈવેથી આઠ કિલોમીટર અંદરની તરફ, ખેતરો વચ્ચે ઊભી હતી ! બસના બે ટાયરમાં પંકચર પડેલું હતું ! બસની ત્રણ મુખ્ય વ્યકિત આલ્બર્ટ સર, બેલા ટીચર અને ડ્રાઈવર રહેમાનને કોઈક ભયાનક ને ભેદી વસ્તુ, પળવારમાં આકાશમાં ખેંચી ગઈ હતી !

બસમાં હવે દસ યુવાનો અને પાંચ યુવતીઓ બેઠી હતી ! બધાં જે બની ગયું હતું, એનાથી અવાચક હતાં ! તો હવે શું થશે ? એના ભયથી બેચેન હતાં. ‘હેલ્લો !’ યશનો અવાજ કાને પડયો, એમાંય નેહા અને સ્મિતા છળી ઊઠી.

યશ મોબાઈલ પર હાઈવે પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. તેનો અવાજ રડમસ હતો : ‘હેલ્લો ! હેલ્લો ! હું મુંબઈ ખંડાલા હાઈવેની અંદરના રસ્તા પરથી બોલું છું. અમે મુશ્કેલીમાં છીએ ! પ્લીઝ ! જલ્દી આવીને અમને બચાવો ! તમને મારો અવાજ સંભળાય છે ? પ્લીઝ. ’

‘...કોઈ મતલબ નથી.’ મનજીતની બાજુમાં બેઠેલી નતાશા પોતાના મોબાઈલની સ્વિચ દબાવતાં નિરાશ અવાજે બોલી : ‘પહેલાં તો મોબાઈલ લાગતો નથી અને લાગે છે તો સામેવાળાને આપણો અવાજ સંભળાતો નથી.’

‘...હવે આપણે જ કંઈક કરવું પડશે.’ ઈરફાને સીટ નીચે પડેલા લાંબા સળિયા તરફ આંગળી ચીંધતાં કહ્યું ને યશ તરફ જોતાં પૂછયું : ‘યશ ! અહીં આ એક સળિયો પડયો છે, આ સિવાય આપણી પાસે કોઈ હથિયાર છે ?’

‘ત્રણ ક્રિકેટ બેટ અને છ સ્ટમ્પ છે !’ યશ બોલ્યો.

‘શું તમે આ ખેલના સાધનોથી એ હૈવાનનો મુકાબલો કરશો ?’ રોમિત બોલી ઊઠયો.

‘આપણે કંઈક તો કરવું પડશે ને...’ ઈરફાન કંઈ જવાબ આપે એ પહેલાં જ કરણ બોલ્યો : ‘....એ હૈવાનથી બચવા માટે !’

‘આ જુઓ..,’ આલ્બર્ટ સરની પતરાની પેટી ખોલીને ઊભેલા જેકબે એમાંથી રિવૉલ્વર કાઢીને બધાંને બતાવતાં કહ્યું : ‘સરની બેગમાંથી આ રિવૉલ્વર નીકળી છે. આપણે આનાથી. ’

‘..તો શું હવે આપણે આખી રાત અહીં બસમાં જ બેસી રહીશું ?’ રોમિતે જેકબની વાત કાપતાં કહ્યું,

‘રોમિત !’ લવલીએ સામું પૂછયું : ‘આપણે આ બસ છોડીને કયાં જઈશું ?’ ‘જુઓ !’ રોમિતેે બારી બહાર જોતાં કહ્યું : ‘આ સામે થોડેક દૂર ફાર્મ હાઉસ જેવું લાગે છે. આપણે ત્યાં પહોંચી જઈએ. ત્યાં અંદર આપણે સલામત રહી શકીશું.’

બધાંએ બારી બહાર જોયું.

રોમિતની વાત સાચી હતી. ચંદ્રના ઝાંખા અજવાળામાં, થોડેક દૂર, છૂટા- છવાયા ઝાડવાળા મોટા મેદાન પછી એક ખાસ્સો મોટો બંગલો દેખાતો હતો !

‘ચાલો, આપણે ત્યાં પહોંચી જઈએ.’ કહેતાં રોમિત ઊભો થયો, ત્યાં જ ધબ્‌ એવો બસના આગળના કાચ-વિન્ડ શીલ્ડ તરફથી અવાજ સંભળાયો.

બધાંની નજર એ તરફ દોડી ગઈ, અને એ સાથે જ બધાંનાં હૃદય જાણે ધડકતાં બંધ થઈ ગયાં ! બધાંની જીભ તાળવે ચોંટી ગઈ ! ! બધાંના જીવ ગળે આવી ગયાં !!! બધાં ફાટેલી આંખે એ તરફ જોઈ રહ્યાં !!!!

(ક્રમશઃ)