કાલચક્ર - 1 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

કાલચક્ર - 1

( પ્રકરણ : એક )

આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો.

મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો.

તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોની જેમ માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના મોઢા પર માણસનું મોહરું લગાડતાં, ને પાછા માથે મોટી કાળી કેપ પહેરાવતા. અને વળી એને કોઈ માણસના ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતો લાંબો-કાળો ઝભ્ભો-ડગલો પહેરાવતા. આવો આ ભયાનક ચાડિયો જોઈને ભોળાં પંખીડાંઓ તો તેમના ખેતરથી દૂર જ રહેતા, પણ રાતના જો કોઈ અજાણ્યું એને જુએ તો ભૂત માનીને ભડકીને ભાગી જ જાય !

અત્યારે નંદુ આવો ત્રીજો ચાડિયો ઊભા અને આડા, ક્રોસ જેવા લાકડા પર લટકાવી રહ્યો હતો, ત્યાં જ તેના કાને તેના પપ્પાનો અવાજ પડયો : ‘નંદુ ! કામ પૂરું કરીને જ અહીં આવજે. ત્રણે ચાડિયા બંધાઈ ન જાય ત્યાં સુધી તને જમવાનું મળવાનુ નથી, સમજ્યો !’

‘હા, પપ્પા !’ નંદુએ જવાબ આપ્યો. ઘઉંના ઊભા પાકને કારણે તેને તેના પિતા દેખાતા નહોતા.

‘...ત્રણેય ચાડિયાને બરાબર કસીને બાંધજે, ઢીલા રહેશે તો તેજ પવનમાં ઊડી જશે.’ તેના કાને ફરી તેના પપ્પાનો અવાજ પડયો, એટલે નંદુના ચહેરા પર સહેજ ગુસ્સો આવ્યો : ‘પપ્પા, નકામા બડબડ કરે છે.’ તે મનોમન બબડયો, જોકે તેણે તેના પપ્પાને તો સીધો જ જવાબ આપ્યો : ‘ભલે, પપ્પા !’ અને તેણે પોતાની કામગીરી આગળ વધારી.

ત્યારે તેનાથી થોડેક દૂર, ખેતરમાંના તેમના ઘર નજીક ઊભેલા ટ્રેકટર પર બેઠેલા નંદુના પપ્પા ઓમકારે ટ્રેકટર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેકટર ચાલુ થયું નહિ. ઓમકારે ટ્રેકટરનું બૉનેટ ખોલ્યું અને એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. ‘નંદુ !’ પોતાના માથા પરની કેપ ઊતારીને રોષભેર એક બાજુ ફેંકતા ઓમકારે બૂમ

પાડી : ‘નંદુ ! તેં ફરી ટ્રેકટર સાથે છેડખાની કરી ? !’ ‘ના, પપ્પા !’

‘મેં તને કેટલી વાર કહ્યું છે કે, ટ્રેકટરને હાથ ન લગાવીશ.’ ઓમકાર બોલ્યો : ‘...શું તેં ટ્રેકટરની બેટરીના પ્લગ કાઢી લીધા છે ?’

‘મેં કહ્યું ને, પપ્પા !’ નંદુનો જવાબ સંભળાયો : ‘મેં કંઈ નથી, કર્યું !’ ‘તો....’ ઓમકારે ઘરના દરવાજા પાસે જ પડેલી પાછળથી ખુલ્લી ટાટા મોબાઈલનું બૉનેટ ખોલીને રિપેરિંગમાં પરોવાયેલા પોતાના મોટા-અઢાર વરસના દીકરા ચંદરને પૂછયું : ‘....તો શું આ તારું કામ છે, ચંદર ?!’

‘ના, પપ્પા ! હું તો આવું કંઈ કરતો હોઈશ.’ ચંદરે પપ્પા તરફ જોતાં જવાબ આપ્યો.

‘તું આટલો મોટો થયો, પણ તારી મસ્તી ગઈ નહિ !’ ધૂંધવાટભેર ચંદરને ખખડાવતાં ઓમકાર ઘરની અંદરની તરફ ચાલતાં મનોમન બબડયો : ‘સાવિત્રી, તું સ્વર્ગમાં સિધાવી ગઈ પછી કયારેક-કયારેક આ બન્ને છોકરાં મારા નાકે દમ લાવી દે છે.’ અને ઓમકાર ઘરની અંદર ચાલ્યો ગયો.

તો ચંદરના ચહેરા પર રોષ આવી ગયો. ‘નંદુ...’ ચંદરે બૂમ પાડી : ‘...તું કયારેય નહિ સુધરે.’

‘...પણ મેં શું કર્યું ?’ અહીંથી ઊભા પાકને કારણે નંદુ દેખાતો નહોતો, પણ એનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

‘તું ઘરે આવ એટલે તને બતાવું છું કે, તેં શું કર્યું છે ?’

‘તું ખોટી બૂમાબૂમ ન કર, તારું કામ કર.’ નંદુનો અવાજ સંભળાયો. ‘....મસ્તીખોરની સાથે હવે નંદુ જુઠ્ઠો પણ થઈ ગયો છે !’ બબડતાં ચંદર ટાટા મોબાઈલની નીચે સરકયો.

ત્યાં જ નજીકમાં જ બેઠેલો તેમનો પાળેલો કૂતરો કાળિયો ઊભો થયો, અને પૂંછડી પટપટાવતાં, આકાશ તરફ જોઈ રહેતાં ‘હાઉ-હાઉ ! હાઉ-હાઉ !’ કરતાં ભસવા માંડયો.

‘હવે તું એને સમજાવવાનું રહેવા દે, કાળિયા..,’ ટાટા મોબાઈલની નીચે-પોતાનું રિપેરિંગ કામ ચાલુ રાખતાં ચંદર બોલ્યો : ‘...એ ભાઈ અમારું કહ્યું નથી માનતા, તો તારાથી શું ખાખ માનવાના છે ?’

પણ કાળિયો ચુપ થયો નહિ. ‘હાઉ-હાઉ’ કરતાં તે ખેતરના પાક નજીક પહોંચીને ઊભો રહેતાં આકાશમાં ચાડિયા તરફ ઊડી જઈ રહેલા બે કાળા કાગડાં તરફ લાળ ટપકાવતાં જોઈ રહ્યો.

એ બન્ને કાળા કાગડાં નંદુ જે ત્રીજો ચાડિયો લગાવી રહ્યો હતો, એનાથી થોડેક દૂર આવેલા બીજા ચાડિયાના લાકડાના ડાબા-જમણા હાથ પર બેઠા, અને ક્રાં...ક્રાં...ક્રાં કરવા માંડયા.

નંદુના કાને આ કાગડાંના ક્રાં-ક્રાંનો અવાજ પડયો, એટલે તેણે ચહેરો ફેરવીને ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા આ કાગડાં તરફ જોયું. તેને લાગ્યું કે, એ બન્ને કાગડાં સામાન્ય કાગડાં કરતાં કંઈક વધુ પડતા જ મોટા અને ભયાનક લાગતા હતા. અને એ બન્ને ભયાનક કાગડાં પોતાની લાલઘૂમ આંખે જાણે તેને ખાઈ જવાની નજરે તાકી રહ્યા હતા. ‘પપ્પાના બનાવેલા આવા આ ચાડિયાને જોઈને કદી કોઈ પંખી એની નજીક ફરકતું નથી અને અત્યારે આ બન્ને કાગડાં ચાડિયાં પર જ આવીને બેઠાં !’ નંદુ નવાઈભેર બબડયો,

ત્યારે થોડેક દૂર, ઘર નજીક, ટાટા મોબાઈલની નીચે લેટેલા ચંદરે એકધારા ભસી રહેલા કાળિયાને ધમકાવ્યો, ‘ચુપ કર હવે, કાળિયા.’

પણ કાળિયો ચુપ થયો નહિ. એણે ખાસ્સે દૂર રહેલા એ ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા બન્ને કાગડાં તરફ જોઈ રહેતાં ભસવાનું ચાલુ રાખ્યું,

તો એ ચાડિયાથી થોડેક જ દૂર ઊભેલા નંદુની નજર હજુ પણ એ ચાડિયાના હાથ પર બેઠેલા એ બન્ને કાગડા પર જ ચોંટેલી હતી. ‘ક્રાં-ક્રાં, ક્રાં-ક્રાં !’ કરતાં એ બન્ને કાગડાં ઊડી ગયાં.

નંદુ એ ચાડિયા પરથી નજર પાછી વાળવા ગયો, ત્યાં જ ચાડિયાનો ચહેરો એકદમથી જ તેની તરફ ફર્યો !

નંદુ ચોંકી ઊઠયો. તેનેે...તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. ‘આ..આ તે શું જોઈ રહ્યો છે ? !’ તે ફાટેલી આંખે એ ચાડિયા તરફ જોઈ રહ્યો !

માનવામાં ન આવે એવી વાત હતી, પણ એ ચાડિયાનું મોઢું આપમેળે જ ફર્યું હતું. તેણે એ ચાડિયાને તેમના ઘર તરફનું મોઢું કરીને લગાવ્યો હતો, પણ અત્યારે એ ચાડિયાનું મોઢું જમણી બાજુ, તેની તરફ ફરી ગયું હતું ! અને...અને એ ચાડિયો જાણે પોતાની ભયાનક આંખે તેને જ જોઈ રહ્યો હતો.

નવાઈના દરિયામાં ડૂબકીઓ ખાતાં નંદુ એ ચાડિયા તરફ આગળ વધ્યો. તે એ ચાડિયાની બરાબર સામે પહોંચીને ઊભો રહ્યો, ત્યાં જ વળી જાણે કોઈક માણસ આંચકા સાથે પોતાનો ચહેરો ફેરવે એમ ચાડિયાનો જમણી બાજુ રહેલો ચહેરો પાછો સામેની તરફ, નંદુ તરફ ફરી ગયો !

હવે નંદુ વધુ મૂંઝાયો અને થોડોક ગભરાયો પણ ખરો ! પપ્પાએ લાકડીઓ અને ગાભા-ડૂચાનો ચાડિયો બનાવ્યો હતો કે પછી.., કે પછી કોઈ જીવતો-જાગતો માણસ ? અને તેની નજર ચાડિયાના લાંબા કાળા ઝભ્ભાની નીચેના ભાગ પર પડી. તેની આંખો ઝીણી થઈ. તેના પપ્પાએ કંઈ ચાડિયાના પગ બનાવ્યા નહોતા ! તેણે થોડીક વાર પહેલાં અહીં આ ચાડિયાને લટકાવ્યો હતો, ત્યારે પણ આ ચાડિયાના પગ કયાં હતા ? ! પણ..પણ અત્યારે ચાડિયાના પગ ફૂટી નીકળ્યા હતા ! અને એ પગ પણ વળી કેવા ખતરનાક લાગતા હતા ? જાણે કોઈક ભયાનક જંગલી પ્રાણીના પગ ન હોય ! પગની આંગળીઓના નખ લાંબા અને અણીદાર હતા અને કોઈ જંગલી પ્રાણીના પંજાની જેમ જ આગળથી સહેજ વળેલા હતાં !

નંદુએ ગભરામણ અનુભવતાં ડાબી અને જમણી બાજુ થોડેક-થોડેક દૂર તેણે ગોઠવેલા બીજા બે ચાડિયા તરફ જોયું. એ બન્ને ચાડિયાના પગ નહોતા ! પણ પગ હોય એ વાતનો સવાલ જ કયાં હતો ? ! પણ તો આ સામેના ચાડિયાના પગ નીકળી આવ્યા હતા એનું શું ? અને તેણે ફરી પોતાની સામેના ચાડિયાના ફૂટી નીકળેલા પગ તરફ જોયું.

એ જ પળે ચાડિયાના એ ખતરનાક પગની આંગળીઓ સાંધા પાસેથી નીચેની તરફ વળી અને પાછી સીધી થઈ ગઈ !

હવે નંદુની હિંમત જવાબ આપી ગઈ. નકકી કંઈક ગરબડ હતી ! તે ડરનો માર્યો પાછળની તરફ-પોતાના ઘર તરફ વળ્યો અને દોડયો.

અને...અને....એ સાથે જ એ ચાડિયો હવામાં ઊડયો.

દોડતાં-દોડતાં જ નંદુએ પાછું વળીને જોયું. એ લાકડી પર ચાડિયો નહોતો. એણે ચહેરો આગળ કર્યો અને ‘ચંદર ! ચંદર ! એવી ચીસો પાડતાં ઊભા પાક વચ્ચેની નાનકડી કેડી પર આંખો મીંચીને-મુઠ્ઠીઓ વાળીને દોડવાનું ચાલુ રાખ્યું. તેની સાથોસાથ જ તેના માથા પર પેલાં બન્ને કાગડાં ઘુમરાતા આગળ વધી રહ્યા હતા. ‘ચંદર ! ચંદર !’ એવી ચીસો પાડતો નંદુ તેના ઘરથી થોડેક જ દૂર રહ્યો, ત્યાં જ એકદમથી જ પેલો ચાડિયો આકાશમાંથી ઊતરી આવ્યો અને નંદુની બરાબર સામે ખાબકયો.

‘અઅઅઅઅઆાાાાાાાાા.....!’ નંદુની ચીસ ગુંજી ઊઠી.

ધરતીની છાતીને ધુ્રજાવી દે તેવી આ નંદુની ચીસ સાંભળીને ટાટા મોબાઈલ નીચે રહેલો ચંદર બહાર નીકળી આવ્યો.

એ જ પળે ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે ઘરની બહાર દોડી આવ્યો. ‘.... શું થયું !’ પૂછતાં ઓમકાર ચંદરની નજીક આવ્યો,

‘ખબર નથી !’ ચંદરે મૂંઝવણ સાથે ઊભા પાક તરફ આગળ વધતાં કહ્યું. ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે આગળ વધ્યો.

સામે દૂર..દૂર સુધી પથરાયેલા પાક વચ્ચે કયાંય નંદુ નજરે ચઢતો નહોતો ! અત્યારે તેની ચીસ પણ સંભળાતી નહોતી.

વાતાવરણમાં ભયાનક શાંતિ અને સન્નાટો છવાઈ ગયો હતો ! પવન જાણે આ ખેતરની બહાર જ રોકાઈ ગયો હતો ! ખેતરમાંનો પાક જાણે ભયથી સ્થિર થઈ ગયો હતો !

‘હાઉ-હાઉ !’ કરતો કયારનો ય ભસી રહેલો કાળિયો પણ મૂંગોમંતર થઈ ગયો હતો. એ અત્યારે ખેતરની અંદરની તરફ જતી કેડી પાસે ઊભો હતો અને ‘‘નંદુ કયાં છે ?’’ એ શોધી કાઢવા માટે જાણે મથતો હોય એમ ઘડીકમાં જમીન સૂંઘી રહ્યો હતો, તો ઘડીકમાં આકાશ તરફ જોઈ રહ્યો હતો.

‘નંદુ !’ ચંદરે બૂમ પાડી : ‘નંદુ ! તું કયાં છે, નંદુ ?’

પણ સન્નાટો છવાયેલો રહ્યો. ચુપકીદી ! નંદુ તરફથી કોઈ અવાજ સંભળાયો નહિ.

‘નંદુને કોઈ જંગલી પ્રાણી ખેંચી ગયું કે કોઈ ઝેરી જંતુ-જનાવર કરડી ગયું કે શું ? ’ મગજમાં દોડી ગયેલા અણગમતા વિચારને તુરત જ ખંખેરી નાખતાં ઓમકારે પણ જોરથી બૂમ પાડી : ‘નંદુ બેટા ? કયાં છે તું નંદુ બેટા !’

આ વખતેય નંદુ તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.

ઓમકાર અને ચંદર, બન્ને બાપ-દીકરાએ મૂંઝવણ સાથે એકબીજા સામે જોયું, ત્યાં જ જાણે કાળિયાએ નંદુની ગંધ પારખી લીધી હોય એમ હાઉ-હાઉ કરતો કેડીની અંદરની તરફ દોડયો, અને બરાબર એ જ વખતે સન્નાટાને ચીરતી અને શાંતિને ખળભળાવતી નંદુની ચીસો વાતાવરણમાં ગૂંજી ઊઠી : ‘ચંદર મને બચા..વ, પપ્પા મને બચાવ !’

‘હા, નંદુ ! તું કયાં છે, નંદુ ?’ બૂમ પાડતાં હાથમાંની બંદૂક સંભાળતાં ઓમકાર કેડીની અંદરની તરફ દોડયો. એની પાછળ-પાછળ ચંદર પણ દોડયો.

‘ચંદર ! મને બચાવ, ચંદર..!’ નંદુની ચીસ સંભળાઈ.

‘હા, નંદુ ! અમે આવી રહ્યા છે, નંદુ ! તું કયાં છે, નંદુ !’ ચંદર પોતાના પપ્પાની સાથે પાગલની જેમ ઘઉંના ખેતર વચ્ચે દોડતાં નંદુને વળતો જવાબ આપી રહ્યો હતો, પણ નંદુ દેખાતો નહોતો.

‘...છોડી દે, છોડી દે મને !’ નંદુનો અવાજ સંભળાયો : ‘પપ્પા મને બચાવ...!’ ઓમકાર અને ચંદરના કાળજાંમાં નંદુની આ ચીસાચીસ ભાલાની જેમ ભોંકાઈ રહી હતી ! કાળિયો પણ નંદુની ગંધ પારખતો દોડી રહ્યો હતો !

પણ નંદુ હતો કયાં ? ! અને કોણે એને પકડયો હતો ?

‘છોડી દે, મને !’ વાતવરણમાં નંદુનો રડતો-કરગરતો અવાજ સંભળાયો : ‘... તું મને કયાં લઈ જઈ રહ્યો છે ? છોડી દે મને. ’

‘નંદુ !’ ઓમકાર બોલ્યો : ‘તું જલદી બોલ, તું કયાં છે, નંદુ ?’

‘તને અમારો અવાજ સંભળાય છે, નંદુ ?’ ચંદરે ગળું ફાટી જાય એટલા મોટા અવાજે બૂમ પાડી : ‘મને જવાબ આપ, નંદુ !’

પણ જવાબમાં નંદુની એ જ રીતની ગભરાટભરી ચીસો સંભળાઈ : ‘ના-ના ! છોડી દે મને.., છોડી દે મને...!’

ચંદરની આગળ દોડી રહેલો કાળિયો ઊભો રહ્યો. ડાબી-જમણી બાજુ બે કેડીઓ ફંટાતી હતી. એેણે ડાબી-જમણી બાજુ જોયું અને પછી ડાબી બાજુ દોડવા માંડયો. ઓમકારનો શ્વાસ ફૂલી ગયો હતો. ચંદરની પણ હાલત સારી નહોતી. બન્ને બાપ દીકરો એ કેડી પર ‘નંદુને બચાવવા’ દોડયા, પણ ‘કોનાથી બચાવવા ?’ એ જ એમને ખબર નહોતી.

તો એ જ કેડી પર, થોડાંક મીટર આગળ નંદુ ઘસડાતો જઈ રહેલો દેખાયો. થોડીક પળો પહેલાં નંદુની નજર સામે એક નિર્જીવ વસ્તુમાંથી જાણે કોઈ જીવતો-જાગતો માણસ હોય એવા બની ગયેલા ચાડિયાએ નંદુને કોલર પાસેથી પકડી રાખ્યો હતો અને એને ઘસડતાં દોડી જઈ રહ્યો હતો.

‘બચાવ !’ નંદુ ચીસો પાડતો એ ચાડિયાના હાથમાંથી છૂટવા-છટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે સફળ થઈ શકતો નહોતો. ‘ચંદર, બચાવ !’ તે ઘસડાઈ રહ્યો હતો. તેના પગ છોલાઈ રહ્યા હતા. ‘બચાવો, પપ્પા !’ તે એકધારી ચીસો પાડી રહ્યો હતો. ‘ચંદર, મને આના હાથમાંથી છોડાવ !’

‘અમે આવી રહ્યા છીએ, નંદુ !’ ચંદર પણ નંદુને હિંમત બંધાવતાં દોડતો આવી રહ્યો હતો.

અત્યારે હવે આગળ-આગળ દોડી રહેલા કાળિયાની પાછળ-પાછળ દોડતા ચંદર અને ઓમકાર જમણી બાજુની કેડી તરફ વળ્યા, ત્યાં જ તેમને દૂર...દૂર સુધી પથર- ાયેલી એ સીધી કેડી પર, તેમનાથી પચીસેક પગલાં આગળ ચાડિયો નંદુને ખેંચીને લઈ જતાં દેખાયો.

ચંદર આંચકો પામ્યો, આ...આ તે કેવું ગજબ દૃશ્ય હતું ? ચાડિયો નંદુને ખેંચીને લઈ જઈ રહ્યો હતો ? !

ઓમકારે દોડતાં-દોડતાં જ પોતાના હાથમાંની બંદૂકની નાળ ચાડિયા તરફ તાકી, ત્યાં જ અચાનક જ ચાડિયાએ ચામાચીડિયા જેવી, પણ વિશાળ પાંખો ખોલી અને સુઉઉઉઉ કરતાં નંદુને લઈને આકાશ તરફ ઊડયો.....

ઓમકાર ચાડિયાનું નિશાન લઈને બંદૂકનો ઘોડો દબાવવા ગયો, પણ એ ચાડિયો ગજબનાક ઝડપે ઊડતો પલકવારમાં જ આકાશમાં અદ્રશ્ય થઈ ગયો !

ચંદર થર-થર કાંપતો આકાશ તરફ જોઈ રહ્યો. ‘આ..આ...’ તે આગળ બોલી શકયો નહિ. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તે ઊભો રહી શકયો નહિ, તે ઘુંટણિયે બેસી પડયો ને ડઘાયેલા ચહેરે આકાશ તરફ તાકી રહ્યો.

તો ઓમકારનો જીવ નીકળી ગયો હોય, એ પથ્થરનુ પૂતળું બની ગયો હોય એમ એ ઊભો હતો ! એની આંખો આકાશ તરફ તકાયેલી હતી !

તો કાળિયો પણ આકાશ તરફ જોઈ રહ્યો હતો, ચામાચીડિયા જેવા ચાડિયા સાથે આકાશમાં આલોપ થઈ ગયેલા નંદુને જાણે આંખોથી શોધી રહ્યો હતો !

(ક્રમશઃ)