શું તમારું બાળક ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જ ખાય છે ? Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તમારું બાળક ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જ ખાય છે ?

શું તમારું બાળક ઝંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જ ખાય છે ?


નમસ્કાર વાચક મિત્રો, બાળકોના સર્વાંગી વિકાસમાં શારીરિક વિકાસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળકનું શરીર સ્વસ્થ હશે તો જ તેને ભણવામાં મન લાગશે. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના પડીકા સાથે ઠંડા પીણા અને પેસ્ટ્રીને પસંદ કરે છે. તેઓ ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરને જાણતા નથી, જે અસરને જાણે તો તેઓ બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે છે. જો વ્યક્તિ બાળપણથી તંદુરસ્ત ખાવાની ટેવો અપનાવે તો તે ખૂબ સારી વાત છે. બાળપણમાં ખાવા પીવાની સાચી ટેવો કે જેમાં જંક ફૂડ ઓછા પ્રમાણમાં હોય તેવી ટેવો પળાય તે માટે વાલી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ફાસ્ટ ફૂડ અને ઝંક ફૂડના નુકશાનને સમજીએ :

સૌપ્રથમ તો આપણે પોતે આ આહારથી થતાં નુકશાનને સમજીએ પછી બાળકોને સમજાવીએ. નાનપણથી જ આવો આહાર બાળકોની પાચનશક્તિ મંદ બનાવે છે. સુસ્તી અને થાક રહે છે. વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડૉ. પી.કે. સિંઘલ જણાવે છે કે જંક ફૂડનો સ્વાદ એવો હોય છે કે બાળકો એકવાર ખાવાનું શરૂ કરે તો તેઓને તેની આદત પડી જાય છે. આ પછી, તેઓ ઈચ્છે તો પણ ફાસ્ટ ફૂડનું સેવન બંધ કરી શકતા નથી. જંક ફૂડનું સતત સેવન બાળકોમાં સુસ્તી અને થાકનું કારણ બને છે. બાળ ડાયાબિટીસ અને મેદસ્વીતાનુ કારણ બને છે. આ સિવાય માથાનો દુઃખાવો, હૃદયરોગનુ જોખમ, આળસ અને પોષક તત્વોની ઉણપ રહે છે.




શરૂઆત આપણાથી જ કરીએ :

અત્યારે તો નાનાં મોટાં સૌને બહાર જમવામાં વધારે રુચિ હોય છે. બહાર જમવા માટે કંઇક ને કંઇક બહાનું જ શોધતાં ફરતાં આપણે સૌ પ્રથમ કંટ્રોલ રાખવો જોઈએ. બાળકોમાં જંક ફૂડ ખાવાનો શોખ વધારવા પાછળ માતા-પિતાનો પણ થોડો ફાળો હોય છે. કારણ કે ક્યારેક સમયના અભાવે તેઓ બાળકો માટે ફાસ્ટ ફૂડનો ઓર્ડર આપે છે. પરંતુ તે ન કરવું જોઈએ. માતાપિતાએ તેમના બાળકોને જંક ફૂડના ગેરફાયદા વિશે જણાવવું જોઈએ. તેમને ખાવા માટે પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાક આપો. બાળકોના આહાર પર ધ્યાન આપો અને તેમને શારીરિક પ્રવૃત્તિ કરવા માટે પણ પ્રેરિત કરો. જો બાળક રમત-ગમતમાં ધ્યાન આપે તો તેનું મેટાબોલિઝમ સારું રહેશે અને મેદસ્વીતા વધશે નહીં.

સમજાવો! ઠપકો ન આપો:

અમારી શાળામાં ધોરણ ૨ માં અભ્યાસ કરતો મીત, જ્યારે તેને અમે વિજ્ઞાન પ્રદર્શન માટે લઈ ગયાં ત્યારે મેડમને કહે, ' મેડમ મને મોટી ડેરી મિલ્ક ખવડાવજો ! ' આ વાત મેં સાંભળી અને મીતને સમજાવતાં કહ્યું, " બેટા, મોટી ચોકલેટ તારા દાંતને નુકશાન કરશે." અને મીત તરત સમજી પણ ગયો! પાયલ મેડમે મીતને નાની ડેરી મિલ્ક ખવડાવી. મીત ખુશ ખુશ થઈ ગયો. માત્ર બાળકોને સમજાવો કે ઘણી બધી ચોકલેટ ખાવી અને ખૂબ વધારે પેપ્સી પીવી તેઓના સ્વાસ્થ્યય માટે કઈ રીતે નુકસાન કારક છે. તમારે બાળક સાથે શાંતિથી વાતો કરવી અને તેઓને સમજાવવું કે જો તેઓ આ રીતે જ ખાધા કરશે તો તેઓ તેમનું સ્વાસ્થ્ય બગાડશે. શરૂઆતમાં જરા પણ જંક ફૂડ ન લે તેવું શક્ય જ ન બને પરંતુ તેનો વપરાશ ઘટાડવો અને તેની નુકસાનકારક અસરોને સમજાવીને દૈનિક ખોરાકમાં તેને ટાળવાનું સરળ છે.


ઘરમાં તંદુરસ્ત આહારનો સંગ્રહ રાખો:

બાળકોને ખાવાનું મન થાય તેવો ખોરાક ઘરમાં રાખવો. તમારા ઘરમાં જંક ફૂડનો સંગ્રહ ન રાખવો.
આપણે કહીએ છીએ કે બાળકો ખૂબ વધારે પ્રમાણમાં જંક ફૂડ ખાય છે. પરંતુ શું તમારી સામે જ તમારી પસંદની ચોકલેટો પડેલી હશે તો તમે તમારી જાતને ખાવાથી રોકી શક્શો? ના ખરું ને! તેથી પહેલા તમે નક્કી કરો કે ગળ્યો અને ચરબી વાળો ખોરાક ઘરમાં લાવવો જ નથી. મોટા જથ્થામાં આવો સ્વાસ્થયને નુકસાનકારક ખોરાક લાવવાનું ટાળો અને તેના બદલામાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદો. કોઇ પણ પરિવર્તન હંમેશા દુ:ખદાયક જ હોય છે – ખાસ કરીને પ્રથમ પ્રયાસ, પરંતુ જો તમારો હેતુ શુધ્ધ હશે તો તે ઓછું દુ:ખદાયક થશે.જંક ફૂડ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.તમે તેમને સ્વસ્થ રાખવા માટે લીલા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ફળો અને કઠોળ ખવડાવી શકો છો.સ્વાસ્થ્યય માટે નુકસાનકારક હોય તેવી વસ્તુઓ દિવસમાં એક વખત કે અઠવાડિયામાં એક વખત લેવાય તેવી મર્યાદા નક્કી કરી લેવી. અથવા જંક ફૂડ ખાતા પહેલા ફળ ખાવાનું કે સલાડ ખાવાનું નક્કી કરી દેવું. બાળકોને સ્વસ્થ રાખવા માટે લીલા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ફળો અને કઠોળ ખવડાવી શકો છો.


બાળકોનુ મનપસંદ જમવાનું બનાવો :

ઘરે બાળકને જે ભાવે છે તે જ ખોરાક બનાવી આપવો. એવું નહીં કે રોજ એક જ ખોરાક આપ્યા કરવો. જે કંઈ અલગ અલગ વસ્તુઓ ભાવતી હોય તે બઘી જ વારાફરથી બનાવી આપવી. અને હા, ન ભાવતી વસ્તુ બાળકનાં આહારમાં એ રીતે મિક્ષ કરીને બનાવી આપો કે બાળકને ખબર પણ ન પડે અને ભાવે પણ ખરું.એવી ડિશ ખવડાવો જે એને બહુ ગમતી હોય. આ માટે ઘરે એવી ડિશ બનાવો જે બાળકોને ખાવાની મજા આવે. આ સાથે તમે વેજિટેબલ ડિશ બનાવો છે બાળક ખાય તો પૂરતા પ્રમાણમાં પોષણ મળે અને સાથે હેલ્થને પણ ફાયદો થાય. જંક ફૂડ ખાવાની આદત બાળકોને સમય જતા હેલ્થને ભારે પડી શકે છે. તમે ઘરે બાળકોની ફેવરિટ ડિશ બનાવો છો તો ધીરે-ધીરે કરીને જંક ફૂડ ખાવાની આદત છૂટી જશે અને હેલ્થને પણ ફાયદો થશે.
બાળકને કેટલોક ઘરે બનાવેલો ખોરાક આપો, જે ઓછા તેલ અને ઓછી ખાંડનો બનેલો હોય. સ્વાદિષ્ટ પકવાનો બનાવવાનો પ્રયાસ કરો જેથી તેને આ ખોરાક જ ભાવવા લાગે અને અન્ય ખોરાકથી કંટાળે. તેને ઉત્તમ ગુણવતાયુક્ત ખોરાક આપો. તેને એવો અદ્‍ભૂત ખોરાક આપો કે જેથી તે એવો ખોરાક ખાવાનું જ પસંદ કરે. પછી તેને બહારનો ખોરાક પસંદ નહિ પડે અને તેને ખાવાનું ટાળશે. આ કદાચ સૌથી સહેલી ચાવી છે કે કઈ રીતે બાળકને જંક ફૂડ ખાવાથી રોકવા.



બાળકની ડીશને સુંદર સજાવો :

બાળકીની ડીશને સુંદર રીતે સજાવો. ભાવતાં ફળો અને સલાડની સજાવટથી ડીશ આકર્ષક બનાવો. બાળક તરત જમવા ઉભુ થશે. બાળકને ભાવતી અને પૌષ્ટિક વસ્તુઓ થાળીમાં એક સામટી મૂકવી નહીં. બધુ જ થોડું થોડું ખાવાનું મૂકવું. દાળ - ભાત, રોટલી - શાક, સલાડ, દહીં, પાપડ - પાપડી, છાશ કે દહીં અને સાથે મનપસંદ સ્વીટ તો ખરી જ. આ રીતે એક્વાર સુંદર મજાની ડીશ સજાવ્યા પછી બાળક જમવા બેસે ત્યારે તેની પાસે બેસો. એ પછી ફરીથી માંગે ત્યારે તેની ભાવતી વસ્તુ ફરીથી આપો. આ રીતે પીરસવાની રીત પણ બદલવાથી બાળકીને ઘરનું ભોજન પ્રિય બની રહેશે.