૧૩ : આંધળો પ્રેમ અને અંજામ
ઘાસ પર પડેલાં દિલીપે ચિત્કાર સાથે પોતાની આંખો ઉઘારી ગણપત વિગેરેનાં વિદાય થયા બાદ પંદરેક મિનિટ પછી જ તે ભાનમાં આવી ગયો હતો. એનાં ખભા પર બે ગોળીઓ વાગી હતી. એટલું સારું હતું કે બેમાંથી એકેય ગોળી, જીવલેણ પુરવાર થાય. એવી જગ્યાએ નહોતી વાગી. મનમોહનનો મૃતદેહ હજુ પણ અવળા મોંએ એનાંથી થોડે દૂર પડ્યો હતો.
પછી અનાયાસે જ દિલીપને પોતાનાં ગળામાં રહેલું શંકર ભગવાનનું લોકેટ યાદ આવ્યું. લોકેટમાં માઈક્રોફોન તથા દિશા સૂચક યંત્ર, બંને ફીટ કરેલાં હતાં. આવું જ એક લોકેટ પ્રભાતનાં ગળામાં પણ હતું. દિલીપે બધી પીડા ભૂલીને લોકેટ ઉઘાડ્યું તથા માઈક્રોફોન અને દિશાસૂચક યંત્ર ચાલુ કર્યા. વળતી જ પળે એનાં હોઠ પર સ્મિત ફરકવા લાગ્યું. બંને યંત્રો બરાબર કામ કરતાં હતા. એણે માઈક્રોફોનનાં માધ્યમથી ગણપત તથા પ્રભાત વચ્ચે કારમાં થયેલી વાતચીત સાંભળી. એટલું જ નહીં, દિશા સુચક યંત્રની મદદથી તેઓ કઈ દિશામાં જતા હતા, અને કેટલાં દૂર પહોંચ્યા હતા, એની પણ તેને ખબર પડી ગઈ. ગણપત અને પ્રભાતની વાત સાંભળ્યા પછી એણે ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો. રાતના ત્રણ વાગ્યા હોવા છતાંય નાગપાલ અત્યારે આતુરતાથી પોતાના રિપોર્ટની રાહ જોતો હશે, એ વાત દિલીપ બહુ સારી રીતે જાણતો હતો. એનું અનુમાન સાચું પડ્યું.
‘દિલીપ... !' ટ્રાન્સમીટર પર નાગપાલનો વ્યાકુળ અવાજ ગુંજ્યો,
‘કેમ છો...? શું તું તારા કામમાં સફળ થયો છે...? પ્રભાત અત્યારે ક્યાં છે...?'
દિલીપે ટૂંકમાં તેને બધી વિગતો જણાવી દીધી અને પછી ઉમેર્યું, ‘અંકલ, ઈશ્વરનો પાડ કે બેય ગોળી મારા ખભામાં વાગી છે. બાકી તો એ પાજીએ મને મારી નાંખવા માટે કેટલીયે ગોળીઓ છોડી હતી. એણે મોટરબોટનાં ચાલકને પણ શૂટ કરી નાંખ્યો છે. અત્યારે એનો મૃતદેહ અહીં મારી પાસે પડ્યો છે. પરંતુ તેમ છતાંય હજુ પણ બાજી આપણા હાથમાંથી સાવ નીકળી ગઈ છે એવું મને નથી લાગતું.'
‘કેમ... ?’ આવું તું કયા આધારે કહે છે...? ‘અંકલ, એ શયતાન ગણપત પાટિલ ભલે પ્રભાતને મારી પાસેથી આંચકી ગયો હોય, પરંતુ એ હજુ પણ મારાથી દૂર નથી... !' પીડા થતી હોવા છતાંય દિલીપ ઉત્સાહભેર બોલ્યો, ‘મેં તમારી પાસે માઇક્રોફોન તથા દિશાસૂચક યંત્રવાળા જે બે લોકેટો મંગાવ્યા હતા, તેમાંથી એક લોકેટ પ્રભાતનાં ગળામાં છે અને એનાં માધ્યમથી પ્રભાત તથા ગણપત વચ્ચે થતી એક એક વાત સાંભળી શકું અત્યારે તેઓ કઈ દિશામાં જાય છે એની પણ મને ખબર છે.' કહીને દિલીપે દિશા સૂચકયંત્ર સામે નજર કરી. પછી બોલ્યો, ‘અત્યારે તેઓ કદાચ મંદારગઢ તરફ જાય છે. હવે એક બીજી વાત સાંભળો અંકલ...! મેં હમણાં ગણપત તથા પ્રભાત વચ્ચેની જે કંઈ વાતચીત સાંભળી છે, એનાં પરથી પુરવાર થાય છે કે તેઓ ફરીથી એક વાર પ્રેમનું નાટક ભજવીને પ્રભાતને મૂરખ બનાવવા માંગે છે. પણ હું માનું છું કે જે કંઈ થાય છે, તે બરાબર જ થાય છે. પ્રભાત કદાચ તેમને પરમાણુ બૉંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે જણાવી દેશે. અને જો એવું બનશે તો માઈક્રોફોનનાં માધ્યમથી આપણને તરત જ એની ખબર પડી જશે. અને ખબર પડતાં જ આપણે સહેલાઈથી એ લોકોની પહેલાં જ ફાઈલ તથા પેઇન્ટિંગવાળા સ્થળ સુધી પહોંચી શકીશું. આપણે માત્ર એ સ્થળની નજીકનાં પોલીસ સ્ટેશને એક ફોન જ ખટખટાવવો પડશે.'
‘તારી વાત સાચી છે... ! તું કહે છે, એ જ ઉપાય આપણે માટે વધુ સફળ રહેશે.’
‘અંકલ, હવે એક કામ કરો... !' દિલીપ બોલ્યો, ‘કોઈકને તાત્કાલિક મારાં કપડાં તથા કાર લઈને અહીં મોકલી આપો. કારણ કે અત્યારે હું બેલાપુર નદી પાસે જે સ્થળે ઊભો છું, ત્યાં દૂર દૂર સુધી કોઈ વાહન મળે તેમ નથી. ઉપરાંત પ્રભાત તથા ગણપતનો પીછો કરવા માટે પણ મને કારની જરૂર પડશે. સાથે જ ફર્સ્ટ એઈડ બોક્સ પણ મોકલજો. જેથી ખભામાં વાગેલી ગોળીઓ કાઢી શકાય... !'
‘હું પોતે જ આવું છું પુત્તર... !'
‘થેંક યૂ અંકલ... !' કહીને દિલીપે ટ્રાન્સમીટર બંધ કર્યું. નાગપાલ સાથેની વાતચીત પછી એણે પુનઃ લોકેટનું માઈક્રોફોન ચાલુ કર્યું અને પ્રભાત તથા ગણપત વચ્ચે કારમાં થતી વાતચીત સાંભળવા લાગ્યો.
પરંતુ તેમની વચ્ચે ખાસ ઉપયોગી નિવડે એવી કોઈ વાતચીત ન થઈ.
અડધા-પોણા કલાકમાં જ નાગપાલ કાર લઈને ત્યાં આવી પહોંચ્યો.
પોતાની સાથે મનમોહનના મૃતદેહનો કબજો સંભાળવા માટે તે સ્થાનિક પોલીસ તથા ઍમ્બ્યુલન્સને પણ સાથે લાવ્યો હતો. આવતાવેંત સૌથી પહેલાં એણે દિલીપના ખભામાંથી ગોળીઓ કાઢીને ડ્રેસિંગ કર્યું તથા પીડા ન થાય એ માટે એક ઈંજેક્શન પણ આપ્યું.
ડ્રેસિંગ થયાં પછી દિલીપ ઘણી રાહત અનુભવવા લાગ્યો. એણે ઝપાટા બંધ વસ્ત્રો બદલ્યા. હવે એ પોતાના પૂર્વ પરિચિત વેશમાં સજ્જ હતો. કાળુ પેન્ટ, કાળો કોટ તથા માથાં પર ગોળ ફેફ્ટ હેટ... નાગપાલ તેની બંને રિવૉલ્વર પણ લાવ્યો હતો. દિલીપે એક રિવોલ્વર રાબેતા મુજબ ઓવરકોટના ગજવામાં મૂકી અને બીજી ફેલ્ટ હેટની ક્લીપમાં ભરાવી દીધી. નાગપાલ પાસે પણ એક રિવૉલ્વર હતી.
પીતાંબર પાસેથી મળેલી રિવોલ્વર પણ દિલીપે ગોળીઓ ભરીને તેને આપી દીધી.
વળતી જ પળે દિલીપની કાર તોફાની રફતારથી મંદારગઢ તરફ દોડતી હતી.
નાગપાલ એની બાજુમાં બેઠો હતો.
******
બીજી તરફ મંદારગઢમાં સમગ્ર નાટકની વ્યવસ્થા થઈ ગઈ હતી.
મર્સીડીઝ ગણપતના ફાર્મહાઉસમાં પહોંચી અને પ્રભાત કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ રૂખસાના દોડીને પ્રભાત...પ્રભાત કરતી તેને વળગી પડી, જાણે પ્રભાતથી વિખૂટા પડ્યા પછી એક મિનિટ પણ નિરાંતનો શ્વાસ ન લીધો હોય એવા હાવભાવ અત્યારે એનાં ચહેરાં પર ફરકતા હતા.
– અને પ્રભાત... ? એ તો અક્કલનો આંધળો હતો જ... ! એનાં દિમાગમાં તો રૂખસાનાનાં પ્રેમનું ભૂત એટલી હદ સુધી ઘૂસી ગયું હતું કે તે બધું જ ભૂલી ગયો હતો. એને યાદ હતી-એક માત્ર રૂખસાના…..!
‘ડિયર !' રૂખસાના તેને વળગીને મગરનાં આંસુ સારતાં બોલી, ઇસ્લામાબાદમાં જ્યારે મને ખબર પડી કે ભારતની પોલીસે તને ગિરફતાર કરી લીધો છે, ત્યારે ત્રણ દિવસ સુધી તો હું જમી પણ નહોતી શકી. કોઈ પરાણે કંઈ ખવડાવતું તો તરત જ મને ઉલ્ટી થઈ જતી હતી.
‘હું જાણું છું... !' પ્રભાતે પણ લાગણીથી ગળગળા અવાજે કહ્યું, ‘મારી હાલત પણ એવી જ હતી.'
‘આ બધું મારે કારણે જ થયું છે પ્રભાત... !' રૂખસાના પૂર્વવત્ અવાજે બોલી, ‘મારે કારણે જ તારે આટલી યાતનાઓ વેઠવી પડી... ! તારા જ દેશમાં તારું ઘોર અપમાન થયું.. !'
‘ના...’ પ્રભાતે તેને પોતાના આલિંગનમાંથી મુક્ત કરતાં કહ્યું, જે કંઈ બન્યું, એમાં તારો કંઈ વાંક નથી. મેં મારા દિલનાં અવાજ પર જ બધુ કર્યું છે. એમાં તારો કોઈ દોષ નહોતો. મને આજે પણ મારા કર્મનો કોઈ પશ્ચાતાપ નથી. ઉલ્ટું હું આજે ખુશ છું. આજે હું તારે કારણે જ બેલાપુરની અભેદ જેલમાંથી છૂટકારો મેળવી શક્યો છું.'
ત્યાર બાદ બંને વાતો કરતા કરતા ફાર્મ હાઉસની ઇમારત તરફ આગળ વધ્યા.
ગણપત અને પીટર તેમની પાછળ ચાલતાં હતાં. એ બંનેની આંખોમાં શયતાનિયત ભરેલી ચમક પથરાયેલી હતી. પછી રાત્રે જ ફાર્મ હાઉસમાં ચા-નાસ્તાનો ક્રમ શરૂ થયો. પ્રભાત, રૂખસાના, અનવર, ગણપત સૌએ સાથે બેસીને ચા- નાસ્તો કર્યો.
‘અનવર સાહેબ... !' પ્રભાત અનવર સામે જોતાં બોલ્યો, ‘તમે મને જેલમાંથી છોડાવવા માટે છેક અહીં સુધી આવ્યા, એ બદલ હું તમારો ખૂબ જ આભારી છું.'
'તારે આભાર માનવો જ હોય તો રૂખસાનાનો માન...!' અનવરે ગંભીર અવાજે કહ્યું, ‘એને કારણે જ મેં આ બધું કર્યું છે. એ બિચારી આખી આખી રાત તને યાદ કરીને રડતી હતી. એનું રૂદન મારાથી ન જોવાયું. બસ, હું તને આઝાદ કરાવવા માટે એને સાથે લઈને અહીં ચાલ્યો આવ્યો.'
પ્રભાતે આભારવશ નજરે રૂખસાના સામે જોયું.
પોતાનાં પ્રેમીને મળીને પ્રેમિકાનો ચહેરો જે રીતે ખીલી ઊઠે એ જ રીતે રૂખસાનાનો ચહેરો પણ ખીલી ઊઠ્યો હતો. એ ખૂબ જ ખુશ દેખાતી હતી.
એનો અભિનય ખરેખર લાજવાબ હતો.
‘પ્રભાત... !’ એ ચમકારા મારતી આંખે પ્રભાત સામે તાકી રહેતાં બોલી, ‘આજે હું તને એક આનંદ દાયક સમાચાર આપવા માંગુ છું.'
‘કયા સમાચાર... ?'
‘આપણાં બંનેનો અસીમ પ્રેમ જોઈને હવે અનવરે એક પણ રૂપિયો લીધા વગર જ મને તલ્લાક આપવાનો નિર્ણય કર્યો છે. તારે બસ, એક જ કામ કરવાનું છે. તું એને પરમાણુ બૉંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ સોંપી દે... !'
ચા પીતાં પીતાં અચાનક જાણે ઇલેક્ટ્રીકનો શોક લાગ્યો હોય એમ પ્રભાતનો હાથ થંભી ગયો.
એ નર્યા અચરજથી વિસ્ફારિત નજરે રૂખસાના સામે જોવા લાગ્યો.
‘શું થયું ડિયર... ?’ રૂખસાના એની ગરદન ફરતો પોતાનો ડાબો હાથ વિંટાળતાં બોલી, તું આમ ડોળા ફાડી ફાડીને મારી સામે શું જુએ છે...?'
‘સૉરી રૂખસાના... !’ પ્રભાતે ધીમેથી કહ્યું, ‘એ બંને વસ્તુઓ હું અનવર સાહેબને આપી શકું તેમ નથી... !'
‘કેમ... ? શા માટે... ?' રૂખસાનાએ ચમકીને પૂછ્યું.
‘એટલા માટે કે એ બંને વસ્તુઓ ભારતની... મારા દેશની અમાનત છે... !' પ્રભાત ગંભીર અવાજે બોલ્યો, મેં મારા દેશ સાથે દગો કર્યો છે, એ વાત સાચી છે. પરંતુ સાથે જ જો હું આ બંને વસ્તુઓ વેચત, તો માત્ર મારા દેશને જ વેચત અને મારા આ નિર્ણય પર હું આજે પણ અડગ છું.'
‘પણ હવે તું એ બંને વસ્તુઓ તારા દેશની સરકારને કેવી રીતે વેચીશ...?' એક વાત તારા મગજમાંથી નીકળી ગઈ લાગે છે કે અત્યારે તું જેલમાંથી નાસી છૂટેલો એક કેદી છે. એક એવો અપરાધી છે કે જેનાં ફોટા આવતીકાલે ભારતભરનાં તમામ અખબારોમાં છપાયેલા હશે. તને પકડવા માટે કદાચ સરકાર તરફથી ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવે. આ સંજોગોમાં તું ભારત સરકાર સાથે કેવી રીતે ફાઈલ તથા પેઇન્ટિંગનો સોદો કરી શકીશ ?'
પ્રભાત ચાનો કપ સ્ટૂલ પર મૂકીને વિચારમાં ડૂબી ગયો. ‘શું તું મને પ્રેમ નથી કરતો... ?' રૂખસાના એની આંખોમાં પોતાની આંખો પરોવતાં ગળાગળા અવાજે બોલી, 'શું તને મારા કરતાં તારા એ દેશ સાથે વધુ પ્રેમ છે, કે જેણે તારી લાગણીને નહોતી સમજી અને તને જિંદગીભર સડવા માટે બેલાપુર જેવી જેલમાં ધકેલી દીધો હતો..?'
‘હું... આ દુનિયામાં સૌથી વધુ તને જ ચાહુ છું રૂખસાના... !'
‘તો પછી વિચારવાનું શું છે...? ફાઈલ તથા પેઇન્ટિંગ અનવરને સોંપી દે. પછી આપણે હંમેશને માટે એક બની જશે. દુનિયાની કોઈ તાકાત આપાને અલગ નહીં કરી શકે !’
મને વિચારવા માટે થોડો સમય આપ રૂખસાના.. !' કહેતાં કહેતાં અચાનક પ્રભાત સોફા પરથી ઊભો થઈ ગયો, ‘હું આટલો મોટો નિર્ણય તાત્કાલિક લઈ શકું તેમ નથી.’
'ઠીક છે...' આ વખતે અનવર બોલ્યો, 'મારે કોઈ ઉતાવળ નથી. તું સવાર સુધી નિરાંતે વિચારી લે...!' જવાબમાં પ્રભાત ધીમેથી માથું હલાવીને રહી ગયો.
****
દિલીપની કાર પૂરપાટ વેગે મંદારગઢ તરફ દોડતી હતી. કાર ચલાવવાની સાથે સાથે તે લોકેટનાં માધ્યમથી ફાર્મ હાઉસમાં થતી બધી વાતો પણ સાંભળતો હતો. થોડી પળો પહેલાંની વાતચીત સાંભળીને એનાં ચહેરા પર કઠોરતા ફરી વળી.
‘અંકલ... !’ એ નફરતભર્યા અવાજે બોલ્યો, ‘આ રૂખસાના કોઈ સ્ત્રી નહીં, પણ ઝેરીલી નાગણ લાગે છે. કોઈ ચૂડેલ લાગે છે.. !'
‘તારી વાત સાચી છે... !' નાગપાલ પણ વાતચીત સાંભળીને સ્તબ્ધ બની ગયો હતો, આ લોકો ફાઈલ તથા પેઇન્ટિંગ કબજે કરવા માટે કેવાં કેવાં નાટકો ભજવે છે...? પ્રભાત જેવો ઑફિસર આ લોકોની જાળમાં કેવી રીતે ફસાઈ ગયો, એની મને તો નવાઈ લાગે છે.’
'બરાબર છે... પરંતુ તેમ છતાંય એક વાતનો મને આનંદ છે. આવા શયતાન લોકોની જાળમાં ફસાયો હોવા છતાં હજુ પણ પ્રભાતના હૃદયમાં દેશદાઝ બાકી છે. એ હજુ પણ દેશની ખુશીઓની હરાજી કે સોદો કરવા માટે તૈયાર નથી થયો' દિલીપ બોલ્યો.
‘હા, એ તો એની વાત પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે... !' નાગપાલે કહ્યું.
દિલીપ હવે દિશા સૂચક યંત્રની પેનલ સામે જોતો હતો. પેનલ જોઈને જ તેને ખબર પડતી હતી કે પોતાને કઈ તરફ જવાનું છે અને ગણપત વિગેરે ક્યાં છે.
પ્રત્યેક પળે કાર તથા ફાર્મ હાઉસ વચ્ચેનું અંતર ઘટતું જતું હતું.
– બીજી તરફ -
ચા-નાસ્તો કર્યા પછી પ્રભાત અને રૂખસાના એક રૂમમાં આવીને સૂઈ ગયા હતા. થોડી વાર પ્રેમાલાપ કર્યા પછી તેમને ગાઢ ઊંધ આવી ગઈ.
સવારે લગભગ પોણા છ વાગ્યે અચાનક જ પ્રભાતની ઊંઘ ઊડી ગઈ. અમાસની રાત હોવાને કારણે હજુ સૂર્યોદય નહોતો થયો. હજુ પણ ચારે તરફ અંધકારનું સામ્રાજ્ય હતું.
આંખ ઉઘડતાં જ પ્રભાતે ચમકીને જોયુ તો તેની બાજુમાં રૂખસાના નહોતી. રૂખસાનાને ન જોઈને એ વ્યાકુળ થઈ ગયો અને તેને શોધવા માટે રૂમમાંથી બહાર નીકળ્યો, એણે અન્ય રૂમો તથા બાથરૂમમાં તપાસ કરી. પણ રૂખસાના ક્યાંય નહોતી. છેવટે એ તેને શોધતો શોધતો ફાર્મહાઉસની ઇમારતમાંથી બહાર નીકળી ગયો.
પછી ચાલતાં ચાલતાં અચાનક જ એના પગ થંભી ગયા. ફાર્મ હાઉસનાં લૉનની ઊંચી ક્યારી પાછળથી તેને કોઈક સ્ત્રીનું હાસ્ય સંભળાયું. અંધારું હોવાને કારણે એને સ્પષ્ટ રીતે કશુંય ન દેખાયું. એ દબાતે પગલે ક્યારીની પાછળ પહોંચી ગયો. વળતી જ પળે એના માથા પર જાણે કે વીજળી ત્રાટકી. એનું હૈયું હચમચી ઊઠયું.
એણે જોયું તો ક્યારીની આડમાં અનવર તથા રૂખસાના નિર્વસ હાલતમાં પડ્યા હતા. જે અનવરને રૂખસાના પોતાના નપુંસક પતિ તરીકે ઓળખાવતી હતી, એ જ અનવર અત્યારે તેને ભરપૂર શારીરિક સુખ આપતો હતો. અને આ આનંદને કારણે જ રૂખસાના હસતી હતી.
પ્રભાતની આંખોમાં ક્રોધ અને નફરતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો.
એને શંકરે (દિલીપે) જેલમાં અનવર તથા રૂખસાના વિશે કહેલી વાત યાદ આવી. ચોક્કસ એ બંને પાકિસ્તાની જાસૂસો હતા અને તેની સાથે દગો કરતા હતા.
પ્રભાતની આંખો પર આંધળા પ્રેમનો જે પડદો પડ્યો હતો,
તે પળભરમાં જ સરકી ગયો. એ જ વખતે રૂખસાનાની નજર પણ પ્રભાત પર પડી. પ્રભાતને જોઈને ઘડી ભર તો એ પણ અવાક્ બની ગઈ. એનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. એ ઝડપથી અનવરને એક તરફ ધકેલીને બેઠી થઈ ગઈ. અનવર પણ અચાનક પ્રભાતને આવી ચડેલો જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો.
વળતી જ પળે બંનેએ ઝપાટાબંધ પોત-પોતાના વસ્ત્રો પહેરી લીધાં.
પોલ પકડાઈ જવાને કારણે તેમના રંગ ઊડી ગયા હતા.
‘તો આ છે તમારા બંનેનું અસલી રૂપ... !' ઝેરીલા અવાજે બોલતો બોલતો પ્રભાત તેમની તરફ આગળ વધ્યો, 'તમે આજ સુધી મારી સાથે દગો કરતા હતા. મારી લાગણી સાથે રમત રમતા હતા. શંકર તમારે વિશે સાચું જ કહેતો હતો કે તમે બંને પાકિસ્તાની જાસૂસ છો અને ફાઈલ તથા પેઇન્ટિંગ મેળવવા માટે મને મૂરખ બનાવો છો... ! પણ એ વખતે તો મારી અક્કલ પર આંધળા પ્રેમનો પડદો પડ્યો હતો... !'
‘મ...મારાથી દૂર રહે… !' રૂખસાના ગભરાઈને અનવરની પાછળ છૂપાઈ ગઈ.
‘કેમ... ?' પ્રભાત હસ્યો, મારો ડર લાગે છે...? તું તો હંમેશને માટે મારી બની જવાનાં બણગાં ફૂંકતી હતી. આજે હું તને નહીં છોડું... ! આજે કોઈ તને મારાથી નહીં બચાવી શકે... !' વાત પૂરી કરતાંની સાથે જ એ કાળઝાળ ચહેરે રૂખસાના સામે ધસી ગયો.
પરંતુ તે રૂખસાના સુધી પહોંચે એ પહેલાં જ અનવરે વચ્ચેથી તેને પકડીને પૂરી તાકાતથી એક સણસણાતો તમાચો એના ગાલ પર ઝીંકી દીધો. તમાચો એટલો જોરદાર હતો કે પ્રભાતની આંખો સામે લાલ-પીળા ચકરડાં ઉપસી આવ્યાં.
‘હરામખોર... !’ અનવર કર્કશ અવાજે બોલ્યો, ‘આજે તે તારી સગી આંખે બધું જોઈ લીધું, એ સારું જ કર્યું છે. સારું થયું, તને મારા ભેદની ખબર પડી ગઈ. બાકી તો ચા પીતી વખતે તે દેશભક્તિની જે વાત ઉચ્ચારી હતી, એના પરથી જ હું સમજી ગયો હતો કે તું સીધી રીતે ફાઈલ તથા પેઇન્ટિંગ મને નહીં આપે. હવે તો હું તારી પૂરેપૂરી ધોલાઈ કરીશ. હવે તો હું તારી પાસેથી ફાઈલ તથા પેઇન્ટિંગ મેળવીને જ જંપીશ... !'
આ દરમિયાન શોર બકોર સાંભળીને ગણપત તથા પીટર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાંનું દશ્ય જોઈને એ બંનેના અચરજનો પણ પાર ન રહ્યો. અલબત્ત, તેમ છતાંય પ્રભાતે દિલેરી બતાવી અને અનવરને ધક્કો મારીને ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ જરૂર કર્યો. પરંતુ તે
હવે ચાર શયતાનો વચ્ચે ઘેરાયેલો હતો.
આગામી પાંચ મિનિટમાં જ તેને ફાર્મહાઉસનાં એક રૂમમાં બાંધી દેવાયો.
અને પછી શરૂ થયો ખતરનાક ટોર્ચરિંગનો ક્રમ... ! રૂમની દીવાલો વચ્ચે પ્રભાતની કાળજું કંપાવનારી ચીસો ગુંજી ઊઠી. પરંતુ પછી અચાનક એના મોંમાંથી ચીસોને બદલે બુલંદ અટ્ટહાસ્ય નીકળવા લાગ્યા. એને ટોર્ચરિંગ કરી રહેલાં અનવર તથા રૂખસાના નર્યા અચરજથી તેની સામે તાકી રહ્યા.
‘તું...તું હસે છે શા માટે...?' અનવરે હેબતાઈને પૂછ્યું. તારી બેવકૂફી પર હસું છું... !' પ્રભાત ચીસ જેવા અવાજે બોલ્યો, ‘તમે બધાં ગાંડા થઈ ગયા લાગો છો...!'
‘કેમ...?’
‘બેવકૂકો... !' કહેતાં કહેતાં પ્રભાતની આંખોમાં લોહી ઉતરી આવ્યું, ‘તમારા આ ટોર્ચરિંગથી ગભરાઈને હું ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે જણાવી દઈશ એમ તમે માનો છો...? ના, બિલકુલ નહીં... ! જરા વિચારો દુષ્ટો... મને યાતનાઓ આપીને મારા દેશની સરકાર નથી તોડી શકી તો તમે શું તોડી શકવાના હતા...? ગઈ કાલ સુધી એક આવારા અને ચારિત્ર્યહીન પ્રેમ મારી તાકાત બનેલી હતી. પણ આજે...? આજે મારો દેશ, મારું વતન, મારું હિન્દુસ્તાન મારી તાકાત બની ગઈ છે. મારી ભારત માતા આજે મારા મજબૂત અને બુલંદ ઇરાદાની રખેવાળ છે અને આ ઇરાદાને દુનિયાની કોઈ તાકાત નહીં તોડી શકે.'
એની વાત સાંભળીને અનવર ક્રોધથી ધૂંઆધૂંઆ થઈને તેનાં પર તૂટી પડ્યો. છેવટે એક વખત એવો આવ્યો કે માર ખાઈ ખાઈને પ્રભાત બેભાન થઈ ગયો.
પરંતુ એણે ફાઈલ તથા પેઇન્ટિંગ વિશે ન જણાવ્યું, તે ન જણાવ્યું. થાકી-હારીને અનવર તથા રૂખસાના એ જ રૂમમાં પડેલી બે ખુરશીઓ પર બેસી ગયા. ગણપત તથા પીટરના ચહેરા પર પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા.
‘બોસ... !’ ગણપત, અનવર સામે જોતાં બોલ્યો, ‘મને લાગે છે કે આ નાલાયક મરી જશે પણ તૂટશે નહીં. દેશભક્તિનાં કીટાણુઓ એની રંગે રંગમાં ફરી વળ્યા છે.'
'જો આ હરામખોર નહીં તૂટે અમારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફરી વળશે... !' અનવર જોરથી ગર્જી ઊઠ્યો, 'આપણે કોઈ પણ સંજોગોમાં આ પાજી પાસેથી ફાઈલ તથા પેઇન્ટિંગ કબજે કરવા પડશે.'
‘બોસ... !’ અચાનક પીટર વચ્ચેથી બોલ્યો, 'જો તમે કહો તો આ કામ હું કરી શકું તેમ છું.'
“ત... તું એક નોકર માણસ...?” અનવરે ચમકીને તેની સામે જોયું.
'બોસ...!' આ વખતે ગણપત બોલ્યો, 'પીટર માત્ર મારો નોકર જ નહીં. સાથે સાથે અંગ રક્ષક તથા શાર્પ શૂટર પણ છે! મારા રક્ષણ માટે જ તે એક નોકર તરીકે મારી સાથે રહે છે. મારી પાસે આવતાં પહેલાં ફોજના એ સ્પેશિયલ વિભાગમાં હતો કે જ્યાં. વિદેશી જાસૂસો પાસેથી તેમના દેશના ભેદ ઓકાવવાની તાલીમ આપવામાં આવતી હતી. હું માનું છું ત્યાં સુધી આપણે પીટરને એક તક જરૂર આપવી જોઈએ.'
હવે અનવરે નવા દૃષિ્ટકોણથી પીટર સામે જોયું.
'ઠીક છે...'
એ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, 'તું કહે છે. તો પીટરને પણ અજમાવી લઈએ... !'
'પણ ટોર્ચરિંગ કરવા માટે મને અમુક ખાસ વસ્તુઓની જરૂર| પડશે.' પીટરે કહ્યું, 'વિશાળગઢમાં એ વસ્તુઓ મળી જશે.'
પીટરે તરત જ લીસ્ટ બનાવી આપ્યું. અનવરે લીસ્ટ જોઈને સંતોષથી માથું ધુણાવ્યું અને પછી એ કાગળ ગણપત સામે લંબાવતાં બોલ્યો, 'તું તાબડતોડ આ બધી
'વસ્તુઓ લઈ આવ...! આ કામમાં એક મિનિટ પણ મોડું કરવાનું આપણને પોસાય તેમ નથી.'
ગણપત તરત જ મર્સીડીઝ લઈને રવાના થઈ ગયો.
દિલીપની કાર મંદારગઢમાં પ્રવેશી ચૂકી હતી અને દિશા સૂચક યંત્ર મુજબ અત્યારે ગણપતનાં ફાર્મહાઉસથી માત્ર બે કિલોમીટર જ દૂર હતી. માઈકોફોન પર એ તેમની એક એક વાત સાંભળતો હતો. છેલ્લી વાત સાંભળ્યા પછી અચાનક જ એણે એક ઉજ્જડ વિસ્તારમાં સડકને કિનારે કાર ઊભી રાખી દીધી અને પછી બાજમાં બેઠેલા નાગપાલને ઉદેશીને બોલ્યો, 'અંકલ, ગણપત ટોર્ચરિંગ કરવાની વસ્તુઓ લાવવા માટે રવાના થઈ ગયો છે.
મંદારગઢથી આ એક જ સડક વિશાળગઢ તરફ જાય છે. અર્થાત્ ગણપત અહીંથી જ પસાર થશે. હવે સૌથી પહેલાં આપણે તેનો જ સામનો કરવાનો છે. એને એની કરણીનું ફળ ચખાડવાનું છે.'
'ઓહ...તો ગણપતનો અંતિમ સમય નજીક આવી ગયો છે.
'એમ ને...?' નાગપાલે સ્મિત સહ કહ્યું.
દિલીપ એક સિગારેટ પેટાવીને તેના કશ ખેંચતો ગણપતની રાહ જોવા લાગ્યો.
એની નજર સામે દેખાતી સડક પર જ મંડાયેલી હતી. એને બહુ રાહ ન જોવી પડી. થોડી પળોમાં જ સામેથી ગણપતની મર્સીડીઝ આવતી દેખાઈ.
દિલીપે સિગારેટ ફેંકી, ગજવામાંથી રિવોલ્વર કાઢીને કારમાંથી નીચે ઉતરી આવ્યો. નાગપાલ પણ એની પાછળ જ હતો.
એ જ પળે ગણપતની કાર દિલીપની સામેથી પસાર થઈ. અને ત્યાર પછીની પળે દિલીપની રિવોલ્વરમાંથી ઉપરા ઉપરી બે ગોળીઓ છૂટી. બંને ગોળીઓ આબાદ નિશાન પર ચોંટી ગઈ. ગણપતની કારનાં પાછલાં બંને ટાયર જોરદાર ધડાકા સાથે ફાટ્યાં. ટાયર ફાટતાંની સાથે જ મર્સીડીઝે કોઈક શરાબીની જેમ લથડિયાં ખાધું અને પછી જોરથી એક વૃક્ષ સાથે અથડાઈ. વૃક્ષ મજબૂત નહોતું એટલે એ પણ તૂટીને મર્સીડીઝ પર આવી પડ્યું.
ગોળીઓ છોડ્યા પછી દિલીપ તરત જ દોડીને મર્સીડીઝ પાસે પહોંચી ગયો હતો.
થોડી પળો બાદ ધીમે ધીમે મર્સીડીઝનો ડ્રાયવિંગ સીટ તરફનો| દરવાજો ઉઘડ્યો અને પછી વાંદરાની જેમ છળીને અચાનક ગણપત| બહાર નીકળ્યો. એનાં હાથમાં રિવોલ્વર જકડાયેલી હતી. પરંતું તે પોતાની રિવોલ્વરનો ઉપયોગ કરી શકે એ પહેલાં જ દિલીપની રિવોલ્વરમાંથી એક વધુ ગોળી છૂટીને એના રિવોલ્વરવાળા હાથમાં ચોટી ગઈ.
ગણપતના મોંમાંથી કાળજગરી ચીસ નીકળી ગઈ.
સાથે જ એનાં હાથમાંથી રિવૉલ્વર છટકીને દૂર જઈ પડી.
ત્યાર બાદ પોતાની સામે ‘શંકર'ને ઊભેલો જોઈને એ જડવત્ થઈ ગયો.
‘કેમ છો ગણપત... ?’ દિલીપ એની ઠેકડી ઉડાવતાં બોલ્યો, ‘મને જીવતો જોઈને તને નવાઈ લાગે છે ખરું ને...? પણ એક વાત તું ભૂલી ગયો હતો... ! મોતને ક્યારેય મોત નથી આવતું
- અને હું તારું તથા તારા જેવાં આ દેશનાં દુશ્મનોનું મોત છું...!'
'ન...ના...' ગણપત હેબતાઈને બે-ત્રણ ડગલાં પાછળ ખસી ગયો.
આમ મારી સામે જો ગણપત... !' દિલીપ ક્રોધાવેશથી બરાડ્યો, ‘મારી આંખોમાં તને તારા મોતનો પડછાયો દેખાશે... !' ગણપત અચાનક જમીન પર પડેલી પોતાની રિવોલ્વર તરફ ઘસ્યો.
દિલીપે એક ગોળી છોડતાં જ સડક પર પડેલી રિવોલ્વર ઉછળીને ગણપતથી દૂર જઈ પડી.
તારી જિંદગી હવે તારા હાથમાં નહીં આવે ગણપત... !' દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘એણે તારો સાથ છોડી દીધો છે... !' વાત પૂરી કરતાંની સાથે જ એણે ગણપતના પગ પર ગોળી છોડી.
ગણપતનાં મોંમાંથી વેદનાભરી ચીસ સરી પડી. વળતી જ પળે જીવ બચાવવા માટે એણે એક પગે સડક પર દોટ મૂકી.
એ જ વખતે અચાનક સડક પર એક ટ્રક ઉજાગર થઈ. ગણપતે એની હડફેટથી બચવા માટે ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તેને નિષ્ફળતા જ સાંપડી. એનો દેહ ટ્રકનાં બોનેટ સાથે અથડાઈને સડક પર પટકાયો અને ત્યાર પછીની પળે ટ્રકનાં તોતિંગ વ્હીલ નીચે કચડાઈ ગયો, ગણપતની મર્મભેદી અંતિમ ચીસ શાંત વાતાવરણને ખળભળાવી ગઈ. આ રીતે એ ડ્રગ્સ કિંગનો અંજામ પણ એની કરણી પ્રમાણે જ ખોફનાક આવ્યો.
દિલીપ અને નાગપાલ ફરીથી કારમાં બેસી ગયા. ગણપતનાં મોતનો તેમને બિલકુલ અફસોસ નહોતો. દિલીપે ડેશબોર્ડમાંથી ગોળીઓ કાઢીને રિવૉલ્વરમાં ભરી અને પછી કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.
દિશા સૂચક યંત્રને કારણે ફાર્મ હાઉસ સુધી પહોંચવામાં તેમને કોઈ મુશ્કેલી ન પડી. એણે ફાર્મ હાઉસની બહાર જ કાર ઊભી રાખી અને પછી નાગપાલને લઈને અંદર પ્રવેશ્યો. નાગપાલ જાણી જોઈને જ ચૂપચાપ બધો તમાશો જોતો હતો.
પીટર એ વખતે લૉનમાં જ હતો. બે અજાણ્યા શખ્સોને જોઈને એ ઝડપથી તેમની તરફ આગળ વધતાં બરાડ્યો, 'એય... કોણ છો તમે...? અહીં શા માટે આવ્યા છો...?' પીટર તાબડતોબ ન ઓળખી શકે એટલા માટે દિલીપે ફેલ્ટ હેટને ચહેરા પર નમાવી રાખી હતી.
‘એય... જવાબ શા માટે નથી આપતા...?' પીટર ફરીથી તાડૂક્યો, ‘કોણ છો તમે...?’ એ દોડીને તેમની નજીક પહોંચી ચૂક્યો હતો.
એ જ વખતે દિલીપે ફેલ્ટ હેટ ઊંચી કરીને પીટરને પોતાનાં ચહેરાનાં દર્શન કરાવ્યા.
‘ત...તું...' ભય, ખોફ અને દહેશતથી પીટરની આંખો વિસ્ફારિત થઈ ગઈ.
ત્યાર બાદ પીટર બૂમ પાડે તે પહેલાં જ દિલીપ એનું ગળું પકડીને તેને નજીકમાં આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં ઘસડી ગયો અને ગજવામાંથી રિવૉલ્વર કાઢીને તાબડતોબ એના લમણામાં એક ગોળી ઝીંકી દીધી.
એનો મૃતદેહ એક ચીસ સાથે ત્યાં જ પછડાયો.
પહેલાં ગોળી છૂટવાનો ધડાકો અને પછી પીટરની ચીસના અવાજથી ફાર્મ હાઉસના ડ્રોઇંગરૂમમાં બેઠેલા અનવર અને રૂખસાના એકદમ ચમકી ગયા. બંને તરત જ પોત-પોતાની રિવૉલ્વર સંભાળી બાર દોડ્યા.
એ જ પળે દિલીપ અને નાગપાલ સર્વન્ટ ક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા હતા.
‘અરે...' દિલીપને ઓળખતાં જ અનવર બોલી ઉઠ્યો, આ તો શંકર છે.’
ગણપતે તેને માત્ર એક વખત ગુપ્ત રીતે પાડેલો દિલીપનો ફોટો બતાવ્યો હોવા છતાં ય એને તરત જ દિલીપને ઓળખી કાઢ્ય હતો.
એ બંનેએ વળતી જ પળે ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. દિલીપ અને નાગપાલ બેહદ સ્ફૂર્તિથી પાછા સર્વન્ટ ક્વાર્ટરમાં ઘૂસી ગયા. ત્યાર બાદ દિલીપે એક અનોખું પગલું ભર્યું. એ પીટરના મૃતદેહને ઊંચકીને પોતાનાં શરીરની આગળ ઊભો રાખ્યો અને પછી એ જ રીતે તેને ઢાલ બનાવીને ક્વાર્ટરમાંથી બાર નીકળી આવ્યો. અનવર તથા રૂખસાનાએ તરત જ ગોળીઓ છોડી. પરંતુ એ બધી ગોળીઓ પીટરનાં મૃતદેહને જ વાગી. એ જ પળે દિલીપે મૃતદેહની ઓથમાંથી એક ગોળી છોડી, જે સીધી અનવરનાં રિવૉલ્વરવાળા હાથના કાંડા પર વાગી. એનાં હાથમાંથી રિવૉલ્વર, ઉછળીને લૉનમાં જઈ પડી.
ત્યાર બાદ એક વધુ ગોળી છૂટી.
આ ગોળી પાછળથી નાગપાલે છોડી હતી. એણે છોડેલી ગોળી રૂખસાનાની સાથળ પર વાગી હતી. એ ચીસ નાંખતી પગથિયાં પર ગબડી પડી.
પછી નાગપાલ અને દિલીપ પળનોય વિલંબ કર્યા વગર તેમની તરફ દોડ્યા.
એ બંનેએ પણ બેહદ સ્ફૂર્તિથી અંદરના ભાગ તરફ દોટ મૂકી. અવનરને તો દિલીપે ડ્રોઇંગ રૂમમાં જ પકડી પાડ્યો. પરંતુ દોડવાના મામલામાં રૂખસાના વધુ સ્ફૂર્તિલી પુરવાર થઈ. સાથળમાં ગોળી વાગી હોવા છતાંય તે વીજળીક ગતિએ પ્રભાતવાળા રૂમમાં ઘૂસી ગઈ એટલું જ નહીં, એણે ઝપાટબંધ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો.
નાગપાલ જોરજોરથી દરવાજો ધમધમાવતો હતો. બીજી તરફ અનવર કબજામાં આવતાં જ દિલીપે પૂરી તાકાતથી એનું ધોલાઈ અભિયાન શરૂ કરી દીધું હતું.
એ ભૂખ્યા વાઘની જેમ અનવર પર તૂટી પડ્યો હતો. ફાર્મ હાઉસના શાંત વાતાવરણમાં અનવરની ચીસો પડધા પાડતી ગુંજવા લાગી.
દિલીપે મારી મારીને એને અધમૂઓ કરી નાંખ્યો હતો.
અનવરનાં વસ્ત્રો ઠેકઠેકાણેથી ફાટી ગયા હતા. અને ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો. એની આંખો સામે રહી રહીને અંધકારની ચાદર ઉતરી આવતી હતી. નાગપાલ દરવાજો ધમધમાવવાનું છોડીને પ્રસન્ન ચહેરે અનવરની ધોલાઈ થતી નિહાળતો હતો. અનવર જમીન પર પડ્યો પડ્યો હાંફતો હતો. દિલીપે તેને મારવાનું છોડી દીધું હતું. થોડી પળો સુધી હાંફયા બાદ છેવટે એની ચેતના લુપ્ત થઈ ગઈ. એ જ પળે આ ખૂની ઘટનાએ એક અણધાર્યો વળાંક લીધો. અચાનક એક આંચકા સાથે રૂખસાનાએ દરવાજો ઉઘાડ્યો. પરંતુ દિલીપ કે નાગપાલ, બેમાંથી કોઈ તેની તરફ આગળ વધી શકે તેમ નહોતાં કારણ કે રૂખસાનાનાં હાથમાં જકડાયેલી રિવૉલ્વરની નળી તેની બાજુમાં ઊભેલા પ્રભાતના લમણા પર ગોઠવાયેલી હતી. અનવરની હાલત જોઈને તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું, અનવર મૃત્યુ પામ્યો છે, એમ તે માનતી હતી.
'ખબરદાર...!' એ છંછેડાયેલી નાગણની જેમ સૂસવતા અવાજે બરાડી, 'જો કોઈ ચાલબાજી રમશો તો હું આને શૂટ કરી નાંખીશ... !'
એની ધમકી સાંભળીને દિલીપ થંભી ગયો.
બાકી તો એ ખરેખર કોઈક ચાલબાજી રમવાનું વિચારતો હતો. 'તારી રિવૉલ્વર મને આપી દે…… !' કહીને રૂખસાનાએ પોતાનો એક હાથ દિલીપ સામે લંબાવ્યો.’
ના, શંકર..!’ અચાનક પ્રભાત જોરથી બરાડ્યો, ‘આ ચૂડેલને રિવૉલ્વર આપીશ નહીં.. !'
વળતી જ પળે રૂખસાનાએ એનાં માથા પર પૂરી તાકાતથી રિવૉલ્વરની મૂઠનો ફટકો ઝીંકી દીધો. પ્રભાતનું માથું ફૂટી ગયું અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું.
'લાવ.. રૂખસાના ફરીથી બરાડી, ‘રિવૉલ્વર મને આપ દે.'
દિલીપે ચૂપચાપ એના હાથમાં રિવૉલ્વર મૂકી દીધી. ત્યાર બાદ રૂખસાનાએ નાગપાલની રિવોલ્વર પણ કબજે કરી લીધી.
‘પ્રભાતને લઈ જઉં છું... !' રૂખસાના કઠોર અવાજે ચેતવણી ઉચ્ચારતાં બોલી, ‘જો તમારા બંનેમાંથી કોઈ, કોઈપણ જાતની ચાલાકી વાપરવાનો પ્રયાસ કરશો તો હું એ જ પળે આને ગોળી ઝીકી દઈશ.' વાત પૂરી કર્યા બાદ તે પ્રભાતને ઢાલ બનાવીને ડ્રોઈંગરૂમના દરવાજા તરફ આગળ વધી.
એ ગમે તેવી ચાલાક કે સાવચેત હોય, પણ આજે એનો પનારો દિલીપ જેવા જાસૂસ સાથે પડ્યો હતો.
તે દરવાજામાંથી બહાર નીકળે એ પહેલાં જ દિલીપે વીજળી જેવી સ્ફૂર્તિથી ફેલ્ટલેટમાં છૂપાવેલી રિવોલ્વર ખેંચી કાઢી. પછી રૂખસાના કશુંય કરી શકે એ પહેલાં જ દિલીપની રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળીએ એની ખોપરીના ભૂક્કા બોલાવી દીધા.
તે એક મરણ ચીસ સાથે ત્યાં જ ફસડાઈ પડી.
એનું મોત ગણપત કરતાં પણ વધુ ખતરનાક હતું. મર્યા પછી એનો ચહેરો અત્યંત બીભત્સ અને ડરામણો થઈ ગયો હતો..
પરંતુ આ દરમિયાન અનવર ભાનમાં આવી ગયો હતો અને આ વખતે એણે પોતાની જાતને બચાવવાને બદલે ખતમ કરવાનું વધુ યોગ્ય માન્યું. એણે દાંતનાં પોલાણમાં છૂપાવેલી કેપ્સ્યૂલ તોડીને પોતાની જીવનલીલા સંકેલી લીધી.
એને બહુ સરળ મોત મળ્યું હતું
ફાર્મહાઉસમાં હવે ત્રણ મૃતદેહ પડ્યા હતા.પીટર, અનવર તથા રૂખસાનાના મૃતદેહ... !
ગણપત પણ પોતાની કરણીનું ફળ ભોગવવા માટે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો હતો. પ્રભાત નર્યા અચરજથી ફાટી આંખે શંકર ઉર્ફે દિલીપ સામે તાકી રહ્યો હતો. અને એમાંય જ્યારે તેને નાગપાલ તથા દિલીપનો પરિચય મળ્યો, ત્યારે તો તે રીતસર એ બંનેનાં પગમાં પડીને પશ્ચાતાપનાં આંસુ સારવા લાગ્યો. દિલીપે તેને સ્નેહથી ઊભો કરીને આલિંગનમાં જકડી લીધો. ત્યાર બાદ એણે તરત જ એ બંનેને સાથે લઈ જઈને પરમાણુ બોંબ વિશેની ફાઈલ તથા પેઇન્ટિંગ સોંપી દીધાં. નાગપાલ તરત જ આ બંને વસ્તુઓ રૉના અધ્યક્ષને આપી આવ્યો.
પ્રભાતે એ બંને વસ્તુઓ પોતાનાં લેટવાળી ઇમારતના કંપાઉન્ડમાં રહેલ પોતાના મોટા લેપ્ટ બોક્સમાં છૂપાવી દીધી હતી. અને આ જગ્યાની તલાશી લેવાનું કોઈને પણ નહોતું સૂઝ્યું.
ફાઈલ તથા પેઇન્ટિંગને કારણે બીજે જ દિવસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો. પેઇન્ટિંગમાં વિનાયક બેનરજીએ સંકેત આપ્યા મુજબ પાકિસ્તાને પરમાણુ બૉબ તેમનાં ભૂમિદળના હેડક્વાર્ટરની નીચે ભૂગર્ભમાં એક અત્યંત સુરક્ષિત સ્થળે રાખ્યો હતો. બૉબ બનાવવાના પાકિસ્તાનને મદદ કરનાર દેશોનાં નામ પણ હતા જેમાં અમેરિકાનું નામ સૌથી પહેલું હતું.
આ રીતે 'પરમાણુ યુદ્ધ ન થવું જોઈએ' નાં બણગાં ફૂંકનાર અમેરિકાનું વાસ્તવિક રૂપ દુનિયા સમક્ષ ઉજાગર થઈ ગયું હતું. નાગપાલની ભલામણથી પ્રભાતને માફ કરી દેવાયો હતો. અલબત્ત, ગણપત સાથે ભળેલાં તમામ પોલીસ કર્મચારીઓ સામે આકરાં પગલાં લઈને તાબડતોબ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આમ દિલીપની સૂઝ-બૂઝ અને દિલેરીથી આ કેસનો અંત આવી ગયો હતો અને અપરાધીઓને તેમની માઠી કરણીની સજા મળી ગઈ હતી.
(સમાપ્ત)
પ્રસ્તુત નવલકથા વિશે આપનો નિષ્પક્ષ અભિપ્રાય જરૂરથી લખી મોકલશો.
કનુ ભગદેવ