૮: રોકડાની માયા... !
પ્રભાતની વિદાય થયાં પછી દિલીપ તાબડતોબ ટૉયલેટમાં પહોંઓ અને એણે તરત જ ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો.
'બોલ, પુત્તર' સામે છેડેથી નાગપાલનો વ્યાકુળ અવાજ સંભળાયો, ‘શું રિપોર્ટ છે ?’
‘મારી શંકા બિલકુલ સાચી હતી અંકલ.’ દિલીપ ધીમા અવાજે બોલ્યો, 'પ્રભાતે દેશ સાથે જે દ્રોહ કર્યો છે તેની પાછળ ખરેખર એક ઘટના બની હતી. આજે મેં એ ઘટનાની વિગતો પણ મેળવી લીધી છે.’
'કેવી ઘટના.’
‘અંકલ, પ્રભાત પાકિસ્તાનમાં એક પરિણીત યુવતીનાં પ્રેમમાં પડ્યો છે અને એનાં માટે જ એણે દેશદ્રોહ કર્યો છે.' કહીને દિલીપે ટૂંકમાં પણ મુદાસર બધી વિગતો જણાવી દીધી.
‘ઓહ... તો પ્રભાત પાકિસ્તાનમાં રૂખસાના નામની પરિણીત યુવતીનાં પ્રેમમાં પડ્યો છે અને એનાં માટે જ એણે આ બધું કર્યું છે એમ ને?'
‘હા, અંકલ.’ દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘અને શેરેટોન હોટલમાં જે પાકિસ્તાનની જાસૂસ ઉતરી છે, એનું નામ પણ રૂખસાના જ છે. આ કંઈ નજીવો જોગાનુજોગ નથી.'
‘તો શેરોટોન હોટલમાં ઉતરેલી રૂખસાના જ પ્રભાતની પ્રેમિકા છે, એમ તું કહેવા માગે છે?'
‘હા.' દિલીપ ભારપૂર્વક બોલ્યો, હું એમ જ કહેવા માંગુ છું.
પણ આવું કેવી રીતે બને દિલીપ ?'
‘કેમ, શા માટે ન બને? અંકલ, એ છોકરીએ શરૂઆતથી જ પ્રભાતને મૂરખ બનાવ્યો છે. એની લાગણી સાથે પ્રેમનું નાટક ભજવીને ક્રૂર મશ્કરી કરી છે. અને આવું એણે ચોક્કસ પાકિસ્તાન સરકારની સૂચનાથી જ પોતાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ.ના કહેવાથી જ કર્યું છે.
આજે પ્રભાતની જે હાલત છે, તે એક પૂર્વયોજીત કાવતરાને કારણે થઈ છે.'
'વાંધો નહીં. રૂખસાના વાસ્તવમાં એક પાકિસ્તાની જાસૂસ છે, એ વાત તે પ્રભાતને જણાવી દીધી છે?'
‘ના, નથી જણાવી.’
‘કેમ ?'
એટલા માટે કે શેરેટોન હૉટલમાં ઉતરેલી પાકિસ્તાની જાસૂસ જ પ્રભાતની કથિત પ્રેમિકા છે કે નહીં, એની મને પૂરી ખાતરી નથી, બીજું, પ્રભાત આજની તારીખમાં પણ તેને એટલો પ્રેમ કરે છે કે એકાએક જ એનું દિલ તોડવાની મારી હિંમત નથી ચાલી.' ‘ઓહ...’
ટ્રાન્સમીટર પર થોડી પળો માટે ચૂપકીદી છવાઈ ગઈ. આ રહસ્યોદ્ઘાટનથી નાગપાલ પણ એકદમ ચમકી ગયો હતો. ‘તેં બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે કોઈ યોજના બનાવી છે? '
‘હા... મેં એ દિશામાં પણ ચક્રો ગતિમાન કરી લીધાં છે.'
‘દિલીપ બોલ્યો, ‘ટૂંક સમયમાં જ હું તમને સારા સમાચાર આપી શકીશ એવી મને આશા છે.'
‘ગુડ...’
‘અંકલ, બની શકે તો એક કામ કરો, શેરેટોન હૉટલમાં આપણા જે ઍજન્ટો છે, તેને સૂચના આપી દેજો કે તેઓ રૂખસાના જ પ્રભાતની કથિત પ્રેમિકા છે કે નહીં, એ જાણવાનો પ્રયાસ કરે.’
‘ભલે... હું તેમને સૂચના આપી દઈશ.'
‘ઓ.કે.’ કહીને સંબંધ વિચ્છેદ કર્યા બાદ દિલીપે ટ્રાન્સમીટર યથા સ્થાને છૂપાવી દીધું.
*******
રાતનાં સાડા બાર વાગ્યા હતા. શેરેટોન હૉટલના ૩૨૦ નંબરનાં રૂમમાં થોડી પળો પહેલાં જ વાસનાનું તોફાન આવીને પસાર થઈ ગયું હતું.
અત્યારે અનવર તથા રૂખસાના, બંનેના ચહેરા પર પરમ તૃપ્તિના હાવભાવ છવાયેલા હતા. ‘અનવર.’ અચાનક રૂખસાના બોલી, ‘અત્યારે કોણ જાણે કેમ મને પ્રભાત રાઠોડની યાદ આવે છે.’
'કેમ? શું એ પણ મારી જેમ જંગલીપણું બતાવતો હતો ?'
‘ના. એવી વાત નથી.'
‘તો પછી ?’
‘વાત એમ છે કે, જ્યારે આપણી જાસૂસી સંસ્થાને પ્રભાત રાઠોડ તથા વિનાયક બેનરજી પર શંકા ઉપજી હતી, એ દિવસો મને યાદ આવે છે. એ બંનેની વાસ્તવિકતાનો તાગ મેળવવા માટે જ આપણને આ મિશન સોંપવામાં આવ્યું જે અંતર્ગત તું લશ્કરનો એક ઑફિસર બન્યો અને હું તારી પત્ની.' કહેતાં કહેતાં રૂખસાના ખડખડાટ હસી પડી.
'કેમ? તું હસે છે શા માટે?' અનવરે તેને ટોકતાં પૂછ્યું. કંઈ નહીં, મને અચાનક જ એક વાત યાદ આવી ગઈ.
‘કઈ વાત ?’
‘પ્રભાત સાથે પ્રેમનું નાટક ભજવતી વખતે મેં તેને એમ કહ્યું હતું કે મારો પતિ એટલે તે તું નપુંસક છો. તે ક્યારેય મને શારીરિક સુખનો સંતોષ નથી આપ્યું. હવે જો પ્રભાતને તારા જંગલીપણાની ખબર પડે તો એ બિચારાની શી હાલત થાય, એની કલ્પના કરીને મને હસવું આવે છે.’
રૂખસાનાની વાત સાંભળીને અનવર પણ ખડખડાટ હસી પડ્યો.
‘ગમે તે હોય.' છેવટે એ ગંભીર થતાં બોલ્યો, ‘ભારતનાં એ બંને જાસૂસો અત્યંત ચાલાક હતા, એટલું તો કબુલ કરવું જ પડશે. ભારતનાં જાસૂસો આટલી ચાલાકીથી પરમાણુ બૉંબ વિશેનાં દસ્તાવેજો તફડાવી જશે, એવી તો પાકિસ્તાનનાં કોઈ ઑફિસરે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.' ‘એક વાતનો મને હંમેશા અફસોસ રહેશે અનવર.’ રૂખસાનાએ ગંભીર અવાજે કહ્યું.
‘કઈ વાતનો ?’
જે દિવસે પ્રભાતે મને પોતાની વાસ્તવિકતા વિશે જણાવ્યું. જે દિવસે એણે મને વાકેફ કરી કે એના સિનિયર ઑફિસર વિનાયક બેનરજીએ પરમાણુ બોંબ અંગેનાં તમામ અગત્યના દસ્તાવેજો મેળવી લીધાં છે, એ દિવસે હું તેઓ બંનેને ઇસ્લામાબાદમાં જ દસ્તાવેજો સાથે પકડાવી ન શકી. જો એ બંને ત્યારે જ પકડાઈ ગયાં હોત તો આજે આપણે તથા આપણી સરકારને આટલા હેરાન-પરેશાન ન થવું પડત.'
‘તું સાચું કહે છે.’ અનવર સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલ્યો, ‘પરંતુ એમાં તારો પણ કંઈ વાંક નથી. તે તો એ બંનેને પકડાવવા માટે તારાથી બનતાં તમામ પ્રયાસો કર્યા જ હતા.’
'હા, એમાં કોઈ બે મત નથી.' રૂખસાનાએ વિષાદભર્યા અવાજે કહ્યું, ‘પ્રભાતની વાસ્તવિકતા તથા તેનાં અસલી મકસદ વિશે જાણ્યા પછી ઘડીભર તો મારો શ્વાસ થંભી ગયો હતો ! મારા પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હતી. એની અસલિયત જાણવા માટે જ તો મેં તને છૂટાછેટા બદલ મોટી રકમ આપવાનું નાટક ભજવ્યું હતું. મારું નાટક સફળ પણ થયું. પ્રભાતે મને બધા ભેદ જણાવી દીધા. આ ખતરનાક ભેદ પરથી પડદો ઊંચકાતાં જ હું તાબડતોબ કારમાં બેસીને આપણાં ચીફને મળવા નીકળી પડી હતી. પણ...' કહેતાં કહેતાં રૂખસાના પળભર માટે અટકી અને પછી આગળ બોલી, ‘એ દિવસે નસીબ પ્રભાતની તરફેણમાં હતું. હું ચીફ સુધી પહોંચું એ પહેલાં જ મારી કારનો ભયંકર ઍક્સિડેન્ટ થતાં હું બેભાન થઈ ગઈ અને ત્રણ દિવસ પછી ભાનમાં આવી. પરંતુ આ ત્રણ દિવસો દરમિયાન ઘણું ઘણું બદલાઈ ગયું. વિનાયક બેનરજી મૃત્યુ પામ્યો હતો અને પ્રભાત તમામ દસ્તાવેજો સાથે સહી સલામત ભારત પહોંચી ગયો હતો.' રૂખસાનાની વાત પૂરી થતાં જ રૂમમાં ઘેરી ચૂપકીદી છવાઈ ગઈ.
‘ચિંતા ન કર.’ અનવર રૂખસાનાનો ખભો થપથપાવીને તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘હજુ પણ કંઈ નથી બગડ્યું, બાજી આપણાં હાથમાં જ છે. તું જોઈ લેજે, પરમાણુ બૉંબનાં બધાં દસ્તાવેજો ફરીથી આપણાં કબજામાં આવી જશે.' રૂખસાના ધીમેથી માથુ હલાવીને રહી ગઈ.
**********
પીતાંબર ફરીથી એક વાર પાંચ નંબરની બૅરેકમાં પહોંચીને દિલીપને મળ્યો. ચોરી છૂપીથી મળવા આવવાની દિલીપે આપેલી સૂચનાનું તે બરાબર પાલન કરતો હતો.
જેલનાં કોન્સ્ટેબલો પાંચ નંબરની બૅરેક પાસેથી સહેજ આડા અવળા થયા કે તરત જ તે તાળું ઉઘાડીને અંદર ઘૂસી ગયો. અને દિલીપને લઈને બૅરેકનાં એક ખૂણામાં પહોંચ્યો.
‘શું વાત છે ?’ દિલીપે ધીમેથી પૂછ્યું, ‘શા માટે આવ્યો છે ?’ ‘તારે આખી જેલનું નિરીક્ષણ કરવું છે ને ?’ જવાબ આપવાને બદલે પીતાંબરે સામો સવાલ કર્યો. 'હા….'
‘મારા મગજમાં એક તરકીબ સૂઝી છે.' પીતાંબર આદત મુજબ પોતાની પૂળા જેવી મૂંછ પર હાથ ફેરવતાં બોલ્યો, ‘એ તરકીબ એવી છે તે તું આખી જેલનું નિરીક્ષણ પણ કરી શકીશ અને કોઈને સ્હેજેય શંકા પણ નહી ઉપજે.'
‘એવી તે કઈ તરકીબ સૂઝી છે તને ?' દિલીપે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું. પીતાંબર જેવા નમૂના પાસેથી એણે આ મુશ્કેલીનાં નિવારણની આશા નહોતી રાખી એટલા માટે જ તે ચમક્યો હતો.
‘સાંભળ...’ જાણે કોઈક ભેદ ઉજાગર કરતો હોય એમ પીતાંબર’ એકદમ ધીમેથી બોલ્યો, ‘બેલાપુરની જેલનો નિયમ છે કે જો કોઈ કેદી જેલના કોઈ અધિકારી પર હાથ ઉપાડે તો તેને એક વજનદાર પથ્થર ઉંચકીને આખી જેલને બે ચક્કર મારવાની સજા ફટકારવામાં આવે છે.'
‘પછી ?’
‘પછી, શું? જરા વિચાર... જો આ સજા તને મળે, તો તારી મુશ્કેલી આપોઆપ જ દૂર થઈ જશે. આ સજાની આડમાં તું આખી જેલનું અવલોકન કરી શકીશ... જેલની એક એક ચીજને નજીકથી નિરખી શકીશ અને કોઈને તારા પર સ્ટેજે ય શંકા પણ નહીં ઉપજે. સજા ભોગવવાની આડમાં તું કેટલો દાવ રમી ગયો છો, એની કોઈને ગંધ સુધ્ધાં નહીં આવે.'
પીતાંબરની વાત સાંભળીને દિલીપની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ. પીતાંબરને છાતી સરસો ચાંપીને તેની પીઠ થપથપાવવાનું તેને મન થયું. પીતાંબરે ખરેખર એક જટિલ સમસ્યાનો અદ્ભુત ઉકેલ શોધ્યો હતો.
‘શંકર.’ પીતાંબર ગર્વભર્યા અવાજે બોલ્યો, ‘જેલનાં કોઈ પણ અધિકારી સાથે અથડામણમાં ઉતરવાનું કામ કંઈ મુશ્કેલ નથી. ગમે ત્યારે, ગમે તેને હડફેટમાં લઈ લે. જેલનો અધિકારી બહુ બહુ તો શું કરશે? સજા ફરમાવશે. સજા મેળવવા માટે જ તો તારે આ નાટક ભજવવાનું છે. હું સાચું કહું છું ને?'
‘હા...’ દિલીપે ખુશખુશાલ અવાજે કહ્યું, ‘તારી વાત બિલકુલ સાચી છે. પણ એક વાત મને મૂંઝવે છે.'
‘કઈ વાત ?’
'મારે હડફેટમાં કયા અધિકારીને લેવો ?'
‘લે, કર વાત !' પીતાંબર ઠાવકા અવાજે બોલ્યો, ‘અરે માણસ, હું છું ને. એકદમ રેડીમેડ. તૈયાર માલ. તારી મરજી પડે ત્યારે મને હડફેટમાં લઈ લેજે, મારી સાથે અથડામણમાં ઉતરવામાં બીજું જોખમ પણ નથી. બીજો અધિકારી તો કદાચ સજા ફરમાવતાં પહેલાં ક્રોધે ભરાઈને તને મારઝૂડ પણ કરશે. તું જેલના બે ચક્કર મારી શકે, એવી હાલતમાં કદાચ તને ન પણ રાખે. એથી વિપરિત મારી પાસે એવું કોઈ જોખમ નથી. જોખમને બદલે સજાની ખાતરી જ છે.'
‘હા, એ તો છે.’
‘મારી બસ, તને એક વિનંતી છે.'
‘શું ?'
‘મને હડફેટમાં લેતી વખતે તાકાત થોડી ઓછી વાપરજે.' પીતાંબરનું કથન સાંભળીને દિલીપનાં હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.
‘હું પહાડસિંહ જેવો અખાડાનો પહેલવાન નહીં, પણ સિંગલ સિલીન્ડર, પાપડ તોડ પહેલવાન છું.’ પહાડસિંહે તો તારો માર સહન કરી લીધો. બસ, આખી રાત વેદનાથી કણસીને પોતાનાં આગલાં- પાછલાં વડીલોને યાદ કરતો હતો. હું તો એક આંચકો પણ સહન નહીં કરી શકું. સીધો સ્વર્ગે સિધાવી જઈશ.
'હું બિલકુલ બેફિકર રહે.' દિલીપે એના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘હું એવું કશુંય નહીં કરું.'
‘થેંક યૂં.’ પીતાંબર આભારવશ અવાજે બોલ્યો, ‘તું બરાબર સમજી-વિચારીને પગલું ભરી શકે, એટલા માટે હું એક વાત અગાઉથી જ તને જણાવી દેવા માંગુ છું.'
'કઈ વાત?’
વજનદાર પથ્થર ઉંચકીને જેલનાં બે ચક્કર મારવાની જે સજા વિશે મેં તને જણાવ્યું છે, એ કોઈ મામૂલી નહીં, પણ આ જેલની સૌથી વધુ ખતરનાક સજા ગણાય છે. કઠોર કલેજાનાં કેદીઓ તથા અપરાધીઓ પણ આ સજાથી ગભરાય છે અને એનાથી દૂર રહેવામાં જ પોતાનું કલ્યાણ માને છે.'
' કેમ? એવું તે શું છે આ સજામાં ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.
સૌથી પહેલાં તો એટલું સમજી લે કે બેલાપુરની આ જેલ કોઈ નાની જેલ નથી. અન્ય મોટી જેલોની માફક આ જેલ પણ કેટલાંય એકર જમીનમાં વિસ્તરેલી છે. આખી જેલના બે ચક્કર મારવાનું કામ બચ્ચાંનાં ખેલ નથી. ગમે તેવો દોડવીર પણ બે ચક્કર મારતાં હાંફી જાય તેમ છે. અને તું તો સાધારણ માણસ છો. તને તો દોડવાનો કોઈ મોટો અનુભવ પણ નથી, કેદીએ વજનદાર બેલું ઊંચકીને દોડવાનું હોવાને કારણે આ સજા વધુ ભયંકર બની જાય છે.'
બેલાનું વજન અંદાજે કેટલું હોય છે ?'
‘લગભગ વીસ કિલો.'
‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.
‘ભાઈ, શંકર.’ આ વખતે પીતાંબર સહેજ કંપતા સાદે બોલ્યો, ‘આજ સુધી કોઈ કેદી બેલું ઊંચકીને જેલનાં બે ચક્કર પૂરાં નથી કરી શક્યો. ચક્કર મારતી વખતે રસ્તામાં જ ગબડી પડ્યો છે. અને આ રીતે ગબડી પડવાથી એ કેદી માટે વધુ મુશ્કેલી ઊભી કરે છે.'
‘કેમ ?’
‘એટલા માટે કે એ સંજોગોમાં સજાને બદલે કેદીને ડંડાના પચાસ ફટકા ઝીંકવામાં આવે છે. પોલીસ ડંડાના પચાસ ફટકા શું ચીજ છે, એ તો તું જાણતો જ હોઈશ. માણસને પચાસ વાર લોખંડનાં મોટાં વેલણ નીચે દબાવીને બહાર કાઢવામાં આવ્યો હોય, એવી હાલત એની થઈ જાય છે. પચાસ ફટકા પડ્યા પછી તે જીવતો છે કે પરલોક સિધાવી ગયો છે, એની પણ ખબર નથી પડતી. એ ઘડિયાળનાં લોલકની જેમ જિંદગી અને મોતની વચ્ચે ઝૂલતો હોય છે.’
‘ખેર, બીજું કંઈ?’
'ના... અત્યારે તો આટલી જ વાત છે.' તેં મને આ બધું જણાવી દીધું, એ સારું જ કર્યું છે વાંધો નહીં, જે હોય તે. હું આ તમામ મુશ્કેલીઓ ભોગવવા માટે તૈયાર છું.'
‘બરાબર વિચારી લે.’ અત્યારે તો આ માત્ર મોઢાંનાં જ દાળ- વડા છે.’
'મેં બરાબર વિચારી લીધું છે.' દિલીપ નિર્ણયાત્મક અવાજે બોલ્યો, ‘આ બધી મુશ્કેલીઓ કરતાં જેલનું નિરીક્ષણ કરવાનું મારે માટે વધુ અગત્યનું છે. અને નિરીક્ષણ કરવા માટે તારી તિડકમ શાનદાર છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તારી યુક્તિનાં અમલ માટે હું એકદમ તૈયાર છું.'
'તો તે અથડામણમાં ઉતરવાનું નક્કી કરી જ લીધું છે એમ ને?'
‘હા...’
‘ઠીક છે.’
પીતાંબરે ટટ્ટાર થઈને પોતાની મૂંછ પર હાથ ફેરવ્યો, ‘તો કાલે બપોરે જમવાનાં સમયે મુલાકાત હશે. યુક્તિ મુજબ વખતે તું મને હડફેટમાં લઈ લેજે.'
‘ભલે.’
ત્યાર બાદ પીતાંબર આવ્યો હતો, એ જ રીતે ચોરી છૂપીથી વિદાય થઈ ગયો. આગામી દિવસ ખૂબ જ અગત્યનો હતો.
દિલીપની એક એક મિનિટ ખૂબ જ બેચેનીથી વિતતી હતી. બપોરે મેસનો એક માણસ જમવાનું પીરસવા માટે બૅરેકમાં આવ્યો. એણે દાળનું એક મોટું તપેલું તથા રોટલાં ટ્રોલી પર મૂક્યા હતા અને તે ટ્રોલી ધકેલતો ધકેલતો બૅરેકમાં પ્રવેશ્યો હતો. એનું આગમન થતાં જ કેદીઓ લાઈનસર ઊભા રહી ગયા.
દિલીપ પણ લાઈનમાં ઊભો હતો.
મેસનો માણસ એક પ્લેટમાં દાળ તથા રોટલા મૂકીને, એક પછી એક કેદીઓને આપવા લાગ્યો.
એણે દસ-બાસ કેદીઓને પ્લેટ આપી હતી ત્યાં જ યોજના મુજબ પીતાંબર બૅરેકમાં પ્રવેશ્યો અને કેદીઓની લાઈન પાસે આંટા મારવા લાગ્યો. દિલીપ કેદીઓની લાઈનમાં ઘણો પાછળ ઊભો હતો.
થોડી પળો પછી એકાએક તે લાઈનમાંથી બહાર નીકળ્યો અને
સીધો ટ્રોલી પાસે જઈને ઊભો રહ્યો. ‘એય...’ મેસનો કર્મચારી જોરથી તાડૂક્યો,
'લાઈનમાંથી શા માટે બહાર નીકળ્યો ?'
‘શંકર-ક્યારેય કોઈ વસ્તુ માટે આટલી રાહ નથી જોતો.' દિલીપ
દાદાગીરી કરતાં બોલ્યો, ‘ચાલ, ચૂપચાપ ફટાફટ મારી પ્લેટ આપી દે.'
‘એમ, વચ્ચેથી અહીં કોઈને જમવા નથી મળતું.’
મેસનો કર્મચારી પૂર્વવત્ અવાજે તાડૂક્યો, પ્લેટ હોય તો પાછો જઈને લાઈનમાં ઊભો રહી જા.'
‘અને જો હું લાઈનમાં પાછો ન જાઉં તો?’
'તો આજે તને જમવાનું નહી મળે. તારે ભૂખ્યા જ દિવસ કાઢવો પડશે સમજ્યો ?’
‘હરામખોર.’કહેતાં કહેતાં અચાનક જ દિલીપે મેસનાં કર્મચારીનો કાંઠલો પકડી લીધો, ‘શંકરને જમવાનું આપવાની ના. પાડે છે? મને ભૂખ્યા રહેવાનું કહે છે? તારી જિંદગીનાં દિવસો પૂરાં થઈ ગયાં લાગે છે. ચોક્કસ તારું મોત ગંધાય છે.'
ત્યાર બાદ એણે કર્મચારીને ઝાપટ મારવા માટે હવામાં હાથ વિંચો. પરંતુ તે સફળ થાય એ પહેલાં જ પીતાંબરે દોડીને તેનો હાથ પકડી લીધો.
- ‘એય.’ એણે પોતાની ભૂમિકા ભજવતાં જોરથી બૂમ પાડી,
‘આને શા માટે મારે છે ?'
‘તું આંધળો છે કે શું?' દિલીપે ડોળા તતડાવીને પીતાંબર સામે જોતાં હિંસક અવાજે કહ્યું, ‘આ પાજીએ મને જમવાનું આપવાની ના પાડી એ તને ન દેખાયું ?'
‘એણે સાચી રીતે જ ના પાડી છે. જમવાનું જોઈતું હોય તો જઈને લાઈનમાં ઊભો રહી જા. અને નિયમ તથા સિદ્ધાંત મુજબ માંગ. તારો વારો આવશે ત્યારે તને મળી જશે.'
‘સાલ્લા.’ દિલીપે ઉશ્કેરાટથી તાડૂકતાં મેસનાં કર્મચારીનો કાંઠલો છોડીને પીતાંબરનો કાંઠલો પકડી લીધો, 'સિદ્ધાંતનાં પૂછડાં, મને સિદ્ધાંતના પાઠ ભણાવે છે ! અમારી અપરાધની દુનિયામાં સિદ્ધાંતો અને નિયમો હંમેશા તૂટવા માટે જ બનતા હોય છે સમજ્યો ?' વાત પૂરી કરતાંની સાથે જ એણે પીતાંબરનાં ગાલ પર ઉપરા ઉપરી બે તમાચાં ઝીંકી દીધા.
અલબત્ત, તમાચા બહુ જોરથી ન લાગે, એ વાતનું એણે ખાસ ધ્યાન રાખ્યું હતું.
પીતાંબર ઉછળીને કેદીઓની લાઈન પર જઈ પડ્યો. પીતાંબરની ધોલાઈથી વાતાવરણમાં સનસનાટીનું સામ્રાજ્ય છવાઈ ગયું.
ગમે તેમ તોય જેલનો વૉર્ડન હતો. એક મોટો અધિકારી હતો. પીતાંબરને તમાચા ઝીંક્યા બાદ દિલીપ નાટકીય ઢબે તેની તરફ આગળ વધ્યો પરંતુ બે-ત્રણ સિપાહીઓએ દોડીને વચ્ચેથી જ તેને પકડી લીધો.
તેમનામાંથી એક સિપાહી જરૂર કરતાં વધુ ખતરનાક હતો.
ક્રોધે ભરાઈને એ પોતાનો ડંડો ઉગામીને દિલીપ પર તૂટી પડયો.
પીતાંબરની ધોલાઈએ વધુ પડતો રંગ બતાવ્યો હતો.
કોઈ કેદીએ, કોઈ અધિકારી પર હાથ ઉપાડ્યો હોય.
એવો બનાવ બેલાપુરની જેલમાં ઘણા દિવસો પછી બન્યો હતો. જેલર પણ સમાચાર મળતાં જ પાંચ નંબરની બૅરેકમાં દોડી આવ્યો.
તે આશરે ચાલીસેક વર્ષનો સ્ફૂર્તિલો ઑફિસર હતો.
સિપાહીઓએ હજુ પણ મજબૂતીથી દિલીપને પકડી રાખ્યો હતો.
'આ શું માંડ્યું છે?' જેલરે આવતાવેંત તાડૂકડતાં પૂછ્યું,
‘સર... !' દિલીપ ડંડા વરસાવી રહેલો સિપાહી પીઠ ફેરવીને જેલર સામે જોતાં બોલ્યો, ‘આ નાલાયકે હમણાં વૉર્ડન સાહેબને ગાળો આપીને મારકૂટ કરી છે.'
‘પ્રેમ ?' જેલરે કઠોર અવાજે પૂછ્યું, ‘મારકૂટ શા માટે કરી?'
‘સર.' પીતાંબર રોષથી તમતમતા અવાજે બોલ્યો, ‘આ કેદી જેલનાં નિયમનું ઉલ્લંઘન કરતો હતો. લાઈનમાંથી બહાર નીકળીને વચ્ચેથી જમવાનું માંગતો હતો. મેં તેને જેલનો નિયમ સમજાવીને અટકાવવાનો પ્રયાસ કર્યો તે એ મને ગાળો ભાંડીને મારકૂટ કરવા લાગ્યો.'
‘શું નામ છે આ પાજીનું ?' કહેતાં કહેતાં જેલરની આંખોમાં ક્રોધની લાલિમા ઉતરી આવી.
'શંકર...'
આ એ જ શંકર છે કે જેને પહેલાં બે નંબરની બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને જેણે પહાડસિંહને પણ મારઝૂડ કરી હતી ?'
‘હા... આ એ જ શંકર છે...'
‘ઓહ...' જેલર કાળઝાળ રોષથી દાંત કચકચાવતો દિલીપ તરફ આગળ વધ્યો, ‘તો આ નંગ એ જ છે ને? આ પાજીના શરીર પર દાદાગીરીની ચરબી ચડી ગઈ હોય એવું લાગે છે. એના મગજમાં ગુંડાગીરીનું ભૂત ઘૂસી ગયું લાગે છે. આની ચરબી હવે ઉતારવી જ પડશે. આ બેલાપુરની જેલ છે અને આ જેલના નામથી જ ભલભલા અપરાધીના છક્કા છૂટી જાય છે એ તેને બતાવવું જ પડશે.’
પછી દિલીપની નજીક પહોંચીને એણે રોષભેર એનાં ગાલ પર બે સાસણતાં તમાચા ઝીંકી દીધાં.
તમાચા એટલા જોરદાર હતા કે એનો અવાજ બૅરેકના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ગુંજી ઊઠ્યો.
‘શંકર.’ તે એક એક શબ્દ પર ભાર મૂકતો કર્કશ અવાજે બોલ્યો, ‘તે વૉર્ડનને જે ઈનામ આપ્યું હતું, એ જ ઈનામ મેં તને પાછું આપ્યું છે.
હવે તારે એ ઈનામનું વ્યાજ પણ ચૂકવવું પડશે.
એ વ્યાજનાં રૂપમાં તને સજા થશે, તારે વજનદાર બેલું ઊંચકીને આખી જેલનાં બે ચક્કર મારવા પડશે.
જેલરની વાત સાંભળીને દિલીપનાં હોઠ પર રમતિયાળ સ્મિત ફરકવા લાગ્યું. આટલો માર સહન કર્યા પછી પણ એની આંખોમાં વિજયની ચમક પથરાઈ ગઈ હતી.
- પછી શરૂ થયો સજાનો અમલ.
– એ સજા, કે જેનાં નામથી જ ખૂંખાર કેદીઓ પણ ધ્રુજી ઊઠતાં હતા. જ્યારે દિલીપ તો પેલાં ક્રોધિત સિપાહીના ઇંડાનો માર પણ સહન કરી ચૂક્યો હતો. જો દિલીપનાં સ્થાને બીજો કોઈ કેદી હોય તો માત્ર ડંડાના મારથી જ હૉસ્પિટલમાં પહોંચી ગયો હોત, એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. પરંતુ પોતાનાં મિશનની સફળતા માટે દિલીપ ગમે તે સજા ભોગવવા માટે તૈયાર હતો. એનાં દઢ મનોબળ સામે તો આવા મારની કોઈ વિસાત નહોતી. એણે વજનદાર બેલું ઊંચક્યું અને પછી જેલની પરિક્રમા શરૂ કરી દીધી.
યોજના મુજબ તે જેલની એક એક વસ્તુને બારીકાઈથી નિરખતો જતો હતો.
એણે જેલની કંપાઉન્ડ વોલને ખૂબ જ ધ્યાનથી જોઈ. કંપાઉન્ડ વૉલ લગભગ સીત્તેર ફૂટ ઊંચી હતી. કંપાઉન્ડ વૉલને છેડે લોખંડની કાંટાળી જાળી હતી. આ જાળીમાં જરૂર ચોવીસેય કલાક ઇલેક્ટ્રિક કરંટ વહેતો હશે, એની દિલીપને પૂરી ખાતરી હતી. આખી જેલમાં સલામતીની જડબેસલાક વ્યવસ્થા હતી. ઠેક ઠેકાણે શસ્ત્ર સિપાહીઓ ચોકી કરતા હતા.
દિલીપે આ જેલમાં એક વાતની ખાસ નોંધ લીધી, જેલની બરાબર વચ્ચે ચાલીસેક ફૂટ ઊંચો ટાવર બનેલો હતો. જેમાં ચાર સિપાહીઓ ચારેય દિશામાં રાયફલ તાકીને ઊભા હતા. તેમનાં ગળામાં જરૂર પડ્યે દૂર સુધી નજર કરી શકાય, એ માટે શક્તિશાળી દૂરબીનો પણ લટકતાં હતા.
આ ઉપરાંત ટાવરના ગુંબજ પર એક મોટી સર્ચ લાઈટ હતી, જે અત્યારે બંધ હતી. પરંતુ રાત્રે આ સર્ચ લાઈટ ચાલુ થઈ જતી હતી અને વર્તુળાકારે ફરીને જેલમાં ચારે તરફ પ્રકાશ વેરતી હતી, એ વાત દિલીપ જાણતો હતો. દિલીપ વજનદાર બેલું ઊંચકીને દોડવાની સાથે સાથે જેલનો નકશો પણ યાદ રાખતો જતો હતો.
એણે જેલમાં અનેક આશ્ચર્ય ચકિત કરી મૂકનારી વસ્તુઓ જોઈ. સલામતીની ઘણી વ્યવસ્થાઓ જોઈ. એ દોડતો જ રહ્યો. દોડતો જ રહ્યો.
એ દિવસે બેલાપુરની જેલમાં એક નવો ઇતિહાસ રચાયો. પહેલી જ વાર કોઈએ આટલું વજનદાર બેલું ઊંચકીને જેલના બે ચક્કર પૂરા કર્યા હતા.
સજા પૂરી થયા પછી બૅરેકમાં પહોંચીને દિલીપ ધમ કરતો પોતાના ચબૂતરા પર ફસડાઈ પડ્યો. સતત દોડવાને કારણે એની પીંડી દુખતી હતી અને છાતીમાં પણ સહેજ દુખાવો થતો હતો. પ્રભાત એની પાસે આવીને ઊભો રહ્યો. દિલીપે એની સામે જોઈને સ્મિત રેલાવવાનો ઉપક્રમ કર્યો પરંતુ ઘણા પ્રયાસો પછી પણ એનાં હોઠ પર સ્મિત ન આવ્યું.
'તુ નકામી આટલી મહેનત કરે છે શંકર' પ્રભાત સહાનુભૂતિ દાખવતાં બોલ્યો, 'તારી મહેનત સફળ નહીં થાય, એની મને ખબર છે.’
દિલીપ ચૂપ રહ્યો.
‘આજે તારી સાથે જે કંઈ બન્યું, એનો મને ખૂબ જ અફસોસ છે.’ પ્રભાતે એની બાજુમાં ચબૂતરા પર બેસતાં ધીમા અવાજે કહ્યું, છેવટે તો તું આ બધું મારે ખાતર જ... મારા છૂટકારા માટે જ કરે છે.'
‘ના...’ દિલીપ ફિક્કું હાસ્ય કરતાં બોલ્યો, ‘હું તારે માટે આ બધું નથી કરતો.'
'તો પછી કોને માટે કરે છે ?' પ્રભાતે નર્યા અચરજથી તેની સામે જોતાં પૂછ્યું. પૈસા માટે. રોકડા માટે.' દિલીપ ધીમા પણ સ્પષ્ટ અવાજે બોલ્યો, ‘તને અહીંથી છોડાવવાનાં બદલામાં મને બહુ મોટી રકમ મળવાની છે, એ તો તું જાણે જ છે.'
‘તું આના અર્થહિન સપનાં શા માટે જુએ છે શંકર ?' કહેતાં કહેતાં પ્રભાતે બંને હાથે પોતાનું માથું પકડી લીધું, ‘તુ સમજતો કેમ નથી કે તારું આ સપનું ક્યારેય સાકાર નહીં થાય.’ આ અશક્ય કામ છે.
‘દોસ્ત.’ દિલીપનાં હોઠ પર પહેલી વાર મોકળું સ્મિત ફરક્યું. ‘હું તો બધું સમજું છું પણ એક વાત તું હજુ સુધી નથી સમજ્યો.'
‘હું ?'
‘હા, તું.’
‘હું વળી કઈ વાત નથી સમજ્યો ?' પ્રભાતના અવાજમાં
મૂંઝવણનો સૂર હતો. ‘એ જ કે કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બતાવવાની મને આદત છે. મારી પ્રકૃતિ છે. મારી ડાયરીમાં... મારા મગજમાં કે મારી બુદ્ધિમાં ક્યાંય અશક્ય નામનાં શબ્દની એન્ટ્રી જ મેં નથી પડવા દીધી.
પ્રભાત નર્યા અચરજથી દિલીપના ચહેરા સામે તાકી રહ્યો. આટલી આટલી મુશ્કેલીઓ વેઠ્યા પછી પણ એ નહોતો તૂટ્યો કે નહોતો હિંમત હાર્યો.
એનામાં હજુ પણ પહેલાં જેટલું જ જોશ હતું. ધગશ હતી. હિંમત ને દિલેરી હતી. થોડી પળો બાદ આશ્ચર્ય શમ્યા પછી એણે ચબૂતરાના ખૂણામાં જમવાની પ્લેટ ઊંચકીને દિલીપની સામે મૂકી, ‘લે... જમી લે...' બપોરે પણ તારે ભૂખ્યા રહેવું પડ્યું હતું. આ ત્યારે તો તને થાક પણ લાગ્યો હશે.'
પ્લેટ જોતાં જ દિલીપની ભૂખ એકદમ ઊઘડી ગઈ. એ ચબૂતરા પર બેઠો અને રીતસર પ્લેટ પર તૂટી પડ્યો. જમીને પાણી પીધા પછી એ ઘણી રાહત અનુભવવાં લાગ્યો. એનામાં એક નવી જ સ્ફૂર્તિનો સંચાર થયો હતો.
રાત્રે ફરીથી એ બંને ભેગાં થયા.
બૅરેકમાં સ્મશાનવત્ સન્નાટો છવાયેલો હતો.
બંને સિગારેટ ફૂંકતા ધીમા અવાજે વાતો કરતા હતા.
‘પ્રભાત.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘એક વાત તો અત્યાર સુધીમાં બરાબર સમજી ચૂક્યો છુ કે સડકના માર્ગે આ જેલમાંથી ફરાર થઈ શકાય તેમ નથી.'
'પ્રેમ?'
‘એટલા માટે કે એ માર્ગેથી ફરાર થવામાં સિપાહીઓ કરતાં ડઝનબંધ શિકારી કૂતરાઓનું વધુ જોખમ છે. એક વાર કોઈ માણસ આ કૂતરાંની હડફેટમાં આવે તો પછી એનાં બચવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો. પછી તો એનાં નસીબમાં મોતની સોડ જ હશે. આ શિકારી કૂતરાંને પહોંચી વળવાની યોજના બનાવવાનું કામ પણ ખૂબ જ કપરું છે.' પ્રભાત ચૂપચાપ સિગારેટના કશ ખેંચતો રહ્યો.
‘આ જ સ્થિતિ કળણનાં માર્ગની છે.' એને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો, ‘એ માર્ગેથી પણ ફરાર થઈ શકાય તેમ નથી, અત્યાર સુધીમાં એ કળણ વિશે મને જે કંઈ સાંભળવા મળ્યું છે, તેનાં પરથી સહેજેય અનુમાન કરી શકાય છે કે એક વાર કળણમાં ફસાયા પછી માણસનું મોત નિશ્ચિત છે. અને કોઈ માણસ કળણનાં માર્ગેથી ફરાર થવાનો પ્રયાસ કરે, અને તેમાં ન ફસાય, એવું તો બને જ નહીં. હવે આ સંજોગોમાં ફરાર થવા માટે એક જ માર્ગ બાકી રહે છે. અને એ છે નદી તરફનો માર્ગ.
‘શંકર.’ પ્રભાતના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઉતરી આવ્યું. ‘તું સમજે છે શું?’
શું નદીના માર્ગેથી ફરાર થવાનું સહેલું છે? ત્યાં મોતની જાળ પથરાયેલી નથી? બલ્કે હું તો એમ જ કહીશ કે સડક તથા કળણ કરતાંય ફરાર થવા માટે નદીનો માર્ગ વધુ જોખમી અને ખતરનાક છે. નદીમાં એવાં ખૂંખાર જળચરો વસે છે કે કોઈ પણ સંજોગોમાં તેમનાંથી બચી શકાય તેમ નથી. આ જળચરો માણસનો કોળિયો કર્યા વગર નથી રહેતા. ખૂંખાર આતંકવાદી ત્રિલોચનનાં અંજામને તું ભૂલી ગયો લાગે છે.’
‘ના...’ દિલીપે સિગારેટનો કશ ખેંચીને ધીમેથી નકારમાં માથું
હલાવતાં કહ્યું, ‘હું કશુંય નથી ભૂલ્યો.'
તો તો પછી તને એ પણ યાદ હશે કે.’ પ્રભાત એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘ત્રિલોચને આ જેલમાંથી ફરાર થવા માટે નદીનો જ માર્ગ પસંદ કર્યો હતો. સુરંગ ખોધ્યા પછી એણે નદીમાં ઝંપલાવ્યું હતું. પણ એનો અંજામ શું આવ્યો ?’ નદીમાં પડતાં જ એક દૈત્યાકાર મગરમચ્છ એનો કોળિયો કરી ગયો. આપણાં બંનેનો અંજામ પણ એવો જ આવે એમ શું તું ઇચ્છે છે?’
‘ના...’ દિલીપે ચબૂતરાની નીચે સિગારેટની રાખ ખંખેરતાં કહ્યું, ‘આપણો અંજામ એવો નહીં આવે.'
‘કેમ ? શા માટે નહીં આવે ? શું એ નરભક્ષી જળચરો આપણા પાળેલા છે કે આપણને એમ ને એમ સહી સલામત જવા દેશે? પ્રભાતનાં અવાજમાં કટાક્ષનો સૂર હતો.
‘તારો સવાલ મજાનો છે.' એના કટાક્ષ પ્રત્યે આંખ આડા કાન કરતાં દિલીપ બોલ્યો, ‘પરંતુ તું મારી યોજના સાંભળીશ એટલે આપો આપ જ તને તારા સવાલનો જવાબ મળી જશે.'
‘શું છે તારી યોજના ?’
'વાત એમ છે કે ત્રિલોચન તથા આપણા સંજોગો ને આપણી પરિસ્થિતિ વચ્ચે બહુ મોટો ફર્ક હશે.'
'ફર્ક ?'
‘હા... બહુ મોટું અંતર હશે.
‘કેવું અંતર ?’
‘ત્રિલોચને નદીનાં માર્ગે ફરાર થવાનો પ્રયાસ કર્યો, ત્યારે નદીનાં વસતા નરભક્ષી જળચરોને પહોંચી વળવા માટે તેમનો સામનો કરવા માટે એની પાસે કોઈ હથિયાર નહોતું. તે નિઃશસ્ત્ર હતો અને એટલા માટે જ મગરમચ્છ એનો કોળિયો કરી ગયો. બાકી જો ત્રિલોચન પાસે ઘાતક હથિયાર હોત તો પરિણામ કંઈક જુદું જ આવત એમ હું માનું છું. એ સંજોગોમાં ત્રિલોચન મગરમચ્છનો કોળિયો બનવાને બદલે મગરમચ્છ જ એના ઘાતક હથિયારનો ભોગ બનીને મોતને ઘાટ ઉતરી ગયો હોત.'
‘તો અહીંથી નદીનાં માર્ગે ફરાર થતી વખતે આપણી પાસે નરભક્ષી જળચરોનો મુકાબલો કરવા માટે ઘાતક હથિયાર હશે, એમ તું કહેવા માંગે છે?'
‘હા... દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ઉત્સાહભેર બોલ્યો, ‘આપણી પાસે હથિયારો ઉપરાંત નદી પાર કરવા માટે મોટર બોટ પણ હશે.’
‘મોટરબોટ ?’ પ્રભાતે નર્યા અચરજથી પૂછ્યું.
‘હા.’
‘પણ આ બધી ચીજ-વસ્તુઓની વ્યવસ્થા કોણ કરશે ?'
‘ગણપત કરશે.’
‘ગણપત ?’
‘હા... ગણપત પૈસાદાર અને દરેક રીતે સાધન-સંપન્ન છે. એને માટે ના બધી વસ્તુઓની વ્યવસ્થા કરવી કોઈ મોટી વાત નથી. આ દુનિયામાં પૈસા ખર્ચવાથી બધું જ મળી જાય છે અને ગણપત પાસે પૈસાની કોઈ કમી નથી. તે એક રૂપિયાની જગ્યાએ જરૂર પડે તો હજાર પણ ખર્ચી શકે તેમ છે.'
દિલીપની વાત સાંભળીને પ્રભાતની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ.
‘અત્યારે તો મને આમાં એક જ મુશ્કેલી દેખાય છે.' દિલીપે સિગારેટનો અંતિમ કશ ખેંચી, તેનાં ઠૂંઠાને ચબૂતરા સાથે મસળીને બૂઝવતાં કહ્યું.
‘કંઈ મુશ્કેલી?’
'એ જ કે આપણે જેલમાંથી નીકળીને નદી સુધી કેવી રીતે પહોંચીશું ?'
‘એમાં વળી શું મુશ્કેલી છે. આપણે જગ્ગવાળી યુક્તિનો અમલ કરીને નદી સુધી પહોંચી શકીએ તેમ છીએ. એની યુક્તિ શાનદાર તથા એકદમ સહેલી હતી. તે ઍન્કર ફીટ કરેલ લાંબુ દોરડું લોખંડનાં તારમાં ભેરવાવીને જેલની દીવાલ સુધી પહોંચ્યો હતો, એ તો તને યાદ જ હશે. દીવાલ પર પહોંચ્યા પછી તે બીજી તરફ કૂદી પડ્યો હતો. બધું એકદમ સહેલું છે. એ કામ આપણે પણ કરી શકીએ તેમ છીએ. ફર્ક માત્ર એટલો જ હશે કે જગ્ગુએ કળણમાં છલાંગ લગાવી હતી અને આપણે નદીમાં છલાંગ લગાવીશું. આ ઉપરાંત એક બીજી વાત પણ આપણી તરફેણમાં છે.'
‘કઈ વાત ?’
‘જગ્ગુને તો જેલમાં ઍન્કરવાળા દોરડાની વ્યવસ્થા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હશે જ્યારે પીતાંબરની મદદથી આપણું આ કામ તો ખૂબ જ સરળતાથી પતી જાય તેમ છે.’
‘તું સાચું કહે છે. દિલીપ બોલ્યો, ‘આપણું આ કામ સહેલાઈથી પતી જશે. આપણે જગ્ગુ કરતાં વધુ સહેલાઈથી આ સગવડતા મેળવી શકીશું. પરંતુ તેમ છતાંય આ યુક્તિનો અમલ કરીને આપણે જેલમાંથી બહાર નીકળી શકીએ તેમ નથી.'
‘કેમ?'
એટલાં માટે કે જગ્ગુ આ યુક્તિ અજમાવી ચૂક્યો છે. અને આ યુક્તિ જૂની થઈ ગઈ છે. ટાવર પર ઊભેલા ગાર્ડસ, જગ્ગુવાળા બનાવ પછી જેલી દીવાલો પર ખાસ નજર રાખતા કરો એમ હું માનું છું. બલ્કે ફરીથી કોઈ એ બનાવનું પુનરાવર્તન ન કરી શકે એ માટે જેલરે તેમને ખાસ સૂચના આપી હશે. એટલે મારો દાવો છે કે જગ્ગુ ભલે આ સરળ યુક્તિનો અમલ કરીને જેલમાંથી બહાર નીકળી ગયો, પણ આપણે નહીં નીકળી શકીએ. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જગ્ગવાળો બનાવ બન્યો, એ પહેલાં કોઈ કેદી આવી જાતની હિંમત દાખવશે, એવી કલ્પના જેલમાં સુરક્ષા કર્મચારીઓએ નહીં કરી હોય. પણ હવે બધાને ખબર છે. સૌ જાણે છે કે બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે આ જાતનો પ્રયાસ પણ થઈ શકે છે. આ સંજોગોમાં જો આપણે જગ્ગવાળી યુક્તિ અજમાવીશું તો ચોક્કસ જ પકડાઈ જશું, એમાં શંકાને કોઈ સ્થાન નથી.'
દિલીપની દલીલમાં ખરેખર વજુદ હતું. એનાં તર્કથી પ્રભાત ખૂબ જ પ્રભાવિત થયો હતો.
‘પ્રભાત.’ દિલીપ ફરીથી બોલ્યો, 'જેલમાંથી બહાર નીકળવા માટે આપણે કોઈક નવી જ અને અનોખી યોજના બનાવવી પડશે.
અગાઉ કોઈને પણ ન સૂઝી હોય, એવી સોલીડ યોજના.'
‘એવી યોજના તો કેમ બનાવીશું?' પ્રભાતનાં અવાજમાં મૂંઝવણનો સૂર હતો.
‘યોજના બનાવવામાં પીતાંબર આપણને કંઈક મદદ કરી શકશે એમ હું માનું છું. આપણે આ બાબતમાં એની સાથે વાત કરવી પડશે...
ત્યાર બાદ થોડી વાર આ જ બાબતમાં વાતો કર્યા પછી તેઓ પોત-પોતાનાં ચબૂતરા પર આડા પડ્યા. પ્રભાતને તો તરત જ ઊંઘ આવી ગઈ.
પરંતુ દિલીપ કેટલીયે વાર સુધી નવી નવી યોજના વિચારતો રહ્યો હતો.
********