સૈલાબ - 12 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૈલાબ - 12

૧૨ : મોતની સફર... !

અનવર તથા રૂખસાના ગણપત પાટીલનાં બંગલે પહોંચ્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. અત્યારે ક-સમયે એ બંનેને આવેલાં જોઈને ગણપતના આશ્ચર્યનો પાર ન રહ્યો.

'શું વાત છે બોસ...?' એણે ડધાયેલાં અવાજે પૂછ્યું, ‘આટલી મોડી રાત્રે શા માટે આવવું પડ્યું...? મને ફોન કર્યો હોત હું. પોતે આવી જાત... !'

'પહેલાં નિરાંતે બેસી જા... પછી વાતો કરીએ... !' અનવરે કહ્યું.

એ પોતાની જાત પર કાબૂ મેળવી ચૂક્યો હતો. ત્રણેય બંગલાનાં વિશાળ ડોઈંગ રૂમમાં આવીને બેઠા.

બંગલાનો રસોયો પીટર પણ ત્યાં હાજર હતો અને અનવર તથા રૂખસાનાનું આગમન થયું ત્યારે તે ગણપતની સાથે બેસીને ટી.વી. જોતો હતો.

ગણપતે તેને બધા માટે ચા બનાવી લાવવા કહ્યું. પીટર ઊભો થઈને કિચન તરફ આગળ વધી ગયો.

'કંઈક તો બોલો બૉસ... !' ગણપતે વ્યાકુળ અવાજે કહ્યું, 'તમે આટલી મોડી રાત્રે આવ્યા છો એટલે મને કંઈક ગરબડ લાગે છે. તમે લોકો અમસ્તા તો કંઈ ન જ આવો, એટલું તો હું પણ! સમજી શકું છું.’

'મનમોહન ક્યાં છે?' અનવરે પૂછ્યું.

'એ તો કામ પાર પાડવા માટે ગયો છે !' ગણપત જવાબ આપતાં બોલ્યો, 'નક્કી થયા મુજબ સાંજે બરાબર છ વાગ્યે તે ‘બોટ ક્લબ’નાં દરવાજે આવી ગયો હતો. મેં ક્લબમાંથી તેને મોટરબોટ અપાવીને બધી વિગતો સમજાવી દીધી હતી. એ મોટરબોટ લઈને ચાલ્યો ગયો છે...!

'જેલમાંથી ફરાર થવાનો સમય શું નક્કી થયો છે...?'

'બે વાગ્યાનો... ! બરાબર બે વાગ્યે શંકર જેલરનાં બેડરૂમની બારીએ પહોંચી જશે અને મનમોહન બારીની બરાબર નીચે નદીમાં મોટરબોટ સાથે તેમની રાહ જોતો હશે. પરંતુ જો કંઈ ગરબડ હોય તો મનમોહનને હજુ પણ આ અટકાવી શકાય તેમ છે. બે વાગવામાં હજુ ઘણો સમય બાકી છે.'

'ના...'

અનવરે નકારાત્મક ઢબે માથું હલાવ્યું, 'કામ જે રીતે ચાલે છે, એમ જ ચાલવા દેવાનું છે. એમાં કોઈ ફેરફાર નથી કરવાનો.'

'પણ વાત શું છે બોસ...?' મને તો કંઈક કહો...!'

જવાબમાં અનવરે તેને બધી વિગતો કહી સંભળાવી. એની વાત સાંભળીને જાણે હમણાં જ હૃદયરોગનો હુમલો આવશે એવી હાલત ગણપતની થઈ ગઈ.

દહેશતથી એનું કાળજું કંપી ઊઠ્યું. આ દરમિયાન પીટરે ચા બનાવી લાવીને ત્રણેયની સામે એક એક કપ મૂકી દીધા હતા. અનવર તથા રૂખસાના તો તરત જ પોત-પોતાનાં કપ ઊંચકીને ઘૂંટડા ભરવા લાગ્યા હતા. જ્યારે ગણપત હજુ પણ પથ્થરના પૂતળાંની જેમ સ્થિર બેઠો હતો. માત્ર એની આંખોનાં ડોળા જ આમ તેમ ફરતા હતા.

'આ તો મોટી ઉપાપિ થઈ બોસ..' છેવટે એનાં મોંમાંથી ગભરાટભર્યો અવાજ નીકળ્યો, 'બધું વેર-વિખેર થઈ ગયું. ભારતીય જાસૂસોને શરૂઆતથી જ આપણા મિશનની ખબર હતી અને આપણને સકંજામાં લેવા માટે જ તેઓ આટલી મોટી ચાલબાજી રમતા હતા. એની કલ્પના માત્રથી જ મને કંઈનું કંઈ થઈ જાય છે. તેઓ આપણી એક એક વાતો સાંભળતા હતા. અને પેલો શંકર...? એ પણ ભારત સરકારનો જાસૂસ છે. 'હે ઈશ્વર...! આ બધું શું થઈ ગયું...?

'આપણે તાત્કાલિક મનમોહનને અટકાવવો જોઈએ...! આ ખતરનાક મિશનને અહીં જ પડતું મૂકી દેવું જોઈએ...!'

‘બેવકૂફો જેવી વાત ન કર... !' અનવર કર્કશ અવાજે બોલ્યો, 'આ મિશન પડતું નહીં મૂકાય... ! આપણે કોઈ પણ સંજોગોમાં આપણો હેતુ પાર પાડીને ફાઈલ તથા પેઈનિ્ટંગ સુધી પહોંચવાનું છે.'

'પણ આપણે અત્યાર સુધી જેનાં ખભા પર બંદૂક મૂકીને ફાયર કરતાં હતા, એ શંકર પોતે જ ભારત સરકારનો જાસૂસ છે બૉસ... !' ગણપતે થૂંક ગળતાં કહ્યું. 'મને ખબર છે... !'

‘ખબર હોવા છતાંય તમે મિશનમાં સફળ થવાની વાત કરો છો... ?'

'હા... તેમ છતાંય હું એમ કહું છું...!' અનવર પોતાનો કપ ખાલી કરીને સ્ટૂલ પર મૂકતાં બોલ્યો, 'જે સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી અધ્યયન કરીએ તો હજુ પણ કશુંય નથી બગડ્યું ગણપત... ! આપણને સમયસર જ સાચી હકીકતની ખબર પડી ગઈ છે. એક વાત બરાબર સમજી લે... ! આપણે શંકરની વાસ્તવિકતાથી જરૂર વાકેફ થઈ ગયા છીએ પણ આપણી સમક્ષ પોતાનો ભાંડો ફૂટી ગયો છે, એ વાત શંકર નથી જાણતો.'

'પણ આ વાતથી આપણને શું લાભ થશે...?'

'બહ મોટો લાભ થશે...! પહેલો લાભ તો એ જ કે શંકર હવે આપણી સાથે કોઈ દગો નહીં કરી શકે. આપણને મહોરાં બનાવીને કોઈ ચાલ નહીં રમી શકે. આજે રાત્રે આ યોજનાની સૌથી મોટી ચાલ તારે રમવાની છે ગણપત!'

'કેવી ચાલ... ?'

'આજે રાત્રે શંકર તથા પ્રભાતને બેલાપુર નદીને કિનારે રિસીવ કરવા માટે તું જજે ગણપત... !' અનવર તેને પોતાની યોજના સમજાવતાં બોલ્યો, 'શંકર, પ્રભાતને લઈને તારી તરફ આગળ વધે કે તરત જ તું એને ગોળી ઝીંકી દેજે. એ વખતે એને શૂટ કરવાનું એકદમ સહેલું હશે. કારણ કે ત્યારે તો એણે સ્વપ્રેય કલ્પના નહીં કરી હોય તે તું તેને ગોળી પણ ઝીંકી શકે છે. આ રીતે એ ચાલાક ભારતીય જાસૂસનો અંત આવી જશે... શરૂઆતથી જ અપરાધી બનીને આપણને મૂરખ બનાવી રહેલો એ જાસૂસ ખુદાનાં દરબારમાં પહોંચી જશે. ત્યાર બાદ આપણી સામે કોઈ મુશ્કેલી નહીં રહે. અમે પ્રભાત પાસેથી પેઈન્ટિગ તથા ફાઈલ કબજે કરીને ચૂપચાપ પાકિસ્તાન પાછા ચાલ્યા જશું..

અનવરની યોજના સાંભળીને ગણપતનો આત્મવિશ્વાસ સહેજ પાછો ફર્યો.

'બૉસ...!' એ વ્યાકુળ અવાજે બોલ્યો, 'તમારે માટે તો ખરેખર કોઈ મુશ્કેલી નહીં રહે..! તમે તો હેમખેમ પાકિસ્તાન પાછા પહોંચી જશો. પરંતુ મારા માથા પર તો મુસીબતોનો પહાડ તૂટી પડશે...!'

‘કેવી મુસીબતો... ?'

'એ લોકો માઈકોફોનના માધ્યમથી રૂમમાં થતી આપણી વાતચીત સાંભળતાં હતા, એમ તમે કહ્યું હતું.'

'હા....'

'આનો અર્થ એ થયો કે હું તમારી સાથે ભળેલો છું એની હવે પોલીસ તથા સી.આઈ.ડી.ને ખબર પડી ગઈ છે. તમે તો ફાઈલ તથા પેઈન્ટિગ લઈને અહીંથી ઉડન છૂ થઈ જશો પણ પાછળથી પોલીસ અને સી.આઈ.ડી. હાથ ધોઈને મારી પાછળ પડી જશે. મારું જીવન હરામ કરી નાંખશે!' ગણપત કાંપતા અવાજે બોલ્યો, 'પૈસાની લાલચમાં આવું ખતરનાક કામ હાથમાં લઈને મેં બહુ મોટી ભૂલ કરી નાંખી છે, હવે તો મને મારી મિલકતોની હરાજી થતી દેખાય છે. હવે તો મારી બાકીની ઉંમર જેલની કાળ કોટડીમાં જ વિતશે એવું મને લાગે છે.'

'તને કશુંય નહીં થાય... !' અનવરે મક્કમ અવાજે કહ્યું. ‘શા માટે કશુંય નહીં થાય...? ગણપત રડમસ અવાજે બોલ્યો. ‘મારી જિંદગીનાં દિવસો તો હવે પૂરા થઈ ગયા છે એમ જ તમે માની લો...!'

'જો ગણપત... !' અનવરે તેને આશ્વાસન આપતાં કહ્યું, 'આમ નિરાશ થવાની જરૂર નથી. તું ફસાઈ ગયો છે, એ વાત હું કબુલ કરું છું. આ દેશની સરકાર તારું દિવસનું ચેન અને રાતની ઊંઘ કરી નાંખશે એની પણ મને ખબર છે. એટલે આ બધી ઉપાધિમાંથી તને બચાવા માટે મેં એક નિર્ણય કર્યો છે.'

'કેવો નિર્ણય...?'

'તું અમારી સાથે જ પાકિસ્તાન આવજે. જો આપણું આ મિશન સફળ થશે તો અમારી સરકાર તને એટલી દોલત આપશે કે તું દુનિયાનાં કોઈ પણ દેશમાં જઈને નશાનું તારું નેટવર્ક ચલાવી શકીશ. એટલે એ બધી ફિકર તં છોડી દે. અને અત્યારે તો ફટાફટા એક કામ કર... !'

ક કામ...?'

'આપણાં ત્રણેયનું તારા આ બંગલામાં રહેવું પણ હિતાવહ નથી. કારણ કે તું પણ અમારી સાથે ભળેલો છે, એ વાતની ભારતીય જાસૂસોને ખબર પડી ગઈ છે. શેરેટોન હૉટલનાં અમારા રૂમમાંથી પોતાનાં બંને જાસૂસોની લાશ મળતાં જ તેઓ તરત જ આપણને શોધવા માટે અહીં દોડી આવશે.'

‘તો...તો શું પછી શું કરીશું...?' ગણપતે હેબતાયેલા અવાજે પૂછ્યું, ‘ક્યાં જશું...?'

'પોલીસને કંઈ ખબર ન હોય, એવા તારા કોઈક ગુપ્ત ઠેકાણે આપણે ચાલ્યા જવું પડશે.'

આ દરમિયાન રૂખસાનાએ પણ પોતાનો કપ ખાલી કરીને સ્ટૂલ પર મૂકી દીધો હતો. ગણપત વિચારમાં પડી ગયો.

'જલ્દી વિચાર ગણપત... !' અનવરે તેને ટોક્યો.

'બૉસ...' અચાનક કશુંક વિચારીને ગણપત પ્રસન્ન અવાજે બોલ્યો, 'તમે કહો છો, એવી એક જગ્યા મારી પાસે છે... ! મંદારગઢમાં મારું એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ મેં મારાં એક સગાનાં નામથી ખરીધું છે. હું ત્યાં બહુ જતો પણ નથી. પોલીસ તો ઠીક, મારા નજીકના માણસોને પણ ખબર નથી કે એ ફાર્મ હાઉસ મારું છે. હાલ તુરત આપણે માટે એ સ્થળ એકદમ યોગ્ય અને સલામત છે.'

'વેરી ગુડ...! તો પછી જલ્દી ત્યાં ચાલ... !'

ત્રણેય તરત જ ઊભા થઈ ગયા.!

‘તારી ચા તો પી લે.' એ જ વખતે રૂખસાનાએ ગણપતનું ધ્યાન દોરતાં કહ્યું.

‘ચાને પડતી મૂકો... જીવ સલામત રહેવો જોઈએ... ! જીવતાં હશું તો ચા ઘણી મળી રહેશે.'

ત્રણેય ઝપાટાબંધ દરવાજા તરફ આગળ વધી ગયાં. પીટર પણ તેમની પાછળ જ હતો. ઘટનાક્રમ હવે એક ખૂબ જ ખતરનાક અને ખૂની અંત તરફ આગળ વધતો હતો.

******

વીતેલાં થોડાં કલાકોમાં શું બની ગયું છે, એ વાતની દિલીપ બિલકુલ અજાણ જ હતો..

યોજના મુજબ રાત્રે બરાબર દોઢ વાગ્યે તે પ્રભાત સાથે બેરેકનાં દરવાજે પહોંચી ગયો. રાબેતા મુજબ સન્નાટાનું સામ્રાજ્ય હતું. બધા કેદીઓ ગાઢ ઊંઘમાં સૂતા હતા. તેઓ બેરેકનાં દરવાજા પાસે પહોંચ્યા કે તરત જ નક્કી થયા પ્રમાણે પીતાંબર ટહેલતો ટહેલતો ત્યાં આવ્યો અને એણે દરવાજો ઉઘાડી નાંખ્યો. વળતી જ પળે દિલીપ અને પ્રભાત દોરડા સાથે બહાર નીકળી પીતાંબરે ફરીથી દરવાજાને તાળુ મારી દીધું.

'બસ ભાઈ... !' એ દિલીપ સામે જોઈને ધીમેથી બોલ્યો.

'આપણો સાથે અહીં સુધીનો જ હતો. મારું કામ પૂરું થયું. હવે બાકીની લડાઈ તારે એકલાએ જ લડવાની છે.'

'તું બેફિકર રહે પીતાંબર... !' દિલીપે પ્રસન્ન અવાજે કહ્યું 'હું આ લડાઈ લડીશ એટલું જ નહીં, જીતી પણ બતાવીશ કારણ કે હાર કોને કહેવાય એની મને ખબર નથી.!

એ જ વખતે પીતાંબરે એક રિવૉલ્વર કાઢીને તેની સામે લંબાવી અને પછી બોલ્યો, 'લે, આ તારી પાસે રાખ.. ! આ જંગમાં આ નાનકડું હથિયાર તને ખૂબ જ ઉપયોગી નિવડશે. રિવોલ્વર પૂરેપૂરી ભરેલી છે.' દિલીપે સ્મિતસહ રિવૉલ્વર લીધી. પછી એણે એક નવાઈ પમાડે એવું પગલું ભર્યું.

એણે રિવોલ્વરની ચેમ્બરમાંથી બધી ગોળીઓ કાઢીને ગજવામાં મૂકી દીધી.

'આ... આ તે શું કર્યું...?' પીતાંબરે આશ્ચર્યથી પૂછ્યું. 'તે સાચું જ કહ્યું હતું પીતાંબર... !' દિલીપ બોલ્યો, 'આ નાનકડું હથિયાર મને ખૂબ જ ઉપયોગી નિવડશે. પરંતુ આ હથિયારનો ઉપયોગ હું માત્ર જેલરને ધમકાવવા માટે જ કરવા માંગુ છું... કોઈનું લોહી રેડવા માટે નહીં... ! હું ક્યારેય કોઈ નિર્દોષનું લોહી નથી રેડતો... !'

પ્રભાત અને પીતાંબર નર્યા અચરજથી દિલીપ સામે તાકી રહ્યા.

શંકર જેવા એક ખૂની પાસેથી તેમણે કદાચ આ જાતનાં જવાબની આશા નહોતી રાખી.

'ઓ.કે...' દિલીપ ફરીથી બોલ્યો, હવે અમે જઈએ છીએ. મોડું કરવું બરાબર નથી. આ મિશનમાં તે અમને જે મદદ કરી છે, એ અમે ક્યારેય નહીં ભૂલીએ.'

પીતાંબરની છાતી ગજ ગજ ફૂલવા લાગી. એણે મૂંછ તરફ હાથ લંબાવ્યો પણ વચ્ચે જ અટકી ગયો.

'કદાચ એ બંને જીવતાં નહીં રહે, એવી શંકા તેને હતી.! દિલીપ અને પ્રભાત ઉતાવળા પગલે 'જેલ કૉલોની' તરફ આગળ વધી ગયા હતા.

કોલોનીનો નકશો અત્યારે દિલીપના હાથમાં હતો. બંને ચોકીયાતોની નજરથી પોતાની જાતને છૂપાવતા આગળવધતા હતા.

વૉચ ટાવરની છત પર રહેલ સર્ચલાઈટનો પ્રકાશ વર્તુળાકારે ફરીને જેલમાં દૂર દૂર સુધી રેલાતો હતો.

ટાવર પર અત્યારે પણ ચારેય દિશામાં મોં રાખીને ચાર ગાર્ડ ઊભાં હતા.

દિલીપ અને પ્રભાત સર્ચલાઈટની પરિધિમાં ન આવવા માટે ભરચક પ્રયાસ કરતાં હતા. સર્ચલાઈટ ફરીને ફરીને બીજી તરફ પહોંચે, ત્યારે જ તેઓ અંધારામાં આગળ વધતા હતા. સર્ચલાઈટ તેમની તરફ આવે કે તેઓ તરત જ કોઈક ખૂણામાં છુપાઈને ફરીથી અંધારું થાય, ત્યાં સુધી રાહ જોતાં હતા. પરંતુ આટલી સાવચેતી રાખવા છતાં એક અણધાર્યો બનાવ બની જ ગયો.

બંને અંધકારમાં આગળ વધતાં વધતાં એક વળાંક પર વળ્યા કે અચાનક જ એક સિપાહી તેમની સામે આવીને ઊભો રહ્યો.

એ બંને સિપાહીને જોઈને ચમક્યાં તો સામે તેમને જોઈને સિપાહીની હાલત પણ એવી જ થઈ. પરંતુ સિપાહી શોર મચાવે. એ પહેલાં જ દિલીપે બાજની જેમ તરાપ મારીને એનું મોં દબાવી દીધું. એટલું જ નહીં, એના લમણાં પર એક ખાસ જગ્યાએ અંગઠાનું દબાણ આપતાં જ તે ભાન ગુમાવી બેઠો. દિલીપ એના બેભાન દેહને ઘસડીને બે નંબરની દીવાલ પાછળ અંધકારમાં મૂકી આવ્યો. બેરેકનાં આ ભાગ સુધી સર્ચલાઈટનો પ્રકાશ પણ નહોતો પહોંચતો.

આ દરમિયાન સર્ચ લાઈટ પુનઃ એક વાર ત્યાંથી પસાર થઈ ગઈ હતી.

દિલીપે જે સ્ફૂર્તિથી સિપાહીને ઠેકાણે પાડ્યો હતો, એ જોઈને પ્રભાતનાં આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.

થોડી પળોમાં જ બંને 'જેલ કોલોની'માં દાખલ થઈ ગયા. દિલીપ નકશો જોતો જોતો હવે જેલરનાં ક્વાર્ટર તરફ આગળ વધતો હતો. કોલોનીમાં પણ થોડા સિપાહીઓ સાવચેતીથી પહેરો ભરતાં હતા.

દિલીપ અને પ્રભાત હવે પહેલાં કરતાં પણ વધુ સાવધાન હતા. હવે કોઈની સાથે અથડામણમાં ન ઉતરવું પડે એવા પ્રયાસો તેઓ કરતા હતા.

પરંતુ માત્ર માણસના ઇચ્છવાથી શું વળે?

પૂરી સાવચેતી રાખી હોવા છતાંય તેમને કોલોનીમાં બે કૉન્સ્ટેબલો સાથે અથડામણમાં ઉતરવું પડ્યું. દિલીપે અદ્ભુભુત સ્ફૂર્તિ દાખવીને એ બંનેને પણ બેભાન કરી મૂક્યા. પીતાંબરે ખરેખર કોલોનીનો નકશો અદ્ભુત બનાવ્યો હતો. બંને થોડી પળો બાદ જેલરના ક્વાર્ટર સામે ઊભા હતા. ક્વાર્ટમાં જીરો વૉલ્ટનાં બલ્બનું અજવાળું પથરાયેલું હતું અને અંદર જેલરના નસકોરાંનો અવાજ ગુંજતો હતો.

'આ તો કુંભકર્ણની જેમ સૂતો લાગે છે...!' પ્રભાત દિલીપ સામે જોઈને ધીમેથી બબડ્યો.

'વાંધો નહીં... !' દિલીપ નકશાની ગડી કરને ગજવામાં મુકતાં, બોલ્યો. 'સુતો છે તો જાગશે પણ ખરો... !' વાત પૂરી કરીને એણે દરવાજાની બહાર રહેલી ડોરબેલ દબાવી. અંદરનાં ભાગમાં બેલ રણકવાનો અવાજ ગુંજી ઊઠ્યો. પરંત જેલરની ઊંઘ ન ઊડી.

દિલીપે ફરીથી ડોરબેલ દબાવી. આ વખતે જેલરની આંખો ઊઘડી.

'કોણ છે...?' એણે ઊંઘભર્યા અવાજે પૂછ્યું.

'સાહેબ... !' દિલીપ દરવાજો થપથપાવતાં સહેજ ગભરાયેલાં અવાજે બોલ્યો, જલ્દી દરવાજો ઉઘાડો... ! ત્યાર બાદ એણે ગજવામાંથી ખાલી રિવૉલ્વર પણ કાઢીને હાથમાં લઈ લીધી.

‘પણ થયું છે શું...? આટલી મોડી રાત્રે શા માટે હેરાન કરે છે?'

'હું વોર્ડન છું સાહેબ... ! જલ્દી ચાલો... ! પાંચ નંબરની બેરેકમાં આગ લાગી છે !'

‘અ...આગ...!' આગનું નામ સાંભળતાં જ જેલરના છક્કા છૂટી ગયા.

આંખનાં પલકારામાં જ એની બધી આળસ અને ઊંઘ કોણ જાણે ક્યાં ઉડન છૂ થઈ ગઈ.

એણે ગભરાટભર્યા ચહેરે એક આંચકા સાથે દરવાજો ઉઘાડી નાંખ્યો. ત્યારબાદ તે કશુંય સમજે, વિચારે એ પહેલાં જ દિલીપે વીજળી જેવી સ્ફૂર્તિથી એની ગરદન પકડી લીધી અને તેને ધકેલીને ક્વાર્ટમાં લઈ ગયો.

પ્રભાત પણ તાબડતોબ અંદર પ્રવેશ્યો અને દરવાજો ફરીથી બંધ કરી દીધો.

આ દરમિયાન દિલીપ રિવૉલ્વરની નળી જેલરનાં લમણાં પર ગોઠવી ચૂક્યો હતો.

જેલરની આંખો નર્યા આશ્ચર્યઘાતથી પહોળી થઈ ગઈ. એ ચકળ વકળ નજરે ક્યારેક દિલીપ સામે તો ક્યારેક પ્રભાત સામે જોતો હતો.

'જો મોંમાંથી એક શબ્દ પણ નીકળશે તો...' દિલીપ ધીમા પણ સૂસવતા અવાજે ચેતવણી ઉચ્ચારતાં બોલ્યો, 'તો હમણાં જ તારી આ તરબૂચ જેવી ખોપરીમાં આખી રિવોલ્વર ખાલી કરી નાંખીશ.'

‘ન..ના...’ જેલરનાં મોંમાંથી ભયથી કંપતો અવાજ નીકળ્યો.

‘ગ...ગોળી છોડશો નહીં... ! દિલીપનાં રાઠોડી પંજામાં ગરદન જકડાયેલી હોવાને કારણે એનો ચહેરો લાલધૂમ થઈ ગયો હતો.

'મ...મારી ગરદન તો છોડ...!' એ કરગરતાં અવાજે બોલ્યો. દિલીપે બેધડક એની ગરદન છોડી દીધી. અલબત્ત, રિવૉલ્વરની નળી હજુ પણ એના લમણા પર ગોઠવી રાખી હતી.

'તું...તું શું ઈચ્છે છે?' જેલરે ઊંડા ઊંડા શ્વાસ ખેંચતાં હાંફતા અવાજે પૂછ્યું, 'તમે બંને બેરેકમાંથી ભાગીને અહીં શા. માટે આવ્યા છે...?'

'અમે માત્ર બેરેકમાંથી જ નહીં, આ જેલમાંથી પણ ફરાર થઈએ છીએ...!'

'આ શું બકે છે તું?' જેલર ચમકીને બોલી ઊઠ્યો, તને કદાચ ખબર નથી લાગતી કે આ બેલાપુરની જેલ છે. આજ સુધી કોઈ કેદી અહીંથી જીવતો ફરાર નથી થઈ શક્યો. જે કોઈએ ફરાર થવાનો પ્રયાસ કર્યો છે, તે કૂતરાના મોતે માર્યો ગયો છે.'

‘તારી વાત સાચી છે, પણ આજે એવું નહીં બને...!' દિલીપ હસ્યો, 'આજે અમે બંને, અને એ પણ જીવતાં જ આ જેલમાંથી ફરાર થશું. આજ પછી બેલાપુરની આ જેલનું એ મહેણું ભાંગી જશે કે અહીંથી કોઈ જીવતું નથી નાસી શક્યું.'

'તમે ગાંડા થઈ ગયા લાગો છો... ! તમે લોકો એવું સપનું જુઓ છો કે જે ક્યારેય પૂરું થઈ શકે તેમ નથી.' આ દરમિયાન પ્રભાતે જલદી નદી તરફ ખુલતી બારી ઉઘાડી નાંખી હતી.

'શંકર..!' એ ખુશખુશાલ અવાજે બોલ્યો, ‘ત્યાં જો મોટરબોટ આવી રહી છે.'

દિલીપની સાથે સાથે જેલરે પણ બારીમાંથી બહાર જોયું. તેઓ અંધકારમાં પણ એક મોટરબોટને ઝડપભેર તેમની તરહ આવતી જોઈ શક્યા.

'જોયું જેલર... !' દિલીપ કટાક્ષભર્યા અવાજે બોલ્યો, 'અમને તેડવા માટે મોટરબોટ પણ આવી ગઈ છે.'

થોડી મિનિટો પછી જ અમે તારી આ જ બારીમાંથી ફરાર થઈ જશું.

મોટરબોટ જોઈને જેલરના દિલો-દિમાગમાં ખળભળાટ મચી| ગયો હતો.

બેલાપુર જેલનું મહેણું ભાંગી જશે, એવી દિલીપની વાત તો તેને સાચી પડતી દેખાતી હતી.

– અને એ ખતરનાક જેલરે એક એવું પગલું ભર્યું કે જેની દિલીપ કે પ્રભાત, બેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી. એણે જીવની પરવાહ કર્યા વગર અચાનક જ નીચા નમીને બાજની જેમ દિલીપના હાથમાંથી રિવોલ્વર આંચકી લીધી. હવે એ જ રિવોલ્વર દિલીપ સામે તકાયેલી હતી.

જેલરના આ અણધાર્યા પગલાંથી બંને પળભર માટે જડવત થઈ ગયા.

'તમે બંને તમારા હાથ ઊંચા કરો !' જેલરનો કર્કશ આદેશાત્મક અવાજ રૂમમાં પડધો પાડતો ગુંજી ઊઠ્યો, 'નહીં તો હું બેધડક જરા પણ અચકાયા વગર તમને બંનેને શૂટ કરી નાંખીશ. તમે તમારી જાતને શું સમજો છો બેવકફો? હું તમને સહેલાઈથી અહીંથી નાસી જવા દઈશ? ના, બિલકુલ નહીં...!' સૌથી પહેલાં દિલીપ આશ્ચર્ય સાગરમાંથી બહાર આવ્યો.

એના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ઊઠ્યું.

'તું... તું હસે છે શા માટે...?' એને હસતો જોઈને જેલર ચમક્યો.

'એટલા માટે કે અત્યારે તે જે રિવોલ્વરના જોરે વાંદરાની જેમ ઉછળ-કૂદ કરે છે, એ બિલકુલ ખાલી છે... ! એમાં એક પણ ગોળી નથી.’

'શું બકે છે તું...?' જેલરના માથા પર જાણે કે વીજળી ત્રાટકી, ‘બચ્ચા... હું મૂરખ નથી કે તારી આ ચાલમાં ફસાઈ જઈશ...! હું કંઈ ઘોડિયામાં નથી હીંચકતો સમજ્યો...?'

'વાંધો નહી, આ જ...!' દિલીપ ગજવામાંથી રિવોલ્વરની ગોળીઓ કાઢીને તેને બતાવતાં બોલ્યો, 'એ રિવૉલ્વરની ગોળીઓ આ રહી... ! તેમ છતાંય જ તને મારી પર ભરોસો ન બેસતો. હોય તો તું પોતે રિવોલ્વરની ચેમ્બર તપાસી લે... અને એમ ન કરવું હોય તો પણ એક સહેલો ઉપાય બતાવું છું. તું રિવોલ્વરનું ટીંગર દબાવી જો એટલે પરિણામ સામે આવી જશે.'

જેલરે ચેમ્બર તો ન તપાસી પણ ટ્રીંગર તરત જ દબાવ્યું. પણ રિવોલ્વરમાં ગોળી હોય તો છૂટે ને? એ તો સાવ ખાલી જ હતી. જેલરે પોતાની આ નિષ્ફળતા અંગેની હેબતમાંથી બહાર નીકળે એ પહેલાં જ દિલીપના રાઠોડી હાથનો એક વજનદાર મુક્કો પૂરી  તાકાતથી એનાં લમણાં પર ઝીંકાયો.

જેલરનાં મોંમાંથી પીડાભર્યો ચિત્કાર નીકળી ગયો. એનાં હાથમાંથી રિવોલ્વર સરકીને જમીન પર જઈ પડી. વળતી જ પળે એ પોતે પણ ભાન ગુમાવી ઢળી પડ્યો, દિલીપે દીવાલ ઘડિયાળમાં સમય જોયો. રાતના બરાબર બે વાગ્યા હતા. એણે ક્વાર્ટરમાંથી તાબડતોબ એક ડિસમીસ શોધીને તેની મદદથી બારીની ગ્રીલવાળી જાળી કાઢી નાંખી. અને પછી ગરદન બહાર કાઢીને નીચે નજર કરી.

મોટરબોટ બારીની બરાબર નીચે આવીને ઊભી હતી અને તેમાં બેઠેલો મનમોહન સ્પષ્ટ દેખાતો હતો. દિલીપને નજર કરતો જોઈને એ જોર જોરથી સાંકેતિક ઢબે હાથ હલાવવા લાગ્યો. જવાબમાં દિલીપે પણ હાથ હલાવ્યો. ત્યાર બાદ દિલીપે દોરડાનો એક છેડો મજબૂતીથી બારસાખ સાથે બાંધ્યો અને બીજો છેડો બહાર નદી તરફ સરકાવી દીધો. અને પછી પોતે પણ તેનાં પર લટકીને ઝડપભેર નીચે ઉતરવા લાગ્યો.

થોડી પળોમાં જ તે મોટરબોટમાં પહોંચી ગયો. બોટમાં પહોંચ્યા પછી એણે એક વધુ આધાત અનુભવ્યો. એણે જોયું તો મનમોહન ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલો હતો. એનાં વસ્ત્રો ઠેક-ઠેકાણેથી ફાટી ગયાં હતાં અને થયેલા ઝખમોમાંથી લોહી વહેતું હતું.

આ દરમિયાન પ્રભાત પણ દોરડાં પર સરકીને મોટરબોટમાં પહોંચી ગયો હતો. મનમોહનના કહેવા મુજબ નદીમાં રહેલા એક મગરે મોટરબોટ પર હુમલો કર્યો હતો અને તેનો સામનો કરવા જતાં તેની આ હાલત થઈ હતી. બોટમાં હથિયારો હોવાને કારણે જ તે એનો સામનો કરી શક્યો હતો. બાકી તો એનાં સોએ સો દિવસ ત્યારે જ પૂરા થઈ જવાના હતા. મનમોહનની કથની સાંભળીને દિલીપ તથા પ્રભાત ધ્રુજી ઊઠ્યા. અલબત્ત, મગરે જીવલેણ હુમલો કર્યો હોવા છતાં મનમોહન બિલકુલ નહોતો ગભરાયો એ જોઈને તેઓ ખબ જ પ્રભાવિત થયા હતા. બંને મોટરબોટ પર પહોંચ્યા તે તરત જ મનમોહને બોટ સ્ટાર્ટ કરી.

વળતી જ પળે બોટ જરા પણ અવાજ કર્યા વગર પૂરપાટ વેગે નદીની સપાટીને કાપતી-ચીરતી પોતાની મંઝીલ તરફ ધસમસવા લાગી.

જ્યારે દિલીપ અને પ્રભાત મોટરબોટમાં પડેલાં હથિયારો ચકાસવા લાગ્યા. હથિયારોમાં તીક્ષ્ણ ભાલા, લાંબી નળીવાળી સાયલેન્સર યુક્ત રાયકલો વિગેરે ઉપરાંત મોટી જાળનો પણ સમાવેશ થતો હતો. હથિયારો જોઈને બંનેએ રાહત તથા સંતોષનો શ્વાસ લીધો ગણપતે ખરેખર પૂરેપૂરી વ્યવસ્થા સાથે મનમોહનને મોકલ્યો હતો.

મોટરબોટ પૂરપાટ ગતિએ આગળ ધપતી હતી. હજુ સુધી કોઈ જળચરે તેમનાં પર હુમલો નહોતો કર્યો. દિલીપે જોયું તે નદીમાં મગરમચ્છની સંખ્યા વધુ પ્રમાણમાં હતી. આ ઉપરાંત એણે નદીમાં થોડાં ઓક્ટોપસ તથા દરિયાઈ ઘોડા પણ જોયા. આ બધાં સમુદ્રી જીવો હતા. પરંતુ બેલાપુર જેલની સુરક્ષા માટે તેમને રાખવામાં આવ્યા હતા.

થોડા મગરમચ્છે મોટરબોટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતું બોટની ગતિ એટલી તીવ્ર હતી કે તેઓને નિષ્ફળતા જ સાંપડી. નદીની બંને તરફ ભયાનક જંગલ હતા. આ જંગલ પણ નદીની માફક જ ખતરનાક હતાં. ત્યાં જવું પણ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું હતું. ટૂંકમાં, આ સફર, મોતની સફર હતી... !! એક એવી સફર હતી કે જ્યાં ડગલે ને પગલે મોત પોતાનું વિકરાળ જડબું ફાડીને ફરતું હતું.

પરંતુ બોટ પૂરપાટ વેગે દોડતી હોવા છતાંય હમલો થયો. તેમણે થોડું અંતર કાપ્યું હતું ત્યાં જ એકાએક આશરે બાર ફૂટ લાંબો મગર ભૂતનાં ઓળાની માફક બોટની સામે ધસી આવ્યો બોટ તેને ક્રોસ કરે, એ પહેલાં જ પાણીની સપાટી પર મગરનો દેહ ઉછળીને સીધો બોટ પર આવી પડ્યો.

એનાં વજનદાર દેહની નીચે દિલીપનો એક પગ દબાઈ ગયો. આ અણધાર્યા બનાવથી ત્રણેયનાં મોંમાંથી ચીસો નીકળી ગઈ. મગરનાં અચાનક ટપકવાને કારણે મોટરબોટ આમ તેમ ડોલવા લાગી. આ દરમિયાન એક અન્ય સનસનાટી ભર્યો બનાવ બન્યો મગરમચ્છે અચાનક પડખું ફેરવ્યું અને પછી દિલીપનો કોળિયો કરવા માટે એનું વિશાળ જડબું ઝડપભેર આગળ લંબાયું. જિંદગી અને મોત વચ્ચે માત્ર વાળ જેટલું જ અંતર હતું. ભય, ખોફ અને દહેશતથી મનમોહન તથા પ્રભાતની આંખો બંધ થઈ ગઈ. જ્યારે દિલીપ તો મગરના હુમલાનો જવાબ આપવા માટે એકદમ તૈયાર હતો. જિંદગી અને મોતની બાજી આજે કંઈ પહેલી વાર એ નહોતો રમતો.

મગરમચ્છ દિલીપને પોતાનાં વિકરાળ જડબામાં પકડીને તેની જીવનલીલાને સંકેલે એ પહેલાં જ દિલીપે વીજળી જેવી સ્ફૂર્તિથી બાજુમાં પડેલો અણીદાર ભાલો ઊંચકીને પુરી તાકાતથી એનાં ઉઘાડા જડબામાં ઝીંકી દીધો.

ભાલાના વિશાળ લાંબા-પહોળા ફણાએ મગરનાં જડબાંને ચીરી નાંખ્યું.

એ જોરથી ઉછળ્યો અને પોતાનાં દેહને મોટરબોટ પર પટકવા લાગ્યો. પરિણામે એની સાથે સાથે બોટ પણ જાણે હમણાં જ ડૂબી જશે એ રીતે ઊંચી નીચી થવા લાગી.

દિલીપે મગરમચ્છનાં દેહ નીચે દબાયેલા પોતાનો પગ કાઢીને ગન ઊંચકી લીધી અને વળતી જ પળે તેનાં ઉઘાડાં મોમાં એક પછી એક કેટલીયે ગોળીઓ ઝીંકી દીધી. મગરમચ્છનો દેહ જોરથી તરફડી ઊઠ્યો.

આ દરમિયાન મનમોહન તથા પ્રભાત સ્વસ્થ થઈ ચૂક્યા હતા. ત્યાર બાદ ત્રણેયે બળપર્વક મગરના દેહને નદીમાં પાછો. ધકેલી દીધો.

તેમણે ખરેખર મગરના રૂ૫માં એક ખતરનાક મોતનાં દર્શન કર્યા હતા.

મોટરબોટ હવે પહેલાંની જેમ જ પૂરી રફતારથી દોડતી હતી. નદીની બંને તરફ હજ પણ ભયાનક જંગલ હતું. તેઓ લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપી ચૂક્યા અને હજુ લગભગ બે કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી હતું. ત્યાર બાદ જંગલનો વિસ્તાર પૂરો થઈ જતો હતો અને મુખ્ય વસ્તી સાથે જોડાયેલી સડક શરૂ થઈ જવાની હતી..

– અને ત્યાં જ ગણપત આતુરતાથી તેમના આગમનની રાહ જોતો હતો.

અત્યારે એ ત્રણેય પોતાના દેહમાં રોમાંચભરી ધ્રુજારી અનુભવતા હતા. મગરમચ્છના હુમલાએ તેમને ખામોશ કરી દીધા હતા. ત્રણેયનાં હાથમાં અત્યારે સાયલેન્સર યુક્ત ખાસ બંદુકો જકડાયેલી હતી અને તેઓ આવનારી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે એકદમ તૈયાર હતા.

મોતની ખોફનાક સફર ચાલુ હતી. મુશ્કેલીઓ આવતી રહી અને ત્રણેય પૂરેપૂરી હિંમત તથા દિલેરીથી તેનો સામનો કરીને આગળ વધતાં રહ્યા. અત્યાર સુધીમાં તેઓ કેટલાય મગરમચ્છ તથા એક દરિયાઈ ઘોડા સાથે બાથ ભીડી ચૂક્યા હતા. ખરેખર આ એક ખતરનાક લડાઈ હતી અને હથિયારોની મદદ વગર બેલાપુરની નદીને પાર કરવાનું મુશ્કેલ જ નહીં, ભલે અશક્ય હતું. તેઓ બે કિલોમીટરનું જેટલું અંતર કાપી ચૂક્યા હતા. હવે ફક્ત એક જ કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી હતું. જંગલની ગીચતા ઓછી થઈ ગઈ હતી. દૂર દૂર શહેરની ઝગમગતી લાઈટો નજરે ચડતી હતી. લાઈટો જોઈને ત્રણેય એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. અંધારી રાત હોવાને કારણે આજુબાજુની વસ્તુઓ તેમને ધ્યાનથી જોવી પડતી હતી. અંધકારને કારણે જ તેઓ કેટલીયે વાર જળચરોને નહોતાં. મોટરબોટ પૂરી રફતારથી દોડતી હતી. છેલ્લે એક ઓક્ટોપસ સાથે અથડામણ થયા પછી બીજા કોઈ જળચરે તેમનાં પર હુમલો નહોતો કર્યો. અલબત્ત, ઓક્ટોપસે કરેલા હુમલામાં મનમોહનને પગમાં ખૂબ જ ઈજા પહોંચી હતી. અત્યારે તે બોટની પાછલી સીટ પર વેદનાથી કણસતી હાલતમાં પડ્યો હતો અને દિલીપ બોટ ચલાવતો હતો. આ પરિસ્થિતિમાં જો કોઈ જળચરનો હમલો થાય તો પ્રભાતે એકલાંએ જ તેનો સામનો કરવો પડે તેમ હતો. અને આ કામમાં તેને ખૂબ જ મુશ્કેલી પડવાની હતી. ખેર, થોડી પળોમાં જ જંગલની બંને તરફનું જંગલ સમાપ્ત થઈ ગયા અને એક વિશાળ મેદાન દેખાવા લાગ્યું. મેદાનમાં ઝીણું ઝીણું ઘાસ ઊગેલું હતું. એ જ મેદાનથી થોડે દૂર દિલીપે એક મર્સીડીઝ પણ ઊભેલી જોઈ. મર્સીડીઝની બંને હેડલાઈટો ચાલું હતી. જેનાં પ્રકાશમાં ગણપત તથા તેનો રસોયો પીટર સ્પષ્ટ રીતે નજરે ચડતાં હતા.

પીટરને જોઈને દિલીપને થોડી નવાઈ લાગી. એ તરત જ સમજી ગયો કે પીટર ગણપતનો રસોયો હોવાની સાથે સાથે તેનો જમણો હાથ અને અંગરક્ષક પણ છે! બીજી તરફ મોટરબોટ જોઈને ગણપતનો ચહેરો પણ હજાર વૉલ્ટનાં બલ્બની જેમ ઝળહળી ઊઠ્યો હતો. એણે ઝપાટાબંધ એક પાવરફુલ ટોર્ચ કાઢીને સાંકેતિક ઢબે બોટ તરફ પ્રકાશ ફેંક્યો.

'આપણને સફળતા મળી ગઈ છે...!' ટોર્ચનો પ્રકાશ જોતાં જ પ્રભાત આનંદથી ઉળી પડ્યો, 'આપણે સફળતાપૂર્વક બેલાપુરની અભેદ જેલમાંથી આઝાદ થઈ ગયા છીએ...!'

'હા...' દિલીપનો અવાજ પણ આનંદનાં અતિરેકથી કંપતો હતો, 'આજ સુધી કોઈ નથી કરી શક્યું, એ કામ આપણે કરી બતાવ્યું છે.’ મર્સીડીઝ જોઈને ગંભીર રીતે ધવાયેલાં મનમોહનના ચહેરા પર પણ રોનક ફરી વળી હતી. પળભરમાં જ એ પોતાની બધી પીડા ભૂલીને સીટનો ટેકો લઈને એક પગ પર ઊભો થઈ ગયો.

'હે ઈશ્વર...!' એ આકાશ સામે જોઈને ખુશખુશાલ અવાજે બોલ્યો. ‘ખરેખર તારી લીલા અકળ છે. મેં કલ્પના પણ નહોતી કરી, એ કામ આજે તેં કરી બતાવ્યું છે. તેં મને નવું.જીવન પણ આપ્યું અને પૈસાં પણ આપ્યા. હવે હું શાનથી મારી દીકરીઓનાં લગ્ન કરી શકીશ!'

એ જ વખતે દિલીપે કિનારે પહોંચીને મોટરબોટ ઊભી રાખી. ત્રણેય પોતાની આ સફળતા બદલ અનહદ ખુશ હતા.

– અને ખુશ શા માટે ન હોય...? ગમે તેમ તોય તેમણે મોત પર વિજય મેળવ્યો હતો.

બેલાપુરની જે જેલમાંથી ફરાર થવાનું સપનું આજ સુધી કોઈ સાકાર નહોતું કરી શક્યું, એ સપનું તેમણે સાકાર કરી બતાવ્યું હતું.

—પણ ના....

નસીબ હજુ તેમની સાથે એક રમત રમવાનું હતું.

મોટરબોટ ઊભી રાખ્યા બાદ દિલીપ તથા પ્રભાત મનમોહનને ટેકો આપીને મેદાન પર લાવ્યા. ત્યાર બાદ તેઓ એને લઈને ધીમે ધીમે મર્સીડીઝ તરફ આગળ વધવાં લાગ્યા. એ જ પળે જે બનાવ બન્યો, જેણે તેમને ચમકાવી મૂક્યા. ગણપતનો સંકેત મળતાં જ મર્સીડીઝ પાસે ઊભેલા પીટરે પોતાનાં ગજવામાંથી ઓટોમેટિક રિવોલ્વર કાઢીને કોઈ કશુંય સમજે એ પહેલાં જ મનમોહનને ઉપરા ઉપરી બે ગોળીઓ ઝીંકી દીધી.! આ અણધાર્યા-અઘટિત બનાવથી મનમોહનની આંખો પહોળી થઈ ગઈ.

એના મોંમાંથી કાળજું કંપાવનારી ચીસ સરી પડી. એની છાતીમાં જે બે જગ્યાએ ગોળી વાગી હતી, ત્યાંથી લાહીનો કૂવારો ઊડ્યો. આ બનાવથી દિલીપની બુદ્ધિ પણ પળભર માટે કુંઠિત થઈ ગઈ હતી.

એનું દિમાગ જાણે કે કામ કરતું અટકી ગયું.

'ગણપત...સાહેબ!' છેવટે આશ્ચર્યાઘાતમાંથી બહાર આવીને એ જોરથી તાડૂક્યો, 'આ તમે શું કર્યું? આ નિર્દોપને ગોળી શા માટે મારી...?

દિલીપનું કથન સાંભળીને ગણપતનાં મોંમાંથી ક્રૂર હાસ્ય નીકળ્યું. 'ભાઈ શંકર...!' છેવટે હસવાનું બંધ કરીને એ બેહદ ઠંડા અને કુટિલ અવાજે બોલ્યો. 'આની સાથે મારે જિંદગીનો સોદો થયો હતો. મેં તેને પાંચ લાખ રૂપિયાં આપ્યાં હતા...! એની જિંદગીની કિંમત પાંચ લાખ ચૂકવી હતી...! એણે પાંચ લાખ રૂપિયા લઈ લીધાં અને મેં એનો જીવ લઈ લીધો...! બસ, હિસાબ ચૂકતે થઈ ગયો...! ક્યાંય કોઈ ગરબડ કે છેતરપિંડીને અવકાશ જ નહીં... !'

દિલીપ નર્યા અચરજથી ગણપત સામે તાકી રહ્યો.

એનાં જેવી જ હાલત પ્રભાતની હતી.

'શંકર... !' ગણપત ધીમે ધીમે દિલીપ તરફ આગળ વધતો બોલ્યો, 'એક વાતનો મને જરૂર અકસોસ રહેશે.'

'અફસોસ...?'

‘હા...'.

'કેવો અફસોસ...?'

'એ જ કે મારે તારી સાથેના હિસાબમાં થોડી ગરબડ કરવી પડશે...! કારણ કે તે પણ અમારી સાથે બહુ મોટી ગરબડ કરી છે !'

‘ગરબડ...?' દિલીપે શંકાભર્યા અવાજે પૂછ્યું.

'હા...'

કેવી ગરબડ...?'

'તે શરૂઆતથી જ અમારી સાથે છેતરપિંડી કરી છે...! અમને મૂરખ બનાવ્યા છે.. !'

'હું તો મારી રીતે કામ કરતો હતો ! પ્રભાતને છોડવવા માટે બેલાપુર જેવી જેલનો જેલવાસ પણ ભોગવ્યો છે મેં.. તો આમાં તમને છેતરપીંડી જેવું શું લાગ્યું...?'

'તે કેવી રીતે મને છેતર્યો, એ જ જાણવું છે ને તાર...?'

ગણપતે ભારપૂર્વક પૂછ્યું.

‘હા...'

'તો સાંભળ..' જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવા અવાજે ગણપત બોલ્યો, 'પહેલાં તો તારો અસલી પરિચય તને આપું છું. તું કોઈ અપરાધી નહીં, પણ ભારત સરકારનો જાસૂસ છે... ! પરંતુ એક અપરાધીનું રૂપ ધારણ કરીને મને મળ્યો. ખરેખર તું ખૂબ જ ચાલાક અને બુદિ્ધશાળી છો... !' તારી બુદિ્ધનાં વખાણ કરું તેટલાં ઓછાં છે. હું એવા ભ્રમમાં રાચતો હતો કે હું ચાલ રમું છું. પરંતુ મારી ચાલને નિશાન બનાવીને વાસ્તવમાં અસલી ચાલ તો તું જ રમતો હતો... !'

ગણપતનાં આ ધડાકાથી દિલીપ મનોમન હચમચી ઊઠ્યો. પરંતુ મનનાં ભાવ એણે ચહેરા પર બિલકુલ ન આવવા દીધા.

'આ... આ તમે શું બકો છો એની તમને ખબર છે...?' એ એકદમ સ્વસ્થ અને કર્કશ અવાજે વિરોધ કરતાં બોલી ઊઠ્યો, 'મને લાગે છે કે ચોક્કસ જ કોઈકે મારે વિશે આડા-અવળી વાતો કરીને તમને ભરમાવ્યા છે...! તમને મૂરખ બનાવ્યા છે... !'

'હું બકતો નથી પણ સાચું જ કહું છું...!' ગણપતે પૂર્વવત્ અવાજે કહ્યું, 'હું આજ સુધી મૂરખ જ બનતો હતો...પણ મને બીજું કોઈ નહીં, પણ તું પોતે જ મૂરખ બનાવતો હતો... ! આ વાતને સાચી પુરવાર કરતાં પુરાવાઓ પણ મને મળી ગયા છે એટલે હવે તું મને મૂરખ નહીં બનાવી શકે... ! જે થવાનું હતું, તે થઈ ગયું

'હવે જે કંઈ કરવાનું છે, એ મારે જ કરવાનું છે. હવે મારી આંખો ઉઘડી ગઈ છે એટલે આજે તે લીધેલી સોપારીનાં બદલામાં તને મારા તરફથી મોટી રકમ નહીં, પણ રિવૉલ્વરની ગરમા ગરમ ગોળી જ મળશે... ! હું પોતે જ મોતનું આ ઇનામ તને આપીશ...!'

વાત પૂરી કરતાંની સાથે જ ગણપતે પોતાનાં ગજવામાંથી રવૉલ્વર ખેંચી કાઢી.

દિલીપ પણ જોખમની ગંધ પારખી ચૂક્યો હતો.

બધાં શસ્ત્રો પણ મોટરબોટમાં જ પડ્યા હતા. આવું કંઈ બનશે એની તો એણે કલ્પના પણ નહોતી કરી.

ગણપત પોતાને મારવામાં કોઈ કસર બાકી નહીં રાખે, એ વાત તે સમજી ચૂક્યો હતો.

ગણપત ઉપરાંત પીટરનાં હાથમાં પણ કાળનાં દૂત સમી રિવૉલ્વર જકડાયેલી હતી.

જોખમનો આભાસ મળતાં જ દિલીપે અચાનક પીઠ ફેરવીને મોટરબોટ તરફ દોટ મૂકી.

પરંતુ ગણપત પણ એકદમ સજાગ હતો. એ દિલીપને કોઈ તક આપવા નહોતો માંગતો.

દિલીપે દોટ મૂકી કે તરત જ એની આંગળી ફટાફટ ટ્રીંગર દબાવવા લાગી.

દિલીપનાં મોંમાંથી દારૂણ ચીસ નીકળી ગઈ.

એનો દેહ જોરથી હવામાં ઉછળીને ઘાસ પર પટકાયો. પ્રભાત અત્યાર સુધી મૂક પ્રેક્ષક બનીને જડવત્ સ્થિતિમાં આ બધું જોતો હતો.

તે કશું ય કરે એ પહેલાં જ ગણપત એનો હાથ પકડીને મર્સીડીઝ પાસે લઈ ગયો. એણે પ્રભાતને પાછલી સીટ પર ધકેલ્યો અને પોતે પણ એની બાજુમાં ગોઠવાઈ ગયો.

આ દરમિયાન પીટર ડ્રાઈવિંગ સીટ પર બેસીને સ્ટાર્ટ કરી ચૂક્યો હતો.

ગણપત તથા પ્રભાતના બેસતાંની સાથે જ એણે પરપાટ વેગે કારને દોડાવી મૂકી.

કાર હવે મંદારગઢ તરફ દોડતી હતી. રાતનો સમય હોવાને કારણે સડક પર ટ્રાફિક પણ નહીંવત હતો.

'તમે મને ક્યાં લઈ જાઓ છો...?' પ્રભાતે સહેજ ભયભીત અવાજે પૂછ્યું. 'ગભરાવાની જરૂર નથી.' ગણપતે એની સામે જોઈને મૈત્રીભર્યું સ્મિત રેલાવતાં કહ્યું, 'હું તારો દોસ્ત છું. દુશ્મન તો પેલો દુષ્ટ શંકર હતો. અને તેને મેં ઠેકાણે પાડી દીધો છે એટલે હવે કોઈ વાતની ચિતા નથી.'

'પણ તમે મને લઈ ક્યાં જાઓ છે...?'

'હું તને રૂખસાના તથા તેના પતિ પાસે લઈ જઉં છું... !'

‘૨...રૂખસાના... !' પ્રભાત નર્યા અચરજથી બોલી ઊઠ્યો.

'રૂખસાના ભારત આવી છે?'

‘હા...’ ગણપતે હકારમાં માથું હલાવ્યું, 'રૂખસાના ભારત આવી છે. એ તને ખૂબ જ ચાહે છે પ્રભાત ! આવો પ્રેમ તો મેં આજ સુધી નથી જોયો. તું ખરેખર નસીબદાર છે કે તને આટલો પ્રેમ કરનારી છોકરી મળી છે. ભારત સરકારે તને પકડી લીધો એવા સમચાર મળતાં જ એનાંથી રહેવાયું નહીં, એ તરત જ તારી મદદ માટે પોતાનાં પતિને લઈને અહીં આવી પહોંચી.'

'પણ તમે એ બંનેને કેવી રીતે ઓળખો છો...?' પ્રભાતની આંખોમાં શંકાનાં કુંડાળા રચાયા.

'હું ડ્રગ્સનો વેપારી છું... !' ગણપત સ્મિત સહ બોલ્યો, 'મારો માલ પાકિસ્તાન થઈને આવે છે એટલે પાકિસ્તાનનાં અમુક મોટા ફૌજી અફસરો સાથે મારે સારી ઓળખાણ છે. રૂખસાનાનાં પતિ સાથે પણ મારે સારા સંબંધો હતા. એ બંને ભારત આવીને સીધા મને મળ્યા અને તને બેલાપુરની જેલમાંથી ફરાર કરાવવાનો ભાર મારા ખભા પર નાંખી દીધો. આ જવાબદારી બહું મોટી હતી પણ ઈશ્વરનો પાડ કે બધું હેમખેમ પાર પડી ગયું. ‘અત્યારે રૂખસાના ક્યાં છે...?' પ્રભાતે વ્યાકુળ અવાજે પૂછ્યું,

'હું જેમ બને તેમ જલ્દી એને મળવા માંગુ છું.'

'થોડી ધીરજ રાખ...!' ગણપત સ્નેહથી એનો ખભો થપથપાવતાં બોલ્યો, 'આપણે ત્યાં જ જઈએ છીએ. તારી જેમ એ પણ તને મળવા માટે ખૂબ જ આતુર છે. પ્રભાતની આંખો સામે રૂખસાના સાથે વિતાવેલો સમય ચલચિત્રની માફક ઉપસી આવ્યો.

એ જાણે કે ઊડીને તેની પાસે પહોંચી જવા માંગતો હતો. કાર પૂરી રફતારથી પોતાની મંજિલ તરફ ધસમસતી હતી.

*******