ભૂતનો ભય - 17 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 17

ભૂતનો ભય ૧૭

- રાકેશ ઠક્કર

ભૂતનો અભિનય

અભિમન્યુ સાચો કલાકાર હતો. એના માટે એમ કહેવાતું કે એ અભિનયના અજવાળા પાથરતો હતો એમાં પૂરી સચ્ચાઈ હતી. હજુ તો એકદમ યુવાન હતો અને એની પ્રતિભા એવી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટું પ્રદાન કરવાનો હતો. એને ફિલ્મોમાં સાઇન કરવા નિર્માતા- નિર્દેશકો પડાપડી કરતા હતા. પણ તે એક વખતમાં એક જ ફિલ્મ કરતો હતો.

એની સાથે ફિલ્મ બનાવવા એક નિર્માતાએ દસ વર્ષ પછીની પણ તારીખો લઈ રાખી હતી. અભિમન્યુ આમ અકાળે ગુજરી જશે એની કોઈને કલ્પના ન હતી. વળી એણે અભિનયમાં પ્રાણ પૂરવા જીવ ગુમાવી દીધો એવું કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત બન્યું હતું. ફિલ્મના પાત્રમાં ઓતપ્રોત થવાની કળા એની પાસે હતી. પાત્રને એવું આત્મસાત કરી જતો કે આ અભિમન્યુ નહીં પણ જે તે પાત્ર છે એવું જ લાગતું હતું.

નિર્દેશક રાજેન્દ્ર ગુપ્તાની ફિલ્મ ફરી ઊગ્યો સૂરજ માં એ એક કેન્સરગ્રસ્ત યુવાનનું પાત્ર ભજવી રહ્યો હતો. રાજેન્દ્ર કોઈ મોટો નિર્દેશક ન હતો. એની અગાઉની નાના બજેટની બે ફિલ્મો સફળ રહી ન હતી પણ વિવેચકોની પ્રશંસા પામી હતી. એ ગાંઠનું ગોપીચંદન કરીને પણ એવા વિષય પર ફિલ્મ બનાવતો હતો જેનાથી સમાજમાં જાગૃતિ આવી શકતી હતી. એની ફિલ્મો વધારે દર્શકો સુધી પહોંચતી ન હોવાથી ફિલ્મ એવોર્ડ સમારંભ સુધી પહોંચ્યાનો સંતોષ માનીને બેસું રહેવું પડતું હતું.

રાજેન્દ્રએ જ્યારે ફરી ઊગ્યો સૂરજ ની વાર્તા લખી ત્યારે એને થયું કે અભિમન્યુ આ ભૂમિકા ભજવે તો બે લાભ થાય એમ છે. વાર્તાને અને પાત્રને ન્યાય મળશે અને બોક્સ ઓફિસ પર સફળ રહેશે તો એની આર્થિક સ્થિતિ સુધારી જશે. એનું નસીબ એટલું જોર કરતું હતું કે હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા અભિમન્યુએ એક ગુજરાતી ફિલ્મ ફરી ઊગ્યો સૂરજ માટે હા પાડી દીધી. એના માટે તો સોનાનો સૂરજ ઊગ્યો હોય એવો આનંદ હતો.

અભિમન્યુની એક ખાસિયત હતી કે એ નિર્દેશકનો કલાકાર હતો. એ કહે એ મુજબ કામ કરતો હતો. એણે ફરી ઊગ્યો સૂરજ ના સૂરજના પાત્રમાં જીવ રેડી દીધો હતો એમ કહેવામાં અતિશયોક્તિ ન હતી. એક યુવાનને નાની ઉંમરે કેન્સરની બીમારી થાય છે અને એ એમાંથી ઊગરવા બહુ સંઘર્ષ કરે છે. એમાં એ સફળ રહેતો નથી અને આખરે મૃત્યુ પામે છે. ફિલ્મ એના શિડ્યુલ પ્રમાણે જ ચાલતી હતી અને બે મહિનામાં એક ઈમોશનલ દ્રશ્ય અને ક્લાઇમેક્સ સિવાય બધું શૂટિંગ પૂરું થઈ ગયું હતું.

રાજેન્દ્ર ક્લાઇમેક્સ છેલ્લે ફિલ્માવવા માગતા હતા. પરંતુ અભિમન્યુનું કહેવું હતું કે ક્લાઇમેક્સના મૃત્યુના દ્રશ્ય કરતા પણ એ વધારે ઈમોશનલ દ્રશ્ય હોવાથી એને સૌથી છેલ્લે વધુ રિહર્સલ કરીને ભજવશે.

ક્લાઇમેક્સનું શૂટિંગ થયું ત્યારે અભિમન્યુનો મૃત્યુની અણી પર એક લાંબો મોનોલોગ ફિલ્માવવામાં આવ્યો. કેન્સર માટે પોતાને અને પોતાની આદતોને જવાબદાર ગણીને છેલ્લું વાક્ય બોલી એ ઢળી પડ્યો ત્યારે બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ત્યારે કોઈને કલ્પના ન હતી કે એણે અભિનયમાં પ્રાણ પૂરવા પોતાનો જીવ આપી દીધો હતો. એણે દ્રશ્યને વાસ્તવિક બનાવવા મોતને ગળે લગાવી દીધું હતું. આ કોઈના ગળે ના ઉતરે એવી પણ વાસ્તવિકતા હતી. એનો આખા ફિલ્મ યુનિટે સ્વીકાર કર્યો હતો.

રાજેન્દ્રએ ફિલ્મને સફળ બનાવવા પ્રચાર કરવામાં પાછું વળીને નહીં જોવાનું નક્કી કર્યું હતું. હવે જ્યારે અભિમન્યુએ જીવ ગુમાવ્યો ત્યારે એના અફસોસ કરતા એમને મોટો અફસોસ એ થયો કે ફિલ્મ માટે એનું એક ઈમોશનલ દ્રશ્ય રહી ગયું હતું. હવે એના વગર જ ફિલ્મ પૂરી કરીને રજૂ કરી દેવી પડે એમ હતી.

રાજેન્દ્ર અભિમન્યુના મૃત્યુનો લાભ લેવા ફિલ્મને જલદી રજૂ કરવા માગતો હતો. એ રાત દિવસ એનું એડિટિંગ કરવા લાગ્યો હતો. પણ જ્યાં પેલું ઈમોશનલ દ્રશ્ય મૂકવાનું હતું એના પહેલાનું દ્રશ્ય પૂરું થયું એ પછી એની આંખોએ એવું જોયું કે એને વિશ્વાસ જ ના આવ્યો. એ દ્રશ્ય ફિલ્મમાં ઉમેરાઈ ગયું હતું.

રાજેન્દ્રએ એક નહીં અનેકવખત એ ઈમોશનલ દ્રશ્યને જોયું. એને થયું કે અભિમન્યુ એનો વાયદો ભૂત બનીને પૂરો કરી ગયો છે. રાજેન્દ્રના દિમાગમાં ફિલ્મની વધુ પ્રસિધ્ધિ અને પૈસા કમાવવા એક વિચાર આવ્યો. એણે ફિલ્મ તૈયાર કરી જાહેરાત કરી કે એક દ્રશ્ય બાકી હતું એ અભિમન્યુના ભૂતે પૂરું કરી આપ્યું છે. ફિલ્મના યુનિટના લોકો પણ જાણતા હતા કે એક દ્રશ્ય બાકી રહી ગયું હતું.

અભિમન્યુએ મૃત્યુ પછી ભૂત બનીને આવીને બાકીનું એક દ્રશ્ય કરી આપ્યું એ ખબરથી ફિલ્મને બહુ હાઇપ મળી. પહેલા જ શૉમાં દર્શકો અભિમન્યુના ભૂતનો અભિનય જોવા ઉત્સુક્તાથી થિયેટરોમાં તૂટી પડ્યા. પણ આ શું? થિયેટરમાં એ દ્રશ્ય જ ન હતું!

થિયેટર માલિકોએ રાજેન્દ્રને ફરિયાદ કરી. રાજેન્દ્ર કહે આવું બની જ ના શકે. મેં પોતે એ દ્રશ્ય જોયું છે અને ૨ કલાક ૨૨ મિનિટની ફિલ્મ એડિટ કરી છે. થિયેટરમાલિકોએ રાજેન્દ્રને ફિલ્મ જોવા બોલાવ્યો. રાજેન્દ્ર પણ ચોંકી ગયો. હવે એ દ્રશ્ય ન હતું. ફિલ્મ ૨ કલાક ૨૨ મિનિટની જ હતી. તો એ દ્રશ્ય કેવી રીતે નીકળી ગયું?

રાજેન્દ્ર પોતાની લેબ પર ગયો અને એડિટિંગ કરી હતી એ પ્રિન્ટ કાઢીને જોયું ત્યારે એ ઈમોશનલ દ્રશ્ય વખતે અભિમન્યુનો એક સંદેશ આવ્યો. એણે કહ્યું:રાજેન્દ્ર, મેં તારી ફિલ્મ માટે જીવ આપી દીધો અને તેં મને ભૂત જાહેર કરીને તારું કામ કરી આપ્યું એવી વાત ફેલાવીને ખોટું કર્યું છે. તારે ફિલ્મ રજૂ કરતી વખતે મારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની હતી. તેં વેપાર કર્યો છે એની તને સજા મળી છે.

રાજેન્દ્રને પોતાની વેપારી બુધ્ધિ પર અફસોસ થયો અને એણે અભિમન્યુ પાસે બહુ માફી માગી પણ અભિમન્યુનો આત્મા એની વાત સાંભળવા રોકાયો નહીં. એ ઈમોશનલ દ્રશ્ય એની એડિટિંગ કોપીમાંથી પણ નીકળી ગયું હતું.

લોકોને થયું કે ભૂત દ્વારા શૂટિંગ થયું હોવાની વાત ફેલાવી રાજેન્દ્રએ છેતરપીંડી કરી છે. એમણે ફિલ્મ જોવાનું માંડી વાળ્યું અને ફરી ઊગ્યો સૂરજ એટલી મોટી ફ્લોપ રહી કે રાજેન્દ્ર બરબાદ થઈ ગયો. તેની નિર્દેશક તરીકેની કારકિર્દીનો અસ્ત થઈ ગયો.

*