સપ્ત-કોણ...? - 13 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 13

ભાગ - ૧૩


"માલુ. ..., આમી શ્રીધોર. .. હું શ્રીધર છું...તને લેવા આવ્યો છું. . તુમિ કિ અમાર સાતે આસ્બે? તું મારી સાથે આવીશ?" કહેતા જ એક વ્યક્તિએ ઈશ્વાનો હાથ પકડ્યો અને ઈશ્વા ચુપચાપ એ વ્યક્તિની સાથે કદમ મિલાવી ચાલવા લાગી..

સમયની ઉંધી વહેતી ધારા સાથે ઈશ્વા પહોંચી ગઈ સોળમી સદીના માં કાલીના પ્રદેશ તરીકે ઓળખાતા કલકત્તામાં વહેતી હુગલી નદીના ડાબા કાંઠે વસેલા નાનકડા રજવાડા ચિન્સુરામાં. ચિન્સુરા એક એવું નાનકડું રજવાડું જે પરદેશથી ભારતમાં ધંધાર્થે આવેલા ડચ લોકોની થોડીઘણી વસ્તી હતી. એક તરફ નદી અને બીજી તરફ જંગલ, ભેજવાળી જમીન, રક્ષણની દ્રષ્ટિએ સલામત સ્થળ, સમુદ્રની નજીક હોવાથી બીજા યુરોપીય દેશો સાથે વાણિજ્ય વ્યાપાર વધારી શકવાના હેતુથી ડચ લોકો અહીં આવીને વસ્યા હતા. પૂર્વ ભારતમાં પોતાનું આગવું સ્થાન બનાવવાના હેતુથી આવેલા ડચોએ ચિન્સુરાને પોતાનું વેપારી મથક સ્થાપતાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ઘણા લોકો આજીવિકા પ્રાપ્ત થવાની શક્યતા સાથે સ્થળાંતર કરીને અહીં આવી વસ્યા હતા. રૂ ની ખેતી અને રૂ ના ઉદ્યોગોનું મુખ્ય મથક તરીકે નાનકડું ચિન્સુરા ટૂંક સમયમાં જ ખુબ જાણીતું બન્યું હતું. ચિન્સુરાની મોટાભાગની જમીનના માલિકી હક ધરાવતા જમીનદાર હતા દેબાશિષ પૌલ. પૂર્ણ ચિન્સુરા સહિત પત્ની યામિની, પુત્રી શિમોની અને પુત્ર શ્રીધર પર પણ પોતાનું અનુશાસન અને અધિકાર જમાવતા દેબાશિષ પૌલ એટલે એકચક્રી અને એકહથ્થુ સત્તા ધરાવતું અડગ વ્યક્તિત્વ.

@@@@

સંતુની હૂંફભરી કાળજી અને દવાઓની અસરથી રઘુકાકાના શરીરમાં શક્તિનો સંચાર થયો હતો, હવે એમણે હરવાફરવાની સાથે હવેલીનું નાનુંમોટું કામકાજ પણ સંભાળી લીધું હતું. સંતુ હજીય એમને રોકતી અને દીકરીની જેમ ક્યારેક ટોકતી પણ, રઘુકાકા એનું સાંભળ્યું ન સાંભળ્યું કરી પોતાનું કામ કર્યે જાતા. જીવો બને એટલો એમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો, કામ સિવાય વધુ વાત પણ ન કરતો પણ એની નજર ચોવીસે કલાક રઘુકાકા પર રહેતી, રખે ને કોઈ કડી મળી જાય અને એની જંજીરમાં રઘુકાકાને જકડી લેવાય. એ સદા એ જ ફિરાકમાં રહેતો અને મોકો શોધ્યા કરતો પણ એની કિસ્મત બે ડગલાં આગળ જ ચાલતી અને એ હાથ ઘસતો રહી જતો. 'ક્યારેક તો મારો ટેમ પણ આવશે જ' એમ વિચારતો જીવો બીડીઓ ફૂંકી એના ધુમાડામાં પોતાના શેખચિલ્લી વિચારો ચિતર્યા કરતો અને પોતાના નસીબ સાથે રઘુકાકાને પણ કોસ્યા કરતો. એની આ અદમ્ય ઈચ્છા બહુ જ જલ્દી પુરી થશે એની એને જો ખબર પડત તો એ ઝાલ્યો ન રહેત.

@@@@

"મમ્મી, અમે નીકળીએ છીએ, તમે તમારું ધ્યાન રાખજો અને જરૂર પડે અડધી રાતે અમને બોલાવી લેજો." દિલીપે સ્ટીયરિંગ વ્હિલ પર હાથ ફેરવ્યો અને પાછળ જોઈ બધા ગાડીમાં બેસી ગયાની ખાતરી કરી કારનો દરવાજો બંધ કરતાં પાસે ઉભેલા કલ્યાણીદેવી સાથે વાત કરતાં એની આંખો ભરાઈ ગઈ, ક્યાંક આંસુઓનો બંધ પાંપણની પાળ તોડીને બહાર ન આવી જાય એ બીકે એણે આંખો પર ગોગલ્સ પહેરી લીધા અને ગાડી સ્ટાર્ટ કરી. કૌશલે પણ આંખના ભીના ખૂણા રૂમાલથી લૂછ્યા. ઊર્મિ અને અર્પિતા પણ દુપટ્ટાના છેડાથી આંખો અને ગાલ સાફ કરી રહી હતી તો પાર્થિવ અને કૃતિ પણ નાનકડી ઉંમરે સમજદાર બની ગયા હોય એમ ગંભીર મુખમુદ્રા ધારણ કરી ચુપચાપ બેઠા હતા.
કલ્યાણીદેવીની આંખ પણ ઝળઝળીયાથી ભરાઈ ગઈ એટલે બધાને આવજો કરી પાછળ જોયા વિના જ હોટેલમાં જતા રહ્યા. ચાર દિવસ પહેલાં શરણાઈના સુર અને લગ્નગીતોથી ગુંજતું વાતાવરણ અત્યારે એકદમ ગમગીન થઈ ગયું હતું. ચોતરફ ઉદાસીના ડુસ્કા સંભળાઈ રહ્યા હતા. હજી તો ઈશ્વાની મહેંદી સુકાઈ પણ નહોતી ત્યાં પરિવારના સભ્યોનું સ્મિત વિલાઈ ગયું હતું અને ચોધાર રડી રડીને વ્યોમના આંસુ સુકાઈ ગયા હતા. કલ્યાણીદેવી સમજાવીને પરાણે એને જમાડતા તો ય એ માંડ બે કોળિયા ખાતો. ઊંઘમાંથી પણ વારંવાર ઝબકીને જાગી જતો અને એની વિહવળ આંખો ચારેકોર ઈશ્વાને શોધ્યા કરતી.

"અમોલ, તું મોહન સાથે જઈને નજીકના શહેરમાંથી જરૂરી દવાઓ લઈ આવ અને આવીને તારે ટ્વેન્ટી ફોર બાય સેવન વ્યોમ સાથે રહેવાનું છે. ઇટ્સ યોર ડ્યુટી ટુ કીપ હિમ અંડર યોર ઓબ્ઝર્વેશન, જરૂર પડે ત્યારે કઈ મેડિસિન આપવી એ તો તને ખબર જ છે, સો ગો ફાસ્ટ એન્ડ કમ બેક એઝ સૂન એઝ પોસિબલ." મોહનને બોલાવી ડો. ઉર્વીશે કારની ચાવી આપી જરૂરી સૂચનાઓ પણ આપી પોતે વ્યોમ સાથે એની રૂમમાં ગયા.

"રાણાસાહેબ, હજી સુધી ઈશ્વાના કોઈ સગડ કે પગેરું મળ્યા નથી. કોણ જાણે ક્યાં ગઈ આ છોકરી? આકાશ ગળી ગયું કે ધરતીમાં સમાઈ ગઈ? તમારી બાહોશી અને કાબેલિયત પર ભરોસો કરીને તમને અહીં બોલાવ્યા છે." કલ્યાણીદેવી વ્યગ્રતામાં આંટા મારી રહ્યા હતા સાથે કમિશનર રાણા પર થોડા રોષે પણ ભરાયા હતા.

"બા સાહેબ, પ્લીઝ શાંત થઈ જાઓ. હું તમારી વેદનાનો વલોપાત સમજી શકું છું. મારી બનતી કોશિશ હું કરી રહ્યો છું એનો પણ તમને ખ્યાલ છે જ. હિંમત અને ધીરજ ગુમાવ્યા વિના શાંત ચિત્તે વિચારીને આગળ વધવું પડે. તમારા સહકારની અપેક્ષા રાખું છું, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ." રાણાસાહેબે જગમાંથી પાણી ભરી કલ્યાણીદેવીને ગ્લાસ ધર્યો અને બીજો ગ્લાસ ભરી પોતે એકીશ્વાસે ગટગટાવી ચેરમાં બેઠા પણ ઓચિંતાનું કઈ યાદ આવ્યું હોય એમ ઉભા થઈ બહાર ઉભેલા કોન્સ્ટેબલને બુમ મારી.
"અસલમ, જા ગાડીમાંથી આપણી મોટી ટોર્ચ લઈ આવ, આપણે ફરીથી એ રૂમમાં જઈએ અને વળતાં નારાયણને ય તારી સાથે લેતો આવજે." રાણાસાહેબ ફરી કલ્યાણીદેવી તરફ ફર્યા, "બા સાહેબ, તમે થોડીવાર આરામ કરો હું ફરી એકવાર એ રૂમમાં આંટો મારી આવું, ક્યાંક મારી નજરમાંથી કઈ રહી તો નથી ગયું ને? જોઈ આવું પછી આપણે ઈશ્વા અંગે ચર્ચા કરીએ." રાણાસાહેબ બહાર નીકળ્યા અને કોરિડોરમાં થઈને છેવાડેના રૂમ તરફ ચાલવા લાગ્યા.

@@@@

આશરે સાડાપાંચ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણ વાન, મધ્યમ બાંધો, માથા પર આછા વાળ, લીંબુ જેવું નાક અને ચૂંચી પણ ચકોર આંખો, આ બધાયનો સરવાળો એટલે દેબાશિષ પૌલ. પોતાનો જ કક્કો ખરો કરનારા દેબાશિષની એક જ કમજોરી હતી પાન. એક પણ દાગ વગરનું સફેદ દૂધ જેવું ધોતિયું, લાંબી બાંયનો સફેદ કુર્તો અને ઉપર ગ્રે કલરની સોનેરી બોર્ડરવાળી રેશમી શાલ, એક હાથમાં જર્મન સિલ્વરની પાનદાની અને બીજા હાથમાં ધોતિયાના છેડા સાથે પકડેલી કાળા સિસમની ચાંદીના હાથાવાળી છડી. ઘરના વરંડામાં બાંધેલ હિંચકો એમનું પ્રિય સ્થાન, ત્યાં બેઠાંબેઠાં આવતાં જતા લોકોને નિહાળતા અને સવાર-સાંજ ખેતી માટે આપેલ જમીન સુધી આંટો મારી બધું વ્યવસ્થિત હોવાની ખાતરી કરવા જવું એ એમનો રોજનો વણલખ્યો નિયમ હતો અને એના માટે એમણે બગ્ગી પણ રાખેલ હતી. ઘરના સભ્યો પણ એમનાથી થરથર ધ્રુજી ઉઠતાં, એમને પૂછ્યા વગર એક ડગલુંય ભરાતું નહીં, જયારે એ ક્રોધે ભરાતા ત્યારે એમના મોઢેથી શબ્દો ધાણીની જેમ ફૂટતા. જો એમને દુશ્મનો સામે મોકલી દેવામાં આવે તો એ કે 47 પણ એમની આગળ વામણી પુરવાર થાય એવા શબ્દ પ્રહારો વડે જ એ માત આપી દે. એમની મરજી વિરુદ્ધ એક ચકલુંય ઘરમાં ફરકતું નહીં, ચિન્સુરાની બજારમાં જો એ નીકળે તો કર્ફ્યુ જેવી સ્થિતિ થઈ જતી, હરકોઈ એમની અડફેટે ન આવી જવાય એની સાવચેતી રાખતા પણ એમના જ પનોતા પુત્ર શ્રીધરે એમની વિરુદ્ધ જઈ માલિનીને ચાહવાનો અક્ષમ્ય અપરાધ કર્યો હતો જેની હજી દેબાશિષને ખબર નહોતી પડી. કોણ હતી આ માલિની અને દેબાશિષને જાણ થશે ત્યારે શ્રીધર અને માલિની પર શું વીતશે એ તો આવનારો સમય જ કહી શકશે....



ક્રમશઃ