લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રખ્યાત કેટરર્સના મેનુ પરિવારના મેમ્બર્સની લેબમાં સ્વાદ ટેસ્ટિંગ થઈ આઈટમો ડિસાઈડ થઈ રહી છે. ડિઝાઇનર કપડા અને ડિઝાઇનર જ્વેલરી ની શોપિંગ થઈ રહી છે. પરિવારના દરેક સભ્ય પોતાની લાડલી ના લગ્ન માટે પોતાના ભાગે આવેલી જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. પરિવારની લાડલી ના લગ્ન એક યાદગાર પ્રસંગ બની રહે એના માટે ની મથામણો બધા કરી રહ્યા છે....
પરિવારમાં ખુશી અને ઉદાસી મિશ્રિત વાતાવરણ છે. એક બાજુ આંખના તારાનું લગ્ન રંગે ચંગે કરવાની ખુશી તો બીજી બાજુ કાળજાના કટકાને આ ઘરમાંથી વિદાય આપવાની છે એની ઉદાસી બધાના ચહેરા પર દેખાઈ રહી છે.
આર્યા નમ આંખોએ આ બધું દ્રશ્ય પોતાના મનમાં ભરી રહી છે. આવો સરસ મનભાવન પરિવાર છોડીને પારકા લોકોને પોતાનો પરિવાર બનાવવાનો છે. હે ભગવાન, આ તે કેવી વિટંબણા છે. હે ભગવાન એક તારા ભરોસે મારી જિંદગી નો જુગાર ખેલવા જઈ રહી છું, ખબર નથી હવે પછીની મારી જિંદગી કેવી હશે ! જે વ્યક્તિ મને નફરત કરે છે એની સાથે લગ્નના ચાર ફેરા ફરી જન્મો જન્મનું બંધન બાંધવા જઈ રહી છું. હું નથી જાણતી કે અયાન મને અપનાવશે કે કેમ પણ હું એની સાથે લાગણીના તાંતણે જોડાઈ ગઈ છું,
અબ વો કરે કરમ કે સિતમ ઉનકા ફેસલા
હમને તો દિલ મેં પ્યાર કા શોલા જગા દિયા
" આમ જોવા જાવ તો લગ્ન એ એક પ્રકારનો જુગાર જ તો છે. 15 મિનિટ, અડધો કલાક કે વધીને કલાક કોઈ વ્યક્તિને મળીને આખી જિંદગી એની સાથે વિતાવવાનો નિર્ણય લેવો એ એક પ્રકારની બ્લાઈન્ડ ગેમ જ છે. નસીબ સારા તો સારી વ્યક્તિ મળી જાય ને જિંદગી સુહાની સફર બની જાય પણ એ વ્યક્તિ આપણું રિસ્પેક્ટ કરશે કે કેમ, આપણી જેમ જ સામેનું પાત્ર પણ એનું અસ્તિત્વ - એનું ' હું પણું ' આપણી સાથે એકાકાર કરવાની તત્પરતા દર્શાવશે કે કેમ એ તો ભાવિની ગર્તામાં કેદ હોય છે."
આર્યા મનોમન ભગવાનની પ્રાર્થના કરતી હતી હે ભગવાન તમે હંમેશા મારી સાથે રહ્યા છો હવે આગળની મારી જિંદગીની સફરમાં તમારે મને સાથ આપવો જ પડશે. અયાનની મારા માટે ની નફરત ને મારે પ્રેમમાં બદલવાની છે અને તમારે સતત તમારી દીકરીની સાથે રહેવાનું છે. તમારા જ ભરોસે મેં અયાનની ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. ઘરમાં તો કોઈને પણ આ વાતની જાણ કરી શકાય એમ જ નથી, એટલે મારે એકલી એ હસતા મોં એ આ બધું સહન કરવું પડશે.
વિધિ ની કેવી વક્રતા છે !! ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો બને છે કે જ્યારે આપણે ચાહવા છતાં પણ કોઈને કશું જ જણાવી શકતા નથી. દિલમાં એટલું દર્દ હોય છે કે ચીસ પાડવાનું - દિલ ખોલીને રડવાનું ખૂબ જ મન થાય પણ છતાં એ ડૂમો - એ દર્દ દિલ ના ખૂણે ઊંડે ઊંડે દબાવી - છુપાવી દેવું પડે છે. આપણા માટે કરીને માતા પિતા, આપણું સ્વજન કે આપણો પરિવાર દુઃખી ન થવું જોઈએ મે - આર્યા એ ક્યારેય નહોતું વિચાર્યું કે હું મારા જીવનની આટલી મહત્વની વાત મારા માતા પિતા થી છુપાવીશ, પણ એમને જણાવીને પણ શું ફાયદો કારણ કે હું જાણું છું કે એમની લાડલી નું આવું દુઃખ એ ક્યારેય બરદાસ્ત ન કરી શકે.
રહી રહીને એક જ વાત સતાવે છે કે મારામાં એવી તો શું ખામી છે કે અયાન મને પસંદ નથી કરતો. હું બધી રીતે વ્યવસ્થિત છું, મેરેજ માટેની કન્ડિશન પ્રમાણે જુઓ તો પણ મારા 100 આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ આવે. કોઈની તાકાત નથી કે કોઈપણ રીતે મને અયોગ્ય ઠેરવે, ચાહે રૂપમાં, ગુણમાં ભણવામાં, કામકાજમાં, સ્વભાવમાં બધી રીતે હું અવ્વલ છું એવું મારું નહીં પણ બધાનું માનવું છે. ઘણા લોકો મારી એક નજર માટે -લગ્ન માટે મારી હા સાંભળવા માટે તરસતા હતા છતાં મેં અયાન પર પસંદગી ઢોળી હાસ્તો પરિવાર ના કહેવાથી જ તો .....
પણ કંઈ વાંધો નહીં હવે સ્ટ્રોંગ બનવું પડશે. અયાન તો પહેલેથી આ સંબંધ ને કોન્ટ્રાક્ટ સાથે જોડી ચૂક્યો છે અને એટલે સ્વાભાવિક છે કે એ મને તોડવાના - હું સામેથી જ એનાથી અલગ થઈ જાઉં એવા પ્રયત્નો કરવાનો જ છે અને મારે એ કડવા ઘૂંટ હસતા મુખે પીવાની તૈયારી રાખવી જ પડશે બ્રેવો આર્યા , બી સ્ટ્રોંગ
અબ ના મુજકો પ્યારી સી
ગુડિયા બનના હૈ
નફરત કો પ્યાર મેં બદલ દે ઐસી
પૂડિયા બનના હૈ