મોબાઈલ શાપ કે અભિશાપ Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોબાઈલ શાપ કે અભિશાપ


આ દુનિયામાં સૌથી કોઈને વધારે વ્હાલું કોણ છે, એવો સવાલ પૂછવામાં આવે તો દરેકનો જવાબ એક જ હોય મોબાઈલ. કારણ કે બધાને સૌથી વ્હાલો હોય તો એ મોબાઇલ છે. મોબાઇલ વિનાની એક ક્ષણ પણ માણસ પસાર કરી શકતો નથી. અરે થોડી ક્ષણો માટે એનાથી જ અળગો કરી દેવામાં આવે તો જાણે કે એની દુનિયા લુંટાઇ ગઈ હોય એવું લાગે છે.

માણસ બધા વિના ચલાવી શકે પરંતુ એ મોબાઈલ વિના એક ક્ષણ પસાર કરવી મુશ્કેલી પડે છે. જેમ કે સેકન્ડે સેકન્ડ મોબાઈલમાં મન પરોવાયેલું હોય એવું લાગે છે ભલે કહેતા હોય કે મને સૌથી વધારે પ્રિય ફેમિલી છે પરંતુ હું માનું છું ત્યાં સુધી દરેકને પ્રથમ મોબાઈલ જ વ્હાલો છે કદાચ હશે કોઈ એવું કે જેને મોબાઈલ પ્રત્યે એટલો બધો લગાવ ન હોય પરંતુ ભાગ્યે જ એક ટકા લોકો જોવા મળે, કારણ કે નાનું બાળક જે બોલતા પણ શીખ્યું નથી એને પણ મોબાઈલ આપો તો ખુશ થઈ જાય છે તો પછી આપણા જેવા લોકોની તો શું વિસાત.

કોઈ પણ મોબાઈલ વિના રહી શકે નહિ. એક જ ઘરમાં રહેતા હોય સંયુક્ત પરિવાર હોય છતાં પણ જાણે કે વિભક્ત પરિવારમાં રહેતા હોય એવું આ ટેકનોલોજી યુગમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. તમે પણ નિરીક્ષણ કરજો કોઈ પ્રસંગમાં ગયા હોય ત્યાં પણ નિરીક્ષણ કરજો. બેઠા હોય છે બધા સાથે જ પરંતુ એકદમ શૂન્યાવકાશ કારણ કે બધાના હાથમાં તો મોબાઇલ જ હોય છે.

google pay,phonepe એમેઝોન, flipkart તેમજ chrome, youtube વગેરે એટલી બધી એપ છે કે બધાએ લગભગ એ એપ માં જ ડૂબેલાં હોય છે. ઓનલાઈન જમાનામાં માણસ પોતે ઓનલાઈન થઈ ગયો છે એને આજુબાજુ શું ચાલી રહ્યું છે એની પણ ઘણી વખત ખબર હોતી નથી. આજના બાળકોની રમતો છૂટી ગઈ છે. જે શરીરને કસરત આપતી હતી એવી રમતો જેમકે કબડ્ડી, પકડદાવ, લંગડી, ખો-ખો વગેરે જે ભૂલી રહ્યા છીએ. અત્યારે બાળક ની રમત મોબાઇલમાં જ થઈ ગઈ છે એને સહેજ પણ મોબાઈલ ન મળે તો એ પણ વ્યાકૂળ થઈ જાય છે. એમાં વળી કોરોનાની કથળી પરિસ્થિતિમાં બાળકને મોબાઈલ ન આપવો હોય તો પણ આપવો પડ્યો છે. કારણ કે ઓનલાઇન શિક્ષણ વિના ચાલે એમ નહોતું પણ બાળક મોબાઇલનો આદી બની ગયો. એના માનસિક સંતુલન પર ઘણી બધી વિપરીત અસર થઈ છે. બાળકોની ક્યાં વાત કરો છો આપણે પણ ત્રણ મહિના લોકડાઉનમાં મોબાઇલમાં જ સમય પસાર કર્યો છે. વીડિયો કોલિંગ માં ઘણી બધો સમય પસાર કર્યો છે. મોબાઇલ એક ટેકનોલોજીકલ રમકડું છે પરંતુ તમને એવું નથી લાગતું કે આ ટેકનોલોજીકલ રમકડાએ તમને એક રમકડા જેવા બનાવી દીધા છે. એક હાલતું ,ચાલતું માનવ જીવનને એક ટેકનોલોજીકલ જીવન બનાવી દીધું છે. એની અંદરની સંવેદનાઓ અને લાગણીઓને પોતાની તરફ ખેંચી લીધી છે. ખરેખર આ મોબાઈલનો જમાનો આવ્યા પછી સમાજમાં જે એકબીજાના ઘરે જતા હતા. તે એકબીજાના ઘરે જવામાં લોકો પસંદ કરતા નથી.

મોબાઈલથી જ્યાં સુધી કામ પતી જાય ત્યાં સુધી એકબીજાના ઘરે જવાની તસ્દી પણ લેતા નથી. ગામડાની જ વાત કરો તો ગામડામાં પણ પહેલા ફળિયામાં લોકો ટોળે વળીને બેસતા હતા પરંતુ ત્યાં પણ ટેકનોલોજી એવી પહોંચી ગઈ છે કે ત્યાંના લોકો પણ હવે મોબાઇલને વશ બની ગયા છે. સોસાયટીઓમાં, ફ્લેટોમાં લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા પરંતુ મોબાઇલના કારણે એ એકબીજાથી અલગ થઈ રહ્યા છે. એમાં મોબાઈલનો વાંક નથી કારણ કે મોબાઈલ તો ઘણો બધો ઉપયોગી પણ પુરવાર થયો છે. આપણા માટે સમયનો બચાવ પણ મોબાઈલ કર્યો છે. જે બેંકમાં ધક્કા ખાતા હતા, લાંબી લાઈનોમાં ફરતા હતા, એ ઘણા બધા ઓનલાઈન વ્યવહાર સરળ બનાવ્યા છે. મોબાઈલનો ઉપયોગ જો કામ હોય તેટલો કરવામાં આવે તો એનાથી કોઈ પણ ખરાબ અસર થતી નથી. પરંતુ માણસનું હૃદય મોબાઈલ બની ગયું છે માણસનું દિલ મોબાઇલમાં ધબકતું રહ્યું છે પરંતુ તમને નથી લાગતું આ મોબાઇલની દુનિયામાંથી જો માણસ બહાર નહીં આવે તો એ પણ એક યંત્ર જેવો બની જશે. એની આનંદની લાગણીઓ મરી પરવારશે. એકબીજા પ્રત્યે જૂથ ભાવના હશે એ મરી પરવારશે. કારણ કે એ જૂથ ભાવના બાળપણથી જ આપણી પાસે આવતી હતી. પહેલા જમાનામાં બાળકો ફળિયામાં રમતા હતા, એકબીજા પ્રત્યે લગાવ હતો, મિત્ર વર્તુળ હતું, એકબીજા સાથે વિચારોની આપ-લે થતી હતી પરંતુ અત્યારે નથી કોઈ એવી રમતો રમાતી નથી. એકબીજા સાથે વિચારોની આપ-લે થતી નથી. મોબાઇલની દુનિયામાં માણસ એક જંગલમાં જાણે ભટકતો આદી માનવ બની રહ્યો છે. મોબાઈલના કારણે એને એકલા રહેવું ગમે છે. અને રહેવું ગમે તો કોની સાથે રહેવું ગમે છે ખબર છે. ફક્ત મોબાઈલ સાથે. મોબાઈલમાં તેનો દિવસ પસાર થઈ જાય છે પરંતુ આ મોબાઇલની દુનિયામાં માણસ પોતાની અંદરનો આત્માને પથ્થર બનાવી રહ્યો છે. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. એને પોતાનો આદિ ન બનાવવો જોઈએ. હંમેશા મોબાઈલને વાપરવા માટે એના અમુક નિયમો બનાવવા જોઈએ. ઓનલાઇન વ્યવહાર મોબાઈલથી પતાવવા જોઈએ પરંતુ બાળકને એટલો બધો મોબાઈલ પણ ન આપવો જોઈએ કે જેને આખો દિવસ મોબાઈલ જોવાની ટેવ પડી જાય. દરેક મનુષ્યએ સમજવાની જરૂર છે.

નાના બાળકને તો પાંચ વર્ષ સુધી મોબાઈલ આપવાની બિલકુલ જરૂર નથી. કારણ કે બાળકનો વિકાસ માનસિક રીતે એ સમયગાળા દરમિયાન થતો હોય છે. નાનું બાળક અનુકરણથી શીખતું હોય છે. ઘરમાં જોતું હોય એ શીખે છે. જો મોબાઈલ આપશો તો એ ઘરના લોકોનું નિરક્ષણ કરી નહિ શકે. આપણે બાળકોને બધા જ શબ્દો નથી શીખવાડતા એ બધા શબ્દો અનુકરણથી શીખતું હોય છે. એની ડીક્ષનરી એનો પરિવાર હોય છે. બાળકને લોકો રડે કે હેરાન કરે યાતો ઘરના કામ કરવા હોય એટલે મોબાઈલ પકડાવી દે છે. પહેલા જમાના માં ત્રણ - ચાર બાળકો હોય તો પણ ફેમિલીમાં દરેક લોકો સંભાળતા હતા. એ વખતે મોબાઈલ ન હતા બાળક માટીમાં જતો હતો, મિત્રો સાથે રમતો હતો પરંતુ એનું ભણતર સંસ્કારો સાથે થતું હતું પરંતુ અત્યારે મોબાઇલ પકડાવાને કારણે એની અંદરની તમામ ભાવનાઓ મરી પરવારી છે. કારણ કે એનામાં લાગણી જેવી ભાવના વિકસે ક્યાંથી? એક જુથ બનીને બધા સાથે હળીમળીને રહે તો જ એ સંસ્કારોનું સિંચન થાય પરંતુ અત્યારે ત્રણ થી પાંચ વર્ષના બાળકોને મોબાઈલ પકડાવી દેવામાં આવે છે પરંતુ તમે એ નથી વિચારતા કે જે બાળક મોબાઈલ સાથે સમય પસાર કરે છે. એના માનસ પર કેટલી બધી અસર થાય છે. હંમેશા બાળક સાથે તમે રમવાનો સમય ફાળવો. એકાંત મનુષ્યને કોરી ખાતું હોય છે અમુક એવી રમતો મોબાઈલ માં રમતો થઇ જશે કે તમે જ્યારે એને પાછો લાવવાનો પ્રયત્ન કરશો ત્યારે ખૂબ મોડું થઇ ગયું હશે માટે માતા-પિતાએ તો પોતાના બાળકને મોબાઈલ કેવો વાપરે છે? કેટલો વાપરે છે? કેવી રીતે વાપરે છે? કઈ ગેમ રમે છે? કયા મિત્રો સાથે ચર્ચા કરે છે? whatsapp માં શું જુએ છે. youtube માં કયો વિડીયો કઈ રીતે જુએ છે. વગેરેનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે સાચું શિક્ષણ તો ઘરના ઓરડામાં મળી જતું હોય છે. વર્ગખંડમાં તો બાળકનું શિક્ષણ મળે છે પરંતુ તે કેળવણી યુક્ત શિક્ષણ હોય છે જ્યારે તમામ સંસ્કારોનું સિંચન તો ઘરમાં જ થતું હોય છે માટે દરેક વાલીએ પોતાની ફરજ સમજીને પહેલાં તો પોતે જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને બાળકને પણ ઓછો ઉપયોગ કરે તેમ પ્રયત્ન કરતા રહેવું જોઈએ તો જ આપણને સમજાશે કે દરેક માણસને મોબાઈલ નહીં પરંતુ પરિવાર વ્હાલો પુરવાર થશે. પરિવાર વ્હાલો હોય તો આજે નિર્ણય કરજો. બાળકને મોબાઇલની જરૂર નથી. એને કોઈ પણ ભોગે મોબાઈલ ઓછો ઉપયોગ કરે એ રીતે પ્રયત્ન કરો નહિતર એક દિવસ એવો આવશે કે બાળકને માનસિક સંતુલન પર ખૂબ ભયંકર અસર પડશે અને આ ટેકનોલોજીકલ દુનિયામાં તમારું બાળક મોટું થઇને ક્યાં ખોવાઈ જશે એને તમે શોધતા જ રહેશો.

ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"