સપ્ત-કોણ...? - 12 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 12

ભાગ - ૧૨

આ તરફ વ્યોમ અને કલ્યાણીદેવીને આયનામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું. આયનાની પેલે પાર ઈશ્વા હોઈ શકે એ તો દરેક માટે કલ્પના બહારની વાત હતી.

"વ્યોમ.... વ્યો....મ....., મમ્મીજી...... " ઈશ્વાએ શક્ય એટલા મોટા અવાજે બુમ પાડી પણ વ્યોમ અને કલ્યાણીદેવી દરવાજાની બહાર નીકળી ગયા.

"બા સાહેબ, તમે માં દીકરો કોઈ અવઢવમાં છો એવું લાગે છે. જો તમે મને કહેશો તો શક્ય છે કે એમાંથી કોઈ માર્ગ નીકળી આવે. વકીલ, પોલીસ અને ડોકટરથી બને ત્યાં સુધી કઈ જ ન છુપાવવું એવો મારો મત છે. ક્યારેક સમસ્યામાં જ સમાધાન મળી આવે. કોયડામાં જ ઉકેલ હોય અને આપણે હવામાં હવાતિયાં મારતા રહીએ એવુંય બને." રાણાસાહેબે પોતાની ચકોર નજરથી વ્યોમ અને કલ્યાણીદેવીના મનમાં ચાલી રહેલી ગડમથલ પામવાનો પ્રયત્ન કર્યો.

"રાણાસાહેબ, આ રૂમમાં જે અરીસો છે એવો જ અદલોઅદલ અરીસો અમારા રૂમમાં પણ છે એટલે અમારા મનમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા. એવુંય બની શકે ને કે એક્સરખા બે અરીસાઓ હોય." કલ્યાણીદેવીએ ખુલાસો કર્યો.

"બા સાહેબ, તમે હજી કાઈ છુપાવી રહ્યા છો એવું લાગે છે." રાણાસાહેબની અનુભવી અને પારખુ નજરે કલ્યાણીદેવીના ચહેરા પર પલટાયેલા હાવભાવ જોયા.

"જ...જી..... રાણાસાહેબ, મને યાદ છે અને જાણ છે એ મુજબ આવા અરીસા ફક્ત બે જ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક અમારી હવેલીમાં છે અને બીજો અહીંથી સેંકડો કિલોમીટર દૂર પાટણમાં આવેલા એક શિવાલયમાં છે તો આ ત્રીજો અ...રી...સો...." કલ્યાણીદેવીની આંખમાં ઉતરી આવેલી ડરની ડમરીઓ રાણાસાહેબથી છાની ન રહી.

@@@@

રઘુકાકાને હજીય થોડી નબળાઈ વર્તાતી હતી. સંતુ પોતાનાથી બનતું બધું જ કરતી પણ જીવો હજી એવી જ નફ્ફટાઈ અને બેફિકરાઈથી રઘુકાકા જોડે વર્તતો હતો જે સંતુને જરાય નહોતું ગમતું પણ એ ચૂપ રહેતી અને ક્યારેક છાને ખૂણે રડીને હૈયું હળવું કરી લેતી. રઘુકાકા શૂન્યમનસ્ક થઈ બારી બહાર જોઈ રહ્યા હતા. એમની સ્થિર આંખો અને ચલિત મન એમના ચહેરા પર વિરોધાભાસી હાવભાવ ઉભા કરી રહ્યા હતા. 'સદીઓથી ચાલ્યા આવતા ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે?' એમના મનમાં વિચારોના અનેક ઝંઝાવાતી ઝરણા ફૂટી રહ્યા હતા, 'શું વ્યોમ અને ઈશ્વા પણ ફરીથી વટ, વચન અને વેરના ભરડામાં હોમાઈ જશે?' જેમ જેમ વિચાર કરતા જતા તેમ તેમ એમના ચહેરા પર વ્યગ્રતા વધતી જતી હતી. રઘુકાકાએ ખિસ્સામાં મુકેલું માદળિયું ફરીથી હાથમાં લીધું અને આંખ સામે ઝુલાવવા લાગ્યા. જીવો બહાર ઓટલે બેઠો આ બધો તાલ જોઈ રહ્યો હતો. "આ હું સે બાપલા?" સટ કરતોક જીવો અંદર આવ્યો અને રઘુકાકાના હાથમાં ઝુલતું માદળિયું ઝૂંટવીને ધારીધારીને જોવા લાગ્યો.

"જીવા, લાવ ઈ, માદળિયું મને પાછું આલી દે, ઝટ કર, તને એકવાર કીધું તો હમજાતું નથ," રઘુકાકાએ ઉભા થઈને જીવાના હાથમાંથી માદળિયું ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફ્ળ રહ્યા.

"એવું તો હું સે આમાં તે આમ રઘવાયા થઈ ગ્યા સો? રઘુ રઘવાયો... રઘુ રઘવાયો...." જીવો માદળિયું ઉછાળતો એમની ફરતે નાચતો રહ્યો.

"જીવા, કહું સું પાસું આલી દે મને નહિતર જોયા જેવી થાહે."

"એ ડોસલા, હું કરી લેવાનો તું? એક પગ કબરમાં લટકે સે, મરવા પડ્યો સે, ઉઠવાના વેતા નથ ને આ જીવાને ધમકાવે સે."

"હવે એક પણ શબદ બોલ્યો સે તો આ ચાકુ તારી છાતીમાં ઉતરી જાહે." જીવાનો હાથ ઝાલી રઘુકાકાએ ચીલઝડપે કમરે ખોસેલું નાનકડું પણ ધારદાર ચાકુ જીવાની દાઢીએ અડાડી દીધું. એમની ઝેર ઓકતી આંખો જોઈ જીવાનો ગુસ્સો અને જુસ્સો બેય બરફ જેવા ઠંડા પડી ગયા.

@@@@

"સર, તમે હવે થાકી ગયા હશો, હવે હું ડ્રાઇવ કરું. માનગઢ હવે બહુ દૂર નથી. તમે થોડા રિલેક્સ થઈ જાઓ." ચા પુરી કરીને ઉઠતાં અમોલે ટેબલ પર મુકેલી કારની ચાવી ઉપાડી અને ડો. ઉર્વીશનો ખભો સ્નેહથી દબાવી મુક આશ્વાસન આપ્યું, ડો. ઉર્વીશે પણ હકારમાં માથું ધુણાવ્યું અને બેય ઉભા થઈ બહાર આવી કારમાં ગોઠવાયા. ડો.ની આંખમાંથી બહાર આવવા ધસમસી રહેલાં આંસુના પુર એની નજરથી છાના ન રહ્યા અને કંઈપણ બોલ્યા વગર એણે ગાડી હંકારી. ડો. ઉર્વીશ પણ સીટ પર માથું અઢેલી આંખ બંધ કરી ફરી વિચારોની લહેરોપર સવાર થઈ ગયા. એમની આંખ સામે વારંવાર ઈશ્વાના વિવિધ ચહેરાઓ ફિલ્મની પટ્ટીની જેમ એક પછી એક એમ ચાલ્યા આવતા હતા અને એની સાથે જોડાયેલા સંસ્મરણો આંસુ દ્વારા રેલાઈ રહ્યા હતા. આશરે દોઢ-બે કલાકની મુસાફરી કરી જયારે ડો.ઉર્વીશ અને અમોલ માનગઢ પહોંચ્યા ત્યારે તડકો નમી રહ્યો હતો. કારમાંથી ઉતરતાં જ ડો. ઉર્વીશ જાણે અમોલને ભૂલી ગયા એમ આજુબાજુ જોયા વગર જ સીધી હોટેલ તરફ દોટ મુકી, અમોલ પણ કાર પાર્ક કરી એમની પાછળ દોડ્યો.

"બા સાહેબ, રાણાસાહેબ, મારી ઈશ્વાના કોઈ ખબર, કોઈ સગડ?" આંખમાં આંસુ, ચિંતાભર્યો રડમસ ચહેરો અને હાથ જોડી ડો. ઉર્વીશ કલ્યાણીદેવી અને રાણાસાહેબ સામે ઉભા રહ્યા.

"કોશિશ ચાલુ જ છે ડો... પ્લીઝ, ડોન્ટ બી પેનિક, કુલ ડાઉન એન્ડ કામ ડાઉન. બહુ જલ્દી આપણે ઈશ્વાને શોધી લઈશું." રાણાસાહેબે પોતાની ઉષ્માભરી હથેળી ડો.ઉર્વીશના હાથ પર મુકી દિલાસો આપ્યો.

"હજી સુધી માત્ર કોશિશ જ રાણાસાહેબ.... મધરાતથી ઈશ્વાનો કોઈ જ પત્તો નથી અને તમે હજી કોઈ પગેરું પણ નથી મેળવી શક્યા?" ડો. ઉર્વીશના અવાજમાં રઘવાટ સાથે ધૂંધવાટ પણ હતો.

"ડોક્ટર.... ડોક્ટર... પ્લીઝ શાંત થઈ જાઓ. ઈશ્વા મળી જશે. માતાજી પર શ્રધ્ધા રાખો. મારું મન કહે છે કે એનો વાળ પણ વાંકો નહીં થાય." કલ્યાણીદેવીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"મને કોઈપણ ભોગે, કોઈપણ સંજોગે મારી દીકરી, મારી ઈશ્વા પાછી જોઈએ, બસ...." ડો. ઉર્વીશની આંખો અને અવાજમાં એક અજબ જનૂન ઉભરાયું અને અમોલની આંખોમાં ગજબની ચમક સાથે હોઠોના ખૂણા મર્માળુ રીતે વંકાયા.

@@@@

"વ્યોમ..... વ્યોમ....." રડીને સુજી ગયેલી લાલ આંખો, આંસુઓથી ખરડાયેલા ગોરા ગાલ, હવામાં ફરફરતી સુકી લટો, ઈશ્વા બહાવરી બની, વ્યોમને શોધતી, આમતેમ ભટકી રહી હતી, 'કોણ હતી આ બીજુ અને હું અહીંયા કેવી રીતે?' મનમાં ઉભરાતા પ્રશ્નોના ઉકેલ શોધવા મથતી ઈશ્વા બેય હાથે માથું પકડી ઝાડને ટેકે ઉભી રહી.

"માલિની..... મા. ...લિની. ..." અવાજ સાંભળતાં ઈશ્વાએ હળવેથી આંખો ખોલી પણ એને કોઈ ન દેખાયું.

"મા...લિ. ....ની....., મા.......લુ....." ઈશ્વાએ ફરી ચારે તરફ જોયું પણ દૂર દૂર સુધી જમીન પર ફક્ત વહેતું નિર્મળ સ્વચ્છ પાણી અને ઉપર ચોખ્ખું આછા નારંગી રંગે રંગાયેલું આસમાની આકાશ. સૂર્ય હળવે હળવે ધરતીના ગર્ભમાં ગરકાવ થઈ રહ્યો હતો. આછું અંધારું છવાઈ રહ્યું હતું. નદીના પટમાં ઉગેલું છૂટુંછવાયું ઘાસ અને ઝાડીઓ સિવાય ઈશ્વાને કઈ નજરે ન ચડ્યું.

'માથું ચકરાવે ચડે છે હવે, હજી બીજુની ગુંચ ઉકલી નથી ત્યાં આ નવા તાંતણા ગૂંથાય છે. કોણ છે આ માલિની?' ઈશ્વાનું મગજ ભમી રહ્યું હતું.

"મા. .લિની....... " એક ઓછાયો ઈશ્વાને અડીને પસાર થયો.

"વ્યોમ.... આવી મજાક સારી નહીં. તને ખબર છે ને મને બીક લાગે છે એટલે જ તું મને સતાવી રહ્યો છે. બસ હવે, બહુ થયું, સામે આવ...." ઈશ્વાનો સ્વર સુકાઈ રહ્યો હતો.

"માલુ. ..., આમી શ્રીધોર. .. હું શ્રીધર છું...તને લેવા આવ્યો છું. . તુમિ કિ અમાર સાતે આસ્બે? તું મારી સાથે આવીશ?" કહેતા જ એક વ્યક્તિએ ઈશ્વાનો હાથ પકડ્યો અને ઈશ્વા ચુપચાપ એ વ્યક્તિની સાથે કદમ મિલાવી ચાલવા લાગી..


ક્રમશ: