ગતાંકથી...
પહેલા તો સાધારણ વાતચીત ચાલી અને પૃથ્વી એ પણ ભેગા થવાનું કારણ જાણવા ઇન્તજારી બતાવી નહીં. આખરે પૃથ્વીએ જોયું કે વકીલ તથા લાલ ચરણે અમુક રીતે જોયું જે ખુલ્લી રીતે તેઓ ત્યાં જે વાતને માટે મળ્યા હતા તે વાત ચલાવવાનો ઈશારો હતો . વકીલે તે સૂચના તરત જ ઉપાડી લીધી તે પણ પૃથ્વી એ જોયું.
હવે આગળ....
"હવે મારા વહાલા મહેરબાન સમય ઝડપથી પસાર થાય છે માટે ચાલો આપણું કામ પતાવી દઈએ."
બોલતા બોલતા પૃથ્વીના ચહેરા ઉપર ધ્યાન આપતો તે જણાયો. જાણે કે તેમાં કાંઈ ફેરફાર થાય તે પ્રમાણે પોતાના શબ્દોમાં પણ ફેરફાર કરવાનો કેમ ન હોય?
વકીલે કહેવા માંડ્યું : "મારા માનવંતા મિત્ર, મૃતક મિ. હરિવંશરાયે કાઢેલા નામચીન પેપરની કારકિર્દી ટકાવી રાખવા જે મહેનત તમે બંને એ ઉઠાવી છે તે મારા જેવા પત્રકારના ભેદોથી અજાણ્યા શખ્સની પણ જાણ બહાર નથી .પણ તે મહેનત હોવા છતાં પણ..."
અહીં પૃથ્વીનો ચહેરો જોવા તે થોભ્યો, પણ તે ઉપર કાંઈ ચિન્હ ન જણાતા તેને પોતાની ધાંધલીયા ઢબે આગળ ચલાવ્યું:
"મામલો એવો વિકટ બનતો જાય છે કે આપણે વિચારવાનું છે કે હવે શું કરવું? મિ. પૃથ્વી લાલ ચરણ તમો તરફથી મળેલી સત્તાની રૂએ 'લોકસેવક'ની સાથે જોડાઈ જવા જેટલી બને તેટલી લાભકારક શરતોએ ગોઠવણ કરી છે .હું તે લોકોને મળ્યો છું. હાલની જેમ પૈસાની ખોટ થી 'લોક સેવક' વધુ વખત ચલાવી શકાય તેમ નથી .હું તે કારણથી તે લોકો પાસે ગયો જુઓ અમે આ કરાર નામા કરાવી લીધા છે એમ કહી પોતાની બેગમાંથી કેટલાંક કાગળિયાં કાઢી વકીલે પૃથ્વીને કહ્યું : "આની ઉપર તમારે સહી કરવાની બાકી છે ;જે થતા લખાણ પૂરું થયું સમજવું ."તે સઘળા કાગળ ખુલ્લા કરીને તેણે મૂક્યા. લાલ ચરણે ગભરાટથી પૃથ્વી તરફ નજર ફેંકી ."મારે કહેવું જોઈએ ."પૃથ્વીને સંબોધી વકીલે આગળ ચલાવ્યું :"ખરું જોતા ,એટલે કે કાયદાના શબ્દોમાં તો તમારા પપ્પાના એકલા 'એક્ઝિકયુટર 'મારા વહાલા ને માનવંતા દોસ્ત લાલ ચરણની સહી જ પૂરતી થઈ પડે, પણ તેણે ધાર્યું કે 'લોક સેવક'ના મામલામાં તમે આવો ખંંતીલો ભાગ લેતા હોવાથી તમને પણ આ કામમાં સામેલ રાખી સહી કરવાનું કહેવામાં આવે તો વધુ સારું."
"આ યોજના આમ એકાએક મારી આગળ કેમ રજૂ કરવામાં આવે છે?" નલીને કરડાઈથી પૂછ્યું.
લાલ ચરણે જવાબ આપવા રાયચૂરાને ઈશારો કર્યો.
"મારા વહાલા મિ. પૃથ્વી તમે શું એકાએક રજૂ કરવા માટે કહ્યું?"
"હા, આમ એકાએક આ વાત મારી આગળ કેમ લાવ્યા છો?"
"તું જોતો નથી કે પેપરમાં હવે નફો રહ્યો નથી." લાલચરણ બોલ્યો. અવાજમાં કઠોરતા હતી.
પૃથ્વી એ કહ્યું : " આવી વિચિત્ર રીતે આ યોજના તમે મને કેમ બતાવો છો ?તમારી યોજના શી છે ?"
પોતાના પપ્પાએ વારસામાં આપેલી' લોક સેવક'ની મિલકત કે જે પોતે લાયક ઉંમરનો થતા પોતાની થવાની હતી તે પચાવી પાડવાની દગા ભરેલી યોજના આ બે જણા કરી રહ્યા છે એમ પૃથ્વીને લાગ્યું .તેઓની સામે બોલતા તેની આંખોમાંથી આગ વરસવા લાગી.
"મિ. પૃથ્વી તમે ઠંડા થઈને વાત સમજો તો ઘનું સારું." વકીલ રાયચુરા એ કહ્યું.
"હું મારી કંગાળ હાલતમાં મરી જઈશ તે જ વધુ બહેતર છે પણ 'લોક સતા'ની સાથે 'લોક સેવક 'નહીં જોડું ."પૃથ્વી એકદમ ઊંચા અવાજે બોલ્યો. ને પોતાનો મુક્કો ટેબલ ઉપર એટલા જોરથી ઠોક્યો કે તેના ઉપરના કપ રકાબી ગબડી પડ્યા. "આ યોજના આમ ઓચિંતી રજૂ કરવામાં તમારી ગમે તે ઈચ્છા હોય પણ હું તે કબુલ કરવા ની ચોખ્ખી ના પાડું છું."
લાલ ચરણ અને રાયચુરા એકબીજા તરફ ભયથી જોવા લાગ્યા .આવું કંઈ પણ બને તે માટે તેઓ કોઈ રીતે તૈયાર ન હતા .પૃથ્વીની રીતમાં થયેલા અચાનક ફેરફારથી લાલચરણ ને ખુબ જ તાજુબ થયું કારણ કે તેને હજી સુધી પૃથ્વીને કદી પણ પોતાનો આ ગુણ બતાવ્યો ન હતો.
" હું તમારા શબ્દો માટે વાંધો લઉં છું." લાલ ચરણે વાતને અલગ રૂપ આપવાના ઇરાદે કહ્યું : "મેં જે ગોઠવણ કરી છે તે તમારા ફાયદા માટે છે .જો આ પ્રમાણે જોડાણ થશે નહીં તો તમે પાયમલ થશો .કારણ કે પૈસાની તંગીને લીધે 'લોક સેવક' બંધ કરવું પડશે."
"તો થવા દો બંધ." પૃથ્વી એ દ્રઢ નિશ્ચય પૂર્વક કહ્યું : "પણ તમારા કહેવા પ્રમાણે ની અડચાણો હું દૂર કરું તે પહેલા તે બંધ નહી જ પડે .લાલચરણ, મારું એમ માનવું છે કે ,મારી પાસેથી મારું પેપર છીનવી લેવાની આ એક ઠગાઈ ભરેલી યુક્તિ છે, પણ તે મારી આગળ નહીં ચાલે. કાલે આપણે હિસાબ તપાસીશું. રાયચૂરાની હાજરીની તે વખતે કશી જરૂર નથી."
"મારા વહાલા મહેરબાન," રાયચુરાયે પોતાનો બકવાસ શરૂ કર્યો : "તમે ઉશ્કેરાઈ ગયા છો .હું ધારું છું કે અત્યારે તો અમે જઈશું, પણ મારી એક સલાહ છે કે લાલ ચરણ કે જે એક ભલો માણસ છે ને જે ઘણી ઉદારતાથી પોતાની સલાહ તથા અનુભવનો લાભ તમને આપવા કહે છે, તેની કિંમતી સલાહ તમે ફેંકી દેવો નહીં તો ઘનું જ સારું .તમે જાણો છો કે આખરે તેણે ધારેલી ઉત્તમ યોજના તમને પૂછ્યા વગર પણ પાર પાડવાની એવણને કાયદા પ્રમાણે સતા છે."
"મિ.રાયચુરા એ બધી કાયદાની દમદમાટી બતાવવાની વાત જવા દેજો !" પૃથ્વી એવા જુસ્સા સાથે કહ્યું કે બે કાવતરાખોરોને કંપારી છૂટી. "મને એટલી તો ખબર છે કે હાઇકોર્ટની મંજૂરી મેળવ્યા વગર એમનાથી કંઈ પણ થઈ શકે એમ નથી. પાછળથી હું વાંધો ન ઉઠાવુ તે માટે તમે મારી સહી માગો છો."
આ બાબતમાં પૃથ્વીને આટલી સમજ છે તે જોઈ રાયચુરા તો મૂંગો જ થઈ ગયો. પણ લાલ ચરણે પોતાની સ્વાભાવિક સમયસૂચકતા થી ફેરવી તોળ્યું .
"વહાલા પૃથ્વી ,હું જોઉં છું કે 'લોક સેવક 'માટે તને ઘણી સારી લાગણી છે .હર કોઈ ઉત્સાહી પત્રકાર ને પોતાનું સ્વમાન જાય એ ન જ ગમે. સારું ,તું આ યોજનાની વિગતો જાણવા માંગે છે તો તારી મરજી પ્રમાણે એમ કરીશું ,પણ ચોક્કસ માનજે કે હું જે કાંઈ કરું છું તે તારા ફાયદા માટે જ કરું છું. મારું સૂચવેલું પગલું જરૂર નું છે એમ આપણા ચોપડાઓ તને ખોલીને ખુલ્લા બતાવીને હું સાબિત કરી આપીશ .કાલે અડધા કલાકમાં તને ચોપડાઓ બતાવી દઈશ તે જોયા પછી તું શાંતિથી વિચાર કરી જોજે .તારો છેવટનો વિચાર થશે ત્યાં સુધી આપણે પેપર ચાલુ રાખીશું .મિ. રાયચુરા કરારનામાં પડતા મૂકો ; પૃથ્વીનો તે સામે વાંધો છે એટલે હું પણ સહી નહીં જ કરું. એમની ઈચ્છા એ જ મારી ઈચ્છા."
લાલ ચરણમાં અચાનક આવો ફેરફાર જોઈ પૃથ્વી અચરજ પામ્યો ! વળી કોઈ નવીન યુક્તિ માટે તેણે આવી નમ્રતા ધારણ કરી છે, એમ તે સમજ્યા વગર ન રહ્યો. શું તેની અજબ અભિનયકલા !? ભાવભાવમાં પણ શું એક્સપર્ટ છે ?પણ એ બધું ગમે તે હોય પૃથ્વીને કૃત્રિમતાના ચિન્હ જણાય જ ગયા. લાલચરણ એક ઉમદા વેશ ભજવનાર છે, એમ તેની ખાતરી હતી. તેના ઉદગાર રાજી ખુશીથી કે પ્રામાણિકતાથી નીકળેલા નહોતા. પૃથ્વીએ પોતાને કાયદાની માહિતી છે એમ બતાવ્યા પછી જ લાલચરણે નમ્રતા દાખવી છે.જે હાલતમાં પૃથ્વી અત્યારે છે તેમાં તે માહિતી એક સત્તા સમાન હતી ,પણ હાલને માટે તો આ મીટીંગ -પહેલા પોતે અધિપતિ સાથે રીત ભાત રાખી તે -એટલે કે પોતે તેને પ્રામાણિક માણસ માનતો હોય એવો દેખાવ કરવાનું ચાલુ રાખવું એમ તેણે તરત જ નિશ્ચય કરી લીધો. લાલચરણ વેશ ભજવે છે તો પોતે પણ વેશ ભજવવામાં ખામી ના રાખવી, એમ પણ નક્કી કરી પૃથ્વીએ કહ્યું :"લાલ ચરણજી મારા પ્રત્યે તમારી માયાભરી લાગણીની ખાતરી તમારા ઉદ્દગારોથી મને થઈ છે તે માટે તમારો આભાર માનું છું."
શું આગળ લાલચરણ ને વકીલ નો શો પ્રત્યુતર હશે જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ......