ધૂલો તો હરખપદૂડો (DTH) - 49 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 49

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૯


આપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ હતી, એના આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે, આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. પણ હકીકતમાં એણે એક જયાબેન નામની મહિલાને સરસ પંજાબી ભોજન તૈયાર કરી પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એટલે જયાબેન એની દિકરી જીયા સાથે પીરસવા આવી હતી તેથી બધાં જીયા સાથે ખૂબ રમત રમે છે. પણ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. હવે આગળ...


સ્વાદિષ્ટ અને લિજ્જતદાર પંજાબી ભોજન તથા મોટા દસ ઈંચ લાંબા તથા સારા એવા પહોળા ગ્લાસ ભરીને પંજાબી રબડી જેવી લસ્સી બાદ છોલે ભતુરેનો નાસ્તો પતી ગયા બાદ, ભાવલા ભૂસકાની ગાડીમાં સૂતેલી જીયા, જયાબેન તથા એમના સામાન સાથે ભાવલો ભૂસકો તથા મૂકલો મુસળધાર એમને સહી સલામત એમના ઘરે છોડી આવ્યા. પણ પાછાં આવ્યા કે એમને જાણ થઈ કે છોલે ભતુરે ખાધાં બાદ અચાનક બૈજુ બાવરીની તબિયત બગડી ગઈ છે.


બૈજુ બાવરી વારંવાર ફરિયાદ કરી રહી હતી કે એક ગુજરાતી ટિફિન ભોજન બનાવનારને પંજાબી રસોઈ બનાવવા માટે ઓર્ડર આપવો એ એક મોટી ભૂલ સમાન બાબત હતી. આ આ 'જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસ' એ ફક્ત નામની જ સાત્વિક છે. પણ એ શનિવારીય બેઠક માટે પંજાબી ભોજન તૈયાર કરવામાં આવેલ જયાબેનથી કોઈ મોટી ગડબડ ચોક્કસ થઈ ગઈ હતી.


આ છોલે ભતુરે ખાધાં બાદ એનુ પેટ બળવો પોકારી ગયું હતું. એને વારંવાર પેટમાં આંટી આવતી હતી. મયુરીઓ કળાકાર પણ ગળગળો થઈ ગયો કે બૈજુ બાવરી નક્કી ફૂડ પોઈઝનનો શિકાર થઈ ગઈ હશે. સાથે સાથે બાકી સૌ પણ ચિંતાતુર થઈ ગયાં હતાં. જોકે એમણે સૌએ પણ એ જ પંજાબી ભોજન અને એ જ છોલે ભતુરે ખાધાં હતાં. ખાસ કરીને જયાબેન તથા નાનકડી જીયાએ પણ એ જ વાનગીઓ એમની સાથે જ આરોગી હતી. જો ભોજનની ગુણવત્તા ઉતરતી કક્ષાની હોય તો કોઈ માતા પોતાની દિકરીને એ ખાવા નહીં દે એ પણ એક સત્ય હકીકત છે.


જ્યારે બધાં ચિંતિત હતાં ત્યારે ફક્ત વિનીયો વિસ્તારી જ મરક મરક હસતો હતો. એણે પિતલી પલટવારને બોલાવી કાનમાં કાંઈક કહ્યુ. હવે પિતલી પલટવાર પણ સંપૂર્ણ રીતે ચિંતા મુક્ત થઈ ગઈ. વારે ઘડીએ અત્યાધુનિક અર્વાચીન ખાળકુવાની મુલાકાત લઈ લઈને, થાકીને લોથ પોથ થઈ ગયેલ બૈજુ બાવરી ફરી એક વખત વેસ્ટર્ન કમોડનો સદુપયોગ કરી આવીને એમની સાથે બેઠી. હવે ચિંતાતુર મયુરીઓ કળાકાર એની પત્નીની પાતળી હાલત જોઈને હતપ્રભ થઈ ગયો હતો. એ હિરકી હણહણાટને કહેવા લાગ્યો, "બા, આ 'જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસ' સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી પડશે."


હિંમતવાન હિરકી હણહણાટ હિજરાઈ, "આમ તો એ જયાબેન ખૂબ ખૂબ ભલી બાઈ છે. પણ આ ગડબડ કેમ થઈ ગઈ હશે, કોને ખબર!"


પિતલીએ પલટવાર કર્યો, "મયૂરભાઈ, તમને ખાતરી છે કે આ બૈજુ બાવરીની તબિયત ખરાબ ગુણવત્તા ઘરાવતી જયાબેનની રસોઈને લીધે જ બગડી છે?"


ફરી એક વખત, નવી ટ્રીપ માટે દોડતી બૈજુ બાવરીએ બૂમ પાડી, "હા."


ઈશા હરણીએ જ્ઞાન પ્રદાન કર્યુ, "આખી દુનિયા અંદર જાય ત્યારે ઠુસ હોય પણ બહાર આવે ત્યારે ફ્રેશ થઈને આવે. પણ આ બૈજુ બાવરી અંદર દોડતી દોડતી જાય છે અને બહાર આવે ત્યારે થાકીને ઠુસ હોય છે." બધાં હસી પડ્યાં.


તરત પિતલીએ પલટવાર કર્યો, "તો પણ ઝઘડો કરવા ફ્રેશ હોય છે." આ સહેલીઓ આપસમાં તકરાર પણ કરી લે અને ફરી સંબંધોમાં તાલમેલ સુધ્ધાં જાળવી લેવામાં ગજબની હથોટી ધરાવતી હતી. આ વાત આ મિત્ર વર્ગ જાણે એટલે મયુરીઓ કળાકાર પોતાનો અણગમો વ્યક્ત કર્યા વગર આ સંવાદથી અલિપ્ત થઈ ગયો.


મયુરીઓ કળાકાર બરાબર ફસાઈ ગયો હતો. એક તરફ હેરાન થતી બૈજુ બાવરીને જોઈને એ ચિંતાતુર થઈ ગયો હતો તો હિરકી હણહણાટના ઘરમાં એના આહાર બદલ હલકું બોલી શકે એમ પણ નહોતો. વળી એ મિત્ર વર્તુળમાંથી કોઈ પણ બૈજુ બાવરી બાજુ બોલતું નહોતું એટલે એ એક પ્રકારની ગડમથલમાં અટવાઈ ગયો હતો.


પણ પરિસ્થિતિ ચોક્કસ વણસી રહી હતી. બૈજુ બાવરી વારંવાર એક્ષપ્રેસ એક્સપોર્ટ એક્શન ભજવી ભજવી, થાકીને લોથપોથ થઈ ચૂકી હતી. પણ પેટની ચૂંક થાકવાનું નામ લેવા તૈયાર નહોતી. હિરકી હણહણાટએ એને શારીરિક નિર્જલીકરણથી બચવા શક્તિવર્ધક પાઉડર પીવડાવવાની જાહેરાત કરી પણ બૈજુ બાવરીએ એ જોખમ લેવાની પણ ના પાડી દીધી. એને ખાતરી સાથે સાથે ડર હતો કે આ પાણી પણ એની દોડાદોડીમાં વધારો જ કરશે. જોકે એના એ મધરાત સમયના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે એ અત્યંત આવશ્યક તો ડોક્ટરી ઉપચાર જ હતો. મજાક મસ્તી કરતાં સૌ એની લથડતી હાલત જોઈ ગંભીર થઈ ગયાં હતાં. એક વિકલ્પ એ પણ હતો કે આ સમયે એમના પારિવારિક ડોક્ટરને ઊંઘમાંથી જગાડીને એને ત્વરિત ઉપચાર કરાવવો જોઈએ.


જોકે ત્યાં હાજર એ મિત્ર વર્તુળના સભ્યોમાં આ શારીરિક અસ્વસ્થતા અને એના હાથવગા ઈલાજના નુસખાઓ વિષય પર સૌથી શ્રેષ્ઠ જાણકારી ધરાવતો વિનીયો વિસ્તારી આ માટે સહમત નહોતો. એ સાચું કારણ જાણતો હતો પણ કહી શકે એમ નહોતો. વળી આવી ક્ષુલ્લક બાબત પર કસમયે કોઈ ડોક્ટરને હેરાન કરવા એ ચોક્કસ અયોગ્ય વર્તન ગણાય અને સૌથી અગ્રેસર તથા મહત્વની વાત એ હતી કે એ ત્યાં, એટલે કે ફિલ્મી ભાષામાં 'મૌકા-એ-વારદાત' પર, સાક્ષાત સદેહે હાજર હોવા છતાં જો કોઈ ડોક્ટર સાહેબને જગાડવાની તકલીફ આપવી પડે તો એના વિસ્તારી જ્ઞાનને ફટ કહેવુ પડે.


એકંદરે અનુભવી વિનીયા વિસ્તારીએ વિસ્તારપૂર્વક વિચાર કરીને અત્યંત સચોટ, રામબાણ ઉપાય તરીકે સૂચન કમ ઉપચાર કમ મત વ્યક્ત કર્યો, "મારા હિસાબે ચિંતા કરવા માટે કોઈ સબળ કારણ નથી. આવું થાય એ સહેજ સાધારણ બાબત છે. બા, તમે ગુંધની રાબ બનાવી દો. દશ મિનિટના અંતરે બે વાર અડધો વાટકો પીવાથી દસ્ત બંધ થઈ જશે અને જરૂરી તાકાત પણ આવી જશે પછી બૈજુ, બાવરી બનવાને બદલે હણહણાટ અને સણસણાટ કરશે."


પણ મયુરીઆ કળાકારે આ દેશી બનાવટના નુસખા સામે મુદ્દાવાર પલટવાર કર્યો, "પણ આ ગુંધની રાબ એ હજમ કરી શકશે કે એ પણ બહાર નીકળી જશે? વળી ભલે દુનિયા માટે આ એક સહેજ સાધારણ બાબત હોય પણ બૈજુને આવું પહેલાં ક્યારેક થયું નથી. નક્કી આ ખરાબ ગુણવત્તા ઘરાવનાર છોલેના કાબુલી ચણા અથવા વાસી દહીંની લસ્સીને લીધે જ થયું છે. એટલે ભલે આ સહેજ સાધારણ બાબત હોય તો પણ ડોક્ટરને જ બોલાવી લેવાય."


હવે મૂકલા મુસળધારએ વાતનું સંચાલન પોતાના હાથમાં લીધુ, "તમે લોકો મહેરબાની કરીને આવી વ્યર્થની ચર્ચાઓ કરવાનું બંધ કરો. હીના, તું આ વિનીયા વિસ્તારીએ કહ્યુ એમ ગુંધની રાબ બનાવ. એ દોષ રહિત અને સ્વાસ્થ્ય વર્ઘક આહાર છે. વળી એની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. અને હું અમારી સોસાયટીમાં જ ઉપર મજલે રહેતા, અમારા ફેમિલી ડોક્ટર એવા પુરુષોત્તમ ધ્યાય સાહેબને બૈજુ બાવરીને તપાસવા વિનંતી કરૂ છું. ફક્ત એક જ તકલીફ છે અને એ જ કારણસર મેં અત્યાર સુધી રાહ જોઈ કારણ એમની ઉંમર છે. તેઓ સડસઠ વર્ષના છે."


મયુરીઓ કળાકાર તરત તૈયાર થઈ ગયો, "તો એમને અહીં બોલાવવાને બદલે આપણે બૈજુને જ એમના ઘરે લઈ જઈએ."


જોકે નવી પર્યટન યાત્રાએથી પધારેલ બૈજુ બાવરીએ ના પાડી, "ત્યાં અથવા ત્યાં જતા રસ્તામાં જ કોલ આવી જાય તો?"


ત્યાં સુધી ગુંધની રાબ તૈયાર થઈને આવી ગઈ હતી. એણે અડધો વાટકો ગરમાગરમ ગુંધની રાબ ગટગટાવી દીધી. ગુંધની રાબે એને તત્કાલિન રાહત અને તાકાત પ્રદાન કરતાં એની હિંમત થોડી વધી. અંતે એ સંધે ડોક્ટર સાહેબના દરવાજે ટકોરા વગાડ્યા.


ડોક્ટર સાહેબ સિનિયર સિટીઝન હોવા છતાં મૂકલા મુસળધારને લીધે એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો. એમણે પહેલાં એની સવારથી સંપૂર્ણ દિનચર્યા સાંભળી અને બાદમાં એની ઝીણવટ ભરી તપાસ આદરી.


એમને આ સ્વાસ્થ્ય સમસ્યાની સમજણ પડતા એમણે વિચિત્ર હાવભાવ સાથે એક અલગ ઉચ્ચાર કર્યો, "ઓહ માય ગોડ!"


શું થયું હશે બૈજુ બાવરીને? શું કોઈ ગંભીર બાબત સામે આવશે? શું આ મિત્ર વર્ગ માસિક શનિવારીય બેઠકનું ભોજન ખરેખર ખરાબ હતું? શું જયાબેનથી છોલે ભતુરે બનાવવામાં કોઈ ગફલત થઈ ગઈ હશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫૦ ગોલ્ડન જ્યુબિલી મણકો' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).