મૈત્રી Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૈત્રી

સુકેતું , રેશમ અને જીનલ ત્રણેય પાક્કા મિત્રો.રોજ કોલેજે સાથે મળી અભ્યાસ કરે ને રવિવારે એકાદની ઘરે બધા ભેગા મળીને અભ્યાસ સાથે ઉજાણી કરે. એવામાં રેશમના નિકાહ નકકી થઈ ગયા. ઘરમાંથી બહાર નીકળવામાં હવે થોડી પાબંદી રહેતી એટલે સુકેતું અને જીનલ હવે મોટા ભાગે એકલા જોવા મળે.

એટલું પૂરતું હોય એમ કોલેજમાં વેકેશન પડી ગયું એટલે હવે આ ત્રણે મિત્રોને એક-બીજાને મળવું મુશ્કેલ થઈ ગયું.ત્રણેય મિત્રો મનોમન એ જ વિચાર્યા કરતાં કે "હજી કોલેજનું ત્રીજું સેમેસ્ટર જ પત્યું છે.બાકીના ત્રણ સેમેસ્ટર પણ આમ વીતી જાય તો આપણે આપણી કોલેજની ઉજળી યાદને કાયમ માટે સમેટીને સાચવી લઈએ.જો ધાર્યું નહીં થાય તો શું કરશું?"

રેશમ એકલી પડી મૂંઝાયા કરે.મિત્રોનું સાનિધ્ય એને શાંતિ આપતું.પણ,હવે તો એય વેગળું.ત્રણેય ખૂબ ગાઢ મૈત્રીથી જોડાયા હતા એટલે આ સ્થિતિ બધા માટે અનિચ્છનીય હતી.સુકેતું અને જીનલ મળીને વિચાર કરે કે "એવું શું કરીએ કે જેથી આ મૈત્રી પણ જળવાય રહે અને બધાનું ભવિષ્ય પણ સુધરે."

આ વિચારમાં બેઠા હતા ત્યાં જીનલને મગજમાં ઝબકારો થયો.એ ચપટી વગાડી ઊભો થઈ ગયો..મનોમન બબડયો..મળી ગયો રસ્તો.

સુકેતું :"શું મને તો કહે."

જીનલ:"ચાલ ,રસ્તામાં કહુ"

બંન્ને ગાડી સ્ટાર્ટ કરી જવા લાગ્યા..જીનલે ટૂંકમાં જ પોતાની યોજના સમજાવી દીધી.પછી જતાં જતાં જ રસ્તામાં રેશમને ફોન લગાડ્યો .પણ,કોણ જાણે કેમ એણે ફોન ન ઉપાડ્યો.થોડા મૂંઝાયા પણ એમણે ગાડી ન અટકાવી.એતો કોઈ અજાણ્યા સરનામે જઈ કોઈ વ્યક્તિની પૂછપરછ કરવા લાગ્યા.

મોટા ભાગના લોકો અહીં મુસ્લિમ કોમ્યુનિટી જ હશે એવું જોતા જ લાગતું હતું.ભૈયા સમીર નામે કોઈ વ્યક્તિની શોધખોળ શરૂ કરી.ખૂબ પુછપરછના અંતે એક યુવાને એક હવેલી જેવા સુંદર મકાન તરફ આંગળી ચીંધી.બંને મિત્રો આજ્ઞા લઈ અંદર પ્રવેશ્યા.પેલો માણસ એની સાથે જ પાછળ પાછળ અંદર ગયો.કોઈ વડીલ પુરુષ ઓશરીના ખાટલે બેઠા હતા.એણે ઓળખાણ ન પડતાં વિચારમાં જ કહ્યું કે કાંઈ ઓળખાણ પડતી નથી.બંને મિત્રોએ સાથે કહ્યું કે સમીરના નામ સિવાય બીજી કોઈ તો અમારેય ઓળખાણ નથી.

બંન્નેને માણસો સમજુ અને સંસ્કારી લાગ્યા.બંન્ને મિત્રોએ પોતાના મનની વાત વિસ્તારથી રજુ કરી.પેલા તો વડીલ મૂંઝવણમાં મૂકાયા પણ પછી પેલા ધર બતાવનાર માણસના ઈશારાથી કંઈક સમજી એને સમસ્યા પરત્વે આશ્વાસન આપ્યું.બંન્ને મિત્રો રાજી થતા ચાલ્યા.

બીજી તરફ રેશમે ફોનમાં મિસ્ડકૉલ જોઈ સામે ફોન કર્યો.

રેશમ: (મૂંઝાતી હોય એવા અવાજે)"શું કામ હતું?"

સામે પક્ષે ફોન સ્પીકરમાં કરી બંને એ સાથે કહ્યું આમ
ઉદાસ થઈ કેમ બોલે છે.ચીલ કર.ફ્રી હોય તો આવ મળવા.

રેશમ : "હમણાં તો નહીં આવી શકાય.મારા સસરા અને મારા ફિયાન્સે આવે છે.કાંઈક અરજન્ટ કામ છે એવું કહીને ફોન આવ્યો.ખબર નહીં શું કામ હશે.હું તમને પછી ફોન કરું?"

*********************

થોડીવાર રહી રેશમનો ફરી ફોન આવ્યો.આ વખતે એ ખૂબ ખુશ હતી.એના અવાજમાં જાણે કોઈ ચમત્કારિક ઘટના ઘટી ગઈ હોય એવો ઉત્સાહ હતો .એણે કહ્યુ "હું હમણાં તમને મળવા આવું છું."

ત્રણેય મિત્રો પહેલાંની જેમ મળ્યા. રેશમે પોતાની ખુશીનું કારણ જણાવ્યું.ખૂબ ખુશ થઈ ત્રણેય મિત્રો રોજની જેમ આનંદ મસ્તીથી રહ્યા.પણ રેશમની આ ખુશી લાંબો સમય ન ટકી શકી.

એ ઘરે ગઈ ત્યાં પહેલાં જેવી જ પરિસ્થિતિ પાછી થઈ ગઈ.રેશમના અબ્બુ એને ભણવાની સ્પષ્ટ ના પાડી દીધી. રેશમના સસરા એને ભણવું હોય ત્યાં સુધી ભણવાની છૂટ આપવાની વિનંતી કરી ગયા હતા .રેશમના અબ્બુએ સામે તો હા પાડી દીધી પણ,પછી તરત એની રૂઢિવાદી પરંપરા સામે ધરી દીધી.રેશમને પણ તેની સામે ઝુકી જવું પડ્યું.

થોડા દિવસ વીત્યા ને ત્રણેય મિત્રો ઘણાં દિવસથી મળ્યા ન હતા.એવામાં એકાએક સુકેતું અને જીનલના નામે રેશમના નિકાહની કંકોત્રી મળી.

વેકેશન ખુલવાના બે દિવસ પહેલાં જ નિકાહ હતા.બંન્ને મિત્રો તો આ વાંચીને હક્કા બક્કા જ રહી ગયા.હવે રેશમ કોલેજે નહીં આવે એ વિચારે ખૂબ દુઃખી થયા.બીજી તરફ રેશમ પણ ફોન ઉપાડતી નથી. એને મળવા જવા તેઓનો પગ ન ઉપાડ્યો.બંન્નેને પોતાના કરેલ નિષ્ફળ પ્રયાસ બદલ ખૂબ પસ્તાવો થયો.

મનને મારીને બંન્ને મિત્રો નિકાહમાં ગયા.રેશમ સમક્ષ જઈ ઊભા રહ્યા તો એને રોજની જેમ દોડીને હાથતાળી દેવાનું મન થઈ આવ્યું.પણ,સંજોગો આગળ એ ચૂપ જ બેઠી રહી.સામે પુરુષ પક્ષે શહેરામા રહેલો ચહેરો કોઈક પરિચિતતાની ચાડી ખાઈ રહ્યો હતો. અચાનક કોઈકે બોલાવ્યો એટલે એણે મોઢા પાસેથી ફુલની સેર આઘી કરી જવાબ આપ્યો. એને જોતા જ બંન્ને મિત્રો સાથે જ ચોંકી ગયા."આ..."

બંન્ને મિત્રો જાણે હેબતાઈ ગયા હોય એમ બેસી રહ્યા.નિકાહની રસમ પુરી થઈ.બધા લોકો ભેટ-સૌગાત આપવા જાય છે.જીનલ અને રેશમ પણ વીલા મોંએ બનાવટી હાસ્ય સાથે ભેટ ધરી.આશ્ચર્ય સાથે પેલા શહેરામાં રહેલા પુરુષે સામે રીટર્ન ગીફટ આપી.બંન્ને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા."શું હશ?"

ત્યાં જ ગીફટ ખોલાવી તો રેશમના કોલેજનાં નવા સત્ર માટેના ડોક્યુમેન્ટ અને ફી હતી.પેલો શહેરામાંનો પુરુષ પણ બીજો કોઈ નહીં સમીર પોતે જ હતો કે જે તે દિવસે એને પોતાનું જ ઘર બતાવી ત્રણેયની મિત્રતાનું પારખું જોવા ઉભો હતો.

સુકેતું અને જીનલ એક સાચા મિત્રોના નાતે રેશમના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જાણે રીતસર આજીજી કરતાં હતા.એ દ્રશ્ય જોઈને જ સમીર અને તેના અબ્બુ રેશમના અભ્યાસ માટે તેના પિતાને મળ્યા પણ,એ આ માટે પછી કયારેય રાજી ન થયા અંતે સમીરે નિકાહ જલ્દી કરવા છે એવું કહી તુરંત તારીખ લેવડાવી લીધી.પિતા પુત્રએ રેશમના ભવિષ્યને ધ્યાનમાં લઈ આ મધ્યમ માર્ગ વિચાર્યો હતો.જેથી નિકાહ બાદ રેશમ પર એના અબ્બુની પાબંદી ન રહે અને તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.વળી, એક કહેવાતા સુધડ અને આધુનિક સમાજમાં એક સ્ત્રી પુરૂષની નિર્દોષ મૈત્રીનો સહજતાથી સ્વીકાર કરવો નાની વાત ન્હોતી.પણ,સમીર આ મૈત્રીનો સાચો પારખુ નીકળ્યો.

એમનો આ પ્લાન એમના ધાર્યા મુજબ જ સફળ થયો.હવે તો ફરી કોલેજ શરૂ થઈ ગઈ.રોજ બંન્ને મિત્રો કોલેજના ગેઈટ પાસે ઉભા રહી રેશમની રાહ જોવે.સમીર જાતે રેશમને તેડી-મૂકી જાય.હવે તો મિત્ર જૂથમાં સમીર પણ સામેલ થઈ ગયો. પહેલાની જેમ હવે ચરેય મિત્રો મળતા ને જીવનનો સાચો આનંદ માણતા .આમ જ બધાએ ખૂબ સફળતાપૂવૅક કોલેજ પૂરી કરી.પણ,બધાનો આ મૈત્રી સંબંધ તો વધુ ગાઢ થયો અને આજીવન રહ્યો.

જેને સાચા મિત્રો અને એક સારો જીવનસાથી મળી જાય તે વ્યક્તિ માટે જીવનમાં બીજી બધી ઈચ્છાઓ આપોઆપ પૂર્ણ થઈ જાય છે.રેશમના જીવનની ધન્યતા આવા લોકોના મળવાના કારણે જ હતી.

સારાપણું એક ચુંબક જેવું કામ કરે છે જે પોતાના જેવાને પોતાના તરફ ખેંચીને જકડી રાખે છે. જેના લીધે ન માત્ર એનું પોતાનું જીવન પરંતુ એની સાથે જોડાયેલા અનેક લોકોના જીવનને ન્યાલ કરી દે છે.આવા જૂજ લોકોના કારણે જ દુનિયા આજેય જીવંત લાગે છે.


-ડૉ.સરિતા (જલધિ)