હે માતા ધરિત્રી,
તારી અને મારી નિકટતા કોઈ શબ્દ કે લાગણીઓની મોહતાજ નથી. પણ એમ છતાં, આજે તને પત્ર લખવાનું મન થઈ આવ્યું.એટલે તને ઉદ્દેશીને આ પત્ર લખી રહી છું.
સૌ પ્રથમ તો આ જાનકીના તારા ચરણોમાં કોટિ કોટિ વંદન. સૃષ્ટિના દરેક જીવને તેની સર્જક માતા પ્રત્યે જે અહોભાવ હોય તેવો અહોભાવ તો કોઈ દેહધારીને અભિવ્યક્તિ માટે હોય. પણ, આ જાનકીને તો તારી સાથેનો અવર્ણનીય નાતો છે.
કોઈ શિશુ માતાના ઉદરમાંથી જન્મે અને જે હુંફને પામે એવી જ હુંફ મને સદૈવ તારાથી મળી છે. કેમકે , આખરે તો તું મારી જન્મદાત્રી છે.
તુજ થકી સંચાર મુજમાં સંચર્યો,
જનક જેવો તાત તુજ થકી મળ્યો.
સુનયનાના નેહનો સુર એમાં ભળ્યો.
હે માતા તારા સર્જનનો હેતું ફળ્યો.
વેરાન જમીન પર હળ ચલાવી તને હરિયાળી બનાવનાર મારા પાલક પિતા જનકની સાથે મળાવી, માતા સુનયનાનો પ્રેમ અને માતૃત્વ આપવા બદલ હું હંમેશા તારી ઋણી રહીશ.
જનકદુલારી,સીતા,જાનકી,મૈથિલી,સુનયનાસુતા જેવા અનેક નામો મને મળ્યા છે.પણ,ભૂમિજા અને અવનિજા મને તારા સ્નેહજોડાણે મળ્યા છે.
તારા થકી જનમેલી હું એટલે હું ભૂમિજા કે અવનિજા કહેવાઈ. તારી લાડકવાઈ થવાનો કે તારા દ્વારા જન્મવાનો એકમાત્ર અવસર મને જ મળ્યો છે.જે માટે પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
તું તો જાણે જ છે કે, તારી ભીતરમાં થતા દરેક પરિવર્તનોને એટલે જ હું પિછાણી શકી છું.જાણે તારી પીડા,લાગણીઓ કે તારા દરેક ભાવની ભાષાને મેં સદૈવ અનુભવી હોય. અને એટલે જ મારા મનની વ્યાકુળતાને તારા સાનિધ્યમાં જ શાંતિ મળી છે.
હે મારી સર્જનહાર! હું જાણું છું કે આ પ્રકૃતિ પણ તારો જ એક અજોડ અંશ છે. કદાચિત્ એટલે જ હું હંમેશા તેના તરફ ખેંચાતી રહું છું. અને તે પણ હંમેશા મને એના નિકટ રાખવા પ્રયત્ન કર્યો છે.
તારા થકી જ આ જન્મે હું બે-બે માતાનાં સ્નેહને પામી છું. મારી જન્મભૂમિ મિથિલામાં તો તું નિરંતર મારી સાથે જ રહી છો.એટલે જ મારા મનની દરેક વ્યથા,કથા તને જ કહી છે. મારી બીજી કર્મભૂમિ અયોધ્યામાં પણ તે મને થોડો સમય જ રહેવા દીધી. કેમકે એ આલીશાન મહેલોમાં હું તારી સાથે જોડાયેલી રહી શકતી ન હતી.એ રાજસી સુખવિલાસમાં હું તારાથી દુર થઈ જાત. એટલે જ,કદાચ તે મને વનવાસ આપી હર હંમેશ તારી ગોદમાં,તારી નિકટ રાખવા પ્રયત્ન કર્યો હશે. એટલે એ રાજસી સુખ ત્યાગનો મને કોઈ રંજ નથી. હું એ પણ જાણું છું કે, મારી જન્મદાત્રી હોવાને લીધે તું મારું અહિત વિચારી જ ના શકે.
વનવગડાઓમાં ભમતાં મારા શ્રીરામ સાથેનાં એ વનવાસમાં તારી સમીપતા જ મારો આધાર હતી.એટલે જ રાવણની લંકા અને રાજસી સુખના બદલે મેં રઘુકુલનંદનના વિરહને તારા સહારે જ પુર્ણ કર્યો.
વનવાસ પુર્ણ કરી અયોધ્યા આવ્યા પછીના બીજી વખતના વનવાસે પણ એટલે જ, કોઈ પામર મનુષ્યનાં કઠોર વચનો મને તોડી ના શક્યા. કેમકે,ત્યારે પણ તું મારી સાથે જ હતી. હું એ પણ જાણું છું કે,મારા એક સાદે તું સદૈવ મારી સહાયતા માટે તત્પર રહી છો. એટલે જ જ્યારે મારી ધીરજ ખૂટી અને આ દુનિયા મને દોહ્યલી લાગી ત્યારે, મને તું જ યાદ આવી.
મારો એક આર્તનાદ સાંભળીને તું પણ, વ્યથિત થઈ તારો ખોળો ફેલાવી મારી સામે દોડી આવી. મારા જીવનના અંતિમ શ્વાસ સુધી તારા ખોળે જ રમાડી. કર્મ-બંધનો નિભાવવા વિહાર કરાવ્યો અને અંતે તારો જ અંશ હોવાથી તે તારા ખોળામાં મને સમાવી લીધી. જાણે મને મોક્ષ મળી ગયો.
આથી વિશેષ હવે કંઈ કહેવું નથી. આજે સમયનું ચક્ર અવિરત ચાલ્યું જાય છે,અને ચાલતું રહેશે. પણ,મારા સર્જનહાર તરીકે હે ધરતીમાતા ! તું અને તારી લાડકવાઈ પુત્રી તરીકે હું ભૂમિજા તરીકે લોકહ્દયમાં રમતી રહીશ. આજે પણ જો હું કયાંય હોવ તો,આ જોઈ તારો આભાર માનું એટલો ઓછો લાગે. અંતે એટલું જ કહીશ. હે માતા! તારા આ હરિયાળા ખોળાની સમૃદ્ધિ પાસે મારે કોઈ બીજા સુખ નથી જોતા. એટલે મને સદૈવ તારી સાથે જ રાખજે. આ ભુમિજા, તારા સ્નેહની હકદારને તારી સમૃદ્ધિની વારસદાર રાખજે.એ જ અભ્યથૅના સાથે તારા ચરણોમાં સાદર નમસ્કાર.
લી.
તારી લાડકવાઈ ભૂમિજા.