Jaldhi na patro - 11 books and stories free download online pdf in Gujarati

જલધિના પત્રો - 11 - વ્હાલી વિધ્યાર્થીનીનો શિક્ષકને વળતો પત્ર

આદરણીય માસ્ટર,

આપને સાદર નમસ્કાર .આજે જ આપનો પત્ર મળ્યો. આપના પત્રએ એક ઊંડાણને સ્પર્શી અંતરની લાગણીઓને તરબોળ કરી. કેટલાયે સમયથી મળ્યા નથી તેનો સહજ ઠપકો પણ મળ્યો. આપણી પરસ્પર હાજરી પ્રત્યક્ષ ભલે ન હતી. પણ ,ફોનમાં અવાજ તો આપણે રોજ સાંભળતા એટલે એ રંજ દૂર થઈ જતો.

તમારો પત્ર વાંચતાં વાંચતાં જ ક્યારેક ક્લાસરૂમમાં તો ક્યારેક આપણા માટે સ્વર્ગરૂપ સ્થળ એવી પ્રયોગશાળાની સફર પણ હું કરી આવી.જાણે ત્યાં હોવાની જ સાક્ષાત્ અનુભૂતિ કરી આવી.

કેવો અદ્ભુત છે સમય ! જ્યારે સાથે હતા. ત્યારે ,ઝડપથી વહી ગયો. અને જ્યારથી છુટા પડ્યા છીએ ત્યારથી જાણે ધીમે ધીમે સરકી રહ્યો છે. સાચું કહું તો, આપણે મળી નથી શકતા એ વાતનું મને જરા પણ દુઃખ થતું નથી. કારણ કે ,જ્યારે જ્યારે તમને યાદ કરી મારી આંખો બંધ કરું છું. કે તમને શોધવા પ્રયત્ન કરું છું, તો શબ્દ રૂપે કે યાદગીરી રૂપે તમને પ્રત્યક્ષ અનુભવું છું. તમને મળવા માટે મારે કોઈ સ્થૂળ જગ્યા કે પ્રત્યક્ષ થવાની જરૂર નથી. તમે લાગણી રૂપે મારામાં સદૈવ વસેલા છો.

પણ...હા, કોલેજની વાતોને વાગોળીએ તો, સવારનો પ્રથમ લેક્ચર પૂરો કરી હું ચોક્કસથી પ્રયોગશાળા ને જોતી. કે કદાચ તમે આવી ગયા હશો ? અને જો તમને ત્યાં જોઉં તો, પાંચ મિનિટ તો પાંચ મિનિટ મળવાની લાલસા જરૂરથી થતી. અને એને હું રોકી ન શકતી.સીધી તમારી સામે જ આવી જતી.. તમને ગુડ મોર્નિંગ કરવા...

તમારી પ્રિય વિદ્યાર્થીની તરીકેનું બહુમાન મેળવી હું મારી જાતને કૃતકૃત્ય માનું છું. મારા જેવી અલ્લડ,તોફાની અને વાચાળ વિદ્યાર્થિનીને માત્ર ઉપરછલ્લી નહીં પણ,નખશિખ પારખનારા જાણે તમે જ છો એવું લાગ્યું. મારા અંતઃકરણની શુદ્ધિના દીર્ઘદ્રષ્ટા પણ તમે જ છો.

શ્રી કૃષ્ણને સાંદિપનીને પામીને જે અનુભૂતિ થઈ હશે ! આજે મારા હૃદયનો ભાવ એનાથી સહેજે ઓછો નથીઆપે જ મારામા રહેલા ખરા કૃષ્ણ તત્વને ઓળખ્યું છે.એટલે જ હું મારા આ આજના વ્યકિતત્વ માટે આપની જ આભારી છુ .

ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે તેમને મિત્રના રૂપમાં શિક્ષક મળ્યા છે. પણ, હું બધાને ગર્વથી કહી શકું કે મને શિક્ષકના રૂપમાં એક મિત્ર, મોટી બહેન અને માતૃત્વ સુધા મળ્યું છે. જેના સાનિધ્યમાં હું ખરેખર વ્યકિતત્વની અમરતાને પામી છું દુનિયામાં આ બાબતે બહુ ઓછા લોકો ભાગ્યશાળી હોય છે. અને હું તેમાંની એક છું. કારણ કે, મને એક "લાગણીની સરિતા" મળેલ છે.

મને મળ્યું છે જીવનમાં આ એક સુધા બુંદ .

બાકી થઈ ગયા પરપોટા પાણીમાં બુદ્ બુદ્

મારૂ જીવન છે જલધીમા નાની નાની બૂંદ

આપ વિશાળે સાગરની લહેર અંધાધૂંધ.

કોઈના હૃદયનાં ઊંડાણને માપવાનું મારું તો ગજું નથી. પણ, તમારા તરફથી મળેલ એક-એક પ્રેમબિંદુ અંતરના ઊંડાણમાં સમાય છે, અને જાણે ઊંડાણ છલોછલ ભરાઈ જાય છે. એવું થયા કરે છે કે ,ફરી ફરીને ખાલી થઈ તમારી સામે આવું. ને ફરી એક પ્રેમ બિંદુ મળે તો ત થકી જ હું ફરી ફરીને ભરાઈ જાઉં.

જો લાગણીના આ પ્રવાહને હજી વધારે છૂટ આપી વહેવા દઉં તો, આ પત્ર નવલિકા બનશે. એટલે પત્રને પત્ર રાખવા માટે આટલું પૂરતું છે. એટલે હવે પ્રત્યક્ષ મળીને લાગણીની આપ-લે કરશું.શબ્દો તો હવે અટકાવવા જ યોગ્ય છે.તો જ તમે એને વાંચી વળતો પ્રતિભાવ જલ્દી આપશો.

ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી પરિસ્થિતિ બદલાય અને દુનિયા ફરી જીવંત બને. જેના થકી આપણે પણ વણદેખી દિવાલમાંથી બહાર નીકળી જ્ઞાનની સરવાણી વહાવી શકીએ. સાચા અંતઃકરણથી આપના ચરણોમાં વંદન.

લી.
વ્હાલી વિદ્યાર્થીની .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED