વ્હાલી વિધ્યાર્થીની
હમણાં ઘણા સમયથી તને મળવાનું પણ નથી થતું કે, ફોન પર વાત કરવાનો પણ સમય મળતો નથી એટલે, આજે તારા સરનામાની શોધ આદરેલી અને સદ્ભાગ્યે મળી પણ ગયું. એટલે આ પત્ર લખવાનું મન થઈ આવ્યું.
જ્યારથી શિક્ષણક્ષેત્રમાં અધ્યાપક તરીકે જોડાઈ ત્યારથી અનેક વિદ્યાર્થીઓ સાથે મળવાનો અને તેમને ભણાવવાનો અવસર મળેલો.. પરંતુ,એ દરેકમાં તું મારી સૌથી પ્રિય વિદ્યાર્થી છે. તારા જેવી શિષ્ય મળવી મારા માટે પણ ગૌરવની વાત છે.
શરૂઆતમાં જ્યારે તું કોલેજમાં આવી ત્યારે નવી નવી હોવા છતાં તને સતત વિદ્યાર્થીઓના ટોળામાં જોતી અને તારા એ વ્યક્તિત્વનું રહસ્ય જાણવાનું મન થઈ આવતું હતું .પણ, ત્યારે એ મોકો ન મળ્યો. તારું એ સિક્રેટ તો મને પછી ખબર પડી કે, એ દરેકને તું વિધાયક વિચારો તરફ પ્રેરિત કરવા પ્રયત્ન કરતી એટલે તેઓને તારી સાથે રહેવું ગમતું. પછી એ અજાણ્યા કેમ ન હોય...!
જ્યારથી મારે તમારા વર્ગખંડમાં અભ્યાસ માટે આવવાનું થયું ત્યારે મને પણ એ વામન રૂપે વિરાટ વ્યક્તિત્વને મળવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો. ખરેખર, મેં સાંભળેલ એ દરેક પ્રશંસાના શબ્દોને તારા રૂપે સાર્થક થતાં મેં જોયા. પછી તો, જ્યાં સુધી તું મારી પાસે અભ્યાસ કરતી ત્યાં સુધી તો મને એક વિદ્યાર્થિનીનાં સ્વરૂપમાં એક મિત્ર મળી ગઈ હતી. પરંતુ, તમે પણ આખરે પ્રગતિનાં પંથના મુસાફરને એટલે ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી આ કોલેજમાંથી વિદાય લીધી... મને એવું લાગ્યું કે જાણે મારો એક ગાઢ મૈત્રી સંબંધ છીનવાઈ ગયો.
આટલા વર્ષોથી વિદ્યાર્થીઓ આવતા અને અભ્યાસ પૂર્ણ કરી વિદાય લેતાં અને હું ફરી સ્વસ્થ થઈ જતી.. ક્યારેય કોઈનું આટલું વળગણ ન્હોતું લાગ્યું.
મારો આ ભણાવવાનો સિલસિલો ચાલુ જ હતો. પણ, તારી યાદ દરેક લેક્ચરમાં આવતી.. ન સમજાતા ખ્યાલો અને વ્યાખ્યાને અનેકવાર પ્રશ્ન કરી ફરીફરીને સમજાવવાની તારી એ વિનંતી અને મારા કોઈપણ પડકારને ઝીલવાની સમર્થતા આજ સુધી મેં કોઈ વિદ્યાર્થીનીમાં જોઈ નથી.
લાઈબ્રેરીમાં જાવ છું તો , ત્યાં પણ તારી યાદગીરી દરેક ખૂણે સચવાયેલી જોઉં છું અને તું વિસરાતી નથી. તારો અને મારો સહિયારો પુસ્તક પ્રેમ આજે પણ લાઈબ્રેરીમાં ખૂબ જતનથી સચવાયો છે. સાથે મળીને વિષય મુજબ અને વાચકની પસંદગી મુજબ ગોઠવાયેલાં એ પુસ્તકોની હારમાળા કદાચ ફરી આપણી પ્રતીક્ષામાં હોય એવું લાગ્યા કરે છે.
એવું થાય છે જાણે પુસ્તકો કહી રહ્યાં હોય....! કોણ પહેલા આ પુસ્તક વાંચી રીવ્યુ આપશે અને વાંચવાની આ રમતમાં કોણ વિજેતા થશે...? પણ, કહેવાય છે ને....
"દરેક વાચકને તેનું પુસ્તક મળવું જોઈએ અને દરેક પુસ્તકને તેનો વાચક"
કદાચ હજી સુધી તેને કોઈ સાચો વાચકો મળ્યો નહીં હોય.
માત્ર વિદ્યાર્થી જીવનમાં જ નહીં, સમાજના દરેક સંબંધોને નાની ઉંમરમાં નિર્વિકાર દ્રષ્ટિથી સમજવાની પરિપક્વતા મેં તારામાં જ જોઈ છે.
સંજોગો ગમે તેવા વિકટ હોય કે કોઈ પડકાર હોય અશક્ય શબ્દને ક્યારેય તે સ્પર્શ થવા નથી દીધું... જેનો અનુભવ મને હમણાં જ પાછો જીવંત થયો... ધ્રુવ ભટ્ટની અકૂપાર સાથે વાંચીને સાંસાઈના પાત્રથી થયેલું આકર્ષણ મને તારામાં જીવંત દેખાયું ...અને વાચિકમ્ સ્વરૂપે પ્રગટ કરી તે મારા એ પડકારને પણ ધરાશયી કરી દીધો અને ખરા અર્થમાં શીતલમાંથી સાંસાઈ થઈને ઉભરી આવી.
અકુપાર ફરીથી વાંચવાનું મન થયેલું અને શરૂ પણ કરેલી પણ, તારામાં રહેલી સાંસાઈએ મને ફરીથી પૂરી ન કરવા દીધી. એક લાગણીના પ્રવાહમાં એવી તણાઈ ગઈ કે આંખો વરસવા લાગી... તે અધૂરી રહી ગઈ.
"પ્રયોગશાળાની એ મીઠી મધુરી યાદો એટલે કોલેજનો આપણો એ મનગમતો મુકામ". જ્યારે પણ ત્યાં જાઉં છું અને સામેની પહેલી બેન્ચ ખાલી જોઉં છું તો તું ત્યાં બેસીને પશ્નોની લ્હાણ કરતી હોય તેવો ભાસ થાય છે.
તોફાન સાથેનું અલ્લડ નિખાલસ વ્યક્તિત્વ એક ચિરપરિચિત સંબંધ સ્થાપી ગયું છે.
ઘણી વખત તારી સાથે વાત કરવાનું મન થયા કરે છે... અને, થાય છે કે ફરીથી તું મારા વર્ગખંડમાં આવે અને તારી જિજ્ઞાસાવૃત્તિ સાથે હું પણ મારા સંતોષની અનુભૂતિ કરું.
"શિક્ષક માટે શિષ્ય પોતાના પોતીકી ઓથ"
બધા જ વિદ્યાર્થીઓ મારા સ્નેહનાં સરખા હકદાર હોય છે છતાં, કોઈક કોઈક એમાં ખાસ હોય છે.
શિક્ષકનું વિદ્યાર્થીને વળગણ હોવું સ્વાભાવિક છે. પણ, મારો તારા પ્રત્યેનો સ્નેહ આ સિલસિલાને ઉલટાવી ગયો છે.
કંઈ કેટલીયે યાદગીરીઓ તારી સાથે જોડાયેલી છે. દરેકને શબ્દરૂપે વાચા આપવી અશક્ય થઈ જાય... પણ, એમાનાં કેટલાક યાદગાર અનુભવો જેને વર્ણવતા હું મારી જાતને રોકી ન શકી. એટલે આ પત્ર દ્વારા મારી લાગણીને તારા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે... આશા છે કે એને વાંચીને તું પણ સંવેદનાની અનુભૂતિ કરીશ. વધુમાં કંઈ કહેવું નથી. સમય મળ્યે જરૂર રૂબરૂ મુલાકાત કરશું એ જ આશિર્વચન વચન સાથે...
લી.
🖋તારા (માસ્ટર) ,એક શિક્ષક🖋