હે રાધે,
તારો પત્ર મળ્યો.જાણે સાક્ષાત્ તારાથી મળ્યાની અનુભૂતિ થઈ. ક્યારેય કોઈને વળતો ઉત્તર આપવા હું બંધાયેલો નથી. પણ ,તને નિરાશ કઈ રીતે કરી શકું ! તારી લખેલી લાગણીઓની અક્ષરસઃ અનુભૂતિ કરી છે. શબ્દોને વાંચવા કરતા જીવ્યો છું એમ કહેવું વધુ ઉચિત રહેશે.
તું તો તારી લાગણીઓને સરળતાથી કહી શકે પણ, હું તો પુરુષ હ્દય, એટલે એમાં થોડી કરકસર હોવાની. છતાં, તારા માટે તો મેં આ સઘળી લીલાઓ રચી છે. જેથી મારા પ્રણયની પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકું.
મારી વાંસળીમાં સંમોહન છે.એ પણ એટલે કે તેમાં ફૂંકાતો પ્રાણવાયુ તું જ છે. અને જ્યાં મારી રાધે છે ત્યાં બીજા કૈફની શું જરૂર છે ! તે ભલે મને સમગ્ર સૃષ્ટિમાં કલ્પ્યો હોય. પણ, મેં તો તારા સમગ્ર અસ્તિત્વને વાંસળી રૂપે મારા હૃદયમાં રાખ્યું છે. મારી વાંસળીનાં સુર જીવંત છે. કેમકે મારી રાધા મારી પ્રિયતમા મારી સાથે છે.
મારા માટેના શણગાર સજવા જેટલી તું આતુર છે. એટલી જ તારા સૌંદર્યને પામવા મારી આંખો વ્યાકુળ બને છે. જ્યારે તારા એવા સૌંદર્યમય રૂપને નિહાળું છું ને લાગે છે જાણે,સમગ્ર પ્રકૃતિ અને સૌંદર્ય તારામાં સમાઈ ગયું હોય. યમુના તટ પર આપણું મિલન અને મારા માટેના મિલનની તારી વ્યાકુળતાને હું તાદૃશ પામ્યો છું. ભાન-સાન ભૂલી પોતાના કૃષ્ણ માટે લોક-લાજ છોડી સદાય દોડી આવનારી મારી રાધાના પ્રિયતમા રૂપને હું ક્યાં નથી જાણતો !
રાધે ! તું નૂર મારા ચહેરાનું,
મારી વાસળીનું સ્પંદન પણ તું.
તુંજ મારૂ અસ્તિત્વ સાચું,
તારા વિના દીન,પામર હું.
હું જગતમાં ઇશ્વરનું સ્થાન પામ્યો. કેમકે, હે રાધે ! તું મારા હૃદયની રાણી બની. ખરા અર્થમાં મારા દિલની હકદાર પણ, તેમ છતાં તે મને કદી મારા કર્મમાંથી ચલિત થવા નથી દીધો. કદાચિત્ એટલે જ આખા જગત માટે એક અલૌકિક અનુભૂતિ સમાન ઈશ્વર બની શક્યો. તારા સ્ત્રીસહજ ભાવોને તે ક્યારેય તારા પર હાવી થવા દીધા નથી. એ પણ હું ક્યાં નથી જાણતો ?
ગોપીઓએ તો મને મારા નટખટપણા માટે ક્યારેક ફરિયાદ પણ કરી હશે. પણ, તે તો ક્યારેય મને દોષી જોયો જ નથી. કદાચ , તારું મન મને પરિપૂર્ણ જોવા જ ટેવાયેલ હશે. પણ, હે રાધે ! જો સાચું કહું તો હું જ તારા માટે મારા સ્નેહને અલાયદો ના રાખી શક્યો. એનો ખેદ મને હંમેશા રહેશે. કેમકે મારા ભક્તજનો,સ્નેહીજનો,ગોપીઓ તેમજ સખાઓએ સદા મને તેમના સ્નેહમાં જકડી રાખ્યો છે. જ્યારે તેતો તારા પ્રેમની સાચી પરાકાષ્ઠા પ્રાપ્ત કરી લીધી, અને મને સદાય સ્વતંત્ર રાખ્યો. હે રાધે ! કૃષ્ણને તારા માટે તારા હૃદયના ભાવથી સહેજે ઉતરતો ભાવ નથી. પણ, ક્યારેય કહ્યું નથી. આજે કહેવા ઘણું ઘણું છે. પણ, તું તો સદાથી કૃષ્ણમયી હોવાની,એટલે તને શબ્દોથી ક્યાં સમજાવું.
હું તને ગમે તેટલી શબ્દ અભિવ્યક્તિ કરું.તારા માટે તો ઓછી જ પડશે. કેમકે,મારા પ્રાણપ્રિય કોઈ વસ્તુ જો મારા જીવનમાં હોય તો મારી રાધે છે. એટલે, ત્યાં અન્ય સમજને કોઈ સ્થાન જ નથી.
અરે,આ શું લખવા બેઠો છું. મારે ક્યાં કંઈ અનુભૂતિ લખવાની જરૂર છે. તું ક્યાં નથી જાણતી કે આપણાના ભાવમાં હું અને તું એકાકાર થઈ આપણે એક વ્યક્તિત્વ બની ચૂક્યા છીએ, જ્યાં કોઈ ભેદ નથી. તો પછી, ત્યાં કોઈ અલગ વ્યક્તિત્વને અવકાશ ક્યાંથી હોય.
આ પત્ર માત્ર તારા ઉત્તરની ચાહને પૂર્ણ કરવા લખ્યો છે. બાકી તારા માટેની મારી લાગણીઓ તો અવિરત અને નિરંતર છે. અને તેને રહેવા જ દેવી છે. તારા હાથના માખણ મિસરીને ખાઈને હજી તને નિકટ રાખવા માટે ફરી-ફરીને મળવું છે. હવે શબ્દો નથી કહેવા. સાક્ષાત્ અનુભૂતિ કરાવવી છે. અને તું પણ સાક્ષાત આવે એવી જ મહેચ્છા છે. મારે ફરીથી રાધે કૃષ્ણનું મધુર મિલન અને જગતમાં પ્રેમની પરાકાષ્ઠાનું તે ઉદાહરણ ફરી તાજું કરવું છે.બસ, હવે તારી પ્રતીક્ષામાં આતુર નયનો સાથે મારા શબ્દોને વિરામ આપું છું.
લી.
રાધેનો કૃષ્ણ