આદરણીય ટપાલીશ્રી,
લખેલા પત્રોની સાર્થકતા તો જ જળવાય, કે તે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. ખાસ તો આ મહત્વનું કામ આપ કરો છો. એટલે જ આજે થયું આપને પણ પત્ર લખવો જોઈએ. લોકોના પત્રો અને લાગણીઓ તો તમે ખૂબ વહેંચી ક્યારેક તેમાં તમારો પણ હિસ્સો હોવો જોઈએ. એવું પ્રતીતિ થતાં પત્ર લખવા જઈ રહી છું.
ખાખી રંગની વેશભૂષા, ખભે રહેલી ચામડાની બેગ અને બેગમાં રહેલા એ અસંખ્ય સંદેશાઓને પહોંચાડનારા સાચા દૂત આપ જ છો. ચામડાના થેલામાં સચવાયેલી લાગણીઓની અનેક આંખોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. અને આપની સાઈકલની ઘંટડીના રણકારથી એ જાણે હાશકારો પામી જતી હોય છે . પત્ર મળવાથી એવું થતું ,જાણે સાક્ષાત સ્વજનનો ભેટો થયો.
કાચી-પાકી સડકોમાં પગપાળા કે સાયકલ પર જવું, એક-એક પત્રને જતનથી સ્વજન સુધી પહોંચાડવા.ખરેખર, સરાહનીય કામ છે. આપ સરકારી કર્મચારી છો એટલે આપનું કામ જવાબદારી અને જોખમોવાળું હોય એ સ્વાભાવિક છે. છતાં પણ, કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારી ફરજ નથી ચૂકતાં.
તમે જાણો છો કે, તમારો સહેજ પણ વિલંબ કે અસાવધાની બીજા માટે મુશ્કેલી સર્જી શકે છે. એટલે ઠંડી-ગરમી કે વરસાદ એમ દરેક ઋતુમાં તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક અને સમયસર પૂર્ણ કરો છો. એટલે આપ ખરેખર કર્મઠ અને નિષ્ઠાવાન છો એમાં કોઈ સંદેહ નથી.
ટપાલ વિભાગમાં એક નાનું સ્થાન ધરાવતા હોવા છતાં,આપનું જ કામ જાણે સર્વોપરી અને અગત્યનું છે. આપની સ્થિતિ ઈમારતના પાયા જેવી છે. જેના પર આખી ઈમારત સુખ અને દુઃખની પરિસ્થિતિમાં સતત અડીખમ ઊભી હોય છે. બરાબર એ જ રીતે આપ સુખ અને દુઃખ બંને પ્રકારના સંદેશાઓનું વહન કરો છો.દરેકના સાચા લાગણીવાહક છો.
તમારા થેલામાં કોઈની લગ્ન પત્રિકા, પ્રણય રસથી ભરપૂર પ્રેમ-પત્ર. દુઃખી માતાના દિલાસા, પુત્રએ મોકલેલો મનીઓર્ડર, કોઈના બદલી માટેના રિપોર્ટ, કોઈના કોલલેટર,કોઈના મૃત્યુનાં તો કોઈની માંદગીના સંદેશા સાથે સચવાયેલા રહે છે. વળી,આ દરેક સમયસર દરેક સુધી પહોંચે છે.
હું જાણું છું કે, આજે મોબાઇલ અને કોમ્પ્યુટરનાં યુગમાં તમારા કામનું મૂલ્ય ઓછું થઈ ગયું છે. છતાં, સાચું કહીએ તો આપના વગર ચાલે તેમ નથી. ક્ષણવારમાં આંગળીના ટેરવે લખાયેલા મેસેજ અને એટલી જ વારમાં ડીલીટ થતી લાગણીમાં આપનું યોગદાન ના હોય એટલે જ કદાચ એનું મૂલ્ય ઘટી જતું હશે.જયારે કાયમી કે જયારે વાંચીએ ત્યારે જીવંત રહેતી લાગણી એ વર્ષોનું સંભારણું બની રહે છે .જેમા આપનું યોગદાન મહત્વનું છે.
લખાયેલો પત્ર કે ટપાલને ભલે આપના દ્વારા સ્નેહીજનો સુધી પહોંચતાં સમય લાગતો. પણ,એમાં લખાયેલા શબ્દોની લાગણી વર્ષો સુધી સુગંધિત અને જ્યારે જ્યારે ફરી વંચાય ત્યારે એવીને એવી અકબંધ રહે છે.એ કદાચિત્ આપના કારણે જ શક્ય બને છે.
આજના સમયને જોઈને તમારા માટે જેટલું લખીએ એટલું ઓછું પડે. એક સાચા દેશસેવકની જેમ સેવા બજાવનાર એક સંદેશ સૈનિકને તો એના સાદગીપૂણૅ ખાખી પહેરવેશમાં દૂરથી જ ઓળખી જઈએ છીએ.
ખૂબ જ નજીવા પગારમાં હંમેશા પરિશ્રમથી કામ કરી તમે લોકોની મદદમાં હંમેશા સજાગ રહો છો. મૂલ્યવાન પત્રો અને પરબિડીયાઓની આપ-લેમાં ક્યારેય તમે તમારા જીવનધોરણને ઊંચું લાવવાનો વિચાર સુધ્ધા નથી કરતા. જે પણ ખુબ સરાહનીય કામ છે. અંતે તો આપના માટે શું કહેવું! શબ્દોને પહોંચાડનારા આપને માટે શું સંબોધવું ? તો પણ, આપને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી,કવિની આ પંક્તિથી મારા પત્ર અને વિરામ આપું છું.
ડાકિયા ડાક લાયા,ડાક લાયા
ડાકિયા ડાક લાયા,ડાક લાયા
ખુશીકા પયામ કહીં,
કહીં દર્દનાક લાયા.
ડાકિયા ડાક લાયા,ડાક લાયા..
લી.
એક વાચક (નાગરિક)