ભૂતનો ભય - 15 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 15

ભૂતનો ભય ૧૫

- રાકેશ ઠક્કર

પત્ની- સાળી

નિમિલા અને રાગલની જોડી કોઈને પણ ઈર્ષા આવે એવી હતી. બંને સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે એમની જોડી એમના જન્મ સાથે જ નક્કી કરી રાખી હોય એમ બંનેના માતા- પિતાએ પોતાના સંતાન માટે લગ્નનો વિચાર કર્યો કે એમની કોઈ અગમ્ય કારણથી મુલાકાત થઈ ગઈ.

પહેલી જ મુલાકાતમાં છોકરા- છોકરીએ એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરી લીધાં એટલું જ નહીં પરિવારોને પણ આ જોડી યોગ્ય લાગી. બહુ ઝડપથી સગાઈ ગોઠવાઈ ગઈ. થોડા જ દિવસોમાં નિમિલા અને રાગલના લગ્નની શરણાઈ ગુંજવાની હતી. કુદરતને બીજું જ કંઇ મંજુર હતું. શરણાઈને બદલે માતમ છવાઈ ગયો અને મરસિયા ગાવા પડ્યા.

કોઈએ કલ્પના કરી ન હતી એવી ઘટના બની ગઈ. નિમિલા અને રાગલ સગાઈ પછી એકબીજાની વધુ નજીક આવ્યા હતા. એમને પણ ખ્યાલ આવી ગયો હતો કે એમનું બંધન જન્મોજનમનું છે. લગ્ન પહેલાં પ્રીવેડિંગ શૂટિંગ માટે એમણે પર્યટન સ્થળ ઊટી જવાનો કાર્યક્રમ બનાવ્યો. વિડિયોગ્રાફરે સૂચન કર્યું કે નજીકમાં પણ બીજા કુદરતી સ્થળો ઘણા છે. આટલે દૂર સુધી ખર્ચ કરીને શા માટે જવું? પણ બંનેની ઈચ્છા હતી કે સ્થાનિક કુદરતી સ્થળો પર પ્રીવેડિંગ શૂટિંગ કરાવવું નથી. પરિવારોએ પણ મંજુરી આપી દીધી.

વિડિયોગ્રાફર સાથે નિમિલા અને રાગલ ઊટી પહોંચી ગયા. પર્વતો અને ખીણ નજીક શૂટિંગ શરૂ કર્યું. એક જગ્યાએ ખીણ નજીક સરસ વ્યૂ હતો એટલે એક દ્રશ્ય એવું વિચાર્યું કે ખીણથી થોડા આગળ ઊભા રહીને શૂટિંગ કરવું.

બન્યું એવું કે રાગલ ખીણ નજીક ઊભો હતો અને નિમિલાએ દોડતા આવીને એને વળગી પડવાનું હતું. બે-ત્રણ વખત રિહર્સલ કરવાનું નક્કી થયું. પહેલી વખત નિમિલા ધીમેથી જ દોડતી આવી. પણ રાગલને ભેટવા જાય એ પહેલાં એનો પગ એક નાનકડા ટેકરાને કારણે સરખો પડ્યો નહીં અને આંખના પલકારામાં ગબડતી ચીસો પાડતી ખીણમાં પડી ગઈ. રાગલે કોઈ વિચાર ના કર્યો અને એની પાછળ ઝંપલાવી દીધું. વિડિયોગ્રાફર તો જોતો જ રહી ગયો.

રાગલ સાચો પ્રેમી હતો. એણે પોતાની પ્રેમિકા પાછળ જીવ આપી દીધો. બંનેની લાશના કેટલા ટુકડા થયા હશે કે કેટલી ભયાનક રીતે મોત થયું હશે એની કલ્પના કરતાં કોઈને પણ ચક્કર આવી જાય એમ હતા. ખીણ એટલી ઊંડી હતી કે અંદર કોઈ જઈ શકે એમ ન હતું.

વિડિયોગ્રાફરે ફોન કરીને એમના પરિવારોને જાણ કરી. પોલીસ સાથે એમણે સ્થળ પર આવીને જોયું અને ખ્યાલ આવી ગયો કે બંને એવી જગ્યાએ પડ્યા હતા કે શોધખોળ માટે જઈ શકાય એમ ન હતું. અને ત્યાં પડ્યા પછી કોઈ જીવતું બચી શકે એમ ન હતું. એમણે વિડિયોગ્રાફર પાસેથી વિડિયો શૂટિંગ જોયું અને એમની છેલ્લી યાદગીરી એ જ રહી ગઈ.

દસ દિવસ પછી એક જગ્યાએ રાગલ બેભાન મળી આવ્યો ત્યારે કોઈને માનવામાં ના આવ્યું. એ અજીબ રીતે બચી ગયો હતો. એને નાની મોટી ઇજાઓ થઈ હતી પણ અથડાતો કુટાતો એ એક ઝરણામાં પડ્યો હોવાથી બચી ગયો હતો. એણે નક્કી કરી લીધું હતું કે હવે તે ક્યારેય લગ્ન કરશે નહીં. નિમિલા સિવાય તે કોઇની સાથે લગ્ન કરી શકે નહીં. પોતે એની પાછળ જઈ ના શક્યો એનો અફસોસ દિલને કોરી રહ્યો.

એ નિમિલાના મોતના શોકમાં હતો ત્યારે એની નાની બહેન શિમિલા સાથે લગ્નની વાત આવી. પરિવાર તૈયાર હતો પણ એ જીદ લઈને બેઠો હતો. શિમિલાએ એક વખત મળવાનો સમય માગ્યો. એણે મળવાની પણ ના પાડી દીધી.

થોડા દિવસ પછી રાગલ એકલો હતો ત્યારે શિમિલા એને કહ્યા વગર મળવા ગઈ. એણે સમજાવ્યો કે નિમિલા સાથે જે થયું એ ખોટું થયું છે. એનું આયુષ્ય એટલું જ હતું. કોઈ શું કરી શકે? એણે જ તને પાછો મોકલ્યો છે. શિમિલાએ એને એક ખાનગી વાત જાહેર કરતાં કહ્યું કે દીદીની એવી ઈચ્છા હતી કે જો હું પસંદ ના આવું તો શિમિલાએ લગ્ન કરી લેવા. પણ નિમિલા પસંદ આવી ગઈ એટલે એવો પ્રશ્ન ના રહ્યો.

રાગલને લાગ્યું કે એની સાથે લગ્ન કરવા શિમિલા જૂઠું બોલી રહી છે. ત્યારે શિમિલાએ ફોનમાંથી એક વિડીયો ચાલુ કરીને બતાવ્યો. એમાં નિમિલા પહેલાં બીજી કોઈ વાત કરતી હતી પછી બોલી કે જો હું રાગલને પસંદ ના આવી હોત તો એની સાળી બનવાનો પણ મને આનંદ થયો હોત. રાગલને ત્યારે સાચું લાગ્યું. એ જાણી નિમિલાની ઈચ્છા પૂરી કરવા માગતો હોય એમ શિમિલા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. શિમિલાએ કહ્યું કે તમારા તરફથી માગું મોકલવામાં આવશે એટલે અમે મળવા આવી જઈશું.

રાગલે બીજા દિવસે શિમિલાની સાથે મુલાકાત કરવાની ઘરમાં વાત કરી. રાગલે સામે ચાલીને કહ્યું તેથી બંને પરિવાર ખુશ થઈ ગયા.

શિમિલા એના પરિવાર સાથે રાગલને ત્યાં ગઈ. પરિવારે બંનેને એકાંતમાં વાતચીત કરવા મોકલ્યા.

અલગ રૂમમાં જઈ રાગલે અગાઉની મુલાકાતના અનુસંધાને ખુશ થઈને શિમિલાને કહ્યું:હવે વાત કરવા જેવું કંઇ નથી ને? નિમિલાની ઈચ્છા પૂરી કરવી છે ને?’

ના. પણ નિમિલાની કઈ ઈચ્છા હતી?’ કહી શિમિલાને થયું કે રાગલ પહેલાં ના પાડતો હતો પણ આમ અચાનક કેમ તૈયાર થઈ ગયો હશે?

શિમિલાના સવાલથી રાગલ ચોંકી ગયો પણ એણે એવું કળાવા દીધું નહીં. એને કંઈક ખ્યાલ આવી ગયો અને બોલ્યો:એને કદાચ અંદાજ આવી ગયો હતો. એણે કહ્યું હતું કે જો મને કંઇ થઈ જાય તો તમે કુંવારા ના રહેતા.

નિમિલાની ભાવના સારી હતી. મને કલ્પના ન હતી કે હું સાળીને બદલે પત્ની બનીશ! તમે પહેલાં ના પાડી હતી પણ પછી મળવા બોલાવી એ જાણી બહુ ખુશી થઈ!’ શિમિલા લગ્ન કરવાની ઉતાવળ સાથે બોલી.

રાગલને હવે બરાબર ખ્યાલ આવી ગયો કે એને મળી એ અસલમાં શિમિલા ન હતી. એ નિમિલા હતી. એનું ભૂત શિમિલા બનીને આવ્યું હતું. એને લગ્ન કરવાનું કહેવા આવી હતી. હવે એ ઇન્કાર કરી શકે એમ ન હતો. એણે મનોમન એને યાદ કરીને કહ્યું:તારી સાથે લગ્ન કરીને મને લાગશે કે નિમિલા પાછી મળી ગઈ.

હું મારી જાતને સદભાગી ગણું છું. કહી શિમિલા શરમાઈ ગઈ.

*