બારૂદ - 7 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બારૂદ - 7

૭. દિલીપની યોજના... !

બીજો આખો દિવસ દિલીપ જે જે જગ્યાએ કુરૈશી તથા ડેનિયલના હોવાની શક્યતા હતી એ બધી જગ્યાએ ફરી વળ્યો, પરંતુ કર્યાંયથી એ બંનેનો પત્તો ન લાગ્યો.

સી.આઈ.ડી.ના એજન્ટો તથા કે,જી.બી.ના જાસૂસો પણ એ બંનેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરતા હતા, પરંતુ ભગવાન જાણે એ બંને ક્યાં છુપાઈ ગયા હતા.

દિલીપે નાગપાલનો સંપર્ક સાધ્યો તો જાણવા મળ્યું કે સી.આઈ.ડી.ના જે બે એજન્ટોને એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટ પર નજર રાખવા માટે ગોઠવવામાં આવ્યા હતા, તેઓ પણ કંઈ નહોતા જાણી શક્યા. કુરેશીની કાર લેવા માટે ત્યાં કોઈ આવ્યું જ નહોતું.

‘ઝીણા હાઉસના’ના ઇમામને પણ પૂછપરછ કરવામાં આવી. એ તો અબ્દુલ વહીદ કુરેશીનું નામ સુધ્ધાં નહોતો જાણતો. અલબત્ત, એટલું એણે જરૂર કહ્યું કે ગઈ કાલે ‘ઝીણા હાઉસ'નાં પગથિયાં પર આવીને એક માણસ તેને સુંદર જાનમાજ ભેટ આપી ગયો હતો. પછી જ્યારે કે.જી.બી.ના જાસૂસોએ તેને પૂછ્યું કે જાનમાજમાં કઈ વસ્તુ લપેટેલી હતી ત્યારે એણે મક્કમતાથી જવાબ આપ્યો કે જાનમાજ બિલકુલ ખાલી હતી.

આ પૂછપરછનો ત્યાં જ અંત આવી ગયો.

ઇમામ એક મોટી રાજકીય વગ ધરાવતો માણસ હતો. ખાસ કરીને રશિયાના મુસ્લિમ સંપ્રદાયમાં એનો દરજ્જો અને રુઆબ ‘શાહી ઇમામ' જેવા હતા. એટલે તેને વધુ સખતાઈથી પૂછપરછ કરી શકાય તેમ નહોતી. આવું કોઈ પગલું ભરવાથી નાહક જ મોટો બખેડો ઊભો થાય તેમ હતો.

કુરેશીને શોધવા માટે લગભગ પચાસ માણસો કામે લાગ્યા હતા.

પરંતુ એ ખતરનાક માણસનો ક્યાંય પત્તો નહોતો. ૨૫મી તારીખમાં હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હતા. દિલીપે શાંત ચિત્તે ફરીથી એક વાર સમગ્ર મામલાનું વિશ્લેષણ કર્યું.

એક મુદ્દો હજુ પણ એની તરફેણમાં હતો. જે રૂટ પરથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હતો એ રૂટની હજુ સુધી કોઈનેય ખબર નહોતી. દિલીપે ફરીથી એક વાર એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ જતા પાંચેય માર્ગ પર ચક્કર માર્યાં.

પછી એક વાત જોઈને તે એકદમ ચમકી ગયો.

વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી, પાંચમાંથી ગમે તે માર્ગે થઈને પ્રેસિડેન્ટ હાઉસે પહોંચે, પરંતુ દરેક માર્ગ ‘ઝીણ હાઉસ' સામેથી જ પસાર થતો હતો. ‘ઝીણા હાઉસ’ પાસેથી જ પાંચેય માર્ગ અલગ અલગ દિશામાં ફંટાતા હતા. એરપોર્ટથી રવાના થયા પછી કાફલો કોઈ પણ સંજોગોમાં ‘ઝીણા હાઉસ’ પાસે આવ્યા પછી જ પાંચમાંથી કોઈ પણ માર્ગ પર આગળ વધવાનો હતો.

‘ઝીણા હાઉસ’ એરપોર્ટથી આવતી સડકના ખૂણા પર જ હતું. એટલું જ નહીં, એ ઇમારતની અનેક બારીઓ તથા ઝરૂખાઓ આ સડકની એકદમ સામે હતાં.

દિલીપને તરત જ ડેનિયલ યાદ આવ્યો. ડેનિયલ કે જે રાઇફલ ક્લબમાં જઈને હજારેક વાર દૂરના અંતરેથી નિશાનબાજીની પ્રેક્ટિસ કરતો હતો. આ ઉપરાંત રાઇફલ તો અગાઉથી જ ‘ઝીણા હાઉસ’માં પહોંચાડી દેવામાં આવી હતી. બધી તૈયારીઓ યોજનાબદ્ધ રીતે થતી હતી.

અબ્દુલ વહીદ કુરેશી તેના સાથીદારો સાથે ગુમ થઈ ગયો હતો અને શહેરમાં તેમનો ક્યાંય કોઈ પત્તો નહોતો. તેઓ વડાપ્રધાનના ખૂન માટે પોતાના તરફથી બધી તૈયારીઓ કરી ચૂક્યા હતા અને હવે પોતાની કંઈ જરૂર ન લાગતાં ચૂપચાપ ક્યાંક રવાના થઈ ગયા હતા, એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

વડાપ્રધાન પર ‘ઝીણા હાઉસ'ની જ કોઈક બારી કે ઝરૂખામાંથી ગોળી છૂટવાની છે, એ વાતમાં હવે દિલીપને કોઈ શંકા નહોતી. ગોળી છોડવા માટે આનાથી વધુ ઉત્તમ સ્થળ તેમને માટે બીજું કોઈ નહોતું. એટલા માટે જ તેઓ આટલી ખાતરીથી બધી તૈયારીઓ કરતા હતા.

વડાપ્રધાનના કાફલાના રૂટની તો તેમને કોઈ ફિકર હતી જ ડેનિયલ હવે ૨૫મી તારીખે ચોક્કસ જ પોતાનું કામ પાર પાડવા માટે ‘ઝીણા હાઉસમાં' પહોંચી જવાનો હતો.

બધું કામ ચોક્કસ હતું... ! આખી યોજના મજબૂત હતી. એ દિવસે દિલીપે બાબુભાઈની મોરીસ માઇનરમાં બેસીને એરપોર્ટ તથા પ્રેસિડેન્ટ હાઉસ વચ્ચે કેટલાંય ચક્કર મારીને ઝીણામાં ઝીણી વાતની નોંધ લીધી. પોતાની જાતને ખૂનીના સ્થાને મૂકીને વિચાર્યું કે પોતે શું શું પગલાં ભરી શકે તેમ છે.

આ દરમિયાન એણે એક ખાસ વાત જરૂર જોઈ હતી. કાળા કલરની વૉલ્કસ વેગન આજે પણ તેનો પીછો કરતી હતી. વેગનમાં કોણ હતું અને શા માટે આ રીતે તેનો પીછો કરતું હતું...?

– ક્યાંક એમાં અબ્દુલ વહીદ કુરેશી તો નહોતો ને... ? પીછો કરનાર કુરેશી પણ હોઈ શકે છે એ વાતથી દિલીપ ખૂબ જ રોમાંચ અનુભવતો હતો.

એરપોર્ટથી પાછા ફરતી વખતે એણે એક ઉજ્જડ સડક પર અચાનક મોરીસ માઇનર ઊભી રાખી દીધી. એક તો મોરીસ માઇનરની સ્પીડ વધુ હતી અને દિલીપે બ્રેક પણ અચાનક મારી હતી એટલે કારનાં ટાયર થોડે દૂર સુધી સડક સાથે ઘસડાઈને છેવટે થંભી ગયાં અલબત્ત, વૉલ્ટસ વેગનનો ડ્રાઇવર તરત જ બ્રેક નહોતો મારી શક્યો. દિલીપ તરફથી આવા કોઈ પગલાની આશા એણે નહોતી રાખી.

પરિણામે બંને કાર વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું અને વૉલ્કસ વેગનના ડ્રાઇવરને બ્રેક મારવામાં સફળતા મળી ત્યાં સુધીમાં એની કાર દિલીપની મોરીસ માઇનરની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી.

દિલીપ તાબડતોબ બાબુભાઈને મોરીસ માઈનરમાં જ બેઠેલી હાલતમાં છોડી, નીચે ઊતરી, પોતાની રિવૉલ્વર લઈને લાંબી લાંબી ડાંગો ભરતો વૉલ્ટસ વેગન પાસે પહોંચ્યો અને અનહદ સ્ફૂર્તિથી દ૨વાજો ઉઘાડીને અંદર દાખલ થઈ ગયો.

પરંતુ વૉલ્ડસ વેગનનો દરવાજો ઉઘાડતાં જ તે એકદમ ચમક્યો. વૉલ્ટસ વેગનની ડ્રાઇવિંગ સીટ પર કુરેશી નહીં પણ રજની પરમાર બેઠી હતી...!

સી.આઈ.ડીની જ એજન્ટ રજની પરમાર... !

‘રજની, તું... ?’ દિલીપે નર્યા અચરજથી પૂછ્યું.

‘હા, હું... !’ રજનીએ સ્મિતસહ જવાબ આપ્યો. ‘તું મારો પીછો શા માટે કરે છે?'

‘અંકલે જ તારો પીછો કરવાની મને સૂચના આપી છે !' દિલીપના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાગપાલે રજનીને એનો પીછો કરવાનું જણાવ્યું હતું, એ વાત ખરેખર તેને માટે નવાઈ પમાડે તેવી હતી.

‘પણ અંકલ મારો પીછો શા માટે કરાવે છે....?'

'એ તો હું પણ નથી જાણતી... !' રજની બોલી, ‘મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે મારે સતત તારી પાછળ રહેવું અને જરૂર પડ્યે તને મદદ કરવી... !'

'મદદ... ?’ દિલીપે મોં મચકોડતાં કહ્યું, ‘તું મને મદદ નથી કરતી પણ ઊલટું તારે કારણે મારું ધ્યાન બીજે દોરવાઈ જાય છે એની તને ખબર નથી. તું તાબડતોબ મારો પીછો છોડી દે એ વધું યોગ્ય રહેશે.'

‘આમાં પણ તારું જ કોઈક હિત છુપાયેલું હશે દીપ,,, | રજની બોલી, ‘અંકલે બરાબર સમજી-વિચારીને જ મને તારો પીછો કરવાની સૂચના આપી હશે,'

‘આમાં મારું કોઈ હિત છુપાયેલું નથી... !' દિલીપે વાત અવાજે કહ્યું, ‘પ્લીઝ, તું મારો પીછો છોડી દે... ! મારે હજુ તાબડતોબ એક જગ્યાએ પહોંચવાનું છે.

દિલીપ રિવોલ્વર ગજવામાં મૂકીને વૉલ્સ વેગનમિથી બહાર નીકળ્યો અને દોડીને મોરીસ માઇન૨માં બેસી ગયો.

બાબુભાઈ એની જ રાહ જોતો બેઠો હતો. ‘શું થયું... ? વેગનમાં કોણ હતું.... ?' એણે વ્યાકુળ અવાજે પૂર્ણ, જવાબમાં દિલીપે તેને રજની વિશે જણાવી દીધું.

‘કમાલ કહેવાય.... | સી.આઈ.ડી.ની એજન્ટ જ તમારો પીછો કરે છે... ?'

‘હા... .’

દિલીપે મોરીસ માઇનર સ્ટાર્ટ કરીને ‘ઝીણા હાઉસ’ તરફ દોડાવી મૂકી.

રજનીએ હજુ પણ તેનો પીછો નહોતો છોડ્યો. વૉલ્કસ વેગન પહેલાંની માફક જ તેની પાછળ આવતી હતી. દિલીપે હવે એના પરથી પોતાનું ધ્યાન ખસેડી લીધું. કાર ‘ઝીણા હાઉસ' સામેથી પસાર થઈ. ત્યાં પૂર્વવત્ રીતે સન્નાટો છવાયેલો હતો.

સાંજે ફરીથી નાગપાલ સાથે દિલીપની મુલાકાત થઈ. ‘કુરેશીનો કંઈ પત્તો લાગ્યો … ?' નાગપાલે પાઇપનો કસ ખેંચતાં પૂછ્યું

‘ના...’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો. ‘અને ડેનિયલનો... ?'

‘એનો પણ ક્યાંય કોઈ પત્તો નથી... ! ભગવાન જાણે એ બંનેને જમીન ગળી ગઈ છે કે પછી આસમાન તેમનો કોળિયો કરી ગયું છે... !'

‘ઓહ....' નાગપાલે બેચેનીથી ખુરશી પર પાસું બદલ્યું. એના એરા પર છવાયેલી ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

‘અંકલ... !' છેવટે દિલીપ બોલ્યો, ‘આ મુશ્કેલીને પહોંચી વળવાનો હવે એક જ ઉપાય છે.'

‘શું ?’

‘એ જ કે ડેનિયલ દ્વારા કુરેશી જે કામ કરાવવા માગે છે, એની પહેલાં આપણે પોતે જ એ કામ કરી નાખીએ... ! આપણે ગોળીનો જવાબ ગોળીથી આપીએ... !'

‘એટલે... ?’ નાગપાલે ચમકીને પૂછ્યું, ‘તું કહેવા શું માગે છે ?'

'મારી વાત એકદમ સ્પષ્ટ છે... !' સહસા દિલીપનો અવાજ એકદમ કઠોર બની ગયો, ડૅનિયલ વડાપ્રધાનને શૂટ કરે એ પહેલાં આપણે જ ડેનિયલને શૂટ કરી નાખીએ... !'

‘તારી વાત ખૂબ જ વિચિત્ર છે.. !' નાગપાલના અવાજમાં મૂંઝવણનો સૂર હતો, ‘ડેનિયલને શૂટ કરતાં પહેલાં તે ક્યાં છે એની તો આપણને ખબર હોવી જોઈએ ને... ? આપણે ક્યાં જઈને તેને શૂટ કરીશું... ?'

‘ડેનિયલ વિશે હાલતુરત આપણી પાસે એક માહિતી છે.'

‘શું ?'

ડેનિયલ અત્યારે ભલે ગમે ત્યાં છુપાયો હોય, પરંતુ તે ૨૫મી તારીખે ચોક્કસ જ ‘ઝીણા હાઉસ'માં ડોકાશે એવો મારો દાવો છે... !'

દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, બધા સંજોગો પોકારી પોકારીને એ તરફ જ સંકેત કરે છે, વડાપ્રધાનની મોટરપરેડ કોઈ પણ માર્ગેથી પસાર થાય, પરંતુ રસ્તામાં 'ઝીણા હાઉસ' તો ચોક્કસ આવશે જ એમાં તો હવે શંકાને કોઈ સ્થાન નથી રહ્યું. આ સમગ્ર બખેડાનું મૂળ ઝીણા હાઉસ’ જ બનવાનું છે, તમે જીવો છો. તેમ ‘ઝીણા હાઉસમાં અગાઉથી જ રાઇફલ પહોંચાડી દેવામાં આવી છે. ડેનિયલ પણ રાઇફલ ક્લબમાં જઈને હરેક વાર દૂરના અંતરથી નિશાન તાકવાની પ્રેક્ટિસ કરતો હતો. આ બધા સંજોગો એક જ વાત સામે આંગળી ચિંધ છે કે ઝીણા હાઉસમાંથી જ વડાપ્રધાન પર ગોળી છોડવામાં આવશે. આ પરિસ્થિતિમાં આપણે ડેનિયલને શોધવાની કંઈ જરૂર જ નથી, એ ચોક્કસ જ ૨૫મી તારીખે ઝીણા હાઉસ'માં પહોંચશે... !'

'અને જો એ નહીં પહોંચે તો... ?'

‘એણે વડાપ્રધાનને શૂટ કરવા હોય તો તે ૨૫મી તારીખે ‘ઝીણા હાઉસ' ન પહોંચે એવું તો બને જ નહીં.... !' નાગપાલે પાઇપનો એક વધુ કસ ખેંચ્યો, દિલીપના જવાબથી સંતોષ થયો હોય એવું એના ચહેરા પરથી જરા પણ નહોતું લાગતું. ‘આપણે એક બીજું કામ પણ કરી શકીએ તેમ છીએ !' છેવટે કંઈક વિચારીને એ બોલ્યો.

‘શું?'

ગોળી છોડવાનો કે લોહી રેડાવાનો કોઈ વખત આવે તે પહેલાં જ ડેનિયલ ‘ઝીણા હાઉસ' પહોંચે કે તરત જ આપણે તેને પકડાવી દઈએ !'

'ડેનિયલને આ રીતે પકડાવવાથી કશોય લાભ નહીં થાય... !' દિલીપે સ્પષ્ટ અવાજે કહ્યું.

'કેમ ?'

‘કારણ કે કુરેશી પણ મોસ્કોમાં મોજૂદ છે. જો આપણે ડેનિયલને પકડીશું તો કુરેશી વડાપ્રધાનના ખૂન માટે તાબડતોબ કોઈક બીજી વ્યવસ્થા કરી નાખશે. આ કામ પાર પાડી શકે એવા આઈ.એસ.આઈ.ના કેટલાય એજન્ટો અત્યારે પણ આ શહેરમાં હાજર છે. ડેનિયલની ધરપકડ પછી આઈ.એસ.આઈ.નો કયો એજન્ટ આ કામ પાર પાડશે, એ બાબતમાં આપણી પાસે કોઈ માહિતી નથી.'

‘તો પછી શું કરવું છે... ?'

‘સર્વશ્રેષ્ઠ ઉપાય એક જ છે.

‘શું ?’

'આપણે હાલતુરત કુરેશીને તેની યોજના પ્રસાણે કામ કરવા દેવો. પછી ડેનિયલ જ્યારે વડાપ્રધાનનું નિશાન તાકતો હોય એ જ પળે તેને શૂટ કરી નાખવો... ! કુરેશી બીજું કોઈ પગલું ન ભરી શકે એટલા માટે અણીના સમયે જ આપણે તેની યોજના નિષ્ફળ બનાવી દેવાની છે... !'

‘આ કામ ખૂબ જ જોખમભરેલું છે.. !'

‘જોખમભર્યું જરૂર છે, પરંતુ આમ કરવું જ વધુ યોગ્ય રહેશે.’

‘પણ જો ડેનિયલને શૂટ કરતી વખતે તું નિશાન ચૂકી જઈશ તો શું થશે એની તને ખબર છે... ?' નાગપાલે એક એક શબ્દ ૫૨ ભાર મૂકતાં ગંભીર અવાજે પૂછ્યું.

‘શું થશે એની મને ખબર જ છે અંકલ... !' દિલીપે ગંભીર અવાજે જવાબ આપ્યો, ‘પરંતુ એવો વખત નહીં આવે.. ! હું નિશાન નહીં ચૂકું.... ! આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહો... !' નાગપાલને દિલીપ પર પૂરેપૂરો ભરોસો હતો. આવી કટોકટીભરી કસોટીમાંથી દિલીપ હંમેશાં સફળતાપૂર્વક પાર ઊતર્યો છે એની તેને ખબર હતી.

‘તું ડેનિયલને કઈ જગ્યાએથી શૂટ કરીશ... ?' એણે પૂછ્યું.

‘એ જગ્યા પણ મેં નક્કી કરી લીધી છે.' દિલીપ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘ઝીણા હાઉસ'ની સામેના ભાગમાં સ્હેજ જ દૂર એક બહુમાળી ઇમારત બંધાય છે. ઇમારતનું ચણતરકામ થઈ ગયું છે. માત્ર પ્લાસ્ટર અને રંગરોગાન જ બાકી છે, લાદીઓ હજુ નથી નંખાઈ… ! ટૂંકમાં આવું જ કામકાજ બાકી રહ્યું છે. ૨૫મી તારીખે મારું કામ પાર પાડવા માટે મને આ ઇમારતના પાંચમા કે છઠ્ઠા માળ પર એક રૂમ જોઈએ છે.'

‘એક વાત તું ભૂલી જતો લાગે છે દિલીપ !'

'શું ?'

‘જો એ ઇમારતનું બાંધકામ ચાલે છે તો દિવસના સમયે એ ઇમારતમાં મજૂરો પણ કામ કરતા હશે.'

‘નહીં કરતા હોય... !'

'કેમ....?"

‘કારણ કે ૨૫મી તારીખે આખા મોસ્કોમાં ‘બંધ'ની જાહેરાત થઈ ગઈ છે. બધી ઑફિસો અને બજારો બંધ છે. આ સંજોગોમાં એ ઇમારતનું કામકાજ ચાલુ રહે એવું બને જ નહીં. ઉપરાંત જે માર્ગેથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે એ માર્ગ પર જ આ ઇમારત આવેલી છે. આ સંજોગોમાં ત્યાં મજૂરો કામ કરતા હશે એમ તમે માનો છો... ?’

નાગપાલ ચૂપ થઈ ગયો. દિલીપની વાત મુદ્દાની હતી.

‘અંકલ... !’ દિલીપ બોલ્યો, ‘૨૫મી તારીખે ચોક્કસ જ એ ઇમારત બિલકુલ ખાલી હશે. આ ઉપરાંત ૨૫મી તારીખે મોસ્કોની પોલીસ પણ એ ઇમારતની તલાશી જરૂર લેશે. માત્ર એ ઇમારત જ નહીં બલ્કે એ માર્ગ પરની તમામ ઇમારતોની તલાશી લેવામાં આવશે. એટલે તમારે એક બીજું કામ પણ કરવું પડશે.’

'શું?'

‘એ ઇમારતના જે રૂમમાં હું હોઉં ત્યાં પોલીસ તલાશી લેવા માટે ન આવે, એની કોઈક વ્યવસ્થા તમારે કરવી પડશે.'

‘ભલે....આ કામ થઈજશે.. !' નાગપાલે હકારમાં માથું હલાવ્યું, ‘બીજું કંઈ... ?’

‘આ ઉપરાંત મને એક ટેલિસ્કોપિક રાઇફલ તથા તેના સ્ટેન્ડની પણ જરૂર પડશે. કારણ કે માત્ર રિવૉલ્વરથી જ ડેનિયલને શૂટ નહીં કરી શકાય !'

‘એ વ્યવસ્થા પણ થઈ જશે... !'

‘આ સિવાય વડાપ્રધાન જે કારમાં બેસીને એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ જવાના છે, એ કાર પર પણ હું જોવા માગું છું.'

‘એ કારને તું શા માટે જોવા માગે છે ?'

‘હું સલામતીના દૃષ્ટિકોણથી એ કારનું થોડું નિરીક્ષણ કરવા માગું છું.'

‘આ કામ થોડું મુશ્કેલ છે… !' નાગપાલ સ્ટેજ ખમચાતા અવાજે બોલ્યો, ‘છતાંય આ કામ માટે પ્રયાસ કરી જોઈશ.'

‘હવે મારા એક સવાલનો જવાબ આપો !'

‘બોલ ....’ નાગપાલે પાઇપનો કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં કહ્યું.

‘તમે રજનીને મારો પીછો કરવાની સૂચના શા માટે આપી છે...?' દિલીપનો સવાલ સાંભળીને નાગપાલ ચમક્યો. દિલીપ રજની વિશે જાણી ચૂક્યો છે, એની તેને નવાઈ લાગતી હતી.

‘તારે રજની પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી .. !' એણે કહ્યું, ‘કોઈ તારો પીછો નથી કરતું એમ જ તું માનજે !'

‘પણ વાત શું છે... ? મને તો કંઈક ખબર પડવી જોઈએ ને ?'

'શું એનું આ પગલું પણ વડાપ્રધાનના રક્ષણ માટે જ ભરવામાં આવ્યું છે... ?’

'ના. ..એનું આ પગલું વડાપ્રધાનના રક્ષણ માટેનું નથી…… !'

‘તો પછી.... ?’

'રજનીને મેં તારા રક્ષણ માટે ગોઠવી છે... !'

‘મારા રક્ષણ માટે ?' દિલીપે ચમકીને પૂછ્યું.

'હા!'

‘પરંતુ મારે વળી રક્ષણની શું જરૂર છે... ?'

‘એ તને નહીં સમજાય. .. !' નાગપાલનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, ‘તેં આ મામલામાં કુરેશીના સંકળાયેલા હોવાની વાત જણાવી કે તરત જ મને તારા રક્ષણની જરૂર લાગવા માંડી. એક તો કુરેશી સાથે તારે જૂની દુશ્મનાવટ છે જ. ઉપરાંત કુરેશી મોસ્કોમાં આપણા વડાપ્રધાનનું ખૂન કરવા માટે આવ્યો છે એટલે કમ સે કમ તારે કારણે પોતાની આટલી મોટી યોજના નિષ્ફળ નીવડે એવું તો તે કોઈ સંજોગોમાં ન જ ઇચ્છતો હોય. આ કારણસર વડાપ્રધાનની પહેલાં એ તારા ખૂનનો પ્રયાસ કરી શકે છે.'

‘હજુ સુધી તો એણે આવું કશુંય નથી કર્યું.'

‘હજુ સુધી ભલે ન કર્યું હોય... !' નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘પરંતુ આગળ જતાં ગમે ત્યારે તે આવો પ્રયાસ કરી શકે છે. હજુ ૨૫મી તારીખમાં કેટલાય દિવસો બાકી છે.' ‘કમાલ કહેવાય... !' દિલીપ આશ્ચર્યથી બબડ્યો.

‘આમાં કમાલ કે આશ્ચર્ય પામવા જેવું કશું નથી. મેં બહુ સમજી-વિચારીને આ પગલું ભર્યું છે.

'રજનીની બહાદુરી અને નીડરતાથી તો તું વાકેફ છો જ.... ! તે કુરેશીના આવા કોઈ પ્રયાસને નિષ્ફળ બનાવવાની પૂરેપૂરી કાબેલિયત ધરાવે છે... !'

“પરંતુ મને મારા રક્ષણ માટે કોઈની જરૂર નથી અંકલ... ! મારું રક્ષણ હું પોતે જ કરી શકું તેમ છું.'

'મારો નિર્ણય અફર છે દિલીપ... !' નાગપાલે અચાનક આદેશાત્મક અવાજે કહ્યું, ‘અને આ બાબતમાં મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી.'

દિલીપ એક ઊંડો શ્વાસ ખેંચીને રહી ગયો.

તે કોઈક ઈમારતના ભૂગર્ભમાં આવેલ વિશાળ, લાંબો પહોળો હોલ હતો. આ હોલમાં ચાર મોટા મોટા રૂમો હતા.

આવા જ એક રૂમમાં અત્યારે ડેનિયલ પોતાની પ્રેયસી તાનિયા સાથે મોજૂદ હતો. તાનિયા આશરે પચીસેક વર્ષની એક અત્યંત સ્વરૂપવાન યુવતી હતી.

થોડી વાર પહેલાં જ રૂમમાં વાસનાનું તોફાન આવીને પસાર થઈ ગયું હતું.

અત્યારે ડેનિયલ અને તાનિયા સામસામે બેઠાં હતાં, તાનિયાના ચહેરા પર ઘેરાયેલાં ચિંતાનાં વાદળો સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં.

‘શું વાત છે ડિયર... ? તું કંઈક મૂંઝવણમાં લાગે છે.. ?' ડેનિયલે પૂછ્યું.

‘હા, એમ જ છે... !'

‘કેમ, શું થયું.... ?'

'ડેનિયલ, આ વખતે તે ખૂબ જ ખતરનાક કામમાં હાથ નાખ્યો હોય એવું મને લાગે છે... !' 'ડિયર....આ કામ ખૂબ જ ખતરનાક છે એની મને પણ ખબર છે... !' ડેનિયલ બોલ્યો, પરંતુ કામ જેટલું વધુ ખતરનાક હોય છે એટલું જ વધુ વળતર પણ મળે છે. તું પોતે જ વિચાર... ! બે લાખ ડૉલર... ! આ રકમ કંઈ નાની-સૂની તો નથી જ.... ! માત્ર એક ગોળી છોડવાના બદલામાં કુરેશી મને બે લાખ ડૉલર આપવાનો છે. હું એક જ વખત ટેલિસ્કોપ રાઇફલનું ટ્રિગર દબાવીશ કે તરત જ બે લાખ ડૉલર મારી માલિકીના થઈ જશે.'

‘પરંતુ આ એક ગોળી છોડવામાં તારો જીવ પણ જઈ શકે છે.

એ વાત તું શા માટે ભૂલી જાય છે... ?'

‘એવું કશું જ નહીં થાય.. !' ડેનિયલના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો.

‘તારી સાથે કંઈ અજુગતું બનશે તો મારું શું થશે... ?’ તાનિયાએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘તું માને છે એવું કશુંય નહીં બને.... !'

‘આ કુરેશી મને સારો માણસ નથી લાગતો. એ ચહેરા પરથી જ ક્રૂર અને સ્વાર્થી લાગે છે... !'

‘કુરેશી કેવો છે ને કેવો નહીં એની સાથે આપણે શી નિસ્બત....? આપણે ક્યાં એની સાથે આખી જિંદગી વિતાવવાની છે...? બે લાખ ડૉલર હાથમાં આવ્યા પછી હું એનું મોં પણ જોવા નથી માગતો. આ ઉપરાંત મેં એક બીજો નિર્ણય પણ કર્યો છે.’

‘શું?’

‘એ જ કે મારી જિંદગીનું આ છેલ્લું ખૂન હશે... ! બે લાખ ડોલર હાથમાં આવ્યા પછી હું આવું કોઈ કામ નહીં કરું.... ! આપણે આ શહેરથી ક્યાંક દૂર જઈને શાંતિથી બાકીની જિંદગી પસાર કરીશું.' પરંતુ ડેનિયલની આ વાત સાંભળ્યા પછી પણ તાનિયાને સંતોષ ન થયો.

દરેક અપરાધી કોઈક મોટો હાથ મારતાં પહેલાં આમ જ વિચારે છે, પરંતુ તેના અપરાધનો ક્યારેય અંત નથી આવતો એ વાત તે જાણતી હતી.

એ જ વખતે અચાનક રૂમમાં રહેલી ગુપ્ત બેલ રણકી ઊઠી.

‘કુરેશી યાદ કરતો લાગે છે... !' ડેનિયલ ઊભો થતાં બોલ્યો, ‘હું હમણાં જ તેને મળીને આવું છું.' તાનિયા ધીમેથી માથું હલાવીને રહી ગઈ.

ડેનિયલ દરવાજો ઉઘાડીને બહાર નીકળ્યો અને ત્યાં જ આવેલ કુરેશીના રૂમમાં પહોંચ્યો.

કુરેશી રૂમમાં એક ટેબલ પાછળ ખુરશી પર બેઠો હતો. એના માથા પર હૅટ હતી. અત્યારે એણે જીન્સનું પેન્ટ તથા જેકેટ પહેર્યાં હતાં.

રૂમમાં સાઠ વૉલ્ટના બલ્બનું અજવાળું પથરાયેલું હતું. ‘તમે મને યાદ કર્યો છે… ?' ડેનિયલે તેની સામે પડેલી ખાલી ખુરશી પર બેસતાં પૂછ્યું.

‘હા...તમે આ મામલાને જેટલી ગંભીરતાથી લેવી જોઈએ એટલી ગંભીરતાથી નથી લેતા મિસ્ટર ડેનિયલ... !' કુરેશી નારાજગીભર્યા અવાજે બોલ્યો.

'કેમ..?’

‘શું, કેમ... ? હું એ છોકરી સાથે મોજમસ્તી કરવા માટે તમને બે લાખ ડૉલર નથી આપતો !'

‘એ તો હું પણ જાણું છું.'

'તો પછી... ?’

‘મિસ્ટર કુરેશી... !' ડેનિયલ કુરેશીના રુઆબથી જરા પણ પ્રભાવિત થયા વગર એક એક શબ્દ પર ભાર મૂકતાં કઠોર અવાજે બોલ્યો, ‘આ મારો અંગત મામલો છે અને તેને આ મિશન સાથે કંઈ નિસ્બત નથી. અત્યાર સુધી મેં બરાબર જ મારું કામ કર્યું છે. તમને ફરિયાદ કરવાની કોઈ તક નથી આપી. પરંતુ, એ છોકરીને અહીં રાખવામાં પૂરેપૂરું જોખમ છે.’ કુરેશીએ કહ્યું, ‘જો તે પોલીસ પાસે ભાંડો ફોડી નાખશે તો...’

‘તે એવું નહીં કરે...?'

‘નહીં જ કરે એની શું ગેરેંટી છે...?'

‘ગેરેંટી હું પોતે જ છું.' ડેનિયલ બોલ્યો, ‘જો મને તાનિયા પર ભરોસો ન હોત તો હું કોઈ સંજોગોમાં તેને અહીં ન લઈ આવત... !' કુરેશી ચૂપ થઈ ગયો. એના અેરા પર હજુ પણ નારાજગીના હાવભાવ તરવરતા હતા. આ મિશન એને માટે ખૂબ જ અગત્યનું હતું અને તે કોઈ જાતનું જોખમ લેવા નહોતો માગતો.

********

વડાપ્રધાનના આગમનનો એટલે કે ૨૫મી તારીખનો દિવસ ધીમે ધીમે નજીક આવતો જતો હતો. તેમના રક્ષણની વ્યવસ્થા પણ પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ હતી.

૨૪મી તારીખે નાગપાલે, જે કારમાં બેસીને ભારતના વડાપ્રધાન,બોરીસ યેલત્સિન સાથે એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ જવાના હતા એ કાર દિલીપને બતાવી. આખી કાર ખૂબ જ મજબૂત અને બૂલેટપ્રૂફ હતી. ગોળીની વાત તો એક તરફ રહી, તેના પર બોંબની અસર પણ થાય તેમ નહોતી. તે એક સફેદ રંગની ૩૪૦ હૉર્સ- પાવરવાળી પ્લેન જેવી લાંબી-પહોળી કાર હતી. જેમાં છ દરવાજા હતા અને એકબીજાની પાછળ ત્રણ કતારમાં છ સીટો હતી.

આ કારની સૌથી છેલ્લી હરોળની બંને સીટો ખાસ ઢબે તૈયાર કરવામાં આવી હતી. તે અતિ મહત્ત્વના માણસોને બેસવા માટે જ બનાવવામાં આવી હોય એવું લાગતું હતું. પાછલી હરોળમાં આવેલી આ બંને સીટો બાકીની સીટો કરતાં છ ઇંચ ઊંચી હતી. જેથી આમજનતા સરળતાથી ખાસ મહેમાનોનાં દર્શન કરી શકે... !

કા૨ની છત ફોલ્ડિંગ હતી. જેને જરૂરિયાત પ્રમાણે ઉઘાડી કે બંધ કરી શકાય તેમ હતી. પરંતુ આખી છત બૂલેટપ્રૂફ હતી....કાચ બૂલેટપ્રૂફ હતા. અરે, કારનાં ટાયરો સુધ્ધાં બૂલેટપ્રૂફ હતાં.

ડ્રાઇવિંગ સીટ પાસે એક પોલીસ સાયરન તથા રેડિયો ટેલિફોન હતાં. રેડિયો ટેલિફોનનો ઉપયોગ સૌથી વધારે હતો. જરૂર પડ્યે ડ્રાઇવરની બાજુમાં બેઠેલો સિક્યોરિટી ગાર્ડ રેડિયો ટેલિફોન દ્વારા કાફલામાં પાછળ આવતા સિક્યોરિટી ગાર્ડોનો સંપર્ક સાધીને તેમને કોઈ જરૂરી સંદેશો આપી શકે તેમ હતો.

કારની સૌથી છેલ્લી હરોળની છ ઇંચ ઊંચી સીટો જોઈને દિલીપનાં ભવાં સંકોચાયાં.

એ સીટોએ એનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

આમજનતા વડાપ્રધાનને સરખી રીતે જોઈ શકે એવા દૃષ્ટિકોણથી એ સીટો એક તરફ લાભદાયી હતી, પરંતુ આ જ સીટો આમજનતા કરતાં પણ એક અન્ય માણસ માટે વધુ ફાયદાકારક નીવડી શકે તેમ હતી.

'ખૂની માટે... !'

સીટ ઊંચી હોવાને કારણે ખૂની ખૂબ જ સરળતાથી વડાપ્રધાનનું નિશાન સાધીને ગોળી છોડી શકે તેમ હતો. આગળની બંને સીટો પર બેઠેલા મહાનુભાવો તેને માટે જરા પણ નડતરરૂપ નહોતા બનવાના કારણે કે તેમની સીટો વડાપ્રધાનની સીટો કરતાં અડધો ફૂટ નીચી હતી.

આ સંજોગોમાં ખૂનીએ છોડેલી ગોળી સીધી જ વડાપ્રધાનના માથા પર લાગવાની હતી.

દિલીપ સીટોની પોઝિશન જોઈને એકદમ ચિંતાતુર થઈ ગયો, પરંતુ સમય ઓછો હોવાનો કારણે હવે આ સીટોમાં કોઈ જાતનો ફેરફાર પણ થઈ શકે તેમ નહોતો.

– ત્યાર બાદ દિલીપે નાગપાલ પાસે જે જાતની ટેલિસ્કોપિક રાઇફલની માગણી કરી હતી, એ પણ તેને ૨૪મી તારીખે જ આપી દીધી. તે એક પચીસ ઇંચે બેરલ, અખરોટના લાકડાના હાથાવાળી ૩૬૨ મેગ્નમ રાઇફલ હતી. રાઇફલની સાથે ટેલિસ્કોપમાં ૨૦૭૦ એમ.એમ. લેન્ચના લેન્સ ફીટ કરેલા હતા. આ લેન્સના પરિણામે પોણો માઈલ દૂર ઊભેલા માથાના એક એક વાળ સુધ્ધાં ગણી શકાય એટલું સ્પષ્ટ દૃશ્ય દેખાતું હતું.

૨૪મીએ રાત્રે દિલીપને એક બીજી અગત્યની માહિતી મળી. રાત્રે અગિયાર વાગ્યે તેને નાગપાલ મારફત વડાપ્રધાનના ફાઇનલ પ્રોગ્રામ વિશે જાણવા મળ્યું.

‘દિલીપ... !’ નાગપાલ બેહદ શાંત અને ગંભીર અવાજે બોલ્યો,

‘વડાપ્રધાન ભારતીય હવાઈદળના પ્લેનમાં આવે છે. પહેલાં તેઓ પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં મોસ્કો આવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ નિર્ણય રદ કરીને તેમને માટે હવાઈદળના ખાસ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. હવાઈદળનું એ પ્લેન કાલે બપોરે બરાબર અગિયાર ને પચાસ મિનિટે મોસ્કોના એરપોર્ટ પર ઊતરશે.'

‘ત્યાર પછી તેમનો શું પ્રોગ્રામ છે... ?’

‘ત્યાર પછી તો હું તને અગાઉ કહી ચૂક્યો છું તેમ રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન તેમને આવકારશે... ! તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. પછી તેઓ એરપોર્ટ પર જ પત્રકાર પરિષદને સંબોધશે. બરાબર સાડા બાર વાગ્યે વડાપ્રધાનનો કાફલો પ્રેસિડેન્ટ હાઉસ તરફ રવાના થશે... !'

‘તેમનો કાફલો પ્રેસિડેન્ટ હાઉસે ક્યારે પહોંચશે..?'

'એક ને ચાલીસ મિનિટે…… !'

‘આનો અર્થ એ થયો કે આખી સફર એક કલાક ને દસ મિનિટની છે, ખરું ને... ?’

‘હા...આમ તો સફર ઓછા સમયની છે..’ નાગપાલ બોલ્યો, ‘પરંતુ કાફલાની ગાડીઓ ખૂબ જ ધીમી ગતિથી ચાલશે એટલે આટલો સમય તો લાગી જ જશે.'

‘રસ્તામાં કોઈ સ્થળે આ કાફલો રોકાવાનો છે... ?’ દિલીપે પૂછ્યું.

‘ના...ક્યાંય નહીં રોકાય... ! એક વખત એરપોર્ટથી રવાના થયા પછી આ કાફલો ‘પ્રેસિડેન્ટ હાઉસ’ પહોંચીને જ અટકશે. આ ઉપરાંત એક બીજી પણ અગત્યની વાત જાણી લે... !'

‘શું?’

'આ કાફલો લગભગ એક વાગ્યે ‘ઝીણા હાઉસ’ સામેથી પસાર થશે.'

'એ વખતે તમે ક્યાં હશો... ?'

‘હું ભારતના હાઈકમિશ્નર સાથે એરપોર્ટ પર જ હોઈશ... ! ભારતના હાઈકમિશ્નર પણ વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર જશે. વડાપ્રધાનના કારમાં બેસીને વિદાય થતાં જ હું પણ તેમની પાછળ પાછળ હાઈકમિશ્નરની ગાડીમાં રવાના થઈ જઈશ.'

‘અર્થાત્ તમે મોટરપરેડના કાફલામાં જ હશો, ખરું ને ?'

'હા...!'

‘આપણા બંનેનો સંપર્ક કેવી રીતે રહેશે... ?'

‘ટ્રાન્સમીટર દ્વારા…… !'

‘ટ્રાન્સમીટર દ્વારા... ?'

‘હા....વડાપ્રધાનનું પ્લેન એરપોર્ટ પર ઊતરશે ત્યાર પછી એક એક પળનો રિપોર્ટ હું તને ટ્રાન્સમીટર પર આપતો રહીશ... !'

‘આ ઉપાય બરાબર છે... ! આ રીતે કાફલો ક્યાં ક્યાં પહોંચ્યો છે એની માહિતી મને મળતી રહેશે, પરંતુ આમાં પણ એક ગંભીર મુશ્કેલી આવી શકે તેમ છે.'

‘શું ?'

‘ઘડીભર માટે માની લો કે આપણા બંનેમાંથી કોઈનું પણ ટ્રાન્સમીટર અણીના સમયે જ કામ કરતું અટકી જશે તો બહુ મોટી મુશ્કેલી ઊભી થશે. કારણ કે આવું બન્યા પછી કાફલો ક્યાં ક્યાંથી પસાર થઈ રહ્યો છે એની કોઈ માહિતી મને નહીં મળી શકે. તમે જાણો છો તેમ હું ‘ઝીંણા હાઉસ'ની સામેના ભાગમાં ચણાઈ રહેલી ઇમારતના છઠ્ઠા માળ પર હોઈશ અને ત્યાં મને કાફલા વિશેની એકેએક માહિતી મળવી ખૂબ જ જરૂરી છે. હવે જો ટ્રાન્સમીટર ખરાબ થઈ જશે તો મને કેવી રીતે ખબર પડશે કે કાફલો નીચે સડક પર પહોંચી ગયો છે...?’

'આ વાત જાણવી તારે માટે કંઈ મુશ્કેલ નહીં હોય... ! તું ઇમારતની બારીમાંથી નીચે સડક પર જોઈ લેજે.... ‘એક વાત તમે ભૂલી જાઓ છો અંકલ.. !'

‘કઈ વાત.. ?’

‘આજુબાજુની ઇમારતોમાં પણ રશિયન પોલીસના સિક્યોરિટી ગાર્ડો મોજૂદ હશે. તેઓ એક અજાણ્યા માણસને એટલે કે મને નવી બંધાતી ઇમારતની બારીમાંથી નીચે નજર કરતો જોશે કે તરત જ મને ગોળી ઝીંકી દેશે અથવા તો પછી મારી ધરપકડ કરી લેવાશે.... આવા વાતાવરણમાં બારીની નજીક ફરકવાનું પણ મારે માટે અત્યંત જોખમી હશે. જ્યારે ડેનિયલની પહેલાં કાફલાની ત્યાં પહોંચવાની મને ખબર પડવી જરૂરી છે. ‘ઝીણા હાઉસ’ સડકની એકદમ સામે છે એટલે ડેનિયલ તો ત્યાંથી જ દૂરથી આવતા કાફલાને જોઈ શકશે, પરંતુ આવી કોઈ સગવડતા મને નથી કારણ કે હું જે ઇમારતમાં હોઈશ તે સ્હેજ વળાંક પર આવેલી છે, એટલે મને તો કાફલો નહીં જ દેખાય.. ! હું તો માત્ર ‘ઝીણા હાઉસ'માં રહેલા ડેનિયલને જ જોઈ શકીશ.. !'

દિલીપ સાચું કહે છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો. ‘તો પછી આ મુશ્કેલીનો શું ઉપાય કરવો... ?'

‘એક ઉપાય સૂઝે છે મને !'

‘શું?'

‘અત્યારે મોસ્કોનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મોહક છે. અહીં પતંગો પણ ખૂબ જ ઊડે છે !' દિલીપ બોલ્યો, ‘જો મને ‘ઝીણા હાઉસ'થી અલગ કોઈક ઇમારત પરથી, કે જ્યાંથી સામેની સડક દેખાતી હોય ત્યાંથી પતંગ દ્વારા કાફલાના આગમનની સૂચના આપવામાં આવે તો મારી મુશ્કેલી દૂર થઈ જશે.'

‘પતંગ દ્વારા... ? હું કંઈ સમજ્યો નહીં... ! તું કહેવા શું માગે છે...?'

‘મારી વાત સાવ સરળ છે.. !' દિલીપ બોલ્યો, ‘સી.આઈ.ડી.નો કોઈ એજન્ટ કોઈક ઇમારત પર ચડીને પતંગ ઉડાડવાનું શરૂ કરી દે.. ! એનું કામ માત્ર એટલું જ કે સામેથી વડાપ્રધાનનો કાફલો આવતો જુએ, ત્યારે મારે બારી પાસે ન આવવું પડે અને રૂમમાં બેઠા બેઠા જ મને દેખાઈ જાય એટલી ઊંચાઈ પર એણે પતંગ ઉડાડવી. આના પરથી હું સમજી જઈશ કે મોટરનો કાફલો હવે ‘ઝીણા હાઉસ’ પાસે પહોંચવાની તૈયારીમાં છે અને મારું કામ પાર પાડવાનો સમય પાકી ગયો છે.'

આને માટે મારે પતંગ ઉડાડવામાં નિષ્ણાત હોય એવો કોઈક સી.આઈ.ડી. એજન્ટ શોધવો પડશે.'

‘શોધવા જવાની ક્યાંય જરૂર નથી. નીલેશ મહેતા નામનો એક એજન્ટ અત્યારે અન્ય એજન્ટોની સાથે મોસ્કોમાં જ છે. નીલેશ દર વર્ષે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવમાં ભાગ લે છે એની મને ખબર છે. તમે આ કામ તેને સોંપી દેજો. બાકીનું બધું એ પોતે જ સમજીને સંભાળી લેશે.'

‘ભલે...હું નીલેશને આ કામ સોંપી દઈશ. આ ઉપરાંત એક બીજી વાત પણ છે.’

‘શું?’

‘તને સંકેત આપવા માટેની પતંગ પણ ખાસ પ્રકારની જોઈશે. કારણ કે એ વખતે જો બીજું કોઈક પણ પતંગ ઉડાડતું હશે તો એ જોઈને તું ભ્રમમાં પડી જઈશ. કઈ પતંગ દ્વારા તને સંકેત આપવામાં આવે છે એ તું નહીં સમજી શકે. આનું હવે શું કરવું ?'

‘આનો પણ એક ઉપાય છે... ! નીલેશ જે પતંગ ઉડાડે તેના પર મને દેખાય એ રીતે પતંગ પર અંગ્રેજીમાં 'INDIA' લખેલું હશે. બજારમાં આવી પતંગ નહીં મળે એટલે એક સફેદ કલરની મોટી પતંગ પર કાળા અક્ષરે ‘INDIA’ શબ્દ લખી નાખજો. આવા લખાણવાળી પતંગ જોતાં જ હું સમજી જઈશ કે તે મને સંકેત આપવાના હેતુથી નીલેશ જ ઉડાડે છે.'

‘ભલે....આવી પતંગની વ્યવસ્થા થઈ જશે. બીજું કંઈ બાકી રહે છે... ?'

‘ના, બીજું તો કંઈ બાકી નથી રહેતું.’

દિલીપ ત્યાંથી વિદાય થઈ ગયો. વડાપ્રધાનને મોસ્કો આવવાને હવે માત્ર સાડા બાર કલાક જ બાકી રહ્યા હતા.

ત્યાર બાદ જેને માટે આટલી જોરદાર તૈયારીઓ ચાલતી હતી એ પળો પણ આવી પહોંચી.

રેડિયો, ટી.વી. અને અખબારો દ્વારા વડાપ્રધાનનો કાફલો કયા રૂટ પરથી પસાર થવાનો હતો તેની વિગતો જાહેર કરી દેવામાં આવી.

રૂટ જાહેર થતાં જ એ માર્ગો પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં. બીજા શહેરમાંથી પણ અનેક લોકો મોસ્કો આવ્યા હતા.

દસ વાગતાં સુધી તો આઠ કિલોમીટર લાંબા માર્ગ પર બંને તરફ લોકોની એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નહોતી રહી.

પોલીસે સડકની બંને તરફ લોખંડની મજબૂત રેલિંગ બનાવી હતી, જેથી કાફલો ત્યાંથી પસાર થાય ત્યારે ભીડ સડક સુધી ન પહોંચી શકે.

દરેક જગ્યાએ રશિયન પોલીસ અને સલામતી દળના જવાનો મોજૂદ હતા.

એક એક માણસની મેટલ ડિટેક્ટરથી તલાશી લેવાતી હતી.

સલામતીનો સજ્જડ બંદોબસ્ત હતો. ઇમારતોની છત પર પણ પોલીસ તથા સલામતીના જવાનો ગોઠવાઈ ગયા હતા.

આ ઉપરાંત સી.આઈ.ડી. તથા કે.જી.બી.ના જાસૂસો પણ સાદાં વસ્ત્રોમાં લોકોની ભીડ વચ્ચે પોતાની ડ્યૂટી નિભાવવા પહોંચી ગયા હતા.

આ સિવાય આઠ કિલોમીટરના માર્ગમાં જેટલી ઇમારતો હતી, એ બધી ઇમારતોની તલાશી લેવાનું કામ પણ સવારથી જ શરૂ થઈ ચૂક્યું હતું.

ખાસ કરીને આ ઇમારતોમાં જેટલા શકમંદ પાકિસ્તાનીઓ નજરે ચડ્યા તેમને તાબડતોબ મોસ્કોમાંથી બહાર મોકલી દેવાયા અથવા તો થોડા સમય માટે પોલીસકસ્ટડીમાં લઈ જવાયા.

*****