પરીક્ષા દેવીની જય હો...!
ઘરમાં કોઈની હમણાં જ બારમાની વિધિ ગઈ હોય એમ, એનું મોઢું પડી ગયેલું. એમાં મને વળી સળી કરવાની ઉપડી કે, ‘ કેમ કોઈ ગયું કે શું..? છોગીયું મોંઢું કેમ..? ’ મને કહે, ‘ગયું નથી, આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે. માટે વાળ કપાવવા જાઉં છું..! એના કપાળમાં કાંદા ફોડું, મને તો એ જ નહિ સમજાયું કે, બોર્ડની પરીક્ષાને મગજ સાથે લેવા દેવા, વાળ સાથે શું નિસ્બત? પણ મરણની ટાલ કરાવવા જતો હોય, તેવો જવાબમાં જુસ્સો જોઇને, એની સાથે ઝાઝી પ્રશ્નોતરી કરવાની મારી હિમત નહિ ચાલી..! બાકી પેટા પ્રશ્ન તો એવો હતો કે, બોર્ડની પરીક્ષા આવે તો વિદ્યાર્થી ‘સોલ્યુશન’ શોધવા જાય, વાળ કપાવવા કેમનો જાય? પણ વડીલો એક વાત કહેતાં ગયેલા કે, સૂતેલા સાપને બહુ છંછેડવો નહિ, એમ બારમાં ધોરણની પરીક્ષા આપતા વિદ્યાર્થીને પણ બહુ છંછેડવા નહિ. એટલે મેં ચર્ચામાં પૂર્ણ વિરામ મૂકી દીધું. મૂંગા રહેવામાં જ મને ભલું દેખાયું..!
કમાલની છે આ બોર્ડની પરીક્ષા મામૂ..! કોઈ મહાન નેતાનું મૃત્યુ થયું હોય એમ, બોર્ડની પરીક્ષા આવે એટલે ચારેય બાજુ ચહલ પહલ ઓછી થઇ જાય. ફટફટીયાના અવાજ ક્ષીણ થઇ જાય, ગલીના અનઘડ ક્રિકેટરો ‘બોલ-બેટ ડાઉન’ ની હડતાળ ઉપર ઉતરી ગયા હોય એમ શોધેલા નહિ જડે, એમ ગલી ગલી ગાલિપ્રદાન વગરની શાંતિ નિકેતન જેવી લાગવા માંડે..! બોર્ડની પરીક્ષા આવે એટલે, વિદ્યાર્થીનાં મગજમાં ઝામેલો કચરો નીકળવા માંડે. ‘પઠાણ’ ની માફક પડકાર ફેંકતી યુવાની ‘દેવદાસ’ જેવી થઇ જાય. નામ ભલે શાંતિલાલ હોય, તેમાં પણ તોફાન ઉઠવા માંડે. રીક્ષા અને પરીક્ષા વચ્ચેનો ભેદ બોર્ડની પરીક્ષા આવે ત્યારે જ સમજાય. ‘આઈ રે..આઈ રે..જોર લગાકે આઈ રે..!’ જેવું ગીત ગઈ કાલ સુધી ગાનારો, પરીક્ષાની તારીખ પડે એટલે, મંદિર શોધવા માંડે. અને મંદિરમાં જઈને લલકારતો થઇ જાય, ‘શિરડીવાલે સાંઇબાબા, આયે હૈ તેરે દર પે સવાલી..!’ ગમતીના ફોટા ખિસ્સામાં રાખવાને બદલે, દેવી-દેવતાના ફોટા રાખતો થઇ જાય. બોર્ડને બદલે બોર્ડર ઉપર લડવાના ભોગ લાગ્યા હોય એમ, એવો અજગર જેવો ઠંડો થઇ જાય કે, જાણે મૌનીબાબા..! દેડકાને હાથી સામે ‘રેસલિંગ’ માં ઉતરવાનું આવ્યું હોય એમ અંદરથી પરસેવાન અને બહારથી પહેલવાન..! ઘર નો એક-એક આદમી આતંકવાદી જેવો લાગવા માંડે. ભૂલમાં પણ કોઈથી બોલાય ગયું કે, ‘પરીક્ષા આવી વાંચવા બેસ’ તો, વીજળીનો જીવતો તાર પકડાય ગયો હોય એમ, મગજ ‘વાઇબ્રેઇટ’ થવા માંડે. કાશ્મીર જેવો મોંઢાનો નકશો, સાઉથ આફ્રિકાના જંગલ જેવો થઇ જાય. એ તો સારું છે કે, આવી શૂન્ય મનસ્ક હાલતમાં રસ્તે ગોઠવેલા માઈલ-સ્ટોનને દીવા-અગરબત્તી કરવા જતો નથી..!.
પરીક્ષા આવે એટલે અકળાટ અને કકળાટ વધી જાય. મા-બાપના પણ નોર્મલ પ્રેશર એની સાથે ફાટ-ફાટ થવા માંડે. આવું થાય તો માનવું કે, પરીક્ષા દેવી પ્રસન્ન થયાં.! સ્વાભવુઇક છે ને, દરેક મા-બાપને એવું હોય કે, દીકરો ભણે તો બે પાંદડે સુખી થવાય. એટલે તો પોતાના દીકરાને વાંચવા માટે દબાણ કરે, બાકી પાડોશીના છોકરાને થોડું કહેવાય, કે બેટા વાંચજે..! પરીક્ષા ટાણે મા-દીકરા એવાં બાઝે કે, ઘરમાં જ ભારત ને ઘરમાં જ પાકિસ્તાન જેવો માહોલ ઉભો થઇ જાય. બાપા સાથે બાઝવા જાય તો દાઝી જવાય, એટલે મા સાથે જ વધારે ઉપાડો લે. અમારો રતનજી કહે એમ, જે ઘરમા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી હોય, ત્યાં સરકારે એકાદ સાદો પોલીસ મુકવાનું પણ વિચારવું જોઈએ. મા દીકરા ના તોફાન તો સંભાળે..! આ તો એક ટીપ્સ..!
બોર્ડની પરીક્ષા એટલે હાઈવોલ્ટેજ ડ્રામા..! સર્જીકલ સ્ટ્રાઈક થી એનો ઓછો અંદાજ અંકાય જ નહિ. હજી સારું છે કે, ભગવાને મગજમાં મીટર જેવું કોઈ મશીન મુક્યું નથી, નહિ તો મીટર પણ ફાટે ને મગજ પણ ફાટે..! બે માંથી એક તો ફાટે જ..! પરીક્ષા આવે એટલે પરીક્ષાર્થીની હાલત લૈલા વગરના મજનુ જેવી થઇ જાય. મિત્રો સાથેના ટોળટપ્પા ઉપર કાપ આવવા માંડે, રખડપટ્ટી ઉપર કાતર ફરવા માંડે, સ્વચ્છંદતા ઉપર હકુમત આવવા માંડે ને ડોબા બળદને પરાણી ઘોંચતા હોય એમ બધાં વાંચવા માટે ‘ટોક-ટોક’ કરવા માંડે..! એક વિદ્યાર્થીને મેં અમસ્તું જ પૂછ્યું કે, ‘ બોર્ડની પરીક્ષા આવી છે તો રાત્રે તું કેટલાં વાગ્યે ઊંઘે? મને કહે દાદૂ..! વાંચતો હોઉં ત્યારે, વડા-પાઉં મિત્રો, બર્ગર મિત્રો, પીઝા મિત્રો, ઢોસા મિત્રો, પાણીપુરી મિત્રો, ચટણી પૂરી મિત્રો, મલ્ટીપ્લેક્ષ મિત્રો, ને લારી મિત્રોના ઝુંડ મને ચોપડામાં ફરતાં દેખાવા માંડે, એટલે ‘મિત્ર-દર્શન’ કરીને સવા નવ વાગ્યે સુઈ જાઉં. અને જો મોબાઈલના રવાડે ચઢી જવાયું તો, રાત પણ ખેંચી નાંખું..!’ તારા કપાળના કાંદા ફોડું..!
બોર્ડની પરીક્ષા પણ અદભૂત ટેન્શન છે દાદૂ..! કોઈ અણઘડ ડોકટરે મોઢા ઉપર નીકળેલા ખીલને, કેન્સરની ગાંઠ કહી નાંખી હોય, એવી લુખ્ખી અકળામણ ને ગભરામણ પરીક્ષા વખતે થવા માંડે...! એમાં પાછો ફેબ્રુઆરી મહિનો એટલે ટૂંકો મહિનો..! પરીક્ષા ટૂંકા મહિનામાં જ આવે. વડવાઓ કહેતાં કે, ‘લાંબા સાથે ટૂંકો ચાલે તો, મરે નહિ તો માંદો પડે..!’ બાકી પરીક્ષા આપવાની લહેર તો અમારા સમયમાં હતી. ટૂંકી લેંઘીમાં નિશાળે જતાં, ને ટકા પણ ટૂંકા જ લાવતાં..! તો એ અમારું જીવન ગબડી જતું. ભરેલા રીંગણા જેવા આજની માફક ટકા લાવવાની ‘હાયવોય’ નહિ. કારણ કે, નિશાળમાં ગયાં પછી જ અમારી નિશાળ ચાલુ થતી, ને નિશાળમાંથી ભાગ્યા એટલે નિશાળ બંધ થઇ જતી. ક્યારેક તો એવું પણ બનતું કે, નિશાળમાં ગયાં પછી ખબર પડતી કે, અમારી પરીક્ષા તો આજે જ છે. છતાં જેવું પણ ઠપકારતાં તેમાં પાસ થઇ જતાં. નીચેથી ‘ઉપર’ તો ચઢી જતાં..! અમે કેમના પાસ થઇ જતાં, એની અમને આજે પણ ખબર નથી. ખુદ શિક્ષક પણ જાણીને મૂંઝવણમાં મુકાય જતાં કે, આ ઉપર ચઢ્યો કેવી રીતે? આજે તો બોર્ડની પરીક્ષા આપવાને બદલે, બકાસુર રાક્ષસના ઘરે જવાનો હોય એમ, વિદ્યાર્થી પણ ટેન્શનમાં ને મા-બાપ હાઈ-ટેન્શનમાં..! હોલસેલ આખો પરિવાર ટેન્શનમાં..! પરીક્ષાના સમયમાં કોઈના મુખ-દર્શન કરીએ તો, કોઈનું મોઢું વાલી જેવું હોય, કોઈનું સુગ્રીવ જેવું હોય, તો કોઈનું જાંબુવન જેવું થઇ ગયું હોય..! ને પરીક્ષા આપવા જાય ત્યારે ફૂવ્વારા તો એવા છોડે કે, દીકરાનું વાંચેલું પણ ભુલાવી નાંખે..! એટલું જ કહેવાનું બાકી રાખે કે, “ દીકરા રોજની જેમ બેંચ ઉપર ઊંઘી નહિ જતો. ભૂખ લાગે તો જમણા ખિસ્સામાં ગાંઠીયા ભરેલા છે તે ખાજે. ને સાંભળ.. ગાંઠીયા કાઢવામાં કાપલા પડી નહિ જાય તેનું ધ્યાન રાખજે. આવડે એટલું જ લખજે, બાકીનું તારા બાપા ફોડી લેશે. ને નહિ આવડે તો સુપરવાઈઝર સાહેબને મામા કહીને પૂછી લેજે. ને મેડમ આવે તો માસી કહેજે. આવી માયાજાળ નાંખીને જ અમે પાસ થયેલાં, સમજ્યો..? બાજુવાળાને પણ જરા સળી કરીને પૂછી લેવાનું. પૂછતાં પૂછતાં જ પંડિત થવાય. ને સાંભળ, ખિસ્સામાંથી કાપલા કાઢતી વખતે પકડાય નહિ જવાય તેનું ધ્યાન રાખજે. તારાં પપ્પાની ઈજ્જત સાચવજે બેટા.!
હરામ બરાબર જો એમ પૂછતાં હોય કે, બેટા...હોલની ટીકીટ પેન વગરે લીધું છે ને..? એમાં દીકરી જો બોર્ડની પરીક્ષા આપવા જાય, ત્યારે તો કમાલ કરી નાંખે. એવાં હિબકે ચઢે કે, આપણું ટેન્શન વધી જાય. ક્યાંક માથું ઢાંકીને પેલું ગીત તો નહિ ઉપાડે ને, કે ‘’ બાબુલકી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે...! ‘’ એક વાત છે, અમે ક્યારેય અમારા મા-બાપની ઊંઘ ઉડાડી નથી, પરીક્ષા ટાણે પણ અમને ઘોરવા દેતાં. વળી શ્રધ્ધાળુ એટલાં કે, દરેક પરીક્ષા વખતે જુદા રંગનું ખમીશ પહેરાવતા. જેથી શિક્ષકને નિશાની અપાય. અને ધાર્મિક સલાહ પણ આપતા કે, ‘પેપર મળે એટલે તરત લખવા નહિ બેસવાનું. બેંચ ઉપર માતાજીનો ફોટો મુકીને ચોખાના દાણા નાંખી પહેલાં માતાજીની પુંજા/આરતી કરવાની. સર પૂછે કે, પેપર ક્યારે લખવાનો, તો વટથી કહી દેવાનું કે, હવે માતાજી લખવાનો આદેશ આપે એટલીવાર.!
લાસ્ટ ધ બોલ
અમારા સમયમાં અઠવાડિયા સુધી તો રીઝલ્ટ લેવા પણ નહિ જતાં. અમને ખબર જ હોય કે અમારા રીઝલ્ટમાં શું આવવાનું છે? મિત્રને જ કહી દેતાં કે, મારું રીઝલ્ટ તું જ લઇ આવજે, રીઝલ્ટ લઈને આવે અને ઘરમાં બાપા હોય તો એમ નહિ બોલવાનું કે, તારું ભજિયું થઇ ગયું. એક વિષયમાં ગયો હોય તો એમ કહેવાનું કે, જયશ્રી રામ, બે વિષયમાં ગયો હોય તો સીતા-રામ બોલવાનું અને ત્રણ વિષયમાં ભમરડો ફરી ગયો હોય તો એમ બોલવાનું બ્રહ્મા-વિષ્ણુ મહેશ..! પેલાએ આવીને એટલું જ કહ્યું કે, તેંત્રીસ કરોડ દેવતાની જય હો..! ‘બાપાને છેવટ સુધી ખબર નહિ પડેલી કે, ‘ આપણાવાળો બધાં વિષયમાં ઉડી ગયેલો કે પાસ થઇ ગયેલો..!
એના કપાળમાં કાંદા ફોડું...!
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------