પલ્લવીએ દરવાજો ખોલ્યો એટલે નીરવ તરત જ રૂમમાં આવ્યો અને એણે દરવાજો બંધ કરી દીધો. આ જોઈને તો પલ્લવી વધુ ભડકી ઉઠી અને બોલી, "નીરવ! મને તો એ જ સમજમાં નથી આવતું કે તું તારી મમ્મીથી એટલું કેમ ડરે છે? તારા જેવો છોકરો મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયો. મેં અનેકવાર જોયું પણ છે અને અનુભવ્યું પણ છે કે, તારો તારી મમ્મીની સામે કોઈ દિવસ કોઈ પણ જાતનો અવાજ જ નથી નીકળતો. તારા મોઢામાં મગ જ કેમ ભર્યા હોય છે? તું એમની સામે ક્યારેય કશું બોલતો જ નથી. ક્યારેક તો મોઢું ખોલ નીરવ."
"એમ વાત નથી પલ્લવી! મારી મા એ મારા માટે ઘણો ભોગ આપ્યો છે. એણે મને એકલા હાથે મોટો કર્યો છે. એમનું મારાં પર ખૂબ ઋણ છે જે મારે ચૂકવવું જ રહ્યું. તું કદાચ મારી આ વાત ક્યારેય નહીં સમજી શકે કારણ કે, તારા પપ્પા હજુ જીવિત છે. પપ્પાનું ન હોવું શું હોય છે એ તું મારા જેવાં બાળકને પૂછીશ તો જ તને ખ્યાલ આવશે. હું ખૂબ નાનો હતો જ્યારે મારા પપ્પા આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. મારી મમ્મીએ મને એકલા હાથે જ ભણાવ્યો ગણાવ્યો અને આજે હું જ્યાં છું ને ત્યાં પહોંચવાલાયક બનાવ્યો છે. એક વિધવા સ્ત્રી હોવું શું હોય છે એ તને નહીં સમજાય. કેટલાંય પુરુષોની લોલુપતા ભરી નજરો તાકતી હોય છે. એ બધામાંથી ગુજરીને અને પોતાના ચરિત્ર પર કોઈપણ પ્રકારનો દાગ ન લાગે એ રીતે એક વિધવા માટે જીવવું મુશ્કેલ હોય છે. આપણાં સમાજની આ વરવી વાસ્તવિકતા છે પલ્લવી."
"બસ નીરવ! તું તો એમના એહસાન તળે ખૂબ દબાયેલો છે. દરેક મા બાપ પોતાના સંતાન માટે જે કરવાનું હોય છે એ કરતાં જ હોય છે. તારી મા એ પણ એમાં કોઈ મહાન કામ નથી કર્યું. એમણે તારા માટે જે કર્યું છે ને એને ફરજ બજાવી કહેવાય છે. આ દુનિયાના દરેક મા બાપ પોતાની આ ફરજ હંમેશા નિભાવે જ છે. તારી મા એ તારા માટે કર્યું તો એ તો એની ફરજમાં આવતું હતું એટલે કર્યું. સમજ્યો?"
"હા, પણ મારી મા એ એ બધું એકલા હાથે કર્યું છે. એ બધાનાં માથે પિતાનો હાથ હોય છે. એટલે...."
"બસ નીરવ! દુનિયામાં તારી મા એકલી જ વિધવા સ્ત્રી નથી. એમના જેવી અનેક સ્ત્રીઓ છે સમજ્યો! અને એ બધી તારી મા ની જેમ પોતાના દીકરાને બાંધીને નથી રાખતી. એમને મુક્તિ આપે છે. પોતાના દીકરાના દીકરાના નામકરણનો હક પણ નથી આપતી. બાળકની મા ને તો ઠીક પણ એના બાપને પણ પૂછવું જરૂરી નથી સમજતી કે, જે એનો સગો દીકરો છે. એમણે પૂછયું તને કે, "બેટા! તારા દીકરાનું નામ શું રાખવું છે? અરે! એ તો ન પૂછયું પણ એમ પણ ન પૂછયું કે, તમને શિખર નામ ગમે છે કે નહીં?"
"મને ગમે છે પલ્લવી!" નીરવ ગુસ્સામાં જ બોલી ઉઠ્યો.
"હા, પણ એમણે આ વાત તને પૂછી? નહિ ને? અત્યાર સુધી આપણે બે જ હતાં એટલે હું કંઈ પણ બોલતી નહોતી પરંતુ હવે આપણે બે માંથી ત્રણ થયા છીએ અને એટલે જ કહું છું કે, જો એ મારાં દીકરા ઉપર પણ એ પોતાના જ વિચારો લાદશે તો એ મને નહીં જ પોષાય. મારા દીકરાનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમાય એ મને કોઈ કાળે નહીં જ પરવડે. અને આ અન્યાય તો હું કોઈપણ સંજોગોમાં સહન નહીં જ કરું. એટલું તું બરાબર સમજી લેજે." પલ્લવી પણ હવે બરાબરની વિફરી હતી.
"તો બીજું તું શું કરીશ?"
"મારે જે કરવું છે ને એ તો હું કરીને જ રહીશ. તને પૂછવા નહીં રહું."
"બસ! પલ્લવી! હવે તું હદ વટાવી રહી છો. બસ કર હવે અને ચૂપ થઈ જા.
બંને વચ્ચે આ માથાકૂટ થઈ રહી હતી ત્યાં જ શિખર રડવા લાગ્યો એટલે બંને જણાં પોતાનો ઝઘડો ભૂલીને શિખરને શાંત કરવામાં લાગી ગયા. થોડીવારે શિખરનું રડવાનું બંધ થયું એને એ શાંત થયો.
પલ્લવીએ આજે મનોમન એક નિર્ણય તો લઈ જ લીધો હતો જેનો અમલ એ આવતીકાલે કરવાની હતી. એ આવતીકાલની સવારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી.
(ક્રમશઃ)