શિખર - 3 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 3

પ્રકરણ - ૩

બીજા દિવસની સવાર પડી એટલે આખા ઘરમાં દોડાદોડી થઈ ગઈ. નીરવ હવે પલ્લવીને શોધવામાં લાગી ગયો. પલ્લવી ક્યાં ગઈ હશે શિખરને લઈને? એ એને સમજાઈ રહ્યું નહોતું. એ વારંવાર પલ્લવીને ફોન કરી રહ્યો હતો પરંતુ સામે છેડે માત્ર રીંગ જ વાગી રહી હતી. કોઈ રિપ્લાય આવી રહ્યો નહોતો. નીરવની હાલત પલ્લવીને ન જોતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

આ બાજુ તુલસીની હાલત પણ કંઈ બહુ સારી કહી શકાય એવી તો નહોતી જ. એ પણ શિખરના ચાલ્યા જવાથી દુઃખી હતી. એ નીરવને પૂછી રહી, "શું થયું નીરવ બેટા! પલ્લવી આમ અચાનક શિખરને લઈને ક્યાં ચાલી ગઈ હશે? શું તમારી બંને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો? કોઈ બોલાચાલી થઈ હતી? શું થયું હતું બેટા? બોલ ને દીકરા?"

પોતાની મમ્મીની આવી વાત સાંભળીને નીરવને ગઈકાલે એની અને પલ્લવી વચ્ચે જે કંઈ પણ માથાકૂટ થઈ હતી એ બધાં જ દૃશ્યો નીરવની આંખ સામે આવવા લાગ્યા. અને એ બધું જ આ રીતે એકદમ જ યાદ આવતાં જ એ ગુસ્સાથી એકદમ સમસમી ઉઠ્યો હતો, પરંતુ મા સામે બોલવાની તો એની આજ સુધી ક્યારેય હિંમત જ ક્યાં થઈ હતી જો એ આજે બોલી શકવાનો હતો! એટલે એણે તુલસીના સવાલનો માત્ર એટલો જ જવાબ આપ્યો, "ના મમ્મી! એવું તો કશું જ નથી થયું અમારાં બંને વચ્ચે. ના તો અમારાં બંને વચ્ચે કોઈ બોલાચાલી થઈ છે કે ના તો કોઈ પણ પ્રકારનો ઝઘડો." નીરવે પોતાની અને પલ્લવી વચ્ચે ગઈકાલે રાત્રે જે કંઈ પણ બન્યું હતું એ બધું જ તુલસીને કહેવાનું ટાળ્યું. એ નહોતો ઈચ્છતો કે, પલ્લવીએ એને જે કંઈ પણ કહ્યું એ તુલસી જાણે અને એ જાણીને એને દુઃખ પહોંચે. પોતાની મા દુઃખી થાય એવું નીરવ ક્યારેય ઈચ્છતો નહોતો.

નીરવે જાણી જોઈને તુલસીને ગઈકાલે એની અને પલ્લવી વચ્ચે થયેલાં ઝઘડા વિશેની વાત કહેવાનું ટાળ્યું. મનમાં તો એ પણ જાણતો હતો કે, પલ્લવી તુલસીના કારણે ઘર છોડીને ગઈ છે. પણ મા ના એહસાન તળે દબાયેલો નીરવ મજબૂર હતો.

પલ્લવીને ઘર છોડીને ગયાને હવે લગભગ અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો. આજ સુધી ન તો પલ્લવીની ખબર મળી કે ન તો શિખરની કોઈ માહિતી મળી.

નીરવ અને તુલસી બંને હવે પલ્લવી અને શિખરને શોધવાના પ્રયત્નો કરી રહ્યાં હતા પરંતુ કશું જ હાથ લાગી રહ્યું નહોતું. બંને મા દીકરાને હવે પલ્લવી અને શિખરની ખૂબ જ ચિંતા થવા લાગી હતી.

એવામાં એક દિવસ અચાનક જ તુલસી ઘરની સાફસફાઈ કરી રહી હતી અને એના હાથમાં પલ્લવીની કાળા રંગના પૂઠાવાળી એક ડાયરી આવી. આ એ જ ડાયરી હતી કે, જેમાં હંમેશા પલ્લવી પોતાના મનની વાત લખતી.

તુલસીએ આજે એ ડાયરી જોઈ. આ ડાયરી જોઈને પહેલાં તો એને થયું કે, લાવ ને હું આ ડાયરી વાંચું. પણ પછી બીજી જ ક્ષણે એનાં અંતરાત્માએ એને રોકી. એ વિચારવા લાગી, "શું આવી રીતે કોઈની પર્સનલ ડાયરી વાંચવી એ યોગ્ય કહેવાય ખરાં? ના! ના! આ તો યોગ્ય ન જ કહેવાય!' એમ વિચારીને એણે એની ડાયરી જ્યાં હતી ત્યાં જ મૂકી દીધી. એણે એ ડાયરી પલ્લવીના કબાટમાં વ્યવસ્થિત રીતે મૂકી તો દીધી પરંતુ એનું મન વારંવાર એ ડાયરી પાસે પહોંચી જતું હતું.

થોડાં દિવસો પસાર થઈ ગયા હોવા છતાં પણ જ્યારે એને પલ્લવી કે શિખરની કોઈ ભાળ ન મળી એટલે હવે તુલસીએ પલ્લવીની એ ડાયરી જે એ હંમેશા વાંચ્યા વિના જ મૂકી દેતી હતી એને આજે એણે હિંમત કરીને પોતાના હાથમાં લીધી અને એણે પલ્લવીની એ ડાયરી વાંચવાની શરૂ કરી.

તુલસી તો પલ્લવીની આ ડાયરી વાંચીને એકદમ આઘાતમાં જ સરી પડી હતી. એને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, પલ્લવીના મનમાં આટલું બધું દ્વંદ્વ ચાલી રહ્યું હશે.

આ ડાયરી વાંચ્યા પછી તુલસીને હવે થોડું થોડું તો સમજાવા લાગ્યું હતું કે, પલ્લવી ઘર છોડીને શા માટે ગઈ? એને હવે એ પણ સમજાયું કે, પલ્લવીના ઘર છોડવા માટે કદાચ પોતે પણ કેટલી જવાબદાર હતી! એણે હવે મનોમંથન કરવાનું શરૂ કર્યું કે, પોતે ક્યાં નબળી પડી? અને એ ભૂતકાળમાં સરી પડી.

(ક્રમશઃ)