શિખર - 11 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિખર - 11

પ્રકરણ - ૧૧

શિખર આજે પહેલીવાર પોતાના પગ પર ઉભો રહીને ચાલવા લાગ્યો હતો. શિખરને આ રીતે કોઈપણ સહારા વિના પોતાના પગ પર ઊભેલો જોઈને પલ્લવી, નીરવ અને તુલસી ત્રણેય જણા ખૂબ જ ખુશ થઈ ગયા. હજુ તો આ ત્રણેય જણા બહુ ખુશ થઈ જ રહ્યા હતા ત્યાં જ એમના ઘરની ડોરબેલ વાગી.

પલ્લવીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે રોનિત, માધુરી અને એની બંને દીકરીઓ દિશા અને ઈશા ઊભા હતા. ઘણા સમયે પોતાના કાકાજી સાસુ સસરા અને એમની દીકરીઓને જોઈને પલ્લવીને ખૂબ જ આનંદ થયો. એમણે એ ચારેયને આવકાર આપ્યો.

તુલસી અને નીરવ પણ બંને બહાર આવ્યા. નીરવ પણ પોતાના કાકા કાકીને આજે ઘણા સમયે પોતાના ઘરે આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તુલસીએ પણ એમને આવકાર આપ્યો.

એ બોલી, "રોનિતભાઈ આજે તમે બરોબર ખરા સમયે આવ્યા છો? આજે તો ખૂબ જ ખુશખબરી છે."

"ખુશખબરી! ભાભી એવી તે શું વાત છે?"

"આજે મારો દીકરો શિખર પોતાના પગ પર પહેલીવાર ચાલવા લાગ્યો છે." તુલસીએ હરખાતાં હરખાતાં કહ્યું.

હજુ તો તુલસી આ બોલી જ રહી હતી ત્યાં જ શિખર દોડતો દોડતો ઈશા અને દિશા પાસે આવીને ઊભો રહ્યો. શિખરને દિશા અને ઈશા પાસે ખૂબ જ મજા આવતી. પલ્લવીનો જ્યારે અકસ્માત થયો એ પછી ક્યારેક ક્યારેક રોનિત અને માધુરી બંને દિશા અને ઈશાને લઈને ક્યારેક ક્યારેક મળવા આવતા અને દિશા અને ઈશાને પણ પોતાના આ નાનકડા ભત્રીજા શિખર સાથે રમવાનું ખૂબ જ ગમતું. દિશા અને ઈશાને જોઈને શિખરના ચહેરા પર હાસ્યની ચમક આવી અને દિશા અને ઈશા પણ શિખરને ચાલતો જઈને ખૂબ જ ખુશ થઈને તાળી પાડીને એને રમાડવા લાગ્યા હતા. દિશાની ઉંમર પંદર વર્ષની હતી અને ઈશા તેર વર્ષની હતી. આ બંને બહેનો વચ્ચે માત્ર બે જ વર્ષનું અંતર હતું. શિખરને પણ પોતાની આ બંને ફઈઓ સાથે રમવાનું ખૂબ જ ગમતું હતું.

ત્યાં જ થોડીવારમાં ફરીથી એમના ઘરની ડોરબેલ રણકી. આ વખતે તુલસીએ દરવાજો ખોલ્યો તો સામે સંકેત ઊભો હતો અને એણે સંકેતને આવો આવો સંકેતભાઈ કહીને આવકાર આપ્યો.

સંકેતને જોઈને પલ્લવી પણ બોલે ઉઠી, "અરે વાહ! શું વાત છે? આજે તો આખું દેસાઈ ખાનદાન એક સાથે ભેગું થઈ ગયું છે. શિખર એના પગ પર શું ચાલ્યો બધા જ આજે એને મળવા આવી પહોંચ્યા છે. આ વાત પર તો સેલિબ્રેશન થવું જ જોઈએ. આખો પરિવાર અચાનક જ ભેગો થઈ જાય અને આપણે એની ઉજવણી ન કરીએ તો કેમ ચાલે?"

"હા! હા! પલ્લવી ભાભી બિલકુલ ઠીક કહે છે." માધુરી પણ બોલી ઉઠી.

"તો ચાલો હો જાયે પાર્ટી! આજ કા દિન મેરે ભતીજે શિખર કે નામ." દિશા બોલી ઉઠી.

"જી બિલકુલ." નીરવ પણ બોલી ઉઠ્યો.

બધાએ આજે શિખરને પહેલીવાર પોતાના પગ પર ચાલતો જોયો એટલે એની એ ખુશીને મળીને સેલિબ્રેટ કર્યું. બધાં ખૂબ જ નાચ્યાં અને પછી પીઝા પાર્ટી કરી. આખા ખાનદાનમાં બધાને પીઝા ખૂબ જ પ્રિય હતા એટલે બહારથી પીઝા મંગાવ્યા અને પછી બધાંએ એ ખાવાનો આનંદ લીધો.

પાર્ટી પતાવીને બધા હવે પોતપોતાના ઘરે જવા રવાના થયા. બધા ચાલ્યા ગયા એ પછી તુલસી બોલી, "ખરેખર! જીવનમાં ઉજવણી પણ કેટલી જરૂરી હોય છે નહીં? આખા દિવસના કામકાજનો જે થાક લાગ્યો હોય છે એમાંથી થોડી રાહત મેળવવા માટે પણ સેલિબ્રેશન તો જીવનમાં જરૂરી હોય છે. કેમ! ખરું ને? સેલિબ્રેશન જ તો છે કે જેને બહાને આપણે પરિવાર સાથે જોડાયેલા રહીએ છીએ નહીં? નહિ તો આજના જમાનામાં કોણ સાથે રહે છે? બધાને પોતપોતાના સ્વાર્થ હોય છે. આપણે ખૂબ જ નસીબદાર છીએ કે હજુ આજે પણ સાહિલના મૃત્યુ પછી પણ આપણે આપણા પરિવાર સાથે જોડાયેલા છીએ. નહિ તો એક વિધવા માટે પરિવાર સાથે જોડાયેલું રહેવું ખૂબ અઘરું હોય છે."

આટલું બોલતાં તો તુલસીને પોતાનો પતિ સાહિલ યાદ આવી ગયો અને એની આંખો સહેજ ભીની થઈ.

તુલસીને આ રીતે લાગણીશીલ બનતાં જોઈને પલ્લવી બોલી ઉઠી, "મમ્મી! તમે ઠીક કહો છો આપણો પરિવાર ખૂબ જ સરસ પરિવાર છે. પપ્પાજીના ગયા પછી પણ આ આખા પરિવારે તમને સાચવી લીધા છે. નસીબદાર હોય એને જ આવો પરિવાર મળે. આપણે લોકો ખરેખર નસીબદાર છીએ. ભગવાન કરે આપણાં આ પરિવારને કયારેય કોઈની નજર ન લાગે."

ત્યાં તો શિખર દાદી દાદી બોલતો તુલસી પાસે આવ્યો. તુલસીએ એને તેડી લીધો અને એના પર ચુંબનોની વર્ષા કરી દીધી.

*****
સમયને વીતતાં ક્યાં વાર લાગે છે? શિખર હવે ત્રણ વર્ષનો થઈ ગયો હતો. આજે એના એડમિશન માટે શાળાએ જવાનું હતું.

*****
(ક્રમશ:)