પાટણની પ્રભુતા - ભાગ 43 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 43

૪૩. પાટણમાં પાછાં

જ્યારે મુંજાલ પાછો ગયો, ત્યારે રાણીના હૃદયમાં જબરી ઘડભાંજ ચાલી રહી હતી. આખી જિંદગીભર લડાવેલો ગર્વ ગળવો તેને સહેલો લાગ્યો નહિ, અને પાછી આવેલી નિર્મળતાનું સામ્રાજ્ય જામ્યું હતું, છતાં આમ નીચું નાક નમાવી પાટણ જવું, એ ઘણું અઘરું લાગ્યું. મુંજાલ સાંજના પહોંચ્યો, અને તરત રાણી પાસે જઈ, તેણે પાટણથી આણેલો સંદેશો કહ્યો.

રાણીએ કટાણે મોઢે તે સાંભળ્યો : 'પછી કાંઈ ?'

'પછી કાંઈ નહિ,' મુંજાલે કહ્યું, 'હું કાલે સવારે પાછો જવાબ લઈ જવાનો છું. તમારે જવું હોય તો કાલે સાંજના દરવાજા ખૂલશે, પણ તે પહેલાં આ લશ્કર અહીંયાંથી જવું જોઈએ.'

પ્રણામ કરી તેણે ત્યાંથી રજા લીધી. તેનું વર્તન સ્વસ્ય, વિનયી, પણ ટાઢું હતું; મીનળને તે ઘણુંયે સાલ્યું, પણ શું કરવું ? જૂનું હ્રદય આવતાં તે પાછી મંત્રીના તેજમાં દબાતી હતી; આમ દબાવું સુખમય લાગતું, છતાં અભિમાનને કારી ઘા લાગતો. તેણે વિજયપાળને બોલાવવા માણસ મોકલ્યો. વિજયપાળ આતુરતાથી આવ્યો અને પાટણથી આવેલો સંદેશો સાંભળી ખુશ થયો.

'વિજયપાળજી ! ચંદ્રાવતીએ મારા પર ઘણો અનુગ્રહ કર્યો છે. તે હું કદી ભૂલવાની નથી. છતાં તમે બધું જાણો છો અને આ વખતની મદદ માટે હું જે આપું તે ઓછું છે.'

'મીનળબા ! આપના પર મહાવીર પ્રભુજીની મહેર છે. આ બધી પંચાત ટળી ગઈ, એ ઘણું સારું થયું, નહિ તો મને એનાં રૂડાં ફળ નહોતાં લાગતાં.'

'તમારા આનંદસૂરિજી એમ નથી માનતા,' જરાક હસતાં રાણીએ કહ્યું. તે વાત ખરી છે, પણ હવે એનો પક્ષ નિર્બળ થયા વિના રહેવાનો નથી. મેં આજે જ સાંભળ્યું, કે ચંદ્રાવતીનો સંઘ એને પદભ્રષ્ટ કરવા માગે છે. એને માટે ત્યાં હવે સ્થાન નથી રહ્યું.'

'એ છે ઘણો બાહોશ. જરા બોલાવો એને. એ માનતો હોય તો એને મોઢેરે કે કર્ણાવતી મોકલી આપું. ત્યાં એનું માન રહેશે.'

'પણ બા ! એ ભાગ્યે જ માનશે. લાવો જોઈએ. 'સમરસેન ! જરા જતિજીને બોલાવો,' વિજયપાળે કહ્યું;

'બા ! મને લાગે છે, કે એનું મગજ ભમી ગયું છે. એ થોડા નાયકોને ચઢાવતો હતો કે આપણે પાટણ પર સવારી કરીએ.'

રાણી હસી, તેણે પાટણના પ્રભાવનો સ્વાદ ખરેખરો ચાખ્યો હતો. થોડી વારે આનંદસૂરિ આવ્યો. તેનું મોઢું તિરસ્કારમાં મરડાઈ ગયું હતું. તે જાણે સૃષ્ટિનો સમ્રાટ હોય, તેમ રાણી સામે જોઈ રહ્યો.

'જતિજી ! હું તો પાટણ જાઉં છું. અને વિજયપાળજી તમારું લશ્કર પાછું લઈ જાય છે. તમે શું કરવા ધારો છો ?'

‘મીનળદેવી ! મહાવીરની કૃપાથી તમને કાલાન્ત સુધી નામ અમર કરવાની એક તક મળી; પણ અત્યારે તમે આવાં નીવડ્યાં, એ ખેદની વાત છે.'

'એ વાત કરવા મેં તમને બોલાવ્યા નથી,' જતિની ધૂન જોઈ હસતાં રાણીએ કહ્યું, તેને આવા બાહોશ માણસની આવી કઢંગી એકાગ્રતા જોઈ દયા આવી : ‘પણ તમારે જો શાંતિથી જીવન ગુજારવું હોય તો મોંઢેરામાં મારા અપાસરા છે, ત્યાં ગોઠવણ કરી આપું. ત્યાં તમને પૂરેપૂરું માન મળશે.'

'મને માન ? રાણી ! આનંદસૂરિ માનનો ભૂખ્યો નથી.'

'ત્યારે શું જોઈએ છે ?'

'અર્હતોનું વચન જ મારે માત્ર બસ છે. તમારાં ક્ષણભંગુર માન અને અકરામનો મારે મન હિસાબ નથી.'

'પણ મેં સાંભળ્યું છે કે ચંદ્રાવતીનો સંઘ તમને કાઢી મૂકે છે.’

'હા હા હા !' ખડખડ હસતાં જતિ બોલ્યોઃ બિચારા ક્ષુલ્લક જંતુઓ ! રાણી ! મારા જીવનના આદેશ આગળ મને કોઈનો હિસાબ છે ? તેને માટે હું તમારી બધાની ખુશામત કરવા નીકળ્યો હતો. હવે મેં જોયું કે બધા નમાલા છે; મહાવીરનો મંત્ર મૂર્તિમંત કરવાની કોઈનામાં હિંમત નથી. હું એવાં જંતુઓ જોડે કેમ ભળું ?'

'ત્યારે શું કરશો ?'

'તમારી નાની નાની રમતોથી મારી માન્યતા ગઈ છે શું ? ફરી વખત આવશે ત્યાં સુધી વાટ જોઈશ. મારા સિદ્ધાંતોમાં મને શ્રદ્ઘા છે; અને એક દિવસ ધર્મનો વિજય કરી આવતા ચક્રવર્તીને પડખે મને જોશો.’

'જતિજી ! મીનળબા સાચી સલાહ આપે છે. પાટણનાં રાણી બની, જે જે તે કરે, તેમાં સામેલ થવાથી જ રાજ્યનું ગૌરવ વધશે.'

'વિજયપાળ ! તું તો બાળક છે,' તુચ્છકારથી જતિએ કહ્યું; તું શું સમજે ? જાઓ, રાજ્યનું ગૌરવ વધારો; તમારી ભ્રમણાની અંધારીમાં ભમ્યા કરો. આખરે મારા સિદ્ધાંતોમાં જ જયવારો છે, નહિ તો પરધર્મી યવનો આગળ વધે છે, ભરતખંડની પતિતપાવની ભૂમિ તેમના પગ નીચે કચડાવા માંડી છે. પાણીપતથી સિંધુ દેશની ભૂમિ ગઈ છે; અને હવે તમારી જવાની. ધર્મ વિના સામ્રાજ્ય સ્થાપો !

તમારા મુંજાલોની મહેનત આખરે ધૂળ મળશે; તમારાં દીકરાદીકરીઓ ગીઝનીના બજારમાં વેચાશે. તમે બધા મને મૂર્ખા ગણો છો, પણ એક દિવસ ધૂળચાટતા થઈ મારું ડહાપણ સ્વીકારશો. મને તમારા માનની કે રાજ્યની પરવા નથી. આંધળાઓ અને અક્કલ વગરનાઓ સાથે હવે મારો સંબંધ પૂરો થયો.' એમ કહી જાણે ભવિષ્યવેત્તાની દિવ્ય આંખોએ ભવિષ્યનું દુઃખ જોઈ રહ્યો હોય તેમ તે ઊભો રહ્યો. રાણી અને વિજયપાળ કાંપી ઊઠ્યાં. બીજી પળે રાણી તરફ એક તિરસ્કારભરી નજર નાંખી આનંદસૂરિ ત્યાંથી ચાલ્યો ગયો.

'ક્યાં સુધી રાણી અને વિજયપાળે ગભરાઈને એકમેકની સામે જોયાં કર્યું. તેમને આ ભવિષ્યવાણી જાણે તે જ પળે ખરી પડતી હોય તેમ લાગી. થોડી પળે બન્ને જણાં સ્વસ્થ થયાં.

'વિજયપાળજી ! આ બિચારો તદ્દન ભમી ગયો છે. હશે, બીજું કાંઈ તમારે કહેવું છે ? મારો એક વિચાર છે. તમને વાંધો નહિ હોય તો કહું.'

'શો ?'

'જો પાટણની સત્તા, મારા હાથમાં આવે તો તમને પાટણના સામંત બનાવું અને પાટણ બોલાવું.'

'બા ! ક્ષમા કરજો. પાટણને અમે માથાનો મુકુટ ગણીએ છીએ; પણ અમારા ચંદ્રાવતી પછી. સામંત કરશો તો રાજી છું, પણ પાટણ નહિ આવું.'

‘ઠીક જોઈશું.' કહી રાણીએ વાત પડતી મૂકી. વિજયપાળ ત્યાંથી ગયો અને તેણે લશ્કરને કૂચ કરવાનો હુકમ આપ્યો. લશ્કરમાં અસંતોષ ઘણો ફેલાયો. કેટલાકે રાણીની નિમકહરામી પર ફિટકાર કર્યા. ન છૂટકે જૈન મતના વિજયનાં સ્વપ્નાં છોડી લશ્કર ત્યાંથી સવારે ઊપડયું. માત્ર વિજયપાળ રાણીની સાથે રહ્યો.

સાંજના વિજ્યપાળે આણેલા હાથી પર બેસી રાણીએ પાટણ તરફ જવાનું શરૂ કર્યું. સાથે મો૨ારપાળ, વિશ્વપાળ, વિજયપાળ, વિનયચંદ્ર વગેરે પંદરેક માણસો ઘોડા પર હતા. રાણીને પાટણ જોઈ કચવાટના, નિષ્ફળ ગયેલી આશાઓના વિચાર યાદ આવવાથી, આંખમાં આંસુ આવ્યાં. તરત તેને મુંજાલ યાદ આવ્યો, તેની આખી જિંદગી, તેણે કરેલા પ્રયત્નો અને આત્મત્યાગો યાદ આવ્યા; તેની આંખ આગળ આશાભંગ પામેલો, બૈરી મારી, બહેન રિબાવી, બનેવી મારી માત્ર તેને માટે અને પાટણની સત્તા માટે સંન્યાસી બની રહેલો મંત્રી યાદ આવ્યો. તેને અત્યારે શું થતું હશે ? તેના પ્રમાણમાં પોતાનું દુઃખ શું કાંઈ હિસાબમાં હતું ? રાણીને હંસા યાદ આવી, તેની રમ્ય મૂર્તિ આંખ આગળ આવી; પોતાને માટે પાટણની સત્તા માટે તેને દીધેલાં દુઃખો, તેનું આણેલું અકાળ મૃત્યુ યાદ આવ્યું. રાણીનાં આંસુની ધારા હોદ્દામાં બેઠાં બેઠાં ચાલવા લાગી. તેણે ગઈ ગુજરી વિસારવાનો પ્રયત્ન કર્યો. ફરીથી તેને ગુજરાતની મહારાણી બનવાનો પ્રસંગ મળ્યો હતો. આખું ગામ ગુસ્સે હશે તો તેને રીઝવવા અહોનિશ મથવાનો, અને મુંજાલ જેવા મુત્સદીની સલાહ વિના એક પગલું પણ ન ભરવાનો તેણે નિશ્ચય કર્યો. તેને ત્રિભુવનપાળ યાદ આવ્યો; મુંજાલના જેવી તેની મુખાકૃતિ સાંભરી; અજબ રીતે હંસાના પુત્ર તરફ તેને પ્રેમ આવ્યો. આ બધાં હવે તેને મળશે, તેનાં થશે – ના, એ તો બધાંની થશે; પાટણે તેને દાસ બનાવી હતી. મુંજાલ, ત્રિભુવન એ બધા પાટણના દેવો હતા; તેમના પૂજારી તરીકે જ માત્ર તેને તે સ્વીકારતું હતું.

મોંઢેરી દરવાજા આગળ ખેંગાર મંડલેશ્વર, શાન્તુ શેઠ, ઉદો અને વસ્તુપાલ થોડા સવારો સાથે વાટ જોતા હતા. તેમની રીતભાતમાં માયા દેખાતી હતી, સાથે મહેરબાની પણ દેખાતી. મહામુશ્કેલીએ રાણીએ ગુસ્સો દબાવ્યો. ધણીનો શોક મૂકી ગામ બહાર ગયેલી રાણીને કોણ માન આપે ? તેમના આદરમાં ઉમળકો નહોતો. રાણીએ મુંજાલ અને ત્રિભુવન બેમાંથી એકને ત્યાં જોયા નહિ; તેનું હૃદય ખિન્ન થયું. હોઠ પર હોઠ દાબી તેણે સ્વસ્થતા સાચવી રાખી.

ગામમાં સ્મશાન સમી શૂન્યતા દેખાતી; કોઈ બહાર નીકળ્યું નહોતું. કોઈ બારીએ બેઠું નહોતું. સાંજ પડી ગઈ હતી, અંધારું થવા આવ્યું હતું. એટલે જાણે ચોરીથી, છુપાઈને તે પેસતી હોય તેમ લાગ્યું.

'આ શું તેનું તે જ રાજગઢ ?' રાણીને તેમાં ઘણો ફેર લાગ્યો. આ રાજગઢ એક પલકમાં તેનું મટી ગયું હતું; તે ત્રિભુવનપાળનું થઈ ગયું હતું. ‘ત્રિભુવન ગાદીએ બેઠો હોત તો ?' રાણીને કંપારી આવી. હાથી અંદર થયો, રાણી ઊતરી; તેનો તે જ કલ્યાણ નાયક મળ્યો, છતાં જાણે તે તેના તરફ તિરસ્કારથી જોતો હોય એમ તેને લાગ્યું. શાન્તુ શેઠના હાસ્યમાં પણ પહેલાંનો ભાવ લાગ્યો નહિ. રાણી ઝપાટાબંધ ઉપર ચાલી ગઈ. લીલો વૈદ મળ્યો; તે જાણે મૂંગો મૂંગો પણ ઠપકો દેતો હોય એમ લાગ્યું. વાચસ્પતિ પાવડી પહેરી, ભસ્મ લગાવી પૂજા કરી આવતા હતા; તેણે નમસ્કાર કર્યા. રાણીને તેના પાવડીના પટકારમાં તેના મતનો વિજયનાદ થતો હોય એમ લાગ્યું. રાજકુટુંબની બધી સ્ત્રીઓ તેને મળી, તેમનો ખુશામતિયો આદર જોઈ તેને તિરસ્કાર આવ્યો. રાણી વહેલી વહેલી પોતાના ઓરડામાં ગઈ. થોડી વારે બધાં ચાલ્યાં ગયાં. એમ કરતાં રાત પડી.

'બહાર કોઈ છે કે?' એક દાસી ડરથી બૂમ પાડે, તેમ રાણીએ કહ્યું.

'જી, બા ! હાજર છું,' કહી સદાનો સમર હાજર થયો.

‘સમર ! તપાસ કર. ત્રિભુવનપાળ ક્યાં છે ? મુંજાલ મહેતો ક્યાં છે ? પ્રસન્ન ક્યાં છે ? કેમ કોઈ દેખાતું નથી.'

'તપાસ કરીને કહું.' કહી સમર ગયો.

એટલામાં જયદેવકુમાર થાકીને આવ્યો હતો, તેને સૂવાની વગ કરી આપી. નોકરો, દાસીઓ મૂંગાં મૂર્ગા ફરતાં, કામ કરતાં; તેમનાં મૌનથી જાણે રાણીને ડામતાં. ધીમે ધીમે રાણીનો કચવાટ, ગૂંગળાટ વધતાં ગયાં. આમ ને આમ એક ઘડી ગઈ

પણ સમર પાછો આવ્યો નહિ. રાણીએ થોડુંઘણું ખાધું અને થાક્યાહાર્યાં સૂવાનો વિચાર કર્યો. વખત ઘણો થવા આવ્યો હતો : ‘હજુ સમર કેમ નહિ આવ્યો ? તે પણ બેવફા થયો ?'

'બા !' એટલામાં સમરનો અવાજ આવ્યો; ક્ષમા કરજો. હું મુંજાલ મહેતાને ત્યાં ગયો હતો. મુંજાલ મહેતો આવવાની ના પાડે છે. તેણે મને આપને કહેવાનું કહ્યું છે.’

'શું?’

'– કે જાલે છેલ્લો પરમાર્થ સાધ્યો, અને કાલે સવારે તે સ્વાર્થ સાધવા જશે.'

'ક્યાં ?' ગભરાઈ જઈ રાણીએ પૂછ્યું. ‘આબુજી જવાની તૈયારી કરે છે.'

'પણ છે ક્યાં ?'

'અહીંયાં નથી. એ તો નગરરોઠની પોળમાં છે.’

'ખરેખર ?' રાણીને ધ્રુસકું આવ્યું;

‘કેટલે વર્ષે મુંજાલ રાજગઢમાં રહેવાનું છોડી પોતાને ઘેર ગયો !"

'કેમ જાણ્યું આબુજી જાય છે ?"

'મેં એમનાં માણસોને પૂછ્યું. હવે મુંજાલ મહેતો નહિ માને.' ડોસાએ ડોકું ધુણાવી કહ્યું.

‘નહિ માને ? મુંજાલ વગર હું શું કરીશ ?' ઊછળતા હ્રદયની ઊર્મિ બહાર કહાડતી રાણી મોટેથી બોલી. તે ભૂલી ગઈ કે સામે નોકર ઊભો છે. સમર આ ઉદ્ગાર સાંભળી ચિકત થયો. સમર ! તું વફાદાર છે; મારી સાથે આવશે ?' એકદમ નિશ્ચય પર આવતાં રાણીએ કહ્યું.

'ક્યાં ?'

‘જ્યાં હું લઈ જાઉં ત્યાં !' ભ્રૂકુટિ ચઢાવી રાણીએ કહ્યું.

'હા. સેવક તૈયાર છે.’

રાણી તરત અંદર ગઈ. સાડી બદલી, આખી શાલ ઓઢી અને તે બાર આવી. 'ચાલ મારી સાથે.'

નિમકહલાલ નોકર મૂંગે મોઢે પાછળ પાછળ ચાલ્યો. રાણી પાછલી બારીએ થઈ છાનીમાની રાજગઢ છોડી ચાલી.

--------------