૩૭. જૂની આંખે નવો તમાશો
બીજે દિવસે સવારે પાટણ અને વિખરાટ વચ્ચે આવેલી ક્ષેમરાજદેવની વાવની પાસે એક દહેરામાં પાટણની પદભ્રષ્ટ બનેલી રાણી બેઠી હતી. તેના બુદ્ધિદર્શક કપાળ પર ચિંતાની ઝીણી રેખાઓ પડી રહી હતી. તેની ઝીણી આંખો, હતી તે કરતાં પણ ઊંડી ગઈ હતી. ચોમેરથી તરાપ મારી રહેલી મુશ્કેલીઓ છતાં તેની ગરદન અભિમાનમાં અક્કડ હતી. તેના હોઠ સખ્તાઈમાં બીડેલા હતા. કર્ણદેવ મરણ પામ્યા, તે પળથી તેણે પોતાના સંકલ્પોને દૃઢ કર્યા હતા; છતાં આજે તે બદલાઈ ન જાય, માટે તેને વધારે નિશ્ચળતા ધારણ કરવી પડી હતી. ધીમે ધીમે તેનું માનખંડન થતું ચાલ્યું આવતું હતું; અને અત્યારે તેને મન તુચ્છ ગણેલી ભત્રીજી માટે આમ વાટ જોવી પડે, તે તેને ઘણું સાલતું; પણ ગમે તે રીતે તેને જીતવું હતું.
‘મીનળબા નહિ કે પાટણ નહિ.' મોરારપાળના આ શબ્દો તેના કાનમાં ભયંકર નાદ કરી રહ્યા હતા. આટલે વર્ષે પાટણથી મીનળદેવી પાછી જાય ?
એટલામાં સમર ચોપદાર રાણીના વિચારો વચ્ચે આવ્યો. ગમે તેવા પ્રસંગોમાં, ગમે તેવે સ્થળે, રાજભક્ત સમર રાજગઢમાં અપાતું માન જ રાણીને આપતો. ‘બા ! સામેથી માણસો આવી લાગ્યાં હોય તેમ દેખાય છે.'
'વારુ ! પ્રસન્ન આવે કે અંદર મોકલજે' 'જી !' કહી સમર ગયો.
જરા વાર પછી આવતા ઘોડેસવારોનો અવાજ સંભળાયો; તેમને અટકતા સાંભળ્યા. ઝાંઝરનો ઝણકાર આવ્યો; અને સમર પ્રસન્નને લઈ અંદર આવ્યો. મીનળદેવીએ પ્રયત્ન કરી પોતાના મોઢા પરથી ચિંતાનાં ચિહ્નો દૂર કર્યા અને સત્તાદર્શક ગૌરવ ધારણ કર્યું. તે રુઆબમાં પ્રસન્ન તરફ ફરી અને જરા ઝંખવાણી પડી. તેણે પાંચ દહાડા પહેલાંની, તેના શબ્દોએ ધ્રૂજતી; તેની આંખને અણસારે કહ્યું માનતી નિર્દોષ બાળા આમ નજર આગળ આવશે એમ ધાર્યુ હતું; તેને બદલે પ્રસન્નની આંખમાં, તેના મોઢા પર, તેને ડગલે ડગલે ગર્વ અને સત્તા દેખાતાં હતાં. રાણીનું હ્રદય પહેલેથી જ હારી જવા માંડ્યું, પ્રસન્ન આવી અને પગે લાગી, 'કેમ ફોઈબા ! કેમ છો? તમારી તબિયત સારી નથી દેખાતી.'
'ના, મને જરા અથડામણનો થાક લાગ્યો છે.'
આવે અવાજે બોલનારને પહેલાં મીનળદેવી કેદ કરાવ્યા વિના નહિ રહેત આજે પોતે જ આમ બોલી તેને રીઝવવાના પ્રયત્નો કરવા પડ્યા, ‘તું કેમ છે ? બેસ.' રાણીએ સમર તરફ નજર કરી એટલે તે ત્યાંથી ચાલ્યો ગયો.
'મજાહમાં, કેમ, અત્યારે શા કામ માટે મને બોલાવી ?'
પ્રસન્ન બહારથી હિંમતવાળી દેખાતી હતી, છતાં મીનળદેવી સાથે વાત કરતાં અંદરથી ગભરાતી. કઈ વખતે તેની ફોઈ તેને દબાવે, તેનો તેને ભરોસો ન હતો. માટે જ તેણે એકદમ જરૂરની વાત કરવા માંડી.
'દીકરી ! અત્યારે મારી જાણીને મેં તને અહીંયાં બોલાવી છે. પાટણે આ નવું તૂત શું ઊભું કર્યું છે ? પટ્ટણીઓ મારે મન તો મારા છોકરા જેવા છે. શા માટે તેઓ આમ કછોરું થવા માંગે છે ? મને ખીજવીને કાંઈ માલ કહાડવાના હતા ?' ઘણી જ લાગણી દેખાડી મીનળદેવીએ કહ્યું.
પ્રસન્ને રાણીનું ચાતુર્ય વખાણ્યું. 'બા! તેમાં મને શું કહો છો ? મને કહ્યુ શું વળવાનું છે ?'
'પ્રસન્ન ! મારે જાણવું છે કે ત્યાં શું થાય છે ? મને કહે કે શા માટે આ લોકો આમ નકામા ઊકળી ઊઠ્યા છે ? મારા પટ્ટણીઓનું જરા પણ લોહી રેડાય, તે પહેલાં હું જાણું તો ખરી કે, તેઓ શું માગે છે ?' ધીમે ધીમે, એક એક શબ્દ છૂટો પાડી બોલતાં મીનળે કહ્યું
પ્રસન્ને કાંઈ જવાબ નહિ આપ્યો; અને રાણીએ નીચા વળી પાછું બોલવું શરૂ કર્યું : 'કોઈ કહેતું નથી, કહાવતું નથી અને આવાં આવાં ગાંડાં પગલાં ભર્યાં કરો છો. એ તો ઠીક છે કે હજુ કોઈ જાણતું નથી; નહિ તો પાટણની કેટલી હાંસી થાય?'
પ્રસન્ને યત્ન કરી ધીમેથી મીનળબાના શબ્દોનો જાદુ દૂર કરવા માંડ્યો; પણ તેની ભયંકર તીક્ષ્ણ આંખો, તેના મીઠા ગૌરવશીલ શબ્દો પ્રસન્નની બુદ્ધિની આસપાસ વીંટાવા માંડ્યા. મીનળદેવીની સત્તા ક્યાં અપ્રતિમ હતી તે તેણે જોયું, અને આ સત્તા તેના પર ન બેસે, માટે તેણે જરા તોછડાઈથી જવાબ આપવો શરૂ કર્યો : ‘ફોઈબા ! મને શું બધું કહો છો ? બધું તોફાન તો તમે ઊભું કર્યું.'
'શું ? તે કોઈ કહેશો ? તમારા રાજની ખાતર, તમારા દેશની શાંતિની ખાતર મારો શોક મૂક્યો, ને હું બહાર ગઈ. આજે હું નહિ ગઈ હોત, તો મુંજાલ અને મંડલેશ્વર લડી મરત, તે કોઈને ખબર છે ? હું નહિ ગઈ હોત તો મંડલેશ્વરનું લશ્કર અત્યારે અહીંયાં પડ્યું હોત, તેનો કોઈ વિચાર કરે છે?'
'ફોઈબા ! એ કોઈ માનતું નથી. બધા કહે છે કે પરદેશીઓને તમે બોલાવ્યા અને મંડલેશ્વર મહારાજને તમે મારી નંખાવ્યા.'
રાણીએ મહારાજ શબ્દોનો નવો ઉપયોગ જોયો, અને જરા કચવાઈને બોલી : ‘ચંદ્રાવતી તે તમારે મન પારકું, કેમ ? અને દેવપ્રસાદને હું શું કામ મારી નંખાવું ? મેં તો સાંભળ્યું છે કે રુદ્રમહાલય ચેતી ઊઠ્યો તેમાં તે બળી મૂઓ.'
‘ફોઈબા ! તમારી જોડે વાતમાં મારાથી પૂરાં પડાવાનું નથી. તમે મને શું કામ બોલાવી, તે કહોની ?' પ્રસન્ન જોયું કે આમ સાંભળતાં વાત પૂરી થવાની નથી.
'દીકરી ! મેં તો તને આટલા જ માટે બોલાવી, કે મારાથી દેશમાં આ વિરોધ દેખી ખમાતો નથી. હું અને મારા પટ્ટણીઓ વચ્ચે, કોણ જાણે શા કારણથી અભાવ થયો છે ? તું વચ્ચે પડી, એ વિરોધ મટાડ,'
'હું કેવી રીતે મટાડું ? એ કાંઈ મારા હાથની વાત છે ? હા; પાટણમાં મારા સાંભળ્યા પ્રમાણે ત્રિભુવનપાળ બધી સત્તા હાથ કરી બેઠો છે.
'આખા પાટણે સોંપી છે, પ્રસન્ને સુંધાર્યું.
'ઠીક એને.' હોઠ કરી મીનળે કહ્યું, અને ત્રિભુવનને વશ કરો તારા હાથમાં છે.'
પ્રસન્ન હસી; હવે તેને જવાબ દેવો સૂઝ્યો : 'કેમ જાણ્યું કે તે મારું માનશે? તેની માને તમે જિંદગીભર પૂરી રાખી, તેની માને ઘણીથી છૂટી પાડી : તેને માનું સુખ ભોગવવા દીધું નિહ અને તેના બાપ અને માને આખરે તમે બાળી મુકાવ્યાં. હવે તે કેમ માનશે ?'
'છોકરી એક વસ્તુ આખી દુનિયા માને.
'શી ?' પ્રસન્ને પૂછ્યું.
'પોતાની પ્રિયતમા યાચે તે.' રાણીએ ધીમે રહીને કહ્યું.
પ્રસન્ન ચમકી. તે હવે બધું સમજી : 'ફોઈબા " ખરી પ્રિયતમા પતિની પ્રતિજ્ઞા સામે પડે નહિ.'
'પ્રતિજ્ઞા સામે ક્યાં પડવાનું છે? ત્રિભુવનને શું જોઈએ છે? જો, મારી રાજીખુશીથી તને તેની જોડે પરણાવીશ, પછી કાંઈ છે ?'
પ્રસન્ન ખડખડ હસી પડી: 'ફોઈબા ફોઈબા ! ત્રણ દિવસમાં ત્રણ ભવ બદલાઈ ગયા. તેનો વિચાર કરો છો?'
'શો?'
હવે પહેલાંની પ્રસન્ન નથી. જ્યારથી તમે મને અજાણતાં કેફ આપી તમારી સાથે લઈ ગયાં, ત્યારથી હું બદલાઈ ગઈ, સમજ્યાં ? તમે રાજી હો કે નહિ, હું ત્રિભુવનને પરણવાની - કહોની કે પરણી ચૂકી છું, કહી ફરીથી પ્રસન્ન હસી; છેલ્લા શબ્દો બોલતાં તેના ગાલ પર રતાશ આવી.
મીનળદેવીની ભ્રૂકુટિ ચડી, બીજી પળે તે પણ બનાવટી હસવું હસી : 'પ્રસન્ન ! ત્યારે તો મારું કામ પહેલાં કરવું જોઈએ. તું કહે તે ત્રિભુવનને આપું, પછી કાંઈ છે?'
'ફોઈબા ! અત્યારે આવી અવસ્થામાં મારે કાંઈ બોલવું ન જોઈએ; છતાં તમે મને ચગાવો છો તો બોલું છું, અત્યારે તમારી પાસે ત્રિભુવનને આપવાનું કાંઈ નથી રહ્યું. ત્રિભુવન તમને આપે એમ છે.'
રાણીએ ઘણી મહેનતે ગુસ્સો બહાર નીકળતાં અટકાવ્યો : 'એમ ? પછી કાંઈ છે ? પણ તું કાંઈ કરની. જો, આખા ભરતખંડમાં નામના મેળવશે.
'મારે નામના નથી જોઈતી, પણ તમારું ધાર્યું બને એમ છે નહિ, ડોકી ધુણાવી પ્રસન્ને કહ્યું.
'કેમ ?' મનની નિરાશા છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી તેણે કહ્યું. ‘ત્રિભુવને પ્રતિજ્ઞા લીધી છે.'
'તે શી છે ?'
'પાટણમાં ક્યાં તો તમે નહિ કે તે નહિ'
રાણીને કંપારી આવી, અને તેં – જ્યાં મારો સ્વામી ત્યાં હું' પ્રસન્ને કહ્યું.
મીનળદેવીએ હોઠ દાબી સ્વાસ્થ્ય મેળવ્યું અને પોતાનો સત્તાદર્શક સીનો પાછો ધારણ કર્યો : છોકરી ! એ પ્રતિજ્ઞાનો અર્થ ખબર છે ?” ગુસ્સામાં રાણીએ પૂછ્યું.
'હા, પ્રતિજ્ઞાના લેનારે જ મને સમજાવ્યો છે.'
મોટા મંડલેશ્વરનો પત્તો નહિ લાગ્યો, ત્યાં તું ધારે છે કે તારા ત્રિભુવનનો લાગશે ?'
'બાપ કરતાં બેટો સવાયો નીકળ્યો ક્યાં નથી સાંભળ્યો ?'
‘છોકરી ! છોકરી ! તું પણ પસ્તાશે. તું જાણતી હશે, કે મીનળદેવીના હાથ હેઠા પડ્યા છે; પણ તું ભૂલે છે. આ વિખરાટમાં પડેલું સૈન્ય જોયું ? લાટથી થોડા દિવસમાં લશ્કર આવશે. પંદર દિવસમાં પાટણના કોટની એક કચ્ચર હાથ નથી લાગવાની.’
પ્રસન્ન ભયથી ધ્રૂજી; તે છતાં બહારથી હિંમત દેખાડી તે બોલી : ‘બા ! યવનોનાં દળ તો આકાશના તારા જેટલાં હતાં છતાં પાટણના કોટ ઊભા છે.'
'ઠીક છે. જો, જો, હજુ વિચાર કરવાનો વખત છે. કાલ સવાર સુધી વિચાર થાય તો કહાવજો.'
'ફોઈબા ! જવાબ તો જરૂર મેં આપ્યો તે જ આવશે.’
'ત્યારે તમારાં કર્યાં તમે ભોગવો,' મીનળે ગુસ્સામાં જવાબ આપ્યો.
'ઠીક, ત્યારે હું જાઉં છું. જયદેવકુમારને બોલાવજો.
'જયદેવકુમાર તો તને ક્યારનોય સંભારે છે.'
“બા !' એક વિચાર આવવાથી પ્રસન્ન ફરી અને વિનંતી કરી કહેવા લાગી; મારી એક વાત માનશો ?'
'શું કહે છે ?' જયદેવકુમારને મારી સાથે મોકલો અને તમે રેવાતટે જઈને રહો. કાલે સવારે જયદેવને પટ્ટાભિષેક કરાવું.
'છોકરી ! વિચારીને બોલતાં શીખ,' મગરૂરીથી મીનળે જ્વાબ વાળ્યો;
મીનળદેવી રહેશે તો પાટણની રાજ્યમાતા, નહિ તો ભલે હું પડું કે પાટણ પડે, તેની મને પરવા નથી.'
‘ઠીક, જેવી મરજી,' કહી પ્રસન્ન ત્યાંથી ગૌરવભેર ચાલી ગઈ.
ક્યાંય સુધી રાણી તે ગઈ તે બારણાં તરફ જોઈ રહી અને બબડી : 'ભગવાન ! આ શું થવા બેઠું છે ? ચાર ચાર આંગળનાં છોકરાંઓ ક્યાંથી આવાં થઈ ગયાં ? આજે મારી સામે કોઈ જોતુંયે નથી !' તેની આંખે અંધારા આવવા માંડ્યાં હતાં. તેણે આંખે હાથ દીધા. ભવિષ્યમાં શું થશે, તે વિચારવાની તેની હિંમત ન હતી. કોને કહેવું ? કોની સલાહ લેવી ? શું કરવું ? શું મોઢું લઈ પાછા વિખરાટ જવું ?
મહામુશ્કેલીએ હિંમત આણી તે ઊઠી. પછી સમરને બોલાવ્યો અને પાછા જવાનો હુકમ આપ્યો.