પાટણની પ્રભુતા - ભાગ 21 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 21

૨૧. ઉદો મારવાડી

પાટણમાં ઉંદો મારવાડી આખી રાત પોતાના ઘરની બારીએ બેસી રહ્યો. તે ઊંડો વિચાર કરતો હતો : ‘ગઈ કાલે મોડી રાત્રે તેના ઘરની સામે આવેલા ચાંપાનેરી દરવાજામાંથી એક-બે પાલખીઓ ગઈ. આવા ભયંકર વખતમાં જ્યારે પાટણના દરવાજામાંથી ચલિયું પણ જઈ શકતું નહિ, ત્યારે ત્યાંથી આ કોણ ગયું ?' તેને લાગ્યું કે પાટણના ઇતિહાસમાં એક સોનેરી પળ આવી છે; અને તેનો જો લાભ લેવાય તો પોતાનું ભાગ્ય ઊઘડી જાય. કેટલાંક વર્ષો થયાં તે પોતાનું ભાગ્ય ઊઘડવાની રાહ જોયા કરતો હતો; અને રખેને તે પળ બેદરકારીમાં ચાલી જાય, તેની એને ઘણી ચિંતા હતી.

તેને પોતાનામાં અડગ શ્રદ્ધા હતી. સત્તર વર્ષની ઉંમરમાં વખાનો માર્યો માબાપ વિનાનો ઉદો મારવાડના એક ઉજ્જડ ગામમાંથી ખભે ઝોળી ભેરવી બહાર પડ્યો હતો. તેની પાસે પહેરેલાં વસ્ત્ર ઉપરાંત માત્ર એક ધોતિયું અને દોરીલોટો હતો; છતાં છોકરાની હિંમત ભારે હતી. તેના મગજમાં અનેક વિચારો આવતા. તે વિચારતો કે ‘આખી દુનિયામાં અક્કલ નથી; કોઈક ૫રમાર્થમાં, કોઈ અભિમાનમાં તો કોઈ ઉદારતામાં પોતાની જિંદગીને બરબાદ કરતા હતા. શા માટે કીમતી જીવન બરબાદ કરવું ? તેના કરતાં શુદ્ધ વૈરાગ્યથી જ સ્વાર્થ સેવાય તો જરૂ૨ માણસ દુનિયાની ટોચ પર પહોંચ્યા વિના રહે નહિ.' પણ આ તત્ત્વજ્ઞાનનો અખતરો કરવાની ઘણી તક ભૂખ્યા અને તરસ્યા ઉદાને મળી નહિ,

રખડતાંરઝળતાં નવી બંધાઈ રહેલી કર્ણાવતીને પાદરે ઉદો આવી પહોંચ્યો. તેણે ત્રણ દિવસ થયાં અન્ન દાંતે અડકાડ્યું નહોતું; તેને આંખે તમ્મર આવ્યાં અને તે બેભાન થઈ ગયો. તેને ભાન આવ્યું ત્યારે તે એક સારા ઘરમાં સૂતો હતો. એક ઉદાર, ધર્મપ્રેમી શ્રાવક વિધવા લાખીએ તેને પોતાના ઘરમાં આણ્યો હતો. પાસે

એક પતિ તેની નાડ જોતો હતો. ઉંદાનું ભાગ્ય કર્યું હતું. લાખીએ તેને દીકરો કરીને સ્થાપ્યો. તેણે જોયું કે હવે કેટલાં વર્ષો થયાં કરેલા વિચારોને અનુભવસિદ્ધ કરવાનો વખત આવ્યો છે. તે નમ્રતાની મૂર્તિ હતો. સ્વભાવનો સાદો અને નિઃસ્વાર્થી લાગતો હતો, પણ અક્કલમાં ચંચળ હતો. એટલે તેણે પોતાની સ્થિતિનો બનતો લાભ લેવા માંડ્યો, તેને માટે ભવિષ્યવેત્તાઓનો અભિપ્રાય ઊંચો હતો; અને લાખીની દોલત એના હાથમાં હતી. એટલે કોઈ એને નાખુશ કરવાની હિંમત કરતું નહિ.

લાખી મરી ગઈ એટલે ઉદાએ કર્ણાવતીમાં રહેવાનું ઠીક ધાર્યું નહિ, નવા શહેરમાં મદનપાળ જેવાની સત્તા નીચે, નસીબના પાસા સીધા પડે, એ તેને કાંઈ દેખાયું નહિ. તેણે કર્ણાવતીનાં ઘરો વેચી નાંખ્યાં અને પાટણમાં એક નાનકડું ઘર લઈ ધંધો શરૂ કર્યો. ઉદો પૈસાનો ઘણો લોભી નહોતો; તેને સત્તા જોઈતી હતી, અને ઘણી વખત મુંજાલ, નગરશેઠ કે શાંતિચંદ્રના જેવા આબરૂદાર, પૈસાદાર અને સત્તાવાન શ્રાવકો જોઈ તેનો જીવ બળીને ખાખ થઈ જતો. પાટણમાં તેને આત્મજ્ઞાન થયું; પોતાની બુદ્ધિનો નિર્મળ સ્વાર્થ પણ તેને બહુ કામ લાગે એમ નહોતો. પાટણના જનસમાજની પ્રણાલિકાઓ, અને રાજ્યકારભાર એવાં સ્થિર હતાં, કે પૈસાવાળા થોડા ઊછરતા અને આશ્રય વિનાના માણસને એકદમ લાભ મળે એમ નહોતું. આમ ચિંતામાં અને ચિંતામાં ઉંદો દિવસ અને રાત ગાળવા માંડ્યો.

મોટાં કુટુંબોમાં પગપેસારો કરવો ઘણો કઠણ લાગ્યો. એટલે તેણે આસ્તેથી કામ લેવું શરૂ કર્યું. તે ધીરજવાન પુરુષ હતો. તેણે જોયું કે પાટણમાં ચાલતે દિવસે તોફાન તો થવાનું જ, અને ત્યારે નવા માણસોને લાભ જરૂર મળવાનો. તે પ્રસંગને માટે ઉદાએ તૈયારી કરવા માંડી. ગરીબ પણ કામ લાગે એવા રાજપૂતોને અને રાજસેવીને ધીરધાર કરવા માંડી; દરેક મોટા માણસનો અથથી ઇતિ સુધીનો ઇતિહાસ પૂછીગાછી તૈયાર રાખ્યો; અને બને તેટલા મહાપુરુષોને ખુશ કરવાને નાનામોટા પ્રયત્નો આદર્યાં. રાજગઢમાં એના મિત્રો હતા, શહેરમાં એના મિત્રો હતા, જાતિઓના એના પર ચાર હાય હતા, બ્રાહ્મણો પણ મીઠાબોલા શ્રાવકો પર રિઝાયેલા રહેતા, રાજપૂતો તેની ખુશામતથી ખુશ રહેતા. શાંતિચંદ્ર, મુંજાલ, મીનળદેવી, કર્ણદેવ સુધ્ધાં ધીમે ધીમે એ સારો અને વિશ્વાસપાત્ર ગરીબ વેપારી છે, એમ માનવા લાગ્યાં; પણ કોઈ જાણતું નહોતું. કે એના મગજમાં શા શા વિચારો ચાલે છે.

કર્ણદેવ મરી ગયા, એટલે ઉદાએ કાન ફફડાવ્યા; ઘરમાં પડેલું સોનુરૂપું ભોંયમાં દાટવું અને બુદ્ધિ તીવ્ર કરી તૈયાર થઈ બેઠો. મુંજાલ મધુપુર ગયો અને દેવપ્રસાદ કોટ કુદાવી નાઠો એટલે તેને ખાતરી થઈ, કે હવે તેનો વખત આવ્યો. રાત્રે તેણે બે પાલખીઓ જતી જોઈ, એટલે વિચાર કરવા લાગ્યો; એ કોણ ગયું?'

એ વિચારમાં તેની આખી રાત વહી ગઈ. સવાર પડવાની તૈયારી હતી. એટલામાં ચાંપાનેર દરવાજાની બારી ખૂલી. બહારથી કોઈએ વાત કરી, અને બે જણ અંદર પેઠાં – એક મરદ અને એક છોકરી. અસ્ત પામતા ચંદ્રના તેજમાં તે બરાબર ઓળખી શક્યો નહિ, કે આ કોણ આવ્યું ? તેણે કાનટોપી પહેરી, બંડીના કસ બાંધ્યા, અને હેઠળ આવ્યો; બારણે તાળું માર્યું અને પાછળ ચાલવા માંડ્યું.

‘તમે અમારે ત્યાં ચાલશો ?" તેણે મરદને પૂછતાં સાંભળ્યો. 'ના,' શાંતિથી મીઠું હસતાં છોકરી બોલી.

છોકરીનો અવાજ ઉદાને પરિચિત લાગ્યો; તે ક્યાં સાંભળ્યો હતો ? ‘ત્યારે અત્યારે એકલાં ક્યાં જશો ?" દબાયેલી ઊર્મિઓથી ધ્રૂજતે સ્વરે પુરુષ બોલ્યો.

'પાટણ તો મારું ઘર છે. અહીંયાં એકલું કેવું ? આપ રાજગઢ સુધી આવો, પછી હું મારે જઈશ.' છોકરીએ જવાબ દીધો.

'પછી ક્યાં જશો ?'

'તે નહિ કહેવાય. આટલો વિશ્વાસ રાખ્યો તો જરા વધારે નથી રખાતો ?' કહી છોકરી હસી.

ઉંદો ચમક્યો. સ્વર કાંઈક ઓળખ્યો, મીનળદેવીની ભત્રીજી અત્યારે અહીંયાં ?' તેણે વધારે ધ્યાનથી કાન દીધો.

'તમે તો વિશ્વાસ નથી કરતાં અને વિશ્વાસ રખાવો છો ! વારુ, પણ એક વચન આપશો ?'

‘ઓહો ! એટલું જ? કબૂલ. પછી કાંઈ છે ?' છોકરીએ કહ્યું.

'પછી છે તો બહુ લાંબી વાત, પણ કોઈ દિવસ કહીશું,' રાજપૂતે જવાબ દીધો.

પ્રસન્ન હસી. ક્યાં સુધી તેઓ મૂંગે મોઢે ચાલ્યાં. પાછળ પાછળ શું કરવું તેનો ઘાટ ઘડતો ઉદ્યો ચાલ્યો. અંતે રાજગઢનો ચોક આવ્યો.

'મોરારપાળ ! હવે સિધાવો.'

'પણ ગઢ બંધ હશે તો ?'

'ભલે. વચન પાળો વચન. બહુ લોભાઈએ નહિ,' કહી પ્રસન્ન રાજગઢની પાછલી બાજુ તરફ એકલી ચાલી. મોરારપાળે ક્યાં સુધી તેની પાછળ જોયા કર્યું; અને અજવાળું થવાની તૈયારી હતી એટલે નિરાસો નાંખી ઘર તરફ વળ્યો.

ઉદો ક્યાં સુધી પ્રસન્ન પાછળ ચાલ્યો. ‘આ ભેદ શો ? આ છોકરી અહીંયાં ક્યાંથી ?' તેના મગજમાં કાંઈક અજવાળું પડ્યું; મીનળદેવી તો રાતે પાલખીમાં પાટા છોડી નહિ ગઈ હોય? એમ થયું હોય તો જરૂર તોફાન થવાનું.

પ્રસન્ન પાછળ બારણે ગઈ, અને ઘણીય બારી ઠોકી, પણ કોઈએ જવાબ આપ્યો નહિ. અંદર શાંતિચંદ્ર શેઠના સખત હુકમને લીધે કોઈ બારી ખોલી શક્યું નહિ. પ્રસન્ન ગભરાઈ. 'હવે શું કરવું ?' બીજી તરફની બારીએ જવાને પગ ઉપાડવા, તેને ગભરાટ થયો. મોરારપાળ હતો ત્યાં સુધી તેની કિંમત હતી, પણ હવે કોઈ મોટાની મદદ અને સલાહ વગર તે મૂંઝાઈ.

'કેમ પ્રસન્ન બહેન ! ક્યાંથી ચાલ્યાં અત્યારે?'

'કોણ ઉદો ?’ પ્રસન્ન જરા હરખથી બોલી, ઉંદો, તું ક્યાં જાય છે ?'

'હું તો બા ! દર્શન કરવા જતો હતો, તમે ક્યાંથી અહીંયાં? કોઈ માણસ પણ નથી.'

'ઉદા ! તું વાત જવા દે. તારું ઘર ક્યાં છે ? મને ત્યાં લઈ જશે ? અત્યારે કોઈ મને જોશે તો ફજેતી થશે..

'જરૂર. મારી ધન્યભાગ્ય ક્યાંથી, કે તમે મારે ત્યાં ! ચાલો જરૂર.' ઉદાને એટલું જ જોઈતું હતું; મારું ઘર પાસે જ છે.' કહી તે પોતાના ઘર તરફ વળ્યો અને ઝપાટાબંધ ચાલવા માંડવું. પણ તમે અત્યારે ક્યાંથી ? કોઈ પીડામાં પડ્યાં હો તો મને કહેજો. તાબેદાર હંમેશાં હાજર છે, હો કે.'

'ઉદા !' પ્રસન્ન ઉદાને ઓળખતી હતી, અને તે ઘણો વિશ્વાસુ માણસ છે, એમ પણ જાણતી હતી; ‘હું અત્યારે મોટી પીડામાં છું. હું ફોઈબા પાસેથી નાસી આવી છું.' પણ તે તો પાટા બહાર ગયાં છે ને ?' વાત જાણવા ચતુરાઈથી મારવાડીએ કહ્યું.

'તેં ક્યાંથી જાણ્યું ?'

'હું કેમ નહિ જાણું ? હું ચાંપાનેરી દરવાજા સામે જ રહું છું એટલે રાત્રે જતાં જોયાં. પણ તમે કેમ નાસી આવ્યાં ?'

'ભાઈ રે ! મારું દુઃખ તું શું જાણે ?'

'બહેન ! નાસી આવ્યાં તો સારું થયું, નહિ તો પાટણનું નાક કપાઈ જાત, ધીમે રહીને ઉદાએ વાત સેરવી. કેમ નાક કપાત, તેની ચોક્કસ ખબર તેને નહોતી, પણ ખુશ કરી વાત કઢાવવામાં તે ઘણો હોશિયાર હતો.'

'હા, ફોઈબાને પણ આવું શું સૂઝે છે ? અવંતી કરતાં મારું પાટણ શું ખોટું છે?'

'બરોબર છે.' કાંઈક વાત સમજતાં તેણે કહ્યું; 'પાટણ તો પાટણ જ, ભરતખંડનું શિખર. મીનળબાને આ તે શું સૂઝ્યું?

'હા, આવી વખતે પાટલ છોડાય ? ઉદા ! ઉદા ! શું કહું ? અમારા સામળ બારોટ કહે છે કે, પાટણની પ્રભુતા તો પરવારી, ફોઈબા પાટણ છોડી મધુપુર તકે ગયાં. કેવું ખરાબ ? વિશ્વાસના ઉમળકામાં પ્રસન્ને કહેવા માંડ્યું.

ઉદાએ અણકહેલી વાત સમજવા માંડી. તેને રાજ્યખટપટના સમાચાર ઘણાખરા ખબર હતા, એટલે એક શબ્દ સાંભળતાં આખી વાત સમજતાં તેને વાર લાગી નહિ, 'હાસ્તો. પાટણનાં મહારાણી પાટણની સામે જાય ! શ્રાવક તો હું પણ છું, પણ તેથી કાંઈ આપણું પાટણ ભુલાય ? પણ કરવું શું ! राजा कालस्य कारणम् ।'

'શું કપાળ, राजा कालस्य कारणम् ? તમારા પટ્ટણીઓ ચૂડી પહેરીને બેઠા છે. નહિ તો ચંદ્રાવતીનું ચાલે શું, અને આજે અહીંયાં શાંતિચંદ્ર પાટણનો દંડનાયક થાય શું ?'

'શું કરીએ બહેન ! લો આવી. આ મારું ઘર આવ્યું,' કહી ઉદાએ બારણું ઉઘાડી દીવો કર્યો અને બન્ને જણ ઉપર ગયાં; બહેન ! વખત ભૂંડો છે. કોઇ પાટણમાં એવું રહ્યું નથી, કે અત્યારે કાંઈ કરી શકે. મુંજાલ મહેતા જો જરા સીધા હોય તો પાટણનો ડંકો દુનિયામાં વાગે.'

મુંજાલને તો પહેલેથી કાઢ્યો. મંડલેશ્વરે - અરે હા ! વાત કરતાં મુખ્ય વાત તો ભૂલી ગઈ. ઉદા ! ત્રિભુવનપાળ ઘાયલ થઈ રાજગઢમાં પડ્યા છે. સવાર થતાં પહેલી તેની ખબર કાઢી આવ; પછી મને નિરાંત વળશે.'

ઉદો સમજ્યો. આ મંડલેશ્વરના છોકરા વિષે આટલી ચિંતા કેમ રાખે છે? 'બા ! જરૂર. આ દાતાપાણી લો. સૂરજ ઊગે ને હું જાઉં, પણ સવાર પડતાં લોકો તો જાણશે કે મીનળદેવી ચાલ્યાં ગયાં છે !”

'ના રે. શાંતિચંદ્ર રાજગઢમાં પહેરો રાખશે, એટલે કોણ જાણવાનું છે ? અને કાલે રાત સુધીમાં વખત છે ને પાછાં પણ આવે.’

'અરે, એ વાત તો વાયે જશે. ચાલો ત્યારે, હું મારી દુકાન ઉઘાડી આવું. અને દહેરે જતો આવું. સાથે સાથે ત્રિભુવનપાળની ખબર પણ લઈ આવું. કાંઈક કહેવું છે ?' જરાક ધીમેથી ઉદાએ પૂછ્યું. કોઈની ઇચ્છા પારખવાની તેની શક્તિ અજબ હતી.

'હા; લીલા વૈદને કહેજો કે હું અહીંયાં છું, અને ત્રિભુવનપાળ પૂછે તો વૈદને કહેજો કે કહે. મારું કામ હશે તો હું આવીશ; પણ જોજો, મેં વાત કહી તે કોઈને કહેતા નહિ,' પ્રસન્ને કહ્યું.

'ના રે ના. એ કાંઈ કહેવાય ? નિરાંતે રહો,' કહી ઉઢે નીચે ઊતર્યો.

ઉદાને ભવિષ્યવેત્તાઓનાં વચન યાદ આવ્યાં. જો આ પ્રસંગનો લાભ તે લે તો જરૂર નગરશેઠનો પણ શેઠ થાય. જેટલી વાર ચિંતાતુર, વિશ્વાસુ પ્રસન્ન વાત કરતી હતી, તેટલી વાર તેનું મગજ કામ કરતું હતું. જેમ જેમ વિચાર કર્યો તેમ તેને લાગ્યું, કે આવી તક સો વર્ષે એક વખત પણ નથી આવતી. આખા પાટણમાં એના સિવાય કોઈને ખબર નહોતી, કે મીનળદેવી પાટણ છોડી ચાલી ગઈ છે, એનો ઉપયોગ શો કરવો, જેથી ધાર્યું સરે ?