૧૮. મો૨૨પાળ
પ્રસન્નને આંખ ઉઘાડતાં ઘણી મુશ્કેલી નડી. તેના માથામાં કાંઈ વેદના થતી હોય તેમ લાગ્યું; તેમ જ તે ઝૂલતી પથારીમાં સૂતી હોય, તેવો ભારા થયો. તેણે આંખો ઉઘાડી, બધું અંધારું દેખાયું; ધીમે ધીમે તેને લાગ્યું કે એક બંધ પાલખીમાં તેને એકલી સુવાડવામાં આવી હતી. તે સમજી ગઈ; મીનળદેવીએ તેને કેફ આપી નિંદ્રાવશ બનાવી, કોઈ ઠેકાણે મોકલી હતી. ક્યાં ? માલવરાજને ત્યાં તો નહિ હોય ? કાન માંડીને સાંભળતાં તેને એમ પણ લાગ્યું કે આસપાસ થોડા ઘોડા ચાલતા હતા. તેણે આડા થઈ પાલખીના પડદા ઊંચકવા પ્રયત્ન કર્યો, પણ ઊંચકનારા જાણી જાય, તેના ડરથી પડી રહી.
એટલામાં બધા થોભ્યા; પ્રસન્નની પાલખી ભોંય પર મુકાઈ. હવે શું થશે, તેની વાટ જોતી તે પડી રહી. તેને લાગ્યું, કે એક મશાલ સાથે કોઈ તેના તરફ આવતું હતું. કોણ છે અને શું છે, તે જાણવા તે ઊંઘતી હોય તેમ પડી રહી, કોઈ આવ્યું. પડદો ઊંચક્યો, અને નીચા વળી તેણે પ્રસન્ન તરફ જોયું. અડધી આંખે પ્રસન્ને જોયું અને એકદમ આંખો ઉઘાડવા જતી, પણ અટકી. 'કોણ ? ફોઈબા ! અત્યારે આવી વખતે, શોક કે મર્યાદાના વિચાર વિના ગુજરાતની રાણી અહીંયાં ?' પ્રસન્ન જરા પણ હાલી નહિ. પડદો પાડી મીનળદેવી ચાલી ગઈ, અને બધું અંધારું થયું એટલે તેણે આંખો ઉઘાડી, અને વિચાર કરવા માંડ્યો, ‘પાટણની બહાર ક્યાંક નાસી જતાં હતાં : ક્યાં ?” તરત ત્રિભુવન યાદ આવ્યો : ત્રિભુવન ત્યાં જ પડ્યો હશે. ટળવળતો હશે. તેની ફોઈ તેને પોતાની સાથે લઈ જતી હતી; હવે શું કરવું ?' તેના મન આગળ એક જ વિચાર આવ્યો; પાછા પાટણ કેમ જવાય ?' હમણાં તે પાટણથી કેટલે દૂર પડી છે, તેનો પણ તેને ખ્યાલ નહોતો. હિંમત રાખી તે પડદા પાસે આવી અને તેને પણ જરા ખસેડી બહાર જોયું. થોડે દૂર પાલખીના ઊંચકનારા ભોઈઓ બેસી પાન ખાતા હતા અને વાતો કરતા હતા. શું થશે તેનો વિચાર કર્યા વિના તે ચાર પગે થઈ, છાનીમાની બહાર નીકળી, અને પાસે એક ઝાડની ઓથે ઊભી રહી.
એટલામાં દૂરથી તેણે મીનળદેવીને પાછી આવતી જોઈ; સાથે આનંદસૂરિ અને મોરારપાળ સામંત હતા. તેઓ સૈનિકો અને પાલખી ઊંચકનારાઓ પાસેથી પ્રસન્ન તરફ આવ્યા. તેને ધ્રાસકો પડચો; 'તે પકડાઈ જાય તો શું કરવું ?' પણ પેલાં ત્રણ જણ વધારે ગંભીર વાતમાં ગૂંથાયાં હતાં, એટલે કોઈએ આસપાસ જોયું નહિ.“પણ બા !' મોરારપાળ કહેતો હતોઃ 'પાટણમાં તોફાન થયા વિના રહેશે નહિ. તમે ગયા તે ખબર પડી, કે પટ્ટણીઓ કઈ પણ કરવાના જ.'
'લીલો કહેતો હતો, મુંજાલ કહેતો હતો, અને તું પણ એ જ કહે છે. ૫ણ મેં તો પંદર વર્ષ કાંઈ જોયું નહિ. શું રાણી જરા કોટ બહાર પણ જાય નહિ ?" મીનળદેવીએ ગુસ્સામાં કહ્યું.
'બા! વધારે બોલું તો ક્ષમા કરજો, પણ દેવના નામે આખું પાટણ કહો તે કરવા ખુશી હતું; આજે આપને નામેય તે કરવા ખુશી છે, પણ જ્યાં એમને લાગ્યું, કે તમે પાટાનું ગૌરવ જાય એવું કંઈ પણ પગલું લીધું –'
'તમને બધાને આમ બોલવાની ટેવ પડી છે,' સખ્તાઈથી રાણીએ કહ્યું.
'માફ કરો, હવે નહિ બોલું,' ખોટું લાગવાથી સામંત બોલ્યો.
'ના, ના, મોરાર ! એમ નહિ, મીનળદેવીએ જરા નમતાથી કહ્યું; પણ આપણે એવું કાંઈ નહિ કરીએ કે જેથી પાટણમાં કોઈ પીડા ઊભી થાય. અને મધુપુરનું લશ્કર હાથમાં લઈ હું પાછી આવીશ.'
'મોરારપાલજી !' જતિએ કહ્યું, તમે પાછો સંદેશો કહેવા તો પાટણ જવાના જ છો. ત્યારે પરમ દિવસ સુધી ત્યાં જ રહો, એટલે દેવી મુંજાલને વશ કરશે; અને ચંદ્રાવતીના લશ્કરને દેવપ્રસાદ સાથે મોકલી થોડાક માણસો સાથે પાટણ આવી પહોંચશે.'
'પણ હું ત્યાં શું કરું ?'
'શું કરું ? તમે આ ચાંપાનેરી દરવાજાની બારીની કૂંચી લઈ જાઓ. ન કરે નારાયણ ને જો કાંઈ તોફાન થાય તો આ કૂંચી કામ લાગશે, પણ પરમ દિવસે સાંજના અમારી વાટ જોજો,' રાણીએ કહ્યું; 'સાથે હું થોડા માણસો લાવીશ, કે કાંઈ વાંધો નહિ પડે.'
'જેવી બાની મરજી, શંભુ કરે ને બધું સમે સુતરે ઊતરે તો તો નિરાંત.'
'ઠીક; ત્યારે હવે અમે જઈએ છીએ,' મીનળે કહ્યું;‘અને બનશે તો મધુપુરની થોડી ફોજ પાટણ તરફ રવાના કરીશું કે કામ પડે ખપ લાગે. મધુપુર પડી રહેશે, તે શું કામ લાગવાની હતી ?" કહી રાણી ફરી અને બીજા બે જણા પાછળ પાછળ ચાલ્યા.
પ્રસન્નને હવે ફરી ધ્રાસ્કો પડ્યો. જો મીનળદેવી તેની પાલખી જોવા જાય, તો તે નાસી આવી છે તે જણાઈ જાય, અને વખત છે ને શોધવા માંડે તો પકડાઈ જાય : પણ તેના સારે નસીબે તેવું કાંઈ થયું નહિ. મીનળદેવી ઘણી વિચારગ્રસ્ત હતી, એટલે પ્રસન્ન વિષે વિચાર કરવાનો ખ્યાલ તેને આવ્યો નહિ. રાણી પોતાની પાલખીમાં બેઠી; ઊંચકનારાઓ ઊઠ્યા; ઘોડેસવારોએ ઘોડા પલાણ્યા; અને બધા ત્યાંથી ચાલ્યા ગયા. ધીમે ધીમે મશાલો અદશ્ય થઈ ગઈ.
ચંદ્રતેજમાં એકલો મોરારપાળ ઘોડા પર હાથ ઠેરવી ઊભો રહ્યો, તેને યુદ્ધનો ઘણો શોખ હતો. અત્યાર સુધી ધાંડના તોફાની પ્રદેશમાં સરદારી કરી પોતાની બાહોશી દેખાડી હતી, એટલે યુદ્ધનું સ્થાન છોડી પાટણ પાછા જવું તે તેને રુચ્ચું નહિ. ન છૂટકે તેણે મીનળદેવીનો હુકમ સ્વીકાર્યો હતો.
એકદમ તેની વિચારમાળા તૂટી. સામે દેવાંગના જેવી સુંદર બાળા આવીને ઊભી રહી. મોરારે આંખો ચોળી; શું સ્વપ્નું તો નહોતું ?'
'રાજપૂતરાજ ! આ વયે બહુ વિચાર નહિ કરીએ.'
મોરારે હાંફ્ળાંફાંફળા આમતેમ જોયું, કાંઈક ડાકણનો વહેમ પડ્યો. તેણે તરવાર પર પણ હાથ મૂક્યો. તે ધાંડથી નવો આવેલો હતો, એટલે રાણીની લાવણ્યવતી ભત્રીજીને ઓળખી શક્યો નહિ, 'કોણ છે ?'
'આટલી તોછડાઈથી તે પૂછીએ ? ધોંડના ભીલો વશ કરતાં ક્ષત્રિયપણું પણ ખોયું કે શું ?' કહી પ્રસન્ન ખડખડ હસી.
મોરારની બીક ગઈ, આશ્ચર્ય વધ્યું; 'કોણ છો, બહેન ? અત્યારે, અહીંયાં એકલાં ક્યાંથી ?'
'તમારી સાથે પાટણ આવવું છે તેમાં. ચાલો, હવે ઘોડાની તંગ ખેંચો : વાતમાં ને વાતમાં આખી રાત જશે,' જરા હસતાં પ્રસન્ને કહ્યું; 'તમારી જોડે વાતમાં વહાણું ક્યારે વાશે, તેની પણ ખબર નહિ પડે.'
'પણ તમે કોણ છો ?'
'એક નિરાધાર બાળા.'
'એ તો વગર કહે દેખાય છે.'
'ચાલો ત્યારે લઈ જાઓ.'
'જ્યાં સુધી મારા પર વિશ્વાસ રાખી બધું કહો નહિ, ત્યાં સુધી કાંઈ કરવાનો નથી. હમણાં ઘોડા પર બેસાડવા જાઉં અને અલોપ થઈ જાઓ તો વળી હું ક્યાં પીડા કરવા રહું ?' હસતો હસતો મોરારપાળ બોલ્યો. રૂપગર્વિતા બાળા જોઈ તેનું મન લોભાયું હતું. એકાંત સ્થળ, રમણીય જ્યોત્સ્નાનો આહ્લાદજનક કેફ, પ્રસન્નના તેજસ્વી મુખનું આકર્ષણ; મોરાર એ બધું ભૂલી જઈ, સાધુ થવા જેટલો વિરાગી નહોતો.
'રાજ ! એકલી અત્યારે આવવા ખુશી છું, એ વિશ્વાસ ઓછો છે ?'
'નહિ તો શું કરો ? મારી સાથે આવ્યા વિના છૂટકો જ નથી. એટલે એમ બોલો તે શા કામનું ' મોરારપાળે મશ્કરીમાં કહ્યું : ‘ઠીક, તમારે કહેવું ન હોય તો ભલે, તમારે ક્યાં પાટણ જવું છે ?'
‘માઠું મા લગાડશો, પણ વખત આવે બધું કહીશ. હમણાં તો પાટણ લઈ જાઓ, એટલે મહેરબાની.’
'ઠીક,' ઘોડાની તંગ ખેંચી રહી મોરારે કહ્યું; 'ત્યારે ચાલો, બેસાડી દઉં.' મોરારનું હ્રદય પ્રસન્નને ઊંચકવાનો પ્રસંગ આવતાં ધબકી ઊઠયું.
'જરૂર નથી. મને બેસતાં આવડે છે.' કહી પ્રસન્ન ઘોડા પર ચડી ગઈ. મોરાર ચડ્યો અને આગળ બેઠો, અને ઘોડાને પાટણને રસ્તે દોડાવ્યો.
'તમે ક્ષત્રિય છો ?' મોરારપાળે પૂછ્યું.
'હા, કેમ ?'
'પરણેલાં છો ?'
'ના,' કહી પ્રસન્ન ખડખડ હસી.
----------