૧૬. પ્રસન્નની પીડા
'હંસા !' મીનળદેવીએ કહ્યું : જો, આ આનંદસૂરિજી તારી સાથે અડધે રસ્તે આવશે; પણ તારું વચન પાળજે હોં. '
'રાણી ! હંસાને હજુ વચન તોડ્યું નથી; ગભરાશો નહિ મારા કુળનું મારે હાથે જ નિકંદન કરવા હું સરજાયેલી છું.' કહી હંસા આગળ ગઈ. પાછળ આનંદસૂરિ રહ્યો, તેણે સાધુનો વેશ તજી રાજપૂતનો વેશ પહેર્યો હતો.
'જુઓ, જતિજી ! સાંજ પડે પાછા ફરજો, અને ચાંપાનેરી દરવાજા બહાર ઊભા રહેશો તો ચાલશે. હું ત્યાં મળીશ.'
'બેફિકર રહો. હું હમણાં આવ્યો,' જતિએ જવાબ વાળ્યો, અને તે ત્યાંથી ચાલ્યો ગયો.
હાર્યો જુગારી બમણું રમે એવી સ્થિતિ રાણીની થઈ હતી. કોઈ પણ રીતે મુંજાલ અને મંડલેશ્વર ન મળે, એવો રસ્તો તે લેતી હતી. તે ઘડીભર બીજી બધી વસ્તુઓ વીસરી ગઈ; એટલામાં ત્રિભુવન સાંભર્યો. અને તે સૂતો હતો, તે ઓરડા તરફ ફરી. તે અંદર ગઈ, અને તેનો મિજાજ વધારે ગયો. ખાટલાની બાજુમાં ભોંય પર પ્રસન્ન બેઠી હતી. ઊંઘમાં પડેલા ત્રિભુવનનો એક હાથ તેના હાથમાં હતો. તેને તે અવારનવાર છાતી સરસી ચાંપતી.
પ્રસન્ને જોયું, શરમાઈ અને તરત ઊભી થઈ ગઈ. ‘કાંઈ નહિ.'
‘તું પણ હવે ફાટવા માંડી છે. ચાલ હવે તૈયાર થા. વખત છે ને આજે રાત્રે તારે પણ મુસાફરી કરવી પડે.'
'મારે ! હું ક્યાં જાઉં ? જરા ગભરાટથી પ્રસન્ને પૂછ્યું.
'તેની તારે શું પંચાત ? તારો ધર્મ મારું વચન પાળવાનો છે.'
'પણ ફોઈબા ! મારો ધર્મ આની પાસે રહેવાનો છે' ત્રિભુવન તરફ હાથ દેખાડતાં પ્રસન્ન બોલી. એની મા એને મને સોંપી ગઈ છે.'
'તે નહિ ચાલે. તારું તો હજુ ઘણું કામ છે. મેં તને થોડા દહાડા પર શી વાત કહી હતી ?"
તે વાત મારે નથી જોઈતી. અવંતી રહે ઊંચું,' જરા હિંમતથી માથું ઊંચકી પ્રસન્ને કહ્યું.
'કેમ, બહુ બોલવા માંડ્યું કે ?'
'ના. આ જ્યાં સુધી સારા નહિ થાય ત્યાં સુધી હું અહીંયાં રહેવાની.' પ્રસન્ને જોયું, કે હવે દૃઢતા દેખાડ્યા વિના છૂટકો નથી.
'પણ એની સાથે તારે શું ?' ખરી વાતનો કાંઈક વહેમ પડતાં મીનળે પૂછ્યું.
'એની સાથે બધું જ છે. એ તો મારા માથાનો મુકુટ છે,' હિંમતથી પ્રસન્ન બોલી.
‘એમ ?” ભયંકર રીતે રાણીએ કહ્યું. માળવા નહિ રુચ્યું કે આના પર મોહી પડી ?,
‘ફોઈબા ! ફોઈબા ! શું કામ વધારે બોલાવો છો ? મારે તમારું માળવા નથી જોઈતું.'
'એટલે મારી બધી યોજના પાણીમાં જાય, એમ ? છોકરી ! તારા જેવીને સીધી કરતાં મને જરાય વાર નહિ લાગે; સમજી ! સાંજ પહેલાં તૈયાર થા; નહિ થશે, તો જોરજુલમથી તારી સાથે કામ લઈશ. આ કાને સાંભળ કે પેલે કાને,' કહી ગુસ્સામાં મીનળ ત્યાંથી ચાલી ગઈ.
પ્રસન્નને મીનળદેવીનો ધાક ઘણો હતોઃ શું કરવું તે સૂઝયું નિહ. તેણે ત્રિભુવન સામે જોયું. એને આવી સ્થિતિમાં મૂકીને જવું એ કેમ બને ? પણ ફોઈબાએ ધાર્યું હોય તો જુલમથી પણ તેને મોકલી આપે, એમ તેને ખાતરી હતી. તે ઊઠી, અને ઉતાવળી ઉતાવળી ઉપર ગઈ અને સામળ બારોટને મળી. બારોટને તેણે બધી વાત કહી, અને હેઠળ આવી ત્રિભુવનની પાસે બેસવા કહ્યું. ડોસાએ તે સ્વીકાર્યું.
'પણ, બહેન ! આંખો વિના હું શું કરું ? કોઈને મારી સાથે રાખ.'
'કોને બોલાવું ? હા, માત્રાના વરને બોલાવું.'
'કોણ, વાચસ્પતિ ! એ છોકરો છે તો સારો. ચાલ ત્યારે મને દોરી જા, અને પંડિતજીને પણ કહી આવે.'
'બારોટ ! મને જે થાય તે, પણ ત્રિભુવનની સારવાર બરોબર કરજો છે,' જરા ધ્રૂજતે અવાજે પ્રસન્ને કહ્યું.
‘આમ ગભરાય છે શું ? કાલે સવારે ત્રિભુવન સારો થશે. હું પણ જરા વૈદ છું. ઘા પડ્યા હોય ત્યાં લીલો શું કરતો હતો ? જો પેલા ભંડારિયામાં ઉપર દાબડો છે ને, તે લાવ.'
પ્રસન્ને તે લાવી આપ્યો. તે હાથમાં લઈ સામળ બારોટ હેઠળ ઊતર્યાં, અને પ્રસન્ન વાચસ્પતિને તેડવા ગઈ.
વાચસ્પતિ નવરા બેઠા બેઠા કોઈક સંસ્કૃત પુસ્તકનો પાઠ કરતા હતા. ત્યાંથી પ્રસન્ને તેમને ઉઠાવ્યા, અને ત્રિભુવનની સોંપણી કરી. પંડિત દોડતા દોડતા ત્રિભુવન પાસે આવ્યા, અને બારોટના બતાવ્યા પ્રમાણે ઉપચાર કરવામાં રોકાયા.
સાંજ સુધી પ્રસન્નની કોઈએ ખબર પૂછી નહિ. સાંજના એક નોકર તેને જમવા તેડવા આવ્યો. મીનળદેવીના ઓરડામાં ત્રણને માટે વહેલી રસોઈ કરવામાં આવી હતી; જયદેવ એક ભાણા પર બેઠો હતો, અને જમણો હાથ ઘવાયો હોવાથી કટાણું મોઢું કરી, ડાબે હાથે ખાતો હતો. બીજે ભાણે રાણી બેસવાની તૈયારી કરતી હતી. ગુસ્સામાં મીનળે ત્રીજી થાળી પ્રસન્નને દેખાડી :'જમી લે.”
આવી નજીવી બાબતમાં કોઈને ન ચીડવવાના હેતુથી પ્રસન્ને કબૂલ કર્યું અને ખાધું. આટલું વહેલું વાળુ કેમ કરવા માંડ્યું હતું, તેની કાંઈ સમજ પડી નહિ. પ્રસન્ન થોડું ખાધું, પણ તે ઘણું ભારે લાગ્યું, તરસ પણ વધારે લાગી. તે સાથે ઊઠી અને પછી ત્રિભુવન પાસે જઈ આવી, પણ કાંઈક બેચેની લાગી. આંખમાં ઘેન આવવા માંડ્યું. ક્યાં સુધી તો થાકની ઊંઘ આવતી હશે, એમ તેણે ધાર્યું. હીંચકા પર તે બેઠી, સૂતી, અડધી ઊંઘમાં વિચાર આવ્યો, કે તેને કાંઈ નશો તો નહિ ચડ્યો હોય? પણ તે પ્રશ્નનું નિરાકરણ આવે તે પહેલાં તો તેની આંખો મીંચાઈ ગઈ પ્રેસને ઘસઘસાટ ઊંઘવા માંડ્યું.