૧૩. બાજી બદલાઈ
મીનળદેવીએ મુંજાલની શિખામણ દૂર કરી જતિએ દેખાડેલો રસ્તો લીધો, તેનાં ઘણાં કારણો હતાં. એક તો મીનળ વાટ જોઈ જોઈ થાકી ગઈ હતી. તેને ભાન ન હતું, કે રાજ્યસત્તા એકદમ બેસાડવી એ કેટલું મુશ્કેલ હતું. એ ઉપરાંત બીજો હેતુ પણ હતો, કે જે એ પોતાની જાતને પણ સ્પષ્ટ શબ્દોમાં કહેતાં શરમાત. નાનપણથી મુંજાલ માટે તેની ઘણી પ્રીતિ અને માન હતું; છતાં તેની બુદ્ધિ, તેનું મુત્સદ્દીપણું, તેની લોકપ્રિયતા તેને સાલતી. રાજ્યમાં અત્યાર સુધી મીનળ મુંજાલને લીધે હતી; આ પરતંત્રતામાંથી છૂટા થઈ, પોતાની બાહોશી વડે મુંજાલે ન કર્યું, તે થોડા દિવસમાં કરી બતાવી, મુંજાલ પર પોતાની મહત્તા સિદ્ધ કરવી એ પણ એક કારણ હતું; અને જતિની શિખામણ, તેનો ધાર્મિક જુસ્સો તેને એટલાં સારાં લાગ્યાં, કે તેની મદદથી પોતાનો હેતુ પાર પાડવા, તેણે આવાં પગલાં લેવા માંડ્યાં.
મુંજાલને આમ મધુપુર મોકલવાથી તે ખીજવાશે, સામો થશે, પછી પોતે તેને રીઝવશે, એવી કાંઈક આશાઓ તેના મનમાં હતી. પણ જે ગૌરવનો પટ બે વચ્ચે મુંજાલે નાંખ્યો, તેથી તે ગભરાઈ. તેર વર્ષે બાજુમાંથી મુંજાલ ખસી જાય, એ નવો પ્રસંગ હતો. તેના મન આગળ, મુંજાલ કેમ પાટણ છોડી ગયો હશે,' એના વિચાર આવ્યા કરતા; પણ મુશ્કેલીમાં ઘેરાવાથી બહાદુર યોદ્દો વધારે શૌર્ય દાખવે, તેમ મીનળે પોતાની સ્થિતિનો વધારે ઊંડો વિચાર કરવા માંડ્યો. સ્થિતિ હમણાં તો ઘણી સારી લાગી : દેવપ્રસાદ પાટણમાં કેદ થશે અને તેનું લશ્કર મેરળમાં પડ્યું રહેશે; એટલે તેના તરફથી નિરાંત હતી. મુંજાલ મધુપુર જઈ કાંઈ કરશે નહિ, છતાં મેરળનું લશ્કર ધાકમાં રહેશે. થોડો વખત આમ રાખી, મુંજાલને બન્ને લશ્કર લઈ માલવરાજની સામે મોકલવો, અને પાટણમાં પડેલા મંડલેશ્વરને પોતાની કળાથી વશ કરવો. ચંદ્રાવતીથી થોડું બીજું લશ્કર પણ મંગાવ્યું હતું, તે દેહસ્થલી જઈને પડશે. એટલે દેવપ્રસાદ પણ ઠેકાણે આવશે. નહિ તો તેને પાટણમાં પૂરી રાખતાં કોઈ વાર લાગે એમ નહોતું. રાણીને આ યુક્તિ એટલી સહેલી લાગી અને સત્તાનો સ્વાદ એવો રસમય લાગ્યો, કે એનાં સ્વપ્નાં હવે ખરાં પડવાનાં,' એમ મીનળને ખાતરી થઈ ચૂકી. પણ મુંજાલે જતાં જતાં શું કહ્યું...?'
'બા ! શાંતિચંદ્ર શેઠ આવ્યા છે.' દાસીએ વિચારમાળા તોડી.
'હા, આવો, શાન્તુ મહેતા ! કેમ ?” શાંતિચંદ્રના મોઢા પર ચિંતાનાં ચિહ્નો જોઈ રાણીએ પૂછ્યું. શાંતિચંદ્ર ઘરડા, વિશ્વાસુ, ભલા અને ધર્મિષ્ઠ મંત્રી હતા; અથાગ દોલત કમાયા હતા અને પાટણના મહારાજાઓની તિજોરી સાચવી હતી; આખી જિંદગીમાં તેણે ભાગ્યે બીજી તરફ દૃષ્ટિ નાખી હતી; છતાં પાટણના પેઢીદરના મંત્રી હતા અને ચંદ્રાવતીમાં શાંતિચંદ્ર શેઠ દેવના અવતાર મનાતા હતા.
'કાંઈ નહિ બા ! કાંઈ નહિ; પાટણના દરવાજા હવે બંધ થઈ ગયા હશે. દરવાજે દરવાજે આપણા વિશ્વાસુ માણસો મુકાઈ ગયા છે.’
‘સારું, નિરાંત થઈ.’ મીનળદેવીએ કહ્યું.
‘હા, જરૂર હવે દેવપ્રસાદ અહીંયાં સપડાઈ જાય એટલે પછી નિરાંત થાય.'
'એ તો થઈ ગયો હશે.'
‘હા, જરૂર; પણ હમણાં ખબર આવશે.'
'કેમ, તમને બીક લાગે છે કે તે ભાગી જશે ? આમ કેમ ડરતાં ડરતાં બોલો છો?'
'ના, ના; ડર શાનો ? પણ મંડલેશ્વર ઘણો હોશિયાર છે.' ‘તે તો છેસ્તો.’ જરા કચવાટથી મીનળે કહ્યું : 'પણ તમારે કાંઈ કહેવું છે ? શું કહેવું છે ? કહી નાંખો.'
'ના ના; ખાસ કંઈ નહિ.' જરા ક્ષોભથી દંડનાયકે કહ્યું.
'ખાસ નહિ હોય, તોપણ કહોની,' જરા ત્રિશૂલ ચડાવી મીનળદેવીએ કહ્યું.
''હા, બા ! હા, બીજું કાંઈ નહિ, માત્ર મુંજાલ મહેતા અને દેવપ્રસાદ મોતીચોક આગળ મળ્યા'તા. ખીજું તો કાંઈ નહિ, પણ... બા ! ત્યાં તકરાર થઈ કે પહેલો કોણ જાય.
'પછી શું થયું ?" ચિંતાતુર મોઢે મીનળે પૂછ્યું.
'પછી તકરાર શમી ગઈ અને આવતી કાલે સવારે મળવાની કોઈ સંતલસ થઈ છે.'
મીનળદેવીને જરા ગભરાટ થયો; તેની ચિંતા વધી.
'ત્યારે ક્યારના તે કહેતા કેમ નથી ? ક્યાં મળવાના છે ? શી વાત થઈ? પછી લડ્યા કે નહિ ?” રાણીએ અધીરાઈથી પૂછ્યું.
'લડ્યા તો મુદ્દલે નહિ; સમાધાન થઈ ગયું. બીજું કાંઈ નહિ. પછી તરત મંડલેશ્વર અહીંયાં આવ્યા.'
રાણી સમજી ગઈ; મુંજાલે જ વાત કરી હોવી જોઈએ. અને તેથી જ દેવપ્રસાદ અહીંયાં આવ્યો. વળી તે વહેલો વહેલો જતો રહ્યો. તેથી તે જાણતો પણ હોવી જોઈએ, કે દરવાજા બપોરે બંધ થવાના છે. એ બધાં મુંજાલનાં જ કારસ્તાન.
'પછી શું કર્યું ?” રાણીએ પૂછ્યું.
'બીજું શું કરું ? તીરંદાજોને કહી આવ્યો છું કે દેવપ્રસાદને કોઈ રીતે પણ બહાર જવા નહિ દેવો. મંડલેશ્વર શું કરે છે, તેની હમણાં ખબર આવશે.’
'એ તો ઠીક, તે ક્યાં જવાનો છે ? પણ આપણે અહીંયાં કોઈ બીજી જાતનો ભય નથી ?'
'બીજી જાતનો ભય શો ? બા ! આપણા વિશ્વાસુ સૈનિકો રાજગઢની ચોકી બારે પહોર કર્યાં કરે છે.’
'મારા સાંભળવામાં આવ્યું છે, કે કાંઈક કાવતરું રચાય છે.’
‘ના, ના,’ જરા ગભરાતાં શાંતિચંદ્રે કહ્યું; એમ કોની મગદૂર છે ?'
'બા ! આવું કે ?” બહારથી એક અવાજ આવ્યો.
‘કોણ ? વૈદરાજ ! આવો. કેમ અત્યારે ને આટલા બધા કાંઈ હોંળાફાંફળા ?'
વૈદરાજ આવ્યા અને દુપટ્ટા વતી મોઢા પરનો પરસેવો લૂછવા માંડ્યો. 'બા ! એક જરૂરની વાત મારા જમાઈ વાચસ્પતિ લઈ આવ્યા છે; મનાતી નથી, પણ આપને કહેવા આવ્યો છું.' જાડું શરીર સ્વસ્થ કરતાં લીલો વૈદ બોલ્યો. શાંત બ્રાહ્મણે કાંઈ ઘણી નવાઈની વાત સાંભળી હોય, એમ લાગતું હતું, “શેઠજીનો કાંઈ વાંધો તો નથી ?'
'ના, સુખેથી કહો,' મીનળે કહ્યું.
'બા ! કેટલાક મંડલેશ્વરો જયદેવકુમાર મહારાજને કર્ણાવતી ઉપાડી જવાનો વિચાર કરે છે.'
'હેં?” શાંતિચંદ્ર શેઠે ગભરાઈ ઊઠી કહ્યું.
'હું જાણું છું.' રાણીએ શાંતિથી કહ્યું. એને લાગ્યું કે અત્યારે હિંમત ખોવામાં માલ નથી; સ્વાસ્થ્યમાં જ સત્તા રહેલી છે.
'હેં,બા ! તમે પણ જાણો છો ? શાંતિચંદ્રે પૂછ્યું.
'હા, અને દંડનાયક થઈ તમે નથી જાણતા ! ઠીક, પણ કેવી રીતે, ક્યાં, તે કોઈ જાણે છે?'
'ના, બા ! તે કાંઈ ખબર નથી. અત્યારે મુંજાલ મહેતા હોત તો બધીયે ખબર પડત.' લીલાએ ઉમેર્યું.
રાણીને જરા ક્રોધ આવ્યો. તેના મનમાં જે હતું તે જ લીલાએ કહ્યું હતું.
પોતાના હ્રદયની વાત કોઈ જાણી જાય, એ કોને ગમે ?'
'ત્યારે અહીંયાં બધાં શું કરો છો ?
'બા, હું ઘરડો છું. દવા કૂટતાં મારી આખી જિંદગી ગઈ છે; એટલે હું શું જાણું ? પણ એટલું તો બધા પટ્ટણીઓ કહે છે, કે મુંજાલ મહેતાને કાઢ્યા એ ઠીક નહિ કર્યું.' હિંમતથી વૈદે કહ્યું.
'પટ્ટણીઓને કહીએ કે તમે તમારું કામ કર્યા જાઓ. મને શું કરવું તે ખબર છે.’
'તે કોણ ના કહે છે ? પણ બા ! કાંઈ ભયંકર સ્થિતિ આવી પડશે તો ?”
'આવી પડશે તો તમારી રાણીને તમારી ફિકર પડી છે.' રાણીએ મગરૂરીથી કહ્યું.
'બા ! ત્રણ પેઢી થયાં સોલંકીઓનો સેવક છું. એટલે વધતુંઓછું બોલું તો ક્ષમા કરજો, પણ આ બધાનું પરિણામ સારું નથી આવવાનું.' બહુ હિંમત ભીડી વૈદે કહ્યું, અને જોરથી પરસેવો લૂછવા માંડ્યો.
'બહુ સારું. જુઓ તો ખરા, બધાં રૂડાં વાનાં થશે.'
'બા ! આનંદસૂરિજી પધાર્યા છે,' દાસીએ આવીને કહ્યું.
'મોકલ, મોકલ. તેનું જ કામ છે.' આતુરતાથી રાણીએ કહ્યું.
બખ્તર સજેલો, રજપૂતના વેશમાં એક પુરુષ અંદર આવ્યો. તેનું મોટું એવી રીતે બાંધેલું હતું કે એકાએક તે ઓળખાય નહિ,
‘કોણ આનંદસૂરિજી ?’ રાણીએ આશ્ચર્યથી પૂછ્યું.
'હા, બા ! હું જ.' મોઢા પરથી ફેંટાનો છેડો કાઢી નાખતાં આનંદસૂરિએ કહ્યું :
પ્રસંગને લીધે વેશ બદલવો પડ્યો છે.' શાંતિચંદ્ર અને લીલો વૈદ આ જતિને આ વેશમાં જોઈ જરા ચકિત થયા.
'પણ બા !' જતિએ ઉતાવળથી કહેવા માંડ્યું : 'આપણા બાર વાગી ગયા !'
'કેમ શું થયું ?' ત્રણે જરા બોલી ઊઠ્યા.
'તમારે અહીંયાં મંડલેશ્વર આવ્યા, એટલે તરત મેં સાંભળ્યું કે તેણે અને મુંજાલે કાંઈક ગોઠવણ કરી છે; એટલે હું આ વેશ પહેરીને તૈયાર ઊભો, જેવા મંડલેશ્વર નીચે ઊતર્યાં કે, હું તેની પાછળ થયો. તેણે ઘોડી મારી મૂકી; પાછળ મેં પણ ઘોડો દોડાવ્યો. મોંઢેરી દરવાજા તરફ જતાં પહેલાં ચાંપાનેરી દરવાજો આવ્યો. તે બંધ જોયો, એટલે મંડલેશ્વર ચમક્યા, અને મોંઢેરી દરવાજે જવાનો વિચાર માંડી વાળ્યો. આગળ એક તરફ જરા ટેકરો હતો ત્યાં તે ગયા અને ત્યાંથી કોટ કુદાવી ગયા.’
‘શું ? શું ? શું ?' ત્રણે જણ બોલી ઊઠ્યાં.
"શું શું ? આપણે વાતો કરતાં રહ્યાં અને મંડલેશ્વર ચાલી ગયા !' ચારે જણાએ એકબીજાની સામે જોયું. હવે એ અને મુંજાલ જરૂર મળવાના.' રાણીએ જતિની સામે જોતાં કહ્યું.
'મેં નહોતું કહ્યું, બા ?' વૈદે કહ્યું.
'હવે કહેલું સંભારવાની કાંઈ જરૂર નથી.'
‘હવે કરવું શું ? કાલે એ બે જણા મળે અને મેરળ અને મધુપુરનાં લશ્કર એક થાય તો મરી ગયા.' રાણીએ કહ્યું.
'ત્રિભુવનપાળનું શું થયું ? શાંતિચંદ્રે પૂછ્યું.
'તે તો ઘણું કરીને પાટણમાં જ છે,' જતિ બોલ્યો,
‘ત્યારે તેને હાથ પર લઈએ.’ શાંતિચંદ્રે કહ્યું. બધાને લાગ્યું કે આ શિખામણ ખરી હતી.
'હા, પણ કોઈ રીતે એ બે મળવા નહીં જોઈએ.'રાણીએ કહ્યું.
'એ કેમ બને?' શાંતિચંદ્રે પૂછ્યું.
'એક રસ્તો છે.' જતીએ વિચાર કરીને કહ્યું : 'આપ અને જયદેવકુમાર મધુપુર જાઓ તો મુંજાલ તો અટકે.'
'પણ બા ને ધિરાય કેમ?' શાંતિચંદ્રે પૂછ્યું.
'હું છું ને? ચંદ્રાવતીના લશ્કરમાં મારી સાથે શો ભય? તેમાં આજે ત્રણ દિવસ થયા મેં ચંદ્રાવતી લખ્યું છે, બીજી ફોજ તૈયાર થાય છે. તે આપણને મળશે.'
'એ ખરું પણ પટ્ટણીઓ જાણે તો? ગામમાં અત્યારે પણ હૂલકું પડ્યું છે.' વૈદે કહ્યું.
'એ તો સાંજ પછી નીકળીએ તો જ બને.'
'આનંદસૂરિજી તમારી વાત ખરી છે. અત્યારે આપણે હાથમાંથી બે જણને ખોયા. એ બે જણ ભેગા મળે તો આપણો ખેલ ખલાસ થઈ જાય. અને તે માટે રસ્તો પણ એક જ છે. જતિએ કહ્યું તે. એથી એક બીજો પણ ફાયદો છે.' રાણીએ કહ્યું.
'શો? ' શાંતિચંદ્રે પૂછ્યું.
'જો આ વૈદરાજે કહ્યું તેવું કાવતરું હોય તો તેમાંથી પણ બચી જઈએ; પણ પાટણનું કેમ?'
'પાટણમાં તો શાંતિ ચંદ્ર શેઠ છે ને?' જતિએ કહ્યું.
'બા ! એ સંભાળજો. પટ્ટણીઓ પર બહુ વિશ્વાસ રાખવા જેવું નથી.' વૈદે પોતાનો ડર બતાવ્યો.
'શું કરશે પટ્ટણીઓ?' આંખમાંથી વિદ્યુત ખરતાં નેત્રોએ રાણીએ કહ્યું.
'વૈદરાજ તમને લોકોને બહુ ધાક લાગે છે !'
'હશે, બા ! પણ ધારો કે મંડલેશ્વર મેરળનું લશ્કર લઈને અહીંયા આવે તો?'
'આવે તો શું ?' જતિએ કહ્યું. 'શાંતિચંદ્ર શેઠ બે દિવસ પાટણ નહીં રાખી શકે.?'
'એ તમે ભૂલો છો જતિજી !' શાંતિચંદ્રએ કહ્યું. 'સામો સોલંકી આવે તો પટ્ટણીઓ બે ઘડી બારણા બંધ નહીં રાખવા દે.'
'ઠીક હું વિચાર કરીશ.' શાંન્તુ મહેતા ! તમે જઈને ત્રિભુવનપાળને સમજાવી લઈ આવો.'
'જેવી બાની મરજી.'
'વૈદરાજ તમે ઘેર જશો નહિ. વખત છે ને તમારુંયે કામ પડે.'
'તો હરકત નહીં હું અહીંયા જ બેઠો છું.' વૈદરાજે કહ્યું.
ત્રણેય પુરુષો વિદાય થયા રાણી એકલી પડી. તેનું મગજ ગૂંજવાડામાં પડ્યું હતું. જ્યારે ગમથી એક પળમાં તોફાન થયું. અત્યારે મુંજાલ હોત તો કેવું સારું?' બીજી પળે વિચાર આવ્યો કે 'શું મુંજાલની મદદ વિના ન જ ચાલે? હાથ પર માથું મૂકી મિનળદેવીએ ક્યાંય સુધી વિચાર કર્યો. અત્યાર સુધી બધું શાંત ચાલતું હતું. ચક્રવર્તી થવા તેણે હોળી સળગાવી હતી. હોળીની આગ પોતાના ઘરને જ લાગવા માંડી હોય એમ દેખાયું. ત્યાં જવું? કોને પૂછવું? ધીમે ધીમે વિચારના ગૂંચવાડામાંથી હેતુ સ્પષ્ટ થયો. કોઈ રીતે મંડલેશ્વર બે ત્રણ દિવસ શાંત પડી રહેવો જોઈએ; અને તેને કોઈ રીતે પાટણ તરફ આવતો કે મુંજાલ સાથે મળતો અટકાવવો જોઈએ. શું કરવું? અંધકારમાં વીજ ચમકે, ઘનઘટામાં સૂર્યનું પ્રથમ કિરણ પ્રવેશે, તેમ એકાએક વિચાર આવ્યો. મીનળની આંખો ચમકી ઊઠી, હોઠ પિસાયા, મોઢા પર એક ક્રૂર હાસ્ય રમી રહ્યું.
'હા, મારુ બ્રહ્માસ્ત્ર તો હું ભૂલી જ ગઈ,' કહી મીનળ ઊઠી અને અંદર ગઈ. પોતાના પૂજાના ઓરડાની પાછળ એક ઓરડો હતો. તેનાં દીધેલાં બારણાં જરા ઠોક્યાં. અંદરથી કોઈ આવતું સંભળાયું. તેણે સાંકળ ઉઘાડી. મીનળદેવી અંદર પેઠી.