ધૂલો તો હરખપદૂડો (DTH) - 42 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 42

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૨


આપણે જોયું કે મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે થાય છે. મૂકલો ત્વરિત એમને વિનીયા વિસ્તારીની ઓણખાણવાળી વાજાવાળા હાડ હોસ્પિટલમાં મોકલી વધુ મૂસીબતમાં મૂકી દે છે. પણ વિનીયા વિસ્તારીને લીધે જ એનાથી એમાંથી સહી સલામત રીતે બહાર પણ નીકળવામાં સહાયરૂપ બને છે. હવે આગળ...


કિશોરના ગળામાં રીતસરનો ડૂમો, લાગણીના ઊભરાથી ભરાતો ડચૂરો બાઝી ગયો. મૂકલા મુસળધારનો વટ જોઈ એ એકદમ ગળગળો થઈ ગયો.


ખરેખર પણ ચંપકકાકાનું નવી હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ અંતર્ગત જોરદાર સ્વાગત અને સારવારની શરૂઆત થઈ ગઈ. એથી ફક્ત કિશોર અને એમના કુટુંબીજનો જ નહીં પણ ચંપકકાકાને પણ શાતા વળી. એમના કુટુંબીજનોમાં આદરણીય સ્થાન ધરાવતા એવા આ યુવાન મૂકલા મુસળધારનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું થઈ ગયુ હતું. એ સૌ મૂકલા મુસળધાર માટે આભાર વ્યક્ત કરવા લાગ્યાં તો મૂકલા મુસળધારએ વિનીયા વિસ્તારીને આ સમગ્ર ઘટનાક્રમ માટે અને સમયસર યોગ્ય પગલાં ભરીને ચંપકકાકાને સર્વોત્તમ સારવાર અપાવવા દિલથી આભાર વ્યક્ત કર્યો.


જોકે હજી વિનીયો વિસ્તારી એ મુંઝવણમાં હતો કે આવું કેમ બની શકે! મૂકલા મુસળધારએ એક ડીંડવાણું ચલાવ્યુ અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ ઘટના હકીકતમાં ઘટી એ વાત આશ્ચર્યકારક તો હતી જ પણ સાથે સાથે એટલી જ ચમત્કારિક પણ હતી. તકદીર એમની સાથે હતી કે વાજાવાળી તરત અને એની વાતનું માન રાખીને માની ગઈ. અન્યથા થોડી સાધારણ માથાકૂટ ઉપરાંત અસાધારણ રીતે સમયનો વ્યય ચોક્કસ થઈ શક્યો હોત. જોકે એવી અકારણ પરિસ્થિતિમાંથી તેઓ સાંગોપાંગ પાર ઊતરી, ઊગરી ગયા હતા.


મૂકલા મુસળધારે એમના મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપની વોલ પર, એની આગળની ચંપકકાકા સંબંધીત પોસ્ટ પર ચંપકકાકાની સારવાર અને વિનીયા વિસ્તારીની મદદને લઈને પિંગ પોસ્ટ કરી દઈ રાહતનો શ્વાસ લીધો.


બસ એ જ ઘડીએ ધૂલા હરખપદૂડાએ એને કોલ કર્યો, "યાર, મૂકલા, ગજબ થઈ ગયો."


મૂકલો મુસળધાર ફરી એક વખત ચકરાવે ચડી ગયો, "બોલ DTH, શું ગજબ થઈ ગયો હવે?"


ધૂલો ખરેખર હરખપદૂડો થઈ ગયો હતો, "મૂકલા, તારો ધંધો બદલાવી નાખ."


હવે મૂકલા મુસળધારની ધીરજનો અંત નજીક હતો, "ધૂલા, તારી ભલી થાય. વાતમાં મોણ નાખ્યા વગર ફાટ, હવે શું થયુ?"


ધૂલા હરખપદૂડાએ વાતની સાઈડ પર આવેલ સર્વિસ રોડ પરથી ગાડીને હાઈ વે પર ચડાવી, "મૂકલા, મારો એક સ્કુલ કાળનો મિત્ર, રાકેશ પટેલ, લંડનથી રવિવારે આવવાનો છે. હમણાં જ એનો ફોન આવ્યો હતો કે હું ત્રણ દિવસ માટે મુંબઈ આવુ છું, સોમવાર થી બુધવાર. અને આ ત્રણ દિવસમાં જ મુંબઈ ફરી લેવુ છે. તો કોઈ મિત્ર, એટલે કે પ્રોફેશનલ ગાઇડ નહીં પણ મુંબઈથી પરિચિત એવો કોઈ વ્યકિત, આ માટે મદદરૂપ થઈ શકે એવો હોય તો રેફર કરવા વિનંતી કરતો હતો." ધૂલો હરખપદૂડો એક શ્વાસે બોલી ગયો.


તો બીજી તરફ મૂકલો મુસળધાર પણ કાપો તો લોહી નહીં નીકળે એવી રીતે હજી પોતાના કાન પર વિશ્વાસ કરવા તૈયાર નહોતો.


એણે બે મિનિટ બાદ, પ્રસ્થાપિત પરિસ્થિતિ પ્રમાણે પીઢતાનો પરિચય આપી પરિપક્વ નિર્ણય લીધો. એણે કેતલાને ફોન કરવા ધૂલાને જણાવ્યુ. આવા અકલ્પ્ય ઘટનાક્રમથી અચંબિત થઈ ગયેલ ધૂલા હરખપદૂડાનો હરખ હેલીએ ચડ્યો.


એણે કેતલા કીમીયાગારને કોલ જોડ્યો. કેતલો કીમિયાગાર ક્રોધાવિષ્ટ થઈ ગયો, "તમે લોકોએ આ શું નૌટંકી માંડી છે! પોતાના જીવને તો નિરાંત નથી પણ અમને પણ સુખથી ફોકસ કરવા દેતા નથી. ફટાફટ બોલ." એણે કંટાળાજનક શબ્દપ્રયોગ કરી એની ઉત્સુકતા છુપાવી. એ જાણતો હતો કે એના મિત્રો કોઈ સબળ કારણ વગર એમને હેરાન કરે નહીં.


"ટાઢો પડ, ટાઢો પડ." ધૂલાએ વિવેક જાળવી રાખ્યો, "સાંભળ, મારો એક સ્કુલ કાળનો મિત્ર, રાકેશ પટેલ, લંડનથી રવિવારે આવવાનો છે. હમણાં જ એનો ફોન આવ્યો હતો કે હું ત્રણ દિવસ માટે મુંબઈ આવુ છું, સોમવાર થી બુધવાર. અને આ ત્રણ દિવસમાં જ મુંબઈ ફરી લેવુ છે. તો કોઈ મિત્ર, એટલે કે પ્રોફેશનલ ગાઇડ નહીં પણ મુંબઈથી પરિચિત એવો કોઈ વ્યકિત, આ માટે મદદરૂપ થઈ શકે એવો નસીબદાર મિત્ર જોઈએ છે. હવે ફટાફટ બોલ."


કેતલા કીમિયાગારે એને ચકાસી જોયો, "ધૂલા, આ ટાંટિયાતોડ કરામત નથોને?"


ધૂલા હરખપદૂડાએ એને સાંત્વન આપી જણાવ્યુ, "ના દોસ્ત, છતાં તને વિશ્વાસ ના હોય તો કાંઈ વાંધો નહીં..." એણે સકારણ એ વાક્ય અડધેથી છોડી દીધુ.


કેતલાએ નવી કીમિયાગીરી અજમાવી, "અરે તો એમાં પૂછવાનું થોડી હોય! તારાથી જીભ કચડાઈ ગઈ હોય તો પણ મારે ઓફિસમાંથી ત્રણ દિવસની રજા લઈને તારું કામ તો કરવુ જ પડેને. હા પાડી દે. પણ સાલુ આમ કેમ બની શકે એટલે વિચિત્ર વિચાર આવી જાય. તું સાચેસાચ સાચું કહે છેને?"


ધૂલો હરખપદૂડાએ એને વિશ્વાસ અપાવ્યો, "હા યાર, સાચું કહું તો વિશ્વાસ મને પણ નથી આવતો પણ મૂકલા મુસળધારની જીભ પર આજે સાક્ષાત સરસ્વતી માતાનો વાસ હોય એમ એની બોલેલી બધી વાતો સાચી પડે છે. પણ ઠીક છે, હું રાકેશ પટેલન સાથે કનફર્મ કરી, ફાઇનલ કરી લઈશ. તું તારા ફોકસ પર ફોકસ કર."


જરાય જરૂર નહોતી છતાં DTH હરખપદૂડા ધૂલાએ એ બંને વાતોનો અનુસંધાન આપી, મૂકલા મુસળધારની જીભ પર આજે સાક્ષાત સરસ્વતી માતાનો વાસ હોય એમ એની બોલેલી બધી વાતો સાચી પડે છે એ વાત એમના મિત્ર વર્તુળ વોટ્સએપ ગ્રુપ પર મેસેજ તરીકે પોસ્ટ કરી દીધી. ત્યારે મૂકલો મુસળધાર હોસ્પિટલમાં એના ચંપકકાકાની સારવારની દિશા અને વર્તમાન હાલતની દશા ચકાસવા ગયો હતો એટલે એને આ વાતની જાણ નહોતી. જોકે તિર કમાનમાંથી નીકળી ચૂક્યુ હતુ.


હવે બપોરે મહિલા મંડળની ઉપલબ્ધ સહેલી વૃંદમાં ચકચાર જામી પડી.


સૌથી પહેલાં તો હીરકીએ હણહણાટ કર્યો, 'હાઉ ધેટ ડન પોસિબલ?'


સધકી સંધિવાતએ સાથ આપ્યો, 'ઓનલી ગોડ ડન ધેટ પોસિબલ.'


બૈજુ બાવરીએ બીજી તરફ વાત ફેરવી, 'મૂકેશભાઈ ગોડ ગિફ્ટ બ્લેસિંગ.'


હીરકીએ ફરી હણહણાટ કર્યો, "વોટ ટોક? હી કોમન મેન.'


ઈશા હરણીએ ટાપસો પૂરી, 'મૈંગો મેન એટલે આમ આદમી.'


બૈજુ બાવરીએ બોમ્બ વિસ્ફોટ કર્યો, 'નોટ મેંગો મેન બટ આમસ્ટરડેમ.'


ઈશા હરણીએ જ્ઞાન પ્રદાન કર્યુ, 'નોટ આમસ્ટરડેમ બટ નોસ્ટરડેમ.'


હિરકી હણહણાટએ હાકલ પાડી, 'નોટ આમસ્ટરડેમ નોટ નોસ્ટરડેમ, નો ડેમ. ઓનલી રિવર.'


ઈશા હરણીએ ફરી ફરી જ્ઞાન પ્રદાન કર્યુ, 'યસ. રિવર વિથ ઈમેજ ઓફ ચંદ્ર ઈનસાઈડ.'


સધકી સંધિવાતએ સબળ સબક શીખવાડ્યૉ, 'મૂકેશભાઈ ઇઝ સરસ્વતી ચંદ્ર. હી ટોક્સ ઇઝ ઓનલી ટ્રુથ.'


હીરકી હણહણાટ છેડાઈ ગઈ, 'વોટ ટોક? હી કોમન મેન એક્સિડન્ટ ડન કરેક્ટ.'


બૈજુ બાવરી બહેકી, 'યોર ચંપકકાકા એક્સિડન્ટ ડન. હાઉ હેલ્થ હી ઇઝ?'


હિરકી હણહણાટે જવાબ આપ્યો, 'હી ગોન હોસ્પિટલ. ચંપકકાકા એક્સિડન્ટ હેલ્પ ડન ટુગેધર બાય વિનીયા વિસ્તારી.'


બૈજુ બાવરીએ વાત આગળ વધારી, 'હી ગોડ મેન. હેલ્પ ઓલ.' એણે આ વાત વિનીયા વિસ્તારી માટે ઉચ્ચારી હતી પણ સધકી સંધિવાત એ ગાડીને વિનીયા વિસ્તારીના પ્લેટફોર્મ પરથી ઊતારી મૂકલા મુસળધારના કાલ્પનિક પ્લેટફોર્મ પર લઈ ગઈ.


સધકી સંધિવાતે હકાર ભણી, 'યસ. ગોડ મેન. હેલ્પ ઓલ. હી ચેન્જ બિઝનેસ. બીકમ બાબા, કરિશ્મા બાબા, બાબા બિઝનેસ વેરી વેરી સક્સેસફૂલ.'


ઈશા હરણી પણ એમની ગુજરેજી ભાષામાં જોડાઈ ગઈ, 'યસ. મિરેકલ બાબા બિઝનેસ, વેરી ગુડ બિઝનેસ. હેલ્પ ઓલ. સોલ્વ ઓલ પ્રોબ્લેમ પ્રોફેશનલ. બીગ નેમ પ્લસ વેરી ગુડ સિટિંગ ઈન્કમ.'


ચટ મંગની ને પટ બ્યાહ. મૂકલા મુસળધારના ભવિષ્ય વેતા બાબા બિઝનેસને પ્રથમ ગ્રાહક પણ મળી ગયો. સધકી સંધિવાતે તરત પ્રશ્ન મૂક્યો, '@મૂકેશભાઈ, મારા અમિતભાઈના લગ્ન ક્યારે થશે? શું વિઘ્ન નડે છે? તમે કોઈ રામબાણ ઉપાય બતાવો. અમે તો ઘરના છીએ છતાં પણ તમારી પૂરેપૂરી ફી આપી દઈશું. બસ, મારા અમિતભાઈના લગ્ન ક્યારે થશે એ ભવિષ્ય બોલી એમના લગ્ન કરાવી આપો.'


શું ચંપકકાકા આ અકસ્માતમાંથી સાંગોપાંગ પાર ઊતરી જશે? શું હશે વિનીયા વિસ્તારી અને કેતલા કીમિયાગારનું સહિયારૂ મિશન? શું મૂકલો મુસળધાર સચોટ આગાહી કરી શકે છે? શું મૂકલો આ બાબા બિઝનેસ અપનાવી લેશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૩' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).