ધૂલો તો હરખપદૂડો (DTH) - 40 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 40

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૦


આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર એમના મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ફક્ત ગાયબ જ નથી તદુપરાંત તેઓ સંપર્ક પણ ટાળે છે. જોકે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમની ગતિવિધિઓ પર એમની જાણ બહાર ચાંપતી નજર રાખી રહ્યા છે એ જ સમયે મહિલા મંડળના વોટ્સએપ ચેટ પર આ વાત જાહેર થઈ જાય છે. હવે આગળ...


આ સહેલી વૃંદના વોટ્સએપ ચેટ દરમ્યાન ઈશા હરણીએ એક વિસ્ફોટ કર્યો, 'પિતલી પલટવાર એન્ડ સોનકી સણસણાટ મિસિંગ ફ્રોમ ગ્રુપ લોંગ ટાઈમ.' તરત બૈજુ બાવરીએ ટકોરો ટંકાર્યો, 'એમના વોટ્સએપ ફોન સુધ્ધાં બંધ છે.'


હિરકી હણહણાટએ હાકોટો પાડ્યો, 'એમાં શું! હું હમણાં વિનીયા વિસ્તારી અને કેતલા કીમિયાગારને ફોન કરીને પૂછી લઈશ.'


થોડીવાર ગ્રુપમાં શાંતિ છવાઈ રહી. પણ થોડી ક્ષણો બાદ હિરકી હણહણાટ કાંઈક ટાઈપ કરી રહી હોય એમ દેખાયું. આ ચાર મિનિટ એ ઈશા હરણી, સધકી સંધિવાત અને બૈજુ બાવરી માટે ચાર યુગો સમાન પસાર થઈ.


છેવટે હીરકીએ હણહણાટ કર્યો, 'નો વરી મેટર. બોથ મોબાઈલ ફોન ડિફેક્ટિવ ડન. ટુ ડેઝ રિપેરીંગ કમ બેક નોર્મલ.'


સધકી સંધિવાતના ગળે આ વાત ઊતરી નહીં, 'બોથ મોબાઈલ ફોન ડિફેક્ટિવ ડન ટુગેધર! એન્ડ રિપેરીંગ ઓલસો ડન ટુગેધર!'


સદભાગ્યે, ત્યાં જ સહેલી વૃંદનો વોટ્સએપ ચેટ ટાઈમ સમાપ્ત થઈ જતાં એ ચર્ચામાં ઇન્ટરવલ આવી ગયો.


હવે મૂકલા મુસળધારે હથિયાર હેઠા મૂકી, કેતલા કીમિયાગારને ફોન લગાડ્યો, "હલો, કેતલા સાચેસાચો જવાબ આપજે નહીં તો તમારું આવી બન્યુ સમજ. તમે બંને જણા આ શું નવા છાણા થાપો છો?'


કેતલાએ કીમિયાગીરી કરવાને બદલે સામે હથિયાર હેઠા મૂક્યા, "ભાઈ, જરા લાંબી વાત છે. પછી નિરાંતે જણાવીશ. ચિંતાનું કોઈ પણ કારણ નથી. બસ બે દિવસ આપ. જોઈએ તો આ શનિવારે આપણે મળીએ, ત્યારે વાત."


મૂકલો મુસળધાર થોડો કુણો પડ્યો, "ઠીક છે પણ કોઈ મૂંઝવણ અનુભવાય તો બિન્દાસ ફોન કરજે."


"ભલે." એણે ટૂંકો જવાબ આપી કોલ સમાપ્ત કર્યો.


હવે મૂકલાએ એ જ વાત જાણવા વિનીયા વિસ્તારીને ફોન જોડ્યો, "તમે લોકોએ માંડ્યુ છે શું? તું વળી કયા મોરચે યુદ્ધ લડી રહ્યો છે? ખોટું બોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય એ યાદ રાખજે."


વિનીયા વિસ્તારીએ પણ એ જ વાત ઉચ્ચારી જે કેતલા કીમિયાગારે કહેલી.


મૂકલા મુસળધારે છેલ્લો પ્રશ્ન કર્યો, "તું ને કેતલો સાથે છો?"


"હા." વિનીયાએ વિસ્તારપૂર્વક અહેવાલ આપ્યો, "કેતલાએ કીધુ એમ જરા લાંબી વાત છે. પછી નિરાંતે જણાવશુ. ચિંતાનું કોઈ પણ કારણ નથી. બસ બે જ દિવસ આપ. આ શનિવારે આપણે ચોક્કસ મળીએ છીએ."


"ભલે." એણે પણ ટૂંકો જવાબ આપી કોલ સમાપ્ત કર્યો.


મૂકલા મુસળધારએ એમના મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠકના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ નાખી દીધો, 'વિનીયો વિસ્તારી તથા સોનકી સણસણાટ અને કેતલો કીમિયાગાર તથા પિતલી પલટવાર બરાબર છે. હમણાં એક ખાસ મિશન (જે મને પણ ખબર નથી) પર છે. બે દિવસ પછી સૌને જાણ કરશે એટલે હમણાં એમને મેસેજ કે ફોન કરી ખલેલ પહોંચાડવી નહીં.' ફટાફટ બધાની થમ્સ અપની સ્માઈલીનો ઉપયોગ થઈ ગયો.


એવામાં સમાચાર આવી ગયા હતા કે મૂકલા મુસળધારના ચંપકકાકાનો દાદરા પરથી લપસી પડવાથી અકસ્માત થયો છે. એમને થાપાના હાડકામાં ઈજા થઈ છે. મૂકલાએ ત્વરિત મેસેજ કરી એમને વિનીયાની ઓણખાણવાળી વાજાવાળા હાડ હોસ્પિટલ તરફ લઈ જવા સૂચના આપી દીધી હતી.


એણે વિનીયાને ફોન કર્યો, "તેં હોસ્પિટલમાં ફોન કર્યો હતો?"


એ આશ્ચર્યચકિત હતો, "કઈ હોસ્પિટલ?"


મૂકલો ખીજાયો, "ડફોળ, મારા ચંપકકાકાનો દાદરા પરથી લપસી પડવાથી ખરેખર અકસ્માત થયો છે. એમને થાપાના હાડકામાં ઈજા થઈ છે. એમને હમણાં તારી ઓણખાણવાળી વાજાવાળા હાડ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા છીએ."


વિનીયાએ વિસ્તારપૂર્વક વાત જાણવા પ્રયત્ન કર્યો, "સાચે સાચ કે મને ઠેબે ચડાવવા ગપગોળા ચલાવે છે?"


મૂકલાએ શાંતિથી જવાબ આપ્યો, "પહેલાં પણ ગપગોળો નહતો, સાચે જ એમ થયું છે. તું બકવાસ છોડી ફટાફટ ત્યાં ફોન કર." હવે વિનીયો વિસ્તારી ખરેખર ઠેબે ચડી ગયો.


"અરે પણ ત્યાંના ડોક્ટર સાહેબ વાજાવાળા હમણાં સિંગાપોર ગયા છે. એથી એમને બીજે ક્યાં લઈ જવા એ ફોન પર વાત કરી જણાવુ છું. બે મિનિટ મારા કોલની વાટ જો."


જોકે એને ખબર નહોતી કે ચંપકકાકાનું ઘર એ હાડ હોસ્પિટલથી નજીક હતું. મૂકલો મુસળધાર પણ ચિંતાતુર હોઈ વિચારે ચડી ગયો કે મેં લડાવેલ તુક્કો એકાએક એકદમ સચોટપણે સાચો કેમ પડી ગયો!


બે જ મિનિટમાં વિનીયા વિસ્તારીનો ફોન કોલ આવી ગયો, "તને મેં વોટ્સએપ પર બીજી હોસ્પિટલનું એડ્રેસ તથા લોકેશન મેપ મોકલાવી દીધા છે. ફટાફટ ત્યાં પહોંચીને મને ફોન કરાવ કામ થઈ જશે."


મૂકલાએ તરત ચંપકકાકાના દિકરા, એના દૂરના પિતરાઈ ભાઈ, કિશોરને ફોન કર્યો, "સાંભળ કિશોર, હું તને વોટ્સએપ પર બીજી હોસ્પિટલનું એડ્રેસ તથા લોકેશન મેપ મોકલાવુ છું. ચંપકકાકાને ત્યાં લઈ જવાના છે."


કિશોરનો મૂંઝવણ અનુભવાય એવો અવાજમાં જવાબ આવ્યો, "પણ અમે તો પપ્પાને તેં કહ્યુ ત્યાં જ લઈ આવ્યા છીએ."


"હા, પણ આપણા ઓળખીતા ડોક્ટર ત્યાં હાજર નથી એટલે આપણે બીજે જવાનું છે. તું વાતો કરવામાં ટાઈમ પાસ ના કર. હું કહુ છું એમ કર."


કિશોર અકળાયો, "અરે ભાઈ, તેં કીધુ એમ જ પપ્પાને અહીં લઈ આવ્યા. હવે શું થઈ ગયું?"


મૂકલો મુસળધાર વરસ્યો, "અરે ભાઈ મારા, આપણા ઓળખીતા ડોક્ટર સાહેબ હમણાં ફોરેન ગયા છે, સિંગાપોર. એટલે ચંપકકાકાને બીજે લઈ જવા પડશે, બીજા એક્સપર્ટ ડોક્ટર પાસે. ઠીક છે? હવે તને કહુ છું એમ ચૂપચાપ કર."


"ઠીક છે." આટલું બોલી એણે સંક્ષિપ્તમાં વાત સમાપ્ત કરી.


બીજી તરફ વિનીયા વિસ્તારીનો ફોન આવી ગયો, "ચંપકકાકા માટે મારા નામથી ખાટલો બુક થઈ ગયો છે. ફટાફટ પહોંચો એટલે વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ અંતર્ગત સારવાર શરૂ થઈ જશે. આ ચંપકકાકાનું મેડિકલેમ તો છે ને?"


મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો, "હોવુ તો જોઈએ પણ ખબર નથી. કિશોરને પૂછી લઈશ."


વિનીયાએ વિસ્તારપૂર્વક જણાવ્યુ, "હમણાં જ પૂછી લે. ના હોય તો વીઆઇપીને બદલે સાદું પેકેજ કરાવી દઈશ. પણ એકવાર ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ પછી કાંઈ નહીં થાય. આ લોકો પાછળથી પેકેજ નહીં બદલી આપે. સમજ્યો."


"ભલે." કહીને એણે કોલ કટ કરી નાખ્યો.


મૂકલા મુસળધારએ કિશોરને ફોન લગાવ્યો પણ એણે ફોન રિસીવ કરવાને બદલે કાપી નાખ્યો. મૂકલો આશ્ચર્યચકિત થઈ ગયો. આ કિશોર, જે આવા કટોકટીના સમયમાં મૂકલાને પૂછ્યા વગર પાણી પણ ના પીએ એ એનો કોલ કટ કરી રહ્યો હતો.


એણે નિરાશ થઈ મોબાઈલ ફોન ખિસ્સામાં મૂક્યો કે ફોનની રિંગ વાગી. એણે કિશોરનો ફોન હતો એટલે લીધો, "બોલ, ભાઈ."


એ મૂંઝવણમાં હોય એમ બરાડી ઊઠ્યો, "મૂકેશ, મારા ભાઈ, આ લોકો પપ્પાને છોડતા નથી."


હવે મૂંઝવણ માણવાનો વારો મૂકલા મુસળધારનો હતો, "કયા લોકો?"


"આ હોસ્પિટલવાળા." એ હતપ્રભ હતો, "હું પપ્પાને લઈને અહીં પહોંચ્યો કે તરત જ તારો ફોન વાગ્યો. હું તો આપણી વાતચીતમાં પરોવાયો ત્યાં સુધી તો એમણે પપ્પાને અંદર લઈ જઈ, એક બેડ પર સૂવડાવી કપાળ ઉપર એક પાટો બાંધી દીધો. હવે હું પપ્પાને બીજી હોસ્પિટલમાં લઈ જવા ગયો તો કહે કે પપ્પાનું એડમિશન થઈ ગયુ છે અને એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે રજા નહીં મળે." એ એક શ્વાસે બોલી ગયો. મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો. એણે ટૂંકમાં જવાબ આપ્યો, "બે મિનિટ આપ."


એણે તરત વિનીયા વિસ્તારીને ફોન કરી પરિસ્થિતિ જણાવી. એ પણ અવાક થઈ ગયો. એણે પણ અદલોઅદલ એ જ જવાબ આપ્યો, "બે મિનિટ આપ."


શું ચક્કર છે આ કેતલા કીમિયાગાર અને વિનીયા વિસ્તારીનું? જે હોય તે પણ આ પિતલી પલટવાર અને સોનકી સણસણાટ કેમ ભૂગર્ભમાં ચાલી ગઈ છે? મૂકલો મુસળધાર અને વિનીયો વિસ્તારી ચંપકકાકાને એ વાજાવાળા હાડ હોસ્પિટલમાંથી છોડાવી શકશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૧ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).