44.
એક ઝાડ પર કાગડો રહેતો હતો. ઝાડ તળાવને કિનારે હતું એટલે ઝાડ પર બતક પણ રહેતાં હતાં. એક બતકની પહેલા કાગડા સાથે દોસ્તી. કાગડો લુચ્ચો અને હોશિયાર પણ બતક ભોળું અને ઠંડુ. બંનેનો સ્વભાવ જુદો છતાં બંનેની દોસ્તી સારી હતી.
એક દિવસ બંને ફરવા નીકળ્યા. બતકથી બહુ ઝડપથી ઉડાય નહીં એટલે કાગડો પણ એની સાથે ધીમે ધીમે ઉડે. વળી કોઈ ઝાડ પર બેસે. એવામાં કાગડાની નજર નીચે ગઈ. એણે જોયું તો એક ગોવાળ માથા પર દહીંનું મોટું માટલું લઈને જતો હતો. માટલું છલોછલ ભરેલું હતું. દહીં જોઈને કાગડાના મોમાં પાણી આવ્યું એટલે એ તો ગોવાળના માથા પર ઉડ્યો અને લાગ જોઈને દહીંમાં ચાંચ મારી. પહેલાં તો ગોવાળને ખ્યાલ આવ્યો નહીં પણ ચાર પાંચ વાર કાગડાએ દહીંમાં ચાંચ મારી. બતક બિચારો ગભરાય એટલે એણે હિંમત કરી નહીં. પણ ગોવાળને ખ્યાલ આવ્યો કે કોઈ પક્ષી માટલામાંથી દહીં ખાય છે. એણે તો ઉભા રહી માથા પરથી માટલું નીચે ઉતાર્યું. એને ઉભો રહેતો જોઈ કાગડો ઝડપથી ઉડી ગયો એટલે ગોવાળે ઊંચે જોયું તો એની નજર બતક પર પડી. બતક તો ધીમું ઉડે. એને ખ્યાલ નહિ કે ગોવાળ ઊભી ગયો છે અને પોતાને જુએ છે. એ તો પોતાના ધ્યાનમાં હતું. ગોવાળે જોયું તો નજીકમાં બતક સિવાય બીજું પક્ષી નહીં. એને થયું કે આ બતક મારું દહીં બગાડી જાય છે. એણે આમતેમ નજર કરી એક મોટો પથ્થર લીધો અને બતકને માર્યો. પથ્થર બતકના માથામાં વાગ્યો અને એ વાગતાં જ તેને તમ્મર આવી ગયાં. એ નીચે પછડાયો. તરત જ ગોવાળે બીજો પથરો મારી બતકને મારી નાખ્યું. આમ લુચ્ચા કાગડાના સંગાથનું ફળ ભોળાં બતકે ભોગવવું પડ્યું.