હિતોપદેશની વાર્તાઓ - 40 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 40

40.

એક નગરમાં ધનસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્ર હતા. રાજા શોખીન હતો અને પુત્ર પણ શોખીન. બધાને જાતજાતના શોખ. એમાં રાજાને ઘોડાઓનો ભારે શોખ. પોતાની ધોડાર માટે એ કીમતીમાં કીમતી ઘોડાઓ ખરીદતો અને એનું ખૂબ જતન કરતો. તેમને નવડાવવા માટે અને કેળવવા માટે એણે સુંદર અને સ્વચ્છ ઘોડાર બનાવેલી. ઘોડા ને ખવડાવવા પીવડાવવા કે સંભાળ રાખવામાં એ કસર રાખતો નહીં.

તેના રાજકુમારોને વાંદરા અને ઘેટાઓનો શોખ એટલે રાજાએ ઘણા વાંદરાઓ અને ઘેટાઓ પણ રાખ્યા હતા. આ બધી ફોજની સારસંભાળ માટે ખાસ માણસો રાખ્યા હતા અને બધાને સારામાં સારો ખોરાક અપાતો. વાંદરાઓ આમ તો ચબરાક હોય છે. એ બધાનો મૂખી એક વૃદ્ધ વાંદરો ખૂબ જ અનુભવી ઠરેલ અને હોશિયાર હતો. રાજા પણ એની હોશિયારી જોઈ ખુશ થતો વાંદરાઓની જેમ ઘેટાઓ પણ અલમસ્ત હતા. એક એક ઘેટું જાણે બળદ જોઈ લો. આ ઘેટાંઓમાં એક ઘેટું ખાવાનું બહુ શોખીન.

હવે રોજ રોજ તો એને જાતભાતના ખોરાક ખાવા મળે નહીં એટલે એ છાનુંમાનું રાજાના રસોડામાં ઘૂસી જાય અને જે કાંઈ હોય તે ખાઈ જાય. કોઈ વાર પકડાઈ જાય ત્યારે રસોઈયાઓના હાથનો માર પણ ખાય. રસોઇઆઓ એનાથી કંટાળી ગયેલા પણ રાજાને પ્રિય ઘેટાને મારી તો નખાય નહીં. હાથમાં આવે તો ખોખરુ કરવાનું ચૂકતા નહીં.

આ ઘેટું જેમ રસોયાઓની ચિંતાનું કારણ બનેલું એમ વાંદરાઓના મુખીની ચિંતા નું કારણ પણ બનેલું. એ વાંદરો બહુ અનુભવી હતો. એ રોજ ઘેટાના કારસ્તાન જોતો. એને વિચાર આવ્યો કે ન કરે નારાયણ ને કોઈ દિવસ રસોઇયાના હાથમાં સળગતું લાકડું આવી ગયું, એણે ઘેટાને માર્યું તો તેના વાળ બળવા માંડશે. ઘેટું સીધું સામેના ઓરડામાં ઘૂસી જશે જ્યાં ઘોડાર છે. ત્યાં ઘાસના ઢગલા છે એને સળગતા વાર નહિ લાગે અને ઘોડારમાં આગ લાગી તો કીમતી ઘોડાઓ મરી જશે. રાજાને ઘોડા એટલા પ્રિય છે કે તેને બચાવવા તે ગમે તે ઉપાય કરશે. અંતિમ ઉપાય તરીકે વાંદરાઓના હાડકાનો મલમ લગાવવાનું સૂચવશે. એ મલમ બનાવવા રાજા બહારના વાંદરા પકડવા નહીં જાય એ આપણને જ મારીને, આપણા હાડકાની મલમ બનાવશે. આમ એક ઘેટાની નાદાની ને લીધે બધા જ વાંદરાઓનો જાન જોખમમાં મુકાયેલ છે. એણે પોતાની ચિંતા બીજા વાંદરાઓને કહી. જુવાન વાંદરા તો હસવા લાગ્યા. કહે તમારી તો સાઠે બુદ્ધિ નાઠી છે. આટલું બધું વિચારો, આટલી બધી બીક રાખો તો જીવાય કેમ? એ તો જે નસીબમાં લખ્યું હશે તે થશે.

બીજો વાંદરો કહે "નહીં, દાદાની વાત કદાચ સાચી પણ પડે. એનો કોઈ ઉપાય શોધવો જોઈએ. એક વિચાર તેમને આવ્યો અને એ વિચાર આપણા બધાના ભલા માટે છે એ રીતે એની મજાક નહીં ઉડાવો."

" તો ઉપાય શું ?"

"ઉપાય એ કે ઘેટાને સીધું કરવું."

એ સાચું પણ એ ઘેટું છે અલમસ્ત. આપણા જેવા ચાર પાંચ વાંદરાને તે આરામથી પહોંચી વળે. આથી એને મારતા આપણે ઝડપાઈ ગયા તો ખલાસ. કુમારો આપણને મારી નાખે."

" તમારી વાત સાચી." ઘરડા વાંદરાએ કહ્યું "આપણે એ ઘેટાને કંઈ કરી શકીએ એમ નથી. રાજાના રસોઈયાઓ પણ કરી શકતા નથી. તો શું કરી શકીએ ? ચાલો. હું જ કોઈ ઉપાય શોધી કાઢું."

થોડો સમય રહી ઘરડો વાંદરો કહે "મારા મનમાં આમ તો એક જ ઉપાય છે. આ જગ્યા છોડી આપણે બધા ક્યાંક ચાલ્યા જઈએ."

"ના, ના. રાજમહેલ અને રજવાડી સુખ છોડીને ચાલ્યા ન જવાય. તમે ઉભા કરેલા કાલ્પનિક વિચારને ખાતર. બીજું શું કરીએ?"

" મને લાગે છે કે ગમે ત્યારે આ બનાવ બનશે ત્યારે આપણામાંથી કોઈ જીવતું બચશે નહીં. અને આમ પણ અહીં શું સુખ છે? ખાવા મળી રહે છે એટલું જ. પણ બદલામાં આપણે ગુલામ છીએ. પોતાના મનનું કંઈ કરી શકીએ એમ નથી. એ કરતાં જંગલની જિંદગી સારી. આઝાદ. જ્યાં જવું હોય ત્યાં જવાય. ખાવું હોય તે શોધી શકાય. અહીં તો રાજા જે આપે તેમાંથી પેટ ભરવું પડે." મુખી વાંદરાએ કહ્યું.

"મારે તમને હજી જંગલની જિંદગીની ભયાનકતા વિશે કહેવું છે. રાત દિવસ પ્રાણીનો ડર. વળી ખુલ્લામાં ઝાડ પર બેસી ટાઢ તડકો વેઠવાનો. ક્યારેક ખાવાનું મળે તો ક્યારેક નહીં. એના કરતાં અહીં સ્વર્ગીય સુખ છે. રહેવાનું સુંદર છે અને કોઈનો ડર નથી. સમય થાય એટલે પેટ પૂરતું ખાવાનું મળી જાય." જુવાન વાંદરાએ કહ્યું.

"પણ મેં તમને શું કહ્યું? ઘેટું કોઈ પરાક્રમ કરે તો?" "એ તો તમારો ખોટો ડર છે. એવું બનવાનું નથી. ઘેટાને રસોઈયાઓ સળગતું લાકડું મારવાની હિંમત ન કરે. રાજા એની ચામડી ઉતારી નાખે. અને સળગતું લાકડું મારી પણ દે તો ઘેટાના વાળ નહીં સળગે. અને સળગે તો એ સીધું ઘોડારમાં ઘૂસે એમ કોણે કહ્યું? પોતાના ઘર તરફ નહીં ભાગે? એ ઘોડારમાં જાય તો આગ લાગે જ એવું કંઈ નથી. ધારો કે આગ લાગે તો પણ આટલા બધા સેવકો થોડા બેસી રહેવાના છે?" એક જુવાન વાંદરો બોલ્યો.

એની વાતમાં તથ્ય હતું એમ કહી બધાએ ઘરડા વાંદરાની વાત કરતા જુવાન વાંદરાની વાત માની. એ વાતમાં ક્યાય રાજમહેલ છોડવો પડે એવું આવતું નહોતું. બધાને અહીંના સુખની ટેવ પડી ગઈ હતી. કોણ ઘરડા વાંદરાની વાત માને?

એણે પોતાની વાતમાં રહેલી ગંભીરતા વિશે સમજ પાડવા ઘણી કોશિશ કરી પણ કોઈએ એનું માન્યું નહીં. વાંદરો મનોમન બહુ દુઃખી થયો કોણ જાણે કેમ એને મનમાં એવું થઈ ગયું કે આ બનાવ નજીકના ભવિષ્યમાં બનશે અને ત્યારે રાજા કોઈ વાંદરાને જીવતો નહીં છોડે. 'મારી નજર સામે કુટુંબનો નાશ જોવો એના કરતાં ચાલ્યા જવું' એમ વિચારી એક રાતે એ વાંદરો નાસી ગયો. થોડો સમય વીત્યો ત્યારે વાંદરાએ કહ્યું હતું એવું જ બન્યું. ઘેટાને રસોઈઆએ સળગતું લાકડું માર્યું. એના ગુચ્છાદાર વાળ સળગવા સળગવા માંડ્યા. દાઝવાને કારણે ઘેટું દોડ્યું.  રસોડાની સામે ઘોડાર નો દરવાજો હતો એટલે એ સીધું ઘોડારમાં ભરાયું અને ઘાસના ઢગલામાં આળોટવા લાગ્યું. તેથી તેના વાળ તો ઓલવાઈ ગયા પણ એક ખૂણામાં પડેલ સૂકા ઘાસમાં આગ લાગી. ઘેટું તો ભાગી ગયું તો પણ આગ ધુંધવાઈને વધતી ગઈ એટલે કોઈને જલ્દી ખ્યાલ આવ્યો નહીં. અચાનક આગે મોટું સ્વરૂપ પકડ્યું. સેવકોનું ધ્યાન ગયું પણ ઘણું મોડું થઈ ગયું હતું. આખી ઘોડાર આગની લપેટમાં આવી ગઈ એટલે આગ ઓલવવાને બદલે બધા ઘોડાઓને બચાવવા દોડ્યા.

જેમ તેમ કરી ભડકેલા ઘોડાઓને બહાર કાઢ્યા. ઘણા ઘોડાઓ દાઝી ગયા. રાજાને ઘોડા ખૂબ વહાલા હતા. એણે નગરમાં ઢંઢેરો પેટાવી વૈદોને ભેગા કર્યા. વૈદોએ ઘોડાને તપાસ્યા અને અંતે વૃદ્ધ વાંદરાએ કહ્યું હતું એવો જ નિર્ણય લીધો કે ઘોડાઓને તાત્કાલિક બચાવવા વાંદરાઓના હાડકાના ચૂર્ણ થી બનેલો મલમ લગાવો તો દાઝેલા ઘોડાઓની ચામડી પહેલા જેવી થઈ જાય.

રાજાએ આ ઉપચારનો અમલ કરવા હુકમ કર્યો. તંદુરસ્ત વાંદરા શોધવા ક્યાં જવું? સમય પણ ઓછો હતો. રાજાએ પોતાના પાળેલા વાંદરાઓને મારી નાખવાની સંમતિ આપી. થોડી જ વારમાં બધા વાંદરાઓને મારી નાખવામાં આવ્યા. વૃદ્ધ વાંદરાએ બધાને ચેતવેલા પણ સુખના મોહમાં અંધ બનેલા વાંદરાઓએ એની વાત માની નહીં અને આખરે કમોતે મરવું પડ્યું.