હિતોપદેશની વાર્તાઓ - 38 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 38

38.

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને ત્યાં સંતાન નહોતું એટલે બ્રાહ્મણી જાતજાતના વ્રત કરે. અંતે એની આશા ફળી. એ ગર્ભવતી બની. હવે બ્રાહ્મણના ઘર પાસે એક નોળીયા નું દર હતું. નોળિયાનું કુટુંબ પણ બ્રાહ્મણના ઘર સાથે મળી ગયું હતું. આખો દિવસ એ ઘરમાં જ હોય. બ્રાહ્મણીએ જે દિવસે બાળકને જન્મ આપ્યો એ જ દિવસે નોળિયાને પણ બચ્ચું જન્મ્યું. આથી બ્રાહ્મણીને નોળીયા અને બચ્ચા પર ઘણું હેત. એ રોજ બચ્ચાની દેખરેખ રાખે, દૂધ પાય. બાળકની સાથે એને ઉછેરે. બ્રાહ્મણે પોતાના દીકરાનું નામ શંકર પાડ્યું. શંકર અને નોળીયા નું બચ્ચું સાથે મોટા થયા. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. બંને સાથે રમે, સાથે રહે. એક દિવસ બ્રાહ્મણી કુવે પાણી ભરવા ગઈ. ઘરમાં કોઈ નહોતું. શંકર અને નોળીયાનું બચ્ચું બંને રમતાં હતાં. એવામાં ક્યાંકથી એક સાપ ઘરમાં ઘૂસી આવ્યો અને શંકરને રમતો જોઈ સાપ એ તરફ ગયો. નોળીયાએ સાપને જોઈ લીધો એટલે એ સાફ પર તૂટી પડ્યો. બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ. નોળિયો નાનો હતો પણ પોતાના મિત્રને બચાવવા એ જીવ પર આવી લડતો હતો. શંકર દુર બેઠો એ જોયા કરતો હતો. થોડીવારમાં નોળિયાએ સાપ ના ગળે બચકું ભરી દીધું અને એનું માથું ધડથી જુદું પાડી દીધું. સાપ મરી ગયો. નોળિયો થાકી ગયો એટલે એ ધીમા પગલે પોતાના દર તરફ જવા ઘરની બહાર નીકળ ગયો. ત્યાં રસ્તામાં બ્રાહ્મણી પાણીનું બેડું માથે મૂકી આવતી હતી. એણે નોળીયાને જોયો. એને બોલાવ્યો. શંકરની માને આવેલી જોઈ નોળિયો ખુશ થયો અને એને વધાઈ કહેવા સામો ગયો. બ્રાહ્મણીની નજર નોળીયા નાં મોં પર પડી. એનું મોં લોહીથી ભરેલું હતું. એણે ઘર તરફ નજર કરી. નોળીયાનાં પગલાની છાપ લોહી વાળી હતી એટલે એના મનમાં ધ્રાસ્કો પડ્યો. જરૂર રમતમાં અને રમતમાં આ નોળિયાએ મારા દીકરાને બચકું ભરી લીધું હશે એમ વિચાર્યું. નોળિયો એના પગ પાસે આવી પોતાનું લોહીવાળું ઊંચું કરી કંઈ કહેવા ગયો ત્યાં બ્રાહ્મણીએ માથા પરનું બેડું નોળિયા પર ફેંક્યું. નોળિયો ત્યાં જ ચગદાઇ ને મરી ગયો. અંદર જઈને જુએ તો શંકર તો એક ખૂણામાં રમતો હતો. એના ઘોડિયા પાસે જ મરેલો સાપ પડ્યો હતો. સાપનું માથું જુદું પડેલું હતું એ જોઈને બ્રાહ્મણીએ ચીસ પાડી. એને ખ્યાલ આવી ગયો કે નોળિયાનું મોં પોતાના દીકરાનાં લોહીથી નહીં પણ આ સાપના લોહીથી ખરડાયેલું હતું. એણે જોયા વગર, વિચાર્યા વગર વફાદાર નોળિયાને મારી નાખ્યો. એણે પોતાના પર કેટલો મોટો ઉપકાર કર્યો! એ ન હોત તો સાપ એના દીકરાને કરડી જાત. એણે જાનની બાજી લગાવી આટલા મોટા સાપને માર્યો હતો પણ પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી? વીતેલી ક્ષણ થોડી પાછી આવે?