36.
એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. યજમાનવૃત્તિ કરી એ પોતાનું જીવન જીવતો હતો. એના યજમાનો બહુ ઓછા હતા અને જે હતા એ ખાસ પૈસાદાર નહોતા એટલે માંડમાંડ એના ઘરને પેટ પૂરતું ખાવા મળતું. ગામમાં કામ નહીં હોય ત્યારે એ ચારેય બાજુ નાના ગામોમાં પણ જતો. તે ચાલતો ચાલતો દૂરના ગામમાં જાય અને યજમાનવૃત્તિ કરે. એની ગરીબાઈ પાછળ બીજું પણ કારણ હતું. એ ભોળો હતો અને બુદ્ધિ પણ ઓછી. એને કોઈ ગણકારે નહીં. કામ પણ બીજા ચતુર બ્રાહ્મણો ખેંચી જાય.
એક દિવસ એ બાજુના ગામમાં એક ખેડૂતને ત્યાં યજ્ઞ કરવા ગયો. યજમાન જુનો હતો પણ તેની ખાસ આવક નહીં એટલે જેમ તેમ કરીને એણે બ્રાહ્મણને એક બકરી દાનમાં આપી. બ્રાહ્મણ માટે તો આ પણ ઘણું હતું. એ તો ખુશખુશ થઈ ગયો. એણે વિચાર્યું કે મારાં છોકરાં દૂધ વગર ટળવળતાં હતાં. હવે હું એ લોકોને ગાયનું નહીં પણ બકરીનું દૂધ તો પાઈશ.
એ તો બકરી લઈ ગામ તરફ જવા નીકળ્યો. બકરી દોડાદોડ કરતી હતી. એણે બકરીને બે પગ બાંધી પોતાને ખભે રાખી.
બન્યું એવું કે એક ઝાડ નીચે બેઠેલા ત્રણ ઠગે આ બકરી ઊંચકીને જતા બ્રાહ્મણને જોયો એટલે પહેલો કહે 'વાહ, કેટલી સુંદર બકરી છે? એ પણ આવા મૂર્ખ બ્રાહ્મણ પાસે એ તો આપણી પાસે હોવી જોઈએ.'
'હા. આજે તો આ બકરી પડાવી જ લઇએ. કકડીને ભૂખ લાગી છે અને દૂર સુધી કોઈ ગામ નથી. મારાથી તો ભૂખ્યા નથી રહેવાતું. ચલાય એમ પણ નથી. આ બકરી મળી જાય તો અહીંયા જ મારીને ખાઈ જઈએ.'
'અરે એમ વાત છે? ચાલો આપણે રસ્તો કરીએ. મારી પાસે યુક્તિ છે. જુઓ સાંભળો' કહી ત્રણેય ઠગે બ્રાહ્મણની બકરી પડાવવા યુક્તિ કરી.
ત્રણેયે પોતપોતાના વેશમાં થોડો ઘણો ફેરફાર કરી નાખ્યો. એકે વાણીયા જેવો દેખાવ કર્યો. બીજાએ બ્રાહ્મણ જેવો, ત્રીજાએ સિપાઈ જેવો. ત્રણેય બ્રાહ્મણની પાછળ પડ્યા. બ્રાહ્મણની નજીક આવ્યા એટલે બે જણ ધીમા પડ્યા અને વાણિયો બનેલો ઠગ આગળ આવ્યો.
એ પહેલાં બ્રાહ્મણ પાસે પહોંચી ગયો.
" અરે મહારાજ, તમે તો કર્મકાંડી બ્રાહ્મણ છો અને આ ખભા પર શું લઈ જાવ છો?"
" કેમ, એ બકરી છે. મારા યજમાને દાનમાં આપી છે."
"શું કહ્યું? આ તમારા ખભા પર બકરી છે?"
" કેમ તમને શું દેખાય છે?" "મહારાજ, મારા જેવા ગરીબની મશ્કરી ન કરો. તમે કર્મકાંડી બ્રાહ્મણ થઈ ગંદુ કૂતરું ખભા પર લઈને જાવ એ સારું નહીં."
" અરે ભાઈ, આ કુતરો નથી. બકરી છે."
" મહારાજ, આ ગંધાતું કુતરું તમને એટલું બધું વહાલું કેમ છે? તમે એને ખભે લઈને ફરો છો."
" અરે ભાઈ, તમને દેખાતું નથી? એ કૂતરું છે. બકરી નથી."
" બકરી છે."
" મારે શું? મને તો જે લાગ્યું એ કહ્યું. ભલે તમે કૂતરું કેમ કહો છો. ખબર નહીં. જાઓ." કહીને ઠગ આગળ નીકળી ગયો. બ્રાહ્મણ એને જતો જોઈ રહ્યો પછી મોં બગાડી આગળ ચાલ્યો.
"ખરા માણસો છે. બકરીને કુતરું કહે છે. આંધળો સાજો સમો એને ઘેર પહોંચે તો સારું.' કહી બ્રાહ્મણ આગળ ગયો.
થોડી વાર થઈ ત્યાં બીજો ઠગ આવી પહોંચ્યો. એણે જ્યોતિષી જેવો વેશ પહેર્યો હતો. એ તો ઝડપથી ચાલતો હતો પછી બ્રાહ્મણને જોઈ સાથે થવું હોય એમ ધીમો પડ્યો.
" મહારાજ, ક્યાં જાઓ છો?"
" મારે ઘેર જાઉં છું. કેમ?"
"સારું. મને રજા આપો તો એક વાત પૂછું. " તે વિનયપૂર્વક બોલ્યો.
" હા, કહો ને?"
" તમારો ચહેરો જોતાં લાગે છે કે તમે જાણતા નથી, કોઈ પ્રાણી કરડવાથી તમારું મોત થવાનું છે. તમે આ શિકારી કૂતરાને ખભે નાખી જાવ છો એ જોઈ મને ચિંતા થાય છે. આ કૂતરો તમને વહાલો છે પણ મહેરબાની કરી એને નીચે ઉતારી લો. એ કરડશે તો તમારું મૃત્યુ થશે. ચાલો રામરામ."
એમ કહી બીજો ઠગ નીકળી ગયો.
બ્રાહ્મણ વિચારમાં પડ્યો. "યજમાને તો બકરી આપી હતી. બકરી આમતેમ દોડાદોડી કરતી હતી એટલે મેં એના પગ બાંધી નાખી પણ એ કૂતરું કેવી રીતે હોઈ શકે? બે માણસોને કુતરો દેખાય ને મને બકરી? ચાલો, જોઈ લઉં." એણે બકરી ખભા પરથી ઉતારી ધ્યાનથી જોયું તો બકરી જ હતી પણ એક જૂઠ હોય તે સમજી શકાય. બે જણ જૂઠું બોલે ? બ્રાહ્મણના મનમાં થોડી ગૂંચવણ પેદા થઈ પણ તે હિંમત કરી બકરી ખભે નાખી ચાલવા માંડ્યો.
ત્યાં ત્રીજો ઠગ આવી પહોંચ્યો. એણે સિપાહી જો વેશ બનાવ્યો હતો. એ બ્રાહ્મણ તરફ જોઈ ખડખડાટ હસી પડ્યો અને કહે " મહારાજ, ભાંગ પીને નીકળ્યા છો કે અફીણ ખાઈને?"
" કેમ શું થયું ?"
"ભાઈ, તમારા ખભા પર બેસાડવા બીજું કંઈ નહીં ને કુતરું મળ્યું?"
" શું આ કૂતરું છે?"
" હા મહારાજ. ચોક્કસ તમને ભાંગ બરાબર ચડી છે. આ કૂતરું આમ પણ કેવું ગંદુ છે? મોંમાંથી લાળ પડે છે દેખાવ પરથી હડકાયું લાગે છે. ક્યાંક કરડી જશે તો કમોતે મરશો. ચાલો રામરામ." આમ કહી ત્રીજો ઠગ આગળ ચાલ્યો ગયો.
પણ બ્રાહ્મણ ડરી ગયો. 'ચોક્કસપણે કંઈ ભુતાવળ જેવું બેસી ગયું લાગે છે. મેં નશો કર્યો નથી પણ મને બકરી દેખાય છે અને બીજાને કૂતરું. ચોક્કસ કંઈ વળગાડ લાગે છે.' એમ વિચારી એણે તો બકરીને છૂટી મૂકી દીધી અને ત્યાંથી જીવ લઈને નાઠો. એ દેખાતો બંધ થયો એટલે ઝાડ પાછળ બેઠેલા ત્રણે ઠગ બહાર આવ્યા અને બકરી ઊંચકી ચાલતા થયા, પોતાના ભક્ષણ માટે.