32.
એક નગરમાં રાજશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રાજ્ય નાનું પણ સમૃદ્ધ હતું. લોકો સુખી હતા. રાજા સારો હતો પણ બીકણ હતો.
એક વખત એવું બન્યું કે રાજાનો હજામ મહેલમાંથી કીમતી વાસણોની ચોરીના આરોપસર પકડાઈ ગયો. હકીકતમાં એ નિષ્ઠાથી ફરજ બજાવતો હતો. એણે કોઈ દિવસ ખોટું કર્યું નહોતું પણ કર્મ સંજોગોએ જ્યાંથી કીમતી વાસણોની ચોરી થઈ ત્યાંથી છેલ્લો એ જ પસાર થયેલો પહેરેગીરે એને જોયેલો રાજસેવકોએ એના ઘરની તલાશી લીધી પણ કાંઈ મળ્યું નહીં.
સંજોગો એવા હતા કે એણે ચોરી કરી હોય એવું જ લાગે એટલે કાયદા મુજબ રાજાએ એને માથું મુંડાવી પચાસ ફટકાની સજા કરી. સજાનો અમલ કરવાના સમયે હજામને ટકોમુંડો કરી જાહેરમાં પચાસ ફટકા મારવામાં આવ્યા.
હજામને સજા મળી પણ રાજાએ પોતાનો એક દુશ્મન ઊભો કરી લીધો. પોતે નિર્દોષ હોવા છતાં સજા થઈ એથી એને ખૂબ લાગી આવ્યું એણે મનોમન પોતાના અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. એ ખૂબ ચતુર હતો અને રાજા ડરપોક છે એ વાતની એને જાણ હતી. એટલે એણે પોતાના અપમાનનો બદલો લેવા અને રાજા ને હેરાન કરવા એક યુક્તિ કરી.
નગરના પાદરે એક ડુંગર હતો. ડુંગર વેરાન હતો. ઉપર જંગલ હતું. કોઈ ત્યાં જતું નહીં.
હજામ એક રાતે કોઈ મંદિરમાંથી મોટો ઘંટ ચોરી લાવ્યો અને એ લઈ ડુંગરની ટોચ પર પહોંચી ગયો.
ત્યાં એક મોટા વડના ઝાડ પર ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. એણે એક ડાળ પર ઘંટ બાંધી દીધો અને અંદર લટકતી લાકડી સાથે લાંબુ દોરડું બાંધ્યું. પછી ચૂપચાપ નીચે ઉતર્યો.
સવારે બધા વાંદરા જાગ્યા. એકના હાથમાં દોરડું આવી ગયું એટલે ઘંટ વાગી ઉઠ્યો. પહેલાં તો વાંદરા ડરીને ભાગ્યા પછી એમને આ રમત થઈ ગઈ અને ઘંટ જોરજોર થી વગાડવા માંડ્યા.
ઘંટ એટલો મોટો હતો કે એનો અવાજ નીચે નગરમાં પણ સંભળાવા લાગ્યો. પહેલા તો લોકોએ ધ્યાન આપ્યું નહીં પણ પેલા હજામે એવી અફવા વહેતી મૂકી કે ડુંગર પર ઘંટાસુર નામનો રાક્ષસ આવ્યો છે. એ આખો દિવસ ઘંટ વગાડે છે. થોડા સમયમાં એ નગર પર હુમલો કરશે અને રાજાને મારી નાખી પોતે રાજા બની જશે.
પહેલાં લોકોએ આ અફવાને હસી કાઢી પણ દિવસો સુધી ઘંટ વાગવાનો અવાજ આવતો રહ્યો. કોઈ સામાન્ય માણસ આટલી બધી વાર વેરાન જંગલમાં ઘંટ વગાડે નહીં એટલે અફવાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. વાત ફરતી ફરતી રાજાને કાને પહોંચી ગઈ. રાજા તો ડરી ગયો. આમે પોતે બીકણ, એમાં નગરને માથે અને પોતાના જીવ પર રાક્ષસની આફત. એની તો ઊંઘ હરામ થઈ ગઈ. રોજ સભા ભરી વિચાર કરે કે રાક્ષસની આફતમાંથી કેવી રીતે છૂટવું ?
ઘણા સારા માણસોએ ડુંગર પર જઈ રાક્ષસ પર હુમલો કરવાનું સૂચન પણ કર્યું.રાક્ષસને છંછેડવામાં સાર નહીં. કદાચ રાક્ષસ બચી જાય તો પછી રાજાને જીવતો તો ન રહેવા દે. આમ જાતજાતના વિવાદ થયા પણ કોઈ ઉપાય ન જડ્યો.
આ તરફ હજામ ખુશ થઈ ગયો. એના જીવને ટાઢક વળી. જાહેરમાં એને સજા મળેલી એટલે એનો ધંધો બંધ થઈ ગયેલો. કોઈ એની પાસે હજામત કરાવતું નહીં. પોતાની ગરીબી દૂર કરવા માટે એણે આ તકનો લાભ લેવાનો વિચાર કર્યો. એ પહોંચ્યો રાજા પાસે. દરબારમાં ઉભી કહે "મહારાજ, તમે ભલે મને ચોર સમજી સજા કરી પણ હું ચોર નથી. આપનો સેવક છું. તમારા માથે મોટી આફત આવી પડી છે એ જાણી મારાથી રહેવાયું નહીં એટલે હું તમારી સમક્ષ હાજર થયો છું. મેં સાંભળ્યું છે કે બધા તમને ઘંટાસુર રાક્ષસ પર ચડાઈ કરવાની સલાહ આપે છે પણ એવું કોઈ પગલું ભરશો નહીં. રાક્ષસ છંછેડાયો તો નગરમાં કોઈને જીવતા નહીં રહેવા દે. તમે આજ્ઞા આપો તો હું તમને આફતમાંથી છૂટવાનો રસ્તો બતાવું."
"તું જો મને આફતમાંથી બચાવીશ તો હું તને ભારોભાર સોનું ઇનામમાં આપીશ." રાજાએ વચન આપ્યું.
"મહારાજ, ઇનામ કરતા પણ મને તમારા જાનની વધારે ચિંતા છે. હજામે કહ્યું. "મેં સાંભળ્યું છે કે રાક્ષસો બહુ ક્રૂર હોય છે પણ બુદ્ધિ વગરના. તમે આજ્ઞા આપો તો હું યુક્તિ વાપરી એને ભગાડી મૂકું." "તારે જે કંઈ મદદ જોઈએ એ તને મળશે. તું અત્યારે કાર્યનો આરંભ કર."
" જેવી આજ્ઞા મહારાજ." કહી હજામે સોનાનો મુગટ અને સોનાની તલવારની માગણી કરી. રાજાએ પણ તે હાજર કરી. હજામે દેવતાનો વેશ ધારણ કર્યો અને ઘંટાસુર રાક્ષસને મારવા એ ડુંગર ચડવા લાગ્યો. આખું ગામ એને પાદર સુધી વળાવવા આવ્યું પણ ડુંગર ચડવાની હિંમત કોઈએ કરી નહીં.
હજામ એકલો પડ્યો એટલે ડુંગર પર ચડી સુધી ગયો અને એક ઝાડની છાયામાં તલવાર મુગટ એક તરફ મૂકી નિરાંતે ઊંઘી ગયો.
રાત પડવા આવી એટલે ઉભો થયો અને ઉપર તરફ ચડવા લાગ્યો. જે ઝાડ પર ઘંટ બાંધ્યો હતો એની પાસે પહોંચ્યો ત્યારે મોડી રાત થઈ હોઈ વાંદરાઓ પણ ઝંપી ગયા હતા. જરા પણ અવાજ થાય નહીં એ રીતે એણે ઝાડની ડાળી પરથી પેલો ઘંટ ઉતારીને ચૂપચાપ ડુંગર નીચે ઉતરવા માંડ્યું. પાછો અડધે પહોંચ્યો એટલે એક ઝાડ પાસે આરામ કરવા આડો પડ્યો અને સવાર પડવાની રાહ જોવા લાગ્યો.
સવાર પડી એટલે એણે ઘંટ લીધો અને ગામ તરફ ચાલી નીકળ્યો. નગરમાં દૂરથી ઘંટ સાથે એને આવતો જોઈ લોકો હર્ષઘેલા બની ગયા અને એને ઊંચકી લીધો. જોતામાં મોટું ટોળું ભેગું થયું અને એને ખભા પર ઊંચકી લોકો રાજમહેલમાં લઈ આવ્યા.
રાજાને એના આગમનની જાણ થઈ એટલે એના સ્વાગત માટે તેઓ દ્વાર પર આવ્યા. હજામે પેલો ઘંટ રાજાના ચરણોમાં મૂક્યો અને પોતે રાક્ષસને કેવી રીતે ભગાડી મૂક્યો એ વિશે બનાવેલી વાતો સંભળાવી. રાજા તો એ સાંભળી ખુશીખુશી થઈ ગયો. એને તેના વજન જેટલું સોનું ઇનામમાં આપ્યું અને પોતાના દરબારમાં ઊંચો હોદ્દો પણ આપ્યો. આ હતી બુદ્ધિની કરામત.