હિતોપદેશની વાર્તાઓ - 24 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 24

24.

આમ તો શિયાળ જંગલમાં જ રહે પણ એક શિયાળ ફરતું ફરતું ગામમાં પહોંચી ગયું. આમ તો રાત હતી એટલે કોઈએ એને જોયું નહીં પણ એક કૂતરાની નજર એના પર પડી. પછી તો કૂતરાઓનું ટોળું એની પાછળ પડ્યું. શિયાળ ચમકીને આમતેમ નાસવા માંડ્યું. અચાનક દોડતાં દોડતાં એની નજર એક પીપ પર પડી. એને થયું સંતાવાની આ સારી જગ્યા છે એટલે તેમાં કુદી પડ્યો.

કુતરાઓ તો ભસતા ભસતા આગળ નીકળી ગયા પણ શિયાળની દશા બેઠી. એ પીપ એક રંગરેજનું હતું. એણે કપડાં રંગવા માટે તેમાં લીલો રંગ પલાળ્યો હતો. શિયાળ તો જેવો પડ્યો એવો આખા શરીરે રંગાઈ ગયો. રંગ એકદમ પાકો હતો. પહેલા તો એને ખ્યાલ આવ્યો નહીં. પાણી જેવું લાગ્યું એટલે અંદર બેસી રહ્યો. કુતરાઓ આજુબાજુ ભસ્યા કરતા હતા એટલે નાસવાની તેની હિંમત થઈ નહીં.

સવાર પડવા આવી એટલે કુતરાઓ શાંત થઇ ઝંપી ગયા અને શિયાળ બહાર નીકળ્યું. તરત જંગલ તરફ ભાગ્યું.

ગામ છોડ્યા પછી એ જરા ધીમું પડ્યું અને શ્વાસ ખાતું ધીમે ધીમે ચાલવા લાગ્યું. અચાનક એની નજર પોતાના શરીર પર પડી. શરીર એકદમ નીલું બની ગયું હતું. પહેલા તો એ ચમક્યું. પાસેના સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તે નખશિખ લીલું બની ગયું હતું. આ જોઈ એને ખૂબ દુઃખ થયું. હવે શું કરવું? રંગ કાઢવા તે સરોવરમાં પડ્યું પણ રંગ તો સુકાઈ ગયો હતો અને પાકો હતો એટલે નીકળ્યો નહીં. એ તો નિસાસા નાખતું જંગલ તરફ ગયું.

પણ જેવું જંગલમાં પેઠું કે બધા પ્રાણીઓ તેને જોઈ ભાગવા લાગ્યાં. બધાને થતું કે આ લીલા રંગનું પ્રાણી કોણ ? એટલે બધા ડરીને ભાગી જવા લાગ્યા. શિયાળ ઉસ્તાદ હતું. એને ખ્યાલ આવી ગયો કે બધા તેનો રંગ જોઈ તેનાથી ડરે છે.

' તો મારે આનો લાભ ઉઠાવવો જોઈએ ' એમ કહી એણે ભાગતાં પ્રાણીઓને થોભાવી એક સભા ભરી અને જાહેર કર્યું. "હે મારા વહાલા પ્રાણીઓ? મને જગતના પિતા બ્રહ્માજીએ પેદા કર્યો છે. એની વનદેવીએ અહીંનું રાજ્ય સંભાળવાની મને વિનંતી કરી છે. માટે હું તમારા સૌ પર રાજ કરવા આવ્યો છું. આજથી હું અહીંનો રાજા છું. મારી આજ્ઞા મુજબ સૌ કામ કરો. જે અનાદર કરશે તેને એક ક્ષણમાં બળી જવું પડશે." બધા પ્રાણીઓએ ગભરાઈને એને રાજા તરીકે સ્વીકારી લીધો. એણે સિંહને મુખ્યપ્રધાન બનાવ્યો અને વાઘ, ચિત્તો વરૂ જેવા હિંસક પ્રાણીઓને પોતાના અંગરક્ષક નિમ્યાં. એણે ફરમાન કાઢ્યું કે જંગલમાંથી બધા જ શિયાળને હાંકી કાઢો. એ લોકો બહુ લુચ્ચા હોય છે અને રાજ્યમાં અંધાધુંધી ઉત્પન્ન કરતા હોય છે. આમ શિયાળની લુચ્ચાઈનો બધાને કોઈને કોઈ અનુભવ થયેલો એટલે બધા ખુશ થઈ ગયા અને શિયાળોને જંગલમાંથી હાંકી કાઢ્યા. હવે એને કોઈ ઓળખી શકે એમ નહોતું.

એકલું શિયાળ તેને ઓળખી શકે એટલે એણે બધાને ભગાડી મૂક્યાં. રંગીન શિયાળ મોજથી જંગલનું રાજ્ય કરવા માંડ્યું. રોજ એના અંગરક્ષકો એના માટે શિકાર કરી લાવે. એનું પેટ તો નાનું એટલે પોતે થોડું ખાય અને બાકીનું બધું વહેંચી દે. આથી એના હાથ નીચેનાં પ્રાણીઓ પણ ખુશ થઈ ગયાં. ફક્ત શિયાળ તેના દુશ્મન બની ગયા. બધાને જંગલની બહાર કાઢી મુકેલા એટલે એની આસપાસ તો કોઈ આવતું નહીં. એક શિયાળ ને લાગ્યું કે વાતમાં કોઈ ભેદ છે. તે ચતુર હતું. એને શંકા પડી કે આમાં કોઈ રહસ્ય છે. એકલા શિયાળને જ કેમ કાઢી મુક્યા? આથી તે છુપાઈને રંગીન શિયાળની આજુબાજુ ફરવા લાગ્યું. તક મળે ત્યારે તે રંગીન શિયાળની ગતિવિધિઓ પર ધ્યાન આપવા લાગ્યું. થોડા દિવસમાં તેની શંકા દ્રઢ બની. રંગીન રાજાની ગતિવિધિઓ શિયાળ જેવી જ હતી. એનો દેખાવ પણ શિયાળને મળતો હતો પણ એને ખુલ્લો કેવી રીતે પાડવો? શિયાળે પોતાના ટોળામાં અને બે ચાર સાથીદારોને પોતાના મનની વાત કરી. બધાએ મળી એક યુક્તિ શોધી કાઢી.

ઠંડીની રાહ હતી. ઠંડી રાતે શિયાળ પોતાના જાતિના સ્વભાવ પ્રમાણે હુકી હૂકી બોલે, એવી ચીસો પાડે. એ રાતે બધા લપાતા છુપાતા રંગીન રાજાના રહેઠાણ પાસે ગયા. એકસાથે ઉકી ઉકી ચીસો પાડવા લાગ્યા. રંગીન શિયાળ ઊંઘતો હતો. તે જાગી ગયો. તેને ઠંડી લાગતી હતી અને એમાં નવા અવાજો સાંભળ્યા એટલે વિચાર કર્યા વગર એણે મોટેથી તેઓના સૂરમાં સૂર પુરાવવા માંડ્યો.

જેવું હુકી હુકી લાળી કરી એટલે સિંહ વાઘ વરૂ બધા ચમક્યા. એ લોકોને ખ્યાલ આવી ગયો કે રંગીન પ્રાણી તો શિયાળ છે.

શિયાળને પણ ખ્યાલ આવ્યો કે આ તો બફાઈ ગયું. બૂમ મારવાના શોખમાં એનો ભેદ ઉઘાડો પડી ગયો. હવે એને કોઈ છોડશે નહીં.

એ તો આમતેમ જોઈ નાસવા માંડ્યું. ત્યાં સિંહે છલાંગ મારીને એને ઝડપી લીધું અને ત્યાં જ પૂરું કર્યું. આમ રંગીન શિયાળનો ખોટા વેશે રાજ કરવાને કારણે આખરે ખુલ્લા પડી જતાં અંત આવ્યો.