17.
દમનકે નવી વાર્તા શરૂ કરી.
એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે ગુફામાં આરામથી પડ્યો રહેતો પણ એક દિવસ અચાનક એક મુસીબત આવી પડી. રાતના એની કેશવાળી થોડી કપાઈ ગઈ. સિંહની શોભા તો કેશવાળી. એને આગળથી દેખાય એવી રીતે કોઈ કાતરી ગયું હતું. સિંહ ગુસ્સે થઈ ગયો. રાત પડી. એ જાગતો બેઠો. પણ એ જાગતો બેઠો ત્યાં સુધી કોઈ આવ્યું નહીં. પછી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને જુએ તો બીજી જગ્યાએથી કેશવાળી કતરાઈ ગઈ હતી. એ તો હેરાન પરેશાન થઈ ગયો. રોજ સવારે ઉઠીને જુએ તો કેશવાળી કપાઈ ગઈ હોય. આમ કેશવાળી ખૂબ નાની થઈ ગઈ. હવે એને ચિંતા પેઠી. રોજ તે ઊંઘે ત્યારે જ એનો દુશ્મન આવીને કેશવાળી કાતરી જાય. એ જાગતો હોય તો કોઈની તાકાત નથી કે તેની સામે આવે. તો ઊંઘમાં તે શું કરી શકે? એ ગમે એટલી કોશિશ કરે પણ ઊંઘ તો આવે જ ને! અંતે એણે પોતાના વિચિત્ર શત્રુનો સામનો કરવા કોઈની મદદ લેવાનો વિચાર કર્યો. એણે લાલચ આપીને મહામુસીબતે એક બિલાડાને પોતાની ગુફામાં આવવા તૈયાર કર્યો. બીલાડાને સિંહની બીક તો લાગે પણ જાતજાતના ખોરાકની લાલચ એને ગુફામાં ખેંચી લાવી હવે સિંહ ઊંઘે ત્યારે બિલાડો એની ચોકી કરતો. પછી રોજનો કાર્યક્રમ શરૂ થયો. સિંહ ઊંઘે ત્યારે બિલાડો ચોકી કરે. સિંહ બહાર જાય ત્યારે બિલાડો જાતજાતના ભોજન આરોગી ઊંઘી જાય. બિલાડાને મજા પડી ગઈ. રજવાડી ભોજન, જંગલના રાજા નો સાથ. સિંહની મુસીબત પણ ટળી ગઈ. હવે કેશવાળી પણ વધવા પણ લાગી. પણ એ ભેદ ખુલ્યો નહીં કે કેશવાળી કાતરી કોણ જતું હતું.
હકીકતમાં આ પરાક્રમ એક ઉંદરનું હતું. એનું દર સિંહની ગુફામાં હતું. રોજ ઉંદર સિંહની કેશવાળી કાતરી જતો હતો. પણ હવે તો એનો દુશ્મન બિલાડો જ તેની પાસે બેસી રહેતો એટલે એને પોતાના દરમાં સંઘરી રાખેલ ખોરાકથી ચલાવવું પડતું.થોડા સમયમાં ખોરાક ખલાસ થઈ ગયો. તે ભૂખે મરવા લાગ્યો. એક દિવસ તે ખોરાકની શોધમાં બહાર નીકળ્યો તેવો જ બિલાડાની નજરે ચડી ગયો. બિલાડા એ પોતાને ભાવતો શિકાર સામે આવેલો જોઈ એક ક્ષણની પણ ઢીલ કર્યા વગર ઉંદરને ઝડપી લીધો. આમ ઉંદર બિલાડાના પેટમાં પહોંચી ગયો. સિંહની મુસીબતનો કાયમી અંત આવ્યો.
સિંહને આ ખબર નહોતી તો પણ મૂર્ખ બિલાડો પોતાનું પરાક્રમ સિંહને જણાવ્યા વગર રહી શક્યો નહીં. એને એમ કે સિંહ આ વાત જાણશે ત્યારે મને મોટું ઇનામ આપશે પણ જ્યારે સિંહને ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે મારે બિલાડાની શું જરૂર? ઉંદર તો મરી ગયો એટલે મારે મુસીબત જતી રહી. પછી શા માટે એને રોજ જાતજાતના ભોજન આપી જમાડવો જોઈએ? એ જ મિનિટે એક જ ઝપાટે સિંહે બિલાડા ને મારી નાખ્યો.
વાત પૂરી કરી દમનકે કરટક ને પૂછુયું, "હવે તું જ કહે, સિંહને એના ભેદની વાત કહેવી જોઈએ? આ દુનિયામાં દરેક જણ સ્વાર્થી છે. દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાને મદદ કરે છે. એકવાર વ્યક્તિનું કામ બને એટલે પછી કોઈ ભાવ પણ પૂછતું નથી. માટે હંમેશા દરેકે પોતાનું મહત્વ જાળી રાખવું જોઈએ.
હવે બંને પેલો બળદ રહેતો હતો ત્યાં પહોંચી ગયા. બળદ આરામ કરતો હતો એની પાસે જઈ દમનકે કહ્યું "ભાઈબંધ, તુંઅહીં ક્યાંથી આવ્યો? અમે તને ક્યારેય જોયો નથી.
બળદ તાનમાં હતો એટલે ઉદ્ધતાઈથી બોલ્યો "તારે શું પંચાત ? ભાગ અહીંથી નહીતો તને ઉપર પહોંચાડી દઈશ. કરટક ડરી ગયો પણ દમનક હોશિયાર હતો. એણે કહ્યું "બળદ, તને ખબર છે? તું બાજુના ગામમાંથી આવ્યો છે પણ આ જંગલમાં કોનું રાજ ચાલે છે ? અને જંગલના કાયદા કાનૂન કેવા છે? અહીંના રાજા સિંહને ખબર પડશે તો એક ક્ષણમાં તને ફાડી ખાશે.
"પણ તમે કોણ? " બળદ સિંહ નું નામ સાંભળી ગભરાયો. એનો ગભરાટ પારખીને દમનક વધારે જોરથી બોલ્યો "અમે સિંહના મંત્રી છીએ. અમારા મહારાજની શક્તિ વિશે તું જાણતો નહીં હોય.એ રોજ તારા જેવું એક પ્રાણી મારી ખાય છે. તારી ભલાઈ એમાં જ છે કે તું મહારાજના દરબારમાં હાજર થા અને માફી માંગ."
" પણ સિંહ મને મારી નાખે તો?" બળદ ખૂબ ગભરાયો.
"અમારા પર ભરોસો રાખ. અમે મહારાજના મંત્રીઓ છીએ. અમે કહીએ તેમ તું કરીશ તો તારો વાળ વાંકો નહીં થાય. જંગલરાજનો નિયમ છે કે નવું આવે તેણે મહારાજના દરબારમાં હાજર થવું અને એમના ચરણમાં વંદન કરી જંગલમાં રહેવાની આજ્ઞા માગવી. તું વગર આજ્ઞાએ આવી ગયો એટલે રાજા પાસે આવવું પડશે."
બળદ ઊભો થઈ આગળ ચાલવા લાગ્યો. રસ્તામાં દમનકે એને બરાબર ગભરાવ્યો અને સાથે પોતે જેમ કહે તેમ કરવાનું કહ્યું. બળદ જાણે શિયાળનો ગુલામ જ બની ગયો. સિંહની ગુફા પાસે આવીને દમનકે એને બહાર બેસવા કહ્યું. બંને જણા સિંહ પાસે પહોંચ્ય તેને આવતા જોઈ સિંહ ખુશ થયો.
" કેમ મંત્રીઓ, પેલા ભયંકર જાનવર ના કઈ સમાચાર?"
" હા મહારાજ. તમે એનો ડર મનમાંથી કાઢી નાખો." "શું વાત કરો છો? તમે એને મળી આવ્યા?"
" હા મહારાજ. અમે એને મળી પણ આવ્યા અને સાથે લઈ પણ આવ્યા છીએ. એ છે તો બહુ બળવાન પણ અમે તમારી શક્તિના ગુણગાન ગાઇને એને ડરાવી મૂકયો છે અને તમારા શરણે આવવા સમજાવ્યું છે. એ બહાર બેઠો છે. અમે એને કહ્યું કે જો તે શરણે આવશે તો તેને મિત્ર બનાવી દેશે. એટલે એ શાંતિથી બહાર બેઠો છે. હવે તમે જરા પણ ગભરાટ વગર બહાર આવો. એની સાથે વાતચીત કરો પણ સાવધાન રહેજો. એને ખ્યાલ આવવો જોઈએ નહીં કે તમે એનાથી ડરી ગયા છો. એ બહુ બળવાન છે માટે તમે હોશિયારી થી કામ કરશો તો વાંધો નહિ આવે."
સિંહ ગભરાતો ગભરાતો ધીમે રહીને બહાર નીકળ્યો. બહાર જઈને જોયું તો ખૂંખારો ખાતો બળદ બેઠો હતો સિંહને જોઈને બળદ ઉભો થયો. બંને એકબીજાથી ગભરાતા હતા પણ મંત્રીઓની ચાલાકી અને બોલવાની છટા થી એકબીજા સામે ઊભા રહ્યા બંનેએ એકબીજાને ખબર અંતર પૂછી દોસ્તીનો સંબંધ બાંધ્યો. આમ મંત્રીઓને બંને તરફથી શાબાશી મળી અને પોતાની અજ્ઞાનતાની લીધે એકબીજાને મિત્ર બની સાથે રહેવા લાગ્યા.