હિતોપદેશની વાર્તાઓ - 12 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 12

12.

તળાવને કિનારે ત્રણ મિત્રો - કાચબો, ઉંદર અને કાગડો આનંદ થી રહેતા હતા. ત્યાં એક દિવસ એક હરણ ભાગતું ભાગતું આવ્યું અને સીધું તળાવમાં ઘૂસી ગયું. અચાનક એને આવી પડેલું જોઈ ઉંદર દરમાં ભરાઈ ગયો, કાગડો ઝાડ પર બેસી ગયો અને કાચબો તળાવમાં ચાલ્યો ગયો. થોડીવાર રહીને હરણ શાંત પડ્યું એટલે પાણીની બહાર આવ્યું. ઉંદર અને કાચબો પણ બહાર આવ્યા.

કાગડો આમતેમ નજર નાખતો ધીમેથી નીચે આવ્યો.

કાચબાએ હરણ પાસે જઈ પૂછુયું " કેમ ભાઈ ?તું એટલો ગભરાયેલો કેમ છો? અહીં ડરવા જેવું નથી. શાંતિથી પાણી પી લે."

"અરે ભાઈ, હું શિકારીના ડરથી ભાગ્યો છું. આ જંગલમાં મારું કોઈ નથી. નથી સાથી, નથી મિત્ર. તમે લોકો કોણ છો?" ઉંદર હવે આગળ આવ્યો અને કહે"હરણભાઈ, અમે ત્રણ મિત્રો છીએ."

" તમારી વચ્ચે દોસ્તી? મેં જિંદગીમાં ક્યારેય કાગડા અને ઉંદર વચ્ચે દોસ્તી જોઈ નથી. ઉંદર તો કાગડાનો શિકાર છે."

"હા. એ નવાઈ જવું છે તો ખરું. અમે ત્રણેય જીગરજાન મિત્રો છીએ. ઘણા સમયથી અહીં એક સાથે રહીએ છીએ."

" લે, આ નવાઈ લાગે એવું છે." હરણે કહ્યું

" અમે ભલે જુદી જુદી જાતિના છીએ પણ અમારો સ્વભાવ, શોખ ગમા અણગમા બધું સરખું છે એટલે અમે ભેગા ફરી શકીએ છીએ. મિત્રો બની શક્યા છીએ.

અને ખબર છે? મિત્રો ચાર પ્રકારના હોય છે - એક પોતાનું સંતાન, બીજું સંબંધી , ત્રીજું સરખા સ્વભાવનું, ચોથું સુખ દુઃખમાં સાથ આપનાર." કાગડાએ કહ્યું.

" અરે વાહ! શિકારીના ડરે મને ભગાડી સારા લોકો વચ્ચે પહોંચાડી દીધો. મહેરબાની કરી મને પણ તમારો મિત્ર બનાવી દો ને? હું એકલો જ છું. કંટાળી ગયો છું. રોજ ઘાસ ખાવાનું અને શિકારીઓને જોઈને ભાગવાનું. મેં તો કોઈ સાથે વાત પણ કરી નથી. તમારી સાથે આટલી સુંદર વાતો કરી રહ્યો છું, સાંભળી રહ્યો છું. તમે મને મિત્ર બનાવશો? હું તમને નુકસાન નહીં પહોંચાડું." હરણે વિનંતી કરી.

"અરે, એમાં ઉપકારની વાત ક્યાં? તારા કહ્યા સિવાય પણ અમે હરણનો સ્વભાવ જાણીએ છીએ. તદ્દન ભોળા અને સીધા સાદા. મનમાં જરાય કપટ નહીં. મિત્રો બનાવવામાં અમને વાંધો નથી. આજથી તું અમારો મિત્ર." કાગડાએ તેને કહ્યું.

હરણને શાંતિ થઈ. એનો ડર ઓછો થઈ ગયો એટલે એક મોટા ઝાડ નીચે બેઠું. ત્રણેય મિત્રો એની પાસે બેઠા. કાગડાએ પૂછયું " તો તું હમણાં શિકારની વાત કરતો હતો તે જંગલમાં શિકારી છે?"

" હા. શિકારી આવી પહોંચ્યો સમજો. એક નહીં , આખું ટોળું છે. કોઈ રાજાએ પડાવ નાખ્યો છે અને બધા જંગલમાં શિકાર કરવા આવી રહ્યા છે. આખા જંગલમાં નાસભાગ થઈ છે એટલે હું અહીં જલ્દીથી આવ્યો. આજે નહિ તો કાલે એ લોકો અહીં પણ આવશે. અહીં પણ સલામતી નથી. ગમે ત્યારે આવી પહોંચશે. એ લોકો એટલા બધા છે અને શસ્ત્રસજ્જ છે કે આપણે છટકી નહીં શકીએ." હરણની વાત સાંભળી બધા ગભરાયા. કાચબો બોલ્યો "તારી વાત સાચી. એ લોકોને અહીં આવતા વાર નહીં લાગે. આપણે જીવ બચાવવો હોય તો ભાગવું પડશે. પાણી પીવા માટે પહેલો કોઈ આવશે જ અને પડાવ પણ નાખી શકે."

કાગડા અને ઉંદરે પણ કાચબાની હા માં હા ભણી. પછી કાગડાએ કહ્યું "આ અજબ મુસીબત છે. આ માણસોને ખાવાનું નહીં મળતું હોય? એ લોકો અનાજ ફળ ખાઈ શકે છે પછી શા માટે મૂંગા પ્રાણીઓને મારતા હશે?" અરે, તને ખબર નથી? એ રાજા કંઈ ખાવા માટે શિકાર નથી કરતા. તેઓ આનંદ માટે, શોખ ખાતર આપણી જેવા મૂંગાં પ્રાણીઓની હત્યા કરે છે. એમાં તેઓ પોતાની બહાદુરી સમજે છે.

"એ વાત તો સાચી. તો આપણે ભાગીને ક્યાં જઈશું?" ત્રણે મિત્રોએ પૂછ્યું.

હરણે કહ્યું " અરે ભાઈ, એમાં ડરવા જેવું શું છે? આપણી જિંદગીનું આ જ સ્વરૂપ છે. બળવાન થી બચવું. ગમે તેમ કરી પોતાનું રક્ષણ કરવું. એ માટે બુદ્ધિની જરૂર પડે. બુદ્ધિ એવું હથિયાર છે જેનાથી મોટામાં મોટા કામ ક્ષણમાત્રમાં થઈ જાય છે. તમને ખબર છે એક ઉસ્તાદ શિયાળે ગાંડા હાથીને કેવી રીતે મારી નાખેલો ?"

"શિયાળે હાથીને મારી નાખેલો?" બધાએ એકસાથે પૂછ્યું.

"હા. સાંભળો એની વાત." કહી ઉંદરે એની વાત શરૂ કરી.