હિતોપદેશની વાર્તાઓ - 7 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિતોપદેશની વાર્તાઓ - 7

7.

એટલે કાગડાએ વાર્તા કરવાની શરૂઆત કરી.

ગંગા નદીને કિનારે એક મોટું ઝાડ હતું. તેની પર ઘણાં બધાં પક્ષીઓ રહેતાં હતાં. એ પક્ષીઓની સાથે એક એકદમ ઘરડું ગીધ પણ રહેતું હતું. ગીધ ક્યાંય શિકાર કરવા જઈ શકે એમ ન હતું એટલે પક્ષીઓ પોતાનાં નવજાત બચ્ચાં તેને ભરોસે મૂકી સવાર પડે એટલે દાણા પાણી લેવા જતાં. સાંજે પાછા ફરતાં બચ્ચાંઓને ખવડાવી પેટ પૂરતું ગીધને પણ આપતાં. આમ ગીધનો નિર્વાહ થઈ રહેતો. તેમાં એક બિલાડો ક્યાંક થી પસાર થયો. તેણે જોયું કે આ ઝાડ પર ઘણાં બધાં કુમળાં બચ્ચાંઓ રહે છે. દિવસોના દિવસોનું તેનું ભોજન પોતાનું ખોરાક ગોતવાનું સંકટ દૂર કરી શકે તેમ છે. પણ ગીધની ચોકીદારી તો બરાબર હતી. કોઈ પાસે આવે તો ગીધ જોરથી પાંખો ફફડાવી તેની ચાંચ મારવા ધસતું. બિલાડાએ જોયું કે ગીધ હતું બહુ ભલું. એક દિવસ હિંમત કરી બિલાડો ઝાડ પાસે ગયો. ગીધ તરત ગુસ્સે થઈ ગયું. "અહીંથી ચાલ્યો જા નહિતર તારી ખેર નથી. હું ઘરડો છું પણ મારી પાંખમાં ખૂબ શક્તિ છે. આ બચ્ચાં મારે ભરોસે મૂકીને તેના મા બાપ ગયાં છે. તારી ભલાઈ અહીંથી દૂર રહેવામાં જ છે." બિલાડો આગળ આવવા ગયો. ગીધ વેગથી પાંખો ફફડાવતું તેની તરફ જતાં બિલાડો ભાગી ગયો. બિલાડો પીછે હઠ કરી ભાગી તો ગયો પણ તેણે રોજ મળતાં બચ્ચાંની લાલચ મૂકી નહીં. તે તરત પાછો આવ્યો અને કહે "ગીધ મામા, હું તમને મળવા આવ્યો છું. તમારા દર્શન કરી હું પાવન થઈશ."

ગીધ કહે " હમણાં તો તને કાઢ્યો. આટલી વારમાં પાછો આવ્યો? ચલ ભાગ."

બિલાડો કહે "શાંત થાઓ મામા. હું તમને દરરોજ જોઉં છું. ગંગા કાંઠે તમે રોજ સવારે પૂજા કરો છો ત્યારે કોઈ જીવડાનો પણ માંસાહાર કરતા નથી. ગીધ હોવા છતાં તમે ખૂબ પવિત્ર છો. ગંગા જેટલાં જ પવિત્ર તમારાં દર્શન છે. એટલે હું દરરોજ તમારા દર્શને આવી તમારો સત્સંગ કરીશ."

ગીધને નવાઈ લાગી પણ બિલાડો રોજ આવી એની જ પાસે બેસતો. સારી વાતો કરી ચાલ્યો જતો હતો. બચ્ચાંઓ પણ દરરોજ તેને આવતો જોઈ તેનાથી ડરવાનું નથી તેમ માની તેની નજીક રમ્યા કરતાં.

આખરે તક આવતાં બિલાડાએ કહ્યું કે હું તો રખડું છું. આ જંગલમાં વિકરાળ પ્રાણીઓ વચ્ચે મને ખૂબ ભય છે. તો ડાળી પર તમે રહો છો, નીચે એક બખોલમાં મને રાત રહેવા દો તો?"

ગીધે હા પાડી.

થોડો વખત બિલાડો પણ પક્ષીઓ ભેગો સવારે વહેલો નીકળી જઈ સાંજે પાછો આવવા લાગ્યો.

તક મળતાં જ્યારે બીજા પક્ષીઓ ન હોય ત્યારે હળવેથી એક તાજું જન્મેલું બચ્ચું ખાઈ જવા લાગ્યો. ઘણાં બચ્ચાં હોવાથી પક્ષીઓને જલ્દી ખબર પડી નહીં પરંતુ થોડા જ વખતમાં તેમને ખ્યાલ આવી ગયો. તેઓએ ગીધને કહ્યું કે અહીં કોઈ આવતું તો છે નહીં. બખોલ પણ ખાલી હોય છે. તો આ બચ્ચાંને ખાઈ કોણ જાય છે? તને ખબર હોવી જ જોઈએ. હવે બચ્ચાંઓને લઈ બિલાડો શિકાર તો દૂર જઈ કરતો અને હાડકા બખોલમાં છુપાવી દેતો. ગીધે કહ્યું મને જરાય ખબર નથી.

પક્ષીઓએ જોયું કે બિલાડો ત્યાં રહેતો ખરો પણ રાતના બખોલની બહાર સૂઈ રહેતો એટલે બિલાડાએ શિકાર કર્યો ન હોઈ શકે. તે તો સવારે પક્ષીઓની સાથે જ નીકળી જતો હતો. પક્ષીઓએ આમતેમ ગોચું તો બખોલમાંથી જ તેમનાં બચ્ચાંઓનાં હાડકાં નીકળ્યાં. તેઓ ગીધ પર ખીજાયા કે આ શિકાર તેં જ કર્યો છે. તારા સિવાય કોઈ આવતું તો છે નહીં. તું મોટો ભગત થઈ બેસે છે પણ તારા ધોળામાં ધૂળ પડી. અમારા બચ્ચાંને ખાઈ જતાં તું શરમાયો પણ નહીં. ગીધ આખરે શિકારી જાત છે. તેં જાત બતાવી. બધાં પક્ષીઓ એક સાથે ગીધ સામે થયાં. ઘરડું ગીધ લડી શક્યું નહીં અને પોતાને પાળનારા પક્ષીઓને હાથે જ મરણને શરણ થયું. ભલાઈનો બદલો તેને મોતને રૂપે મળ્યો.