5.
આ કબુતર અને હિરણ્યક ઉંદરની વાર્તા ઉપર બેઠો બેઠો કાગડો, જે આપણે જોયુ કે ઉપર બેસી જોતો હતો. તેણે જોયું કે કબૂતરો વિદાય થયાં. એ સાથે જ તે સીધો નીચે આવ્યો અને હિરણ્યક ના દર પાસે ઉભી ગયો.
"ભાઈ હિરણ્યક ઉંદર, બહાર આવ." તેણે કહ્યું.
હિરણ્યક તો દરમાં ફરીથી અંદર જતો રહ્યો. કાગડાએ ફરીથી કહ્યું "ભાઈ ઉંદર, મારાથી ડરતો નહીં. બહાર તો આવ ?
ઉંદરે બહાર ડોકું કાઢ્યું અને પૂછ્યું "કેમ ભાઈ , કોનું કામ છે ?"
કાગડો કહે "બીજા કોનું? તારું."
ઉંદર કહે "મેં તમને ક્યારે પણ જોયા તો નથી."
કાગડો કહે "ન જ જોયો હોય ને ? તમે રહો દરમાં અને હું રહું આ ઝાડ ઉપર."
"પણ તો મારી મૈત્રી કરવા આટલા વખતે તમે કેમ આવ્યા?" ઉંદરે પૂછ્યું. કાગડો કહે "ઝાડ પર હું એકલો બેઠો રહું છું. કાગડાની જાત લુચ્ચી કહેવાય એટલે મારા કોઈ મિત્રો નથી. હું તમારી અને કબૂતરની મિત્રતા અને એકબીજાને ખરેખર ઉપયોગી થવાની ભાવના જોઈ ખુબ ખુશ થયો છું અને તમારી મિત્રતા કરવા આવ્યો છું. તમે મને મિત્ર બનાવશો ને ?
ઉંદરે કહ્યું "આપણી મિત્રતા શક્ય નથી. ઘોડા અને ઘાસની ક્યારેય મિત્રતા સંભવે ખરી? ઉંદરો તમારો કાગડાઓનો ખોરાક છે જેથી હું તમારી મિત્રતા કરી શકીશ નહીં. મને મળવા આવવા માટે તમારો ખુબ આભાર. નીચે રહ્યા મારે લાયક કોઈ કામ હોય તો જરૂર કહેજો." આમ કહી ઉંદર તો દરમાં ચાલ્યો ગયો.
કાગડો કહે "હું આ જંગલમાં એકલો જ રહું છું. મારું કોઈ મિત્ર થતું જ નથી. એકલાએકલા મને જરાય ગમતું નથી. બહુ કંટાળી જાઉં છું. તો આપણી દોસ્તી થાય તો એકબીજાને કામ આવીએ. આખરે પહેલો સગો પાડોશી."
ઉંદરે ફરી ના પાડી. "જુઓ કાગડાભાઈ, આ દુનિયામાં જે લોકો સાથે રહી શકે તેમની વચ્ચે જ મિત્રતા હોઈ શકે. હું ફરીથી કહું છું કે હું તો તારો ખોરાક છું તો તું જ વિચાર કર, હું કેવી રીતે તારી દોસ્તી કરી શકું ?"
"પણ હું વચન આપું છું કે હું તમને ખોરાક નહીં બનાવું." કાગડાએ કહ્યું. "અરે ભાઈ, તને ખબર છે પેલા હરણની કેવી હાલત થઈ?" ઉંદરે કહ્યું.
"હરણની? કયા હરણની?" કાગડાએ પૂછ્યું
" એ બિચારાએ ભોળવાઈને શિયાળની દોસ્તી કરી. પછી શું થયું? તો સાંભળ એ હરણ અને શિયાળની વાત."
આમ કહી ઉંદરે કાગડાને હરણની વાત સંભળાવી.