સાચુ બોલે તે વીર Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચુ બોલે તે વીર

સાચુ બોલે તે વીર


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? બાળકો આપણાં જીવનને સદગુણોનો ભંડાર બનાવી દેવું જોઈએ. સારા ગુણો કેળવીશું તો જીવન જીવવાની મઝા આવશે. સારા ગુણોથી જ સાચુ સુખ - શાંતિ પ્રાપ્ત થાય છે. ભલે ગમે તેટલી મુશ્કેલી પડે પણ આપણે આપણાં સારા ગુણો ન છોડવા. સારા ગુણોથી જ મનુષ્યનું રક્ષણ થાય છે. સારા ગુણોથી સૌના વ્હાલાં થવાય. આવાં તો ઘણાં બધાં સદગુણો છે. પણ આજે હું સત્ય એટલે સાચું, આવો સાચા બોલાનો ગુણ કેવી રીતે કેળવાય? તેની વાત લઈને આવી છું. સાથે સાથે સત્યથી આપણને કેટલાં ફાયદા થાય છે તે જાણીએ.


સત્ય શું છે ?

સત્ય એટલે સાચું. સત્ય એટલે જ પ્રકૃતિ. સત્યમ, શિવમ્, સુંદરમ ઉકિતમાં પહેલાં જ સત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણાં શાસ્ત્રોમાં પણ એક સંસ્કૃત ઉકિત આવે છે - सत्यं वद। અર્થાત્ સાચું બોલો. સત્ય એ એક એવો ગુણ છે જેનું પાલન કરવું દરેક વખતે અઘરું બની રહે છે, પરંતુ આ ગુણ પકડી રાખવાથી સમગ્ર પ્રકૃતિ સાથે ઈશ્વર પણ આપણી મદદે આવે છે. સત્ય એટલે જ જીવન. સત્ય એ એક શુદ્ધ તત્વ છે. ખોટું બોલવાથી તે અશુદ્ધ બને છે.


નિર્ભયતાથી સત્ય બોલો :

માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને ભૂલોથી જ જીવન ઘડાય છે. ભૂલ ન થાય તો આપણે કંઈ શીખી શકતાં નથી. જે કંઈ કરે છે તેનાથી જ ભૂલ થાય છે. માટે તમે આત્મવિશ્વાસ પૂર્વક કામ કરો. કંઈપણ ભૂલ થાય તો ગભરાશો નહીં. મમ્મી પપ્પા, શિક્ષક, વડીલો કે મિત્રોથી ડરીને જૂઠું બોલવું નહીં. જૂઠું બોલશો તો ગુનો વધશે અને સત્ય બોલશો તો માફી મળશે. માટે જ ડર્યા વગર સાચું બોલો. સાચુ બોલવાથી માફી મળશે. હંમેશા સાચું બોલો. સાચુ બોલવાનો સંકલ્પ લો. સત્ય વચન તમારું રક્ષણ કરશે.


સૌની સામે સત્ય વચન:

જી હા, બાળકો!!! દરેકની સાથે સત્યતાથી વાત કરો. જૂઠું કદી ન બોલાય. માતા, પિતા, ગુરુ અને ડૉક્ટર આગળ તો કદી જૂઠું બોલાય નહીં. જો તમે ડૉક્ટર પાસે ખોટું બોલો તો ડૉક્ટર સાચું નિદાન કરી શકે નહીં. તમારો રોગ મટે નહીં ઉલટાનું તમે વધારે હેરાન થાઓ. ગુરુ આગળ ખોટું બોલો તો જ્ઞાનમાં વધારો થાય નહીં. માતા પિતા આગળ ખોટું બોલવાથી તમને પોતાને બધી જ રીતે ઘણુંબધું નુકશાન થાય છે. માટે સૌની સામે સત્ય વચનનો સંકલ્પ લેવાથી તમારે કદી ભૂલથી પણ માતા પિતા અને ગુરુ આગળ ખોટું બોલાશે નહીં.


સૌનો વિશ્વાસ કેળવે સત્ય :

સત્ય બોલવાથી બધાને ગમીએ. જો એક વાર સત્ય બોલવાનો સંકલ્પ લઈએ તો કાયમ સત્ય બોલવાની ટેવ પડી જાય છે. આપણી આસપાસ રહેતાં મિત્રો, સગાં સંબંધીઓ, શાળાનાં શિક્ષકો તથા માતા - પિતા સર્વેને આપણાં સાચા બોલાની ખબર પડે છે. દરેકને તમારાં પર વિશ્વાસ વધે છે. તમારાં માન સન્માનમાં વધારો થાય છે. ઘણાં મિત્રો બને છે. ' આ બાળક કદી અસત્ય નહીં બોલે.' આવો દ્રઢ વિશ્વાસ દરેકને થતો હોવાથી, તમારી વાત સૌ સાંભળે છે અને સમજે છે.


સત્યથી વાણીની પવિત્રતા :

આમ, વારંવાર સત્ય બોલવાથી આપણાં તન, મન, હ્રુદય અને આત્મા પવિત્ર બને છે. હંમેશા સત્ય બોલવાથી તમારી વાણી પવિત્ર બને છે. આપણી ન્યાયાલયમાં 'सत्यमेव जयते।' લખેલું હોય છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ થાય છે કે હંમેશા સત્યનો વિજય થાય છે. આ વાક્ય ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે. હિંદુ ધર્મ પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં પણ સત્યનો મહિમા ગવાયો છે. ન્યાયાલયમાં ગીતાજી પર હાથ રાખીને બોલવાનું હોય છે કે, " હું જે કંઈ બોલીશ તે સત્ય બોલીશ. " આ વાક્યને આધારે ન્યાય મળે છે. તો કુદરતની ન્યાયાલય માટે શા માટે હંમેશાં સત્ય ન બોલીએ? સત્ય જ બોલીએ. ઘણાં વર્ષો સુધી સત્ય બોલવાથી આપણી વાણી પવિત્ર બને છે. આપણાં મુખેથી બોલાયેલું વાક્ય સત્ય બની રહે છે. જે બોલીએ તે બને જ, જે માંગીએ તે મળે જ. મોટા થયાં પછી કોઈને આશીર્વાદ આપવા માટે આપણી વાણી લાયક બને છે.


બાળકો, આ સિવાય તમે સાચા બોલાં હરણાંની વાર્તા સાંભળી કે વાંચી હશે. સાચુ બોલવાથી હરણાંનો પરિવાર શિકારીથી બચી જાય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની વાત પણ તમે સાંભળી હશે. તો વ્હાલાં બાળકો, તમે જાણ્યું ને ? સાચુ બોલવાનો કેટલો બધો ફાયદો છે ? તમારી કેટલી બધી પ્રતિભા વધે છે ? તો, ચાલો આજથી જ આપણે સૌ સાચું બોલવાનો સંકલ્પ લઈએ અને એક આદર્શ માણસ બનીએ.