ધૂલો તો હરખપદૂડો (DTH) - 25 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 25

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૫ - સિલ્વર જ્યુબિલી મણકો.

આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે અમિત માટે એમની જ્ઞાતિની કુંવારી કન્યાઓ વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મીને સોંપી હતી. જોકે રસિલાબેન બે છોકરીઓને તો એ પહેલાંથી ઓળખતાં હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી સુષમા, જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ એમણે અમિત સાથે લગ્નોત્સુક મિટિંગ ગોઠવી દીધી હતી. આમ એક પાર્ટી લગ્નોત્સુક મિટિંગ સમજીને તો બીજી બિઝનેસ મિટિંગ સમજીને વાત કરી રહી હતી. એમાંથી જ સર્જાઈ રહ્યાં હતાં જબરજસ્ત ગડબડ ગોટાળા. હવે આગળ...

જે પ્રમાણે વાતો ચાલી રહી હતી ઇન્ટિરિયર ડિઝાઇનર સુષ્માની ધીરજ હવે જવાબ આપી રહી હતી. એ ભડકી, "તમે બધાં શું આવી જુનવાણી વાતો કરો છો? આપણે આપણાં ઘરમાં ગમે તે કરીએ એનાથી આડોશ પાડોશને શું લેવા દેવા! હા, એમને કોઈ તકલીફ થાય નહીં એ ધ્યાન રાખવાની જવાબદારી મારી. તમે ખોટાં ખોટાં ડરો છો. મને બધાં કાયદા કાનૂન ખબર જ છે. જો આડોશ પાડોશમાંથી કોઈ આડું ફાટ્યુ તો એને જોઈ લેવાની જવાબદારી મારી. હવે આગળ બોલો." એણે ઘરના ઇન્ટિરિયર ડિઝાઇનીંગ કોન્ટ્રાકટ ફાઇનલ કરવા માટે આટલું મોટું ટોળુ પહેલાં ક્યારેય જોયું નહોતુ. વળી જ્યાં કામ કરવાનું છે એ જગ્યાએ એને બોલાવવાને બદલે બીજાના ઘરે બે બે મિટિંગ માટે બોલાવી એ પણ એક અચરજની વાત હતી. એ એના પંદરેક વર્ષની ઇન્ટિરિયર ડિઝાઇનીંગની કારકિર્દીમાં આવો અજીબ અનુભવ પ્રથમ વખત જ કરી રહી હતી.

તો બીજી લગ્નોત્સુક ટીમ એ ચિંતામાં હતી કે આ તો હમણાંથી આડોશ પાડોશ સાથે ઝઘડા કરવા આતુર હતી. કાયદા કાનૂનની જાણકારીની જાહેરાત કરતી આ ફાયર બ્રાન્ડને રોકવી કેમ! એમ વિચારી બધાં જ ચિંતાતુર હતાં. છેવટે પિતલી વિનંતી ભર્યા સૂરે બોલી, "સુષમાબેન, ત્યાં પણ ચોક્કસ જશું પણ આજે અહીં જ વાત કરીએ? એ ઠીક રહેશે."

એમની આવી વિચિત્ર હરકતોથી હેરાન સુષમા વધુ ભડકી, "આજે આપણે નક્કી કરી ઊભાં થયાં તો મારૂ કામ એ ઘરમાં હશે કે અહીં?" એણે એક નાનકડો બોમ્બ વિસ્ફોટ કરી નાખ્યો હતો.

બંને પક્ષ પોતપોતાની રીતે સાચાં હતાં. એક રીતે જોઈએ તો વ્યવસાયીક અભિગમ મુજબ એની વાત તાર્કિક હતી પણ લગ્નોત્સુક મિટિંગ થર્ડ પાર્ટીના ધરે જ યોજાય એ વધુ વ્યવહારકુશળ વાત હતી.

જોકે ગ્રાહક ભગવાન હોય છે એમ સમજીને એણે ત્યાં જ વાતચીત કરવા તૈયારી બતાવી એટલે મામલો થાળે પડ્યો હતો. વળી એની વાત પ્રમાણે એ આજે જ વાત ફાઇનલ કરવા તૈયાર હોવાથી તેઓને આશા બંધાઈ ગઈ કે આજે 'અમિત ઠેકાણે પાડો' મિશન સફળતાને વરશે. અને આ સુષમા હવે અમિત સાથે વરશે.

જોકે હકીકત એ જ હતી કે એક પાર્ટી લગ્નોત્સુક મિટિંગ સમજીને તો બીજી બિઝનેસ મિટિંગ સમજીને વાત કરી રહી હતી. એમાંથી તો સર્જાઈ રહ્યાં હતાં આ ગડબડ ગોટાળા. એણે અમિતને નવેસરથી પૂછપરછ શરૂ કરી, 'ઘર કયા ફ્લોર પર છે? મકાન કેટલા માળનું છે? દરેક ફ્લોર પર કેટલા ફ્લેટ છે? એરિયા કેટલો છે? સોસાયટીના માનદ સેક્રેટરી સારા માણસ છે કે ખડૂસ? ફ્લેટમાં કેટલા દરવાજા બારી છે?' વગેરે.

એ ફક્ત અમિત તરફ જોઈ વાત કરી રહી હતી માટે મીનામાસી મુંઝવણમાં મૂકાયા, 'આને તો ઘરને બદલે માત્ર ફ્લેટમાં જ રસ છે પણ ગમે તેવી હોય જો મારા અમિતનું ઘર વસાવવા તૈયાર હોય તો બસ. આમ જોઈએ તો પણ પાછળથી બધું એનું જ છે ને!'

પણ એ એમ જાણવા માંગતી હતી કે જે ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનીંગ કરવાનું છે એ જોયા વગર એ ક્વોટેશન કેમ આપી શકશે! છેવટે સધકીએ ઝડપભેર બાજી હાથમાં લઈ લીધી, "જુઓ સુષમાબેન, અમે જરૂરી તપાસ કરી લીધી છે એટલે અમને તમારી દરેક શરત મંજૂર છે. તમારી હા હોય તો આપણે વાત આગળ વધારીએ."

સુષમા હવે હતપ્રભ થઈ ગઈ હતી, "મારી ઇચ્છા હોય તો જ આ સમયે અહીં આવું ને? હવે બોલો તમારે માટે યોગ્ય સમય કયો છે. હમણાં બે મહિના સુધી તો મને નહીં ફાવે. મારી સ્ટાઇલ સ્પષ્ટ વાત કરવાની છે. તમે મારા માટે બે મહિના રાહ જોઈ શકો છો?"

આ તરફ અમિત ભાવુક થઈ ગયો. એણે રોમાંચ માંડ માંડ દબાવીને કંપતા સ્વરે જવાબ આપ્યો, "તમારા હકારાત્મક વલણને અનુલક્ષીને અમે ચોક્કસ રાહ જોવા તૈયાર છીએ." કેતલા કીમિયાગારએ પિતલી પલટવાર તરફ પ્રસંશા રૂપી સ્મિત આપ્યુ તો પિતલીએ પલટવાર તરીકે પોતાના કાલ્પનિક કોલર ટાઇટ કર્યા.

સધકી સંધિવાત હર્ષની ચરમસીમાએ હિલોળા લેતી હતી તો ભાવલો ભૂસ્કો ભાવનાત્મક અસર હેઠળ હતો. આખરે એમના હાથની યશ રેખા ફળી રહી હતી. સધકીની આ મહત્તમ મહેનત જેને એ બેકાર માનતો હતો એ કેતલાના કીમિયાગારી રંગ લાવી હતી.

મીનામાસી તો દિગ્મૂઢ બની ગયાં હતાં.

સામે આ સંભવિત સૌભાગ્ય કાંક્ષીણી તો પોતાના વ્યવસાયીક અભિગમમાં અનુભવી હતી. એણે અમિતની આંખમાં આંખ પરોવીને સવાલ કર્યો, "ખરેખર રાહ જોશો કે પછી બીજી પાર્ટી મળી ગઈ તો ફરી જશો?" ફરી સોપો પડી ગયો.

હવે મીનામાસી ખરેખર અસ્વસ્થ થઈ રહ્યાં હતાં. એ સધકી સંધિવાતના કાન પાસે આવી ધીમા અવાજે બોલ્યા, "આવી આખા બોલી ના ચાલે. એટલે જ રહી ગઈ હશે." પણ સમજદાર સધકીએ એમને શાંત રહેવા ઇશારો કર્યો.

જોકે કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર પણ અસમંજસમાં આવી ગયાં. અમિત બેકફૂટ આવી ગયો એમ બોલ્યો, "તમે નાહકની શંકા કુશંકા ના કરો. અમે તમારી રાહ બે નહીં પણ ચાર મહિના સુધી જોવા તૈયાર છીએ."

"તો ઠીક છે પણ તમારૂ ઘર એક વાર તો જોવું જ પડશે. એ વગર લેણ દેણના વ્યવહારની સમજ નહીં પડે. પછી પાછળથી ગડબડ ના થાય એટલે..." એણે વાક્બાણ અડધું ચલાવીને સોપો પાડી દીધો.

હવે મીનામાસી અમિત સામે જોઈ બોલ્યાં, "અમને એવા પૈસાના વ્યવહારમાં રસ નથી."

સુષમા એમની તરફ ફરીને બોલી, "માજી, તમે શાંત રહેશો તો અમારી વાતચીત થઈ શકે."

હવે અમિત મેદાનમાં આવ્યો, "સુષમા, તમે મારી મમ્મી સાથે આમ વાત ના કરી શકો. ગમે તેમ તોય એ વડીલ છે. આખો દિવસ ઘરમાં તમારી સાથે એ જ રહેશે."

સુષમા વ્યવસાયીક હસી, "તો હું આવું એ પહેલાં જ એમને બીજે ક્યાંક કે અહીં દિકરી જમાઈના ઘરે મોકલી દેવાના એટલે મારા માથે કચકચ નહીં."

હવે સધકીનો પિત્તો ગયો, "સુષમાબેન, મોઢું સંભાળીને બોલો. તમારે એમને સહન ના કરવા હોય તો એ નહીં ચાલે."

થોડી છોભ અનુભવી રહેલી સુષમા દલીલ સ્વરૂપે સામે બોલી, "તો હું ક્યાં એમને જનમારો આખો મોકલવાની તજવીજમાં છું! પણ હું આવું ત્યારે બે ત્રણ મહિના તમે એમને તમારી સાથે ના રાખી શકો?"

વાતાવરણમાં ભેંંકાર શાંતિ છવાઈ ગઈ. હવે સધકીએ સનેપાત મચાવ્યો. એણે સુષમાને ઇશારો કરી ઊભી કરી, "મને તો આના આવા લખાણવાળા કપડાં પરથી ખ્યાલ આવી ગયો હતો..." એ ઊભી થઈ તો એનું આખું ટોપ બધાને દેખાયું.

મીનામાસીએ એના ટોપ પર નીચે બાજુ સિલ્વર પ્રિન્ટમાં છાપેલ શબ્દો ઉકેલવા પ્રયત્ન કર્યો. એમણે નજીક જઈ જોરથી સૌને વાંચી સંભળાવ્યું, 'તૂ નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા!'

ક્ષણેક માટે નીરવતા છવાઈ ગઈ. આવા અભદ્ર લખાણવાળુ લુંગડું પહેરવાની જરૂર શું હતી! વળી આવા નાજુક પ્રસંગે આવા કપડાં પહેરવાની મૂર્ખાઈ કોઈ કેવી રીતે કરી શકે!

હવે બાકી બધું ગૌણ ગણી લઈએ તો એની પાસે એક જ ખાસિયત બચી હતી અને એ હતી કે એ એક છોકરી હતી. એ ઊભાં ઊભાં બોલી, "ઠીક છે. જો તમારી આગળ વધવાની ઈચ્છા હોય તો મને પચીસ હજાર રૂપિયાનો ચેક મોકલાવી દેજો. ઓનલાઈન ટ્રાન્સફર પણ ચાલશે. મારા બેન્ક એકાઉન્ટની વિગતો વોટ્સએપ પર મોકલાવી દઈશ. આભાર."

વાત એક જબરજસ્ત વળાંક પર આવી ચૂકી હતી. લગ્નોત્સુક સૌભાગ્ય કાંક્ષીણીએ લગ્ન માટે સામેથી સીધેસીધી દહેજની માંગણી કરી હતી.

શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન ઠેકાણે પડી શકશે? શું બંને પાર્ટીઓની આ મસમોટી ગેરસમજ વિશે ખુલાસાવાર સમજી જશે? બધું સમુંસૂતરું પાર ઊતરશે કે પછી આ વખતે પણ એક નવી ભવાઈ ભજવાશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૬' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).