ચરબીને જ્યારે ચરબી ચઢે ત્યારે..!
ચરબીના થર પણ કેવાં બાઝયા છે રમેશ
ચરબીએ દેહમાં જાણે માળા બનાવ્યાં છે
ચરબી ઘણા પ્રકારની હોય મામૂ..! ચરબીની તબીબી વ્યાખ્યામાં આપણે મુંડી મારવી નથી, પણ આ તો એક ચોખવટ કરી..! વાત શરીરમાં વધેલી ચરબીની છે. વધેલી ચરબીનો ઈલાજ થાય, પણ માણસના મગજે ચરબી ચઢે ત્યારે એને તાવી દેવા માટે અચ્છા કથાકારના આયામ પણ નિષ્ફળ જાય..! શરીરની ચરબી એટલે આતંકવાદી જેવી. અભેદ સીમાડા તોડીને ક્યારે શરીરમાં ગરકી જાય એની ખબર જ ના પડે. શરીરમાં પ્રવેશીને પગ ફેલાવે ત્યારે ખબર પડે કે, એ પણ ચાઈના-પાકિસ્તાનની વડસાસુ જેવી છે..! જ્યાં જગ્યા મળે ત્યાં કબજો જ કરવા માંડે..! બિન-અધિક્રૃત કબ્જા પ્રવેશ કરવામાં સંપૂર્ણ માહિર..! માણસની દાનત ઝાઝી સંતાયેલી રહેતી નથી, એમ ચરબી પણ દેહમાં દાખલ થયા પછી ફણગા કાઢે. એમાં અમુક અમુકના ચરબા જોઈએ, તો એમ થાય કે, બંદાએ આવતા ભાવ સુધીનું ભાથું બાંધી લીધું લાગે છે ..! એવાં ‘ચરબી નરેશ’ દેખાય કે, ગમે ત્યાં જાય, ગમે ત્યાં ફરે એને ઓળખ-કાર્ડની જરૂર જ નહિ પડે. ચરબી વધે એનો વાંધો નથી, પણ માપમાં વધે તો સારી..! હાડ-માંસ-લોહીને હડસેલીને પોતાની જમાવટ કરે તેનો આપણને ડખો છે..! અમુક-અમુકના શરીર જોઈએ તો શરીરમાં ચરબી રાણી બનીને એશ જ કરતી હોય..! શરીરના ખૂણે-ખૂણે ચરબીના એટલા માળા બાંધ્યા હોય કે,. જ્યાં અડો ત્યાં ‘ચરબો’ હાથમાં આવે..! કહેવાય છે કે, સુખી રહેવા માટે માણસ પાસે ત્રણ પ્રકારની ફેક્ટરી હોવી જોઈએ. મગજમાં આઈસ ફેક્ટરી, મોંઢામાં સુગર ફેક્ટરી અને હૃદયમાં લવ ફેક્ટરી..! પણ સુખની પાછળ દુખ દોડતું આવતું હોય એમ, ચોથી ફેક્ટરી નાંખવાની જરૂર જ નહિ પડે.ચરબી આમંત્રણ વગર જ પ્રવેશ પામે. ચરબી માટે કોઈએ આડા-ઉભા-વાંકા-ચુકા કે બેઠેલા સોમવારની બાધા રાખતું નથી. સબ ભૂમિ ગોપાલકી સમજીને શરીરમાં દાખલ થઇ જ જાય. ને એકવાર ચરબીનો ભરાવો થયા પછી, માણસ પણ એવો બહિર્ગોળ થઇ જાય કે, ‘ચરબી-લેશ’ થવાની એની હિમત જ ભાંગી પડે. દીદાર જોઇને એવો ભાવુક થઇ જાય કે, ચરબીને શરીરમાંથી તગેડી મુકીને ત્યકતા બનાવીએ તો ૭૧ પેઢીનું પાપ લાગે. એના કરતાં છોને શરીરને ચબુતરો સમઝીને પડી રહેતી..! એના કપાળમાં ટામેટાં ફોડું..!
જે હોય તે ચરબી એના માપમાં હોય તો જ સારી લાગે. ભલે રૂપે રંગે ને દેખાવે સૌંદર્યવાન લાગતી હોય, પણ એના પનારે નહિ પડાય. વ્હાલના કળશ નહિ ઢોળાય. રાજકપૂરે ભલે કહ્યું હોય કે, ‘મહેમાં જો હમારા હોતા હૈ, વો જાનસે પ્યારા લગતા હૈ’ તેથી કંઈ કાયમી આશરો નહિ અપાય. આપવા જઈએ તો લાંબે ગાળે હ્રદય આક્રંદ કરવા માંડે. પણ પ્રેમને કોઈ સીમાડા નથી હોતા. ક્યારેક તો એવાં ઝનૂને આવી જાય કે, મોહપાશને કારણે આકાશ-પાતાળ સાથે પણ બાથ ભીડતા અચકાય નહિ. ચરબીનું પણ એવું જ છે મામૂ..! ચરબીનું જયારે શરીર સાથે પ્રેમાળ ગઠબંધન થાય ત્યારે, ચરબીનો થર કેદારનાથના પહાડો ઉપર પથરાયેલા બરફની માફક ફરી વળે. ચાલતી બસમાં બારીમાંથી કોઈએ ડોકાં કાઢ્યા હોય, એમ પેટ ઉપર ચરબી ડોકું કાઢતી થઇ જાય. પેટ જોઈને જ ખાતરી થઇ જાય કે, બંદો ચરબી-ગ્રસ્ત છે..! પેટ પટારો બની જાય. એવું ફૂલે કે સામાને શંકા જાય કે, ભાઈના શરીરનું ચણતર પેટના ભાગથી તો નહિ થયું હોય..? કડિયો જેમ વધેલા ચણતરનો માલ ગમે ત્યાં ઠાલવી નાંખે, એમ પેટ Bump બની જાય. ચરબી-ગ્રસ્ત પેટને જોઇને, એવું તો નહિ કહેવાય કે, ભાઈને ‘છઠ્ઠો’ જાય છે, બહુ બેહુદો લાગે દાદૂ..! આ તો એક વાત..! ચાર ફૂટને ચાર ઇંચના મારા મિત્ર ચમનીયાએ ‘હાઈટ’ વધારવા માટે એકવાર તબીબી સારવાર લીધેલી. ગોળી-ઇન્જેક્શનની આડ અસર એવી થઇ કે, ઉભો વધવાને બદલે, આડો વધી ગયો. ચરબો એવો બેફામ વધી ગયો કે, કમર ‘કમરો‘ બની ગયો. પેલી વાર્તામાં આવે છે એમ, સસલાં કરતાં સાલું કાચબુ આગળ નીકળી ગયું. Highat વધારવાના ચક્કરમાં આજે પણ એ હવે ચરબી ઘટાડવાની Fight કરે છે બોલ્લો..! ચરબીનો હોલસેલ ‘સ્ટોકીસ્ટ’ એવો બની ગયો કે, હરતા ફરતા ગોડાઉનની માફક ચરબીનો જથ્થો લઈને ફરે છે..! પેટમાં પટારો ઉગી નીકળ્યો હોય એમ, BUMP-MAN જેવો લાગે..! માણસે શરીરમાં ચરબીનો થર કેટલો ઝામવા દેવો, એના પ્રમાણભાન હોવા છતાં, ચરબી એવી ઘુસણખોર કે શરીરનો બાકીનો સરસામાન ગરીબી ની રેખા નીચે આવી ગયો. અને ચરબીની ચરબી વધી ગઈ..! એવી બેફામ વધી કે, સામેવાળો માણસ છે કે, ચરબીનો હટવાડો એ આપણે નક્કી કરવાનું..! ચરબીના ભરાવાથી, ચપટલાલ ગોળમટોળ બની જાય. ને શરીરનો સરસામાન હાંસિયામાં જતો રહે ને ચરબી ઝંડો ફરકાવતી થઇ જાય તો સ્વમાન ભંગ તો લાગે. ચરબી માપની હોવી જોઈએ. ઘરના છોકરાં ઘંટી ફેરવે ને પાડોશણને આટો દાનમાં જતો હોય એ નહિ ચાલે. હાડ-માંસ-લોહી ભલે આંદોલન નહિ કરે, પણ સ્વમાન માટે પોતાનું અસ્તિત્વ માત્ર હદ નિશાન પુરતું રહે તો ઠેસ તો લાગે..! થાળી કરતાં ચમચીનું ચલણ વધી જાય એ કોણ સહન કરે? શરીરનું ચયાપચય પણ કથળે ને, પછી તો હૃદય પણ હુમલા કરવા માંડે..! અમુકને તો એવાં-એવાં ચરબીના થર બાઝેલા હોય કે, જ્યાં જ્યાં નજર ફેરવો ત્યાં ચરબીની લીલોતરી દેખાય..! ફૂલોના ઢગલા નીચે આખી કબર ઢંકાયેલી હોય એમ, હાડ-માંસ ને લોહીના તો નામોનિશાન જોવા મળે નહિ. એવી ટકોર થોડી થાય કે, આજકાલ તારામાં ચરબી ખુબ વધી ગઈ છે, થોડી ઓછી કર..! કદાચ કહેવા જઈએ તો ચરબીગ્રસ્ત હાથે મારામારી પણ કરી નાંખે. ક્યાં તો એવું પણ કહે કે, ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, ઉસમેં મૈ ક્યા કરું..?’ તારા કપાળમાં ટામેટાં ફોડું.!
લાસ્ટ ધ બોલ
ભગી પહેલીવાર ગાડી લઈને હાઈવે ઉપર નીકળી.
થોડીવારમાં થઇ ત્યાં પતિનો ફોન આવ્યો, કે, ‘ ડાર્લિંગ..! ટીવીમાં ચેતવણી આવે છે કે, તું જે હાઈવે ઉપર છે, ત્યાં એક ગાડી ઉંધી દિશામાં ચાલે છે. તું તારું ધ્યાન રાખજે.
પત્ની કહે, ‘બકવાસ..! એક ગાડીની ક્યાં વાત કરો છો, અહી તો બધી જ ગાડી ઉંધી દિશા ઉપરથી આવે છે. ‘
તારા કપાળમાં ટામેટા ફોડું..!
----------------------------------------------------------------------------------------------------------------------