ધૂલો તો હરખપદૂડો (DTH) - 19 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 19

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૯


આપણે જોયું કે એ મહિનાની પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન કેતલાએ સધકી સંધિવાતના માસીયાઈ ભાઈ, અમિતના હાથ પીળા કરવાનું બીડું ઝડપ્યુ હતૂ. એણે પિતલીની તારામાસીને ફોન કરી આ સંદર્ભમાં વાત ચલાવી. હવે આગળ...


"તારામાસી, વાત જાણે એમ છે કે...." એ પોરો ખાવા અટક્યો, "તમને માઠું ના લાગે તો એક વાત કરું."


"બોલો, જમાઈરાજ. તમારી વાતને હોરર ફિલ્મોની જેમ રહસ્યમય બનાવવાને બદલે બેધડક થઈ જણાવો." અંદરથી ક્રોધિત તારામાસી મહામહેનતે પોતાની જાત પર કાબુ રાખી બોલી રહ્યાં હતાં.


હવે કીમિયા અજમાવવા માટે યોગ્ય સમય આવી ગયો હોઈ કેતલાએ ધડાકો કર્યો, "માસી, હું તમારે માટે એક માસા શોધી લાવ્યો છું."


એક ચીસ સંભળાઈ, "શું?" તારામાસી હેબતાઈ ગયાં.


અમૂક ક્ષણો સુધી મૌન બોલતું રહ્યું. છેવટે કેતલાએ મૌનનો સન્નાટો સમાપ્ત કર્યો, "માસી, તમે બરાબર સાંભળ્યું. આ વાત ટોપ સિક્રેટ છે. પ્રિતીને પણ નથી ખબર. એટલે જ મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો."


"હં." તારામાસીનો શ્વાસ હેઠો બેઠો, "મને પણ નવાઈ લાગતી હતી, કેતનકુમાર. તમારા લગ્ન બાદથી આટલાં સમયમાં તમે મારી સાથે ક્યારેય આવી રીતે ફોન કરી ડાયરેક્ટ વાત કરી નથી."


નકારાત્મક અસર વગર વાત પસાર થઈ ગઈ હતી. હવે કેતલા કીમિયાગારે માત્ર એની ચાલાકી જ વાપરવાની હતી. "માસી, અમારા ખાસ મિત્રવર્ગમાં એક ભાવેશભાઈ, જે સીએ છે. એમની પત્ની સંધ્યાભાભીનો એક માસીયાઈ ભાઈ, નામે અમિતભાઈ છે. એક સોફ્ટવેર કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ છે. પગાર પણ સારો છે. પરિવારમાં એના મમ્મી મીનાબેન અને આ અમિતભાઈ, એમ બે સભ્ય જ છે. ઉપરાંત અમિતભાઈની ઉમર પણ ચાળીસેક વર્ષ હશે." એ અટક્યો.


તારામાસીએ પોતે રસ લઈ સાંભળી રહ્યાં હોય એવી પ્રતીતિ કરવા સામે યથાર્થ પ્રશ્ન કર્યો, "જો બધુ જ બરાબર હોય તો એ રહી કેમ ગયો?"


'અલબત્ત તમારી જેમ નખરાં કરવામાં.' એ સ્વગત બડબડાટ કરી તારામાસીને જવાબ આપવા લાગ્યો, "માસી, તમને સત્ય હકીકત જણાવુ. તમારો પ્રશ્ન યથાર્થ છે. પણ તમને કોઈ પણ જાતના અંધકારમાં રાખ્યા વગર સાચી વાત જણાવીશ. એનું કારણ છે સંધ્યાભાભીના માસીનો સ્વભાવ. એમના કચકચીયા સ્વભાવને કારણે સહન કરવાનું આવ્યુ આ અમિતભાઈને. બાકી છોકરામાં કોઈ અવગુણ નથી."


તારામાસીએ ડબકો મૂક્યો, "તો તો એ મનેય નડે. વળી હું ઉમરમાં એનાથી મોટી છું."


"ના, માસી. હવે એમની શાન ઠેકાણે આવી ગઈ છે. એટલે એમ સમજીને ચાલો કે તમારી રાહ જોઈને જ એમણે અમિતભાઈને હજી કુંવારા રહેવા દીધા છે. હવે તો તેઓ વહુને પાપણો પર બેસાડશે." કેતલાએ લાંબી લાંબી ફેંકી. અંતમાં એક વાત પર ખૂબ ભાર આપી એમને તૈયાર કર્યા, "માસી, એકાદ મિટીંગ કરવામાં વાંધો નથી, મારા હિસાબે."


"ભલે." તારામાસીએ તત્કાળ તૈયારી બતાવી. એણે અમિતના ફોટા એના વોટ્સએપ પર તરત પાઠવી દીધા.


કેતલા કીમિયાગારનો કારસ્તાની કીમિયો કારગત સાબિત થઈ ગયો. હવે એણે તારામાસીને એમનો સારો ફોટોગ્રાફ વોટ્સએપ પર મોકલાવવા જણાવી દીધું. તારામાસીએ તરત સારો (આ સારો એટલે વીસેક વર્ષ અગાઉનો) ફોટોગ્રાફ એને મોકલી દીધો. ત્યારે એ પાંસઠેક કિલોના હશે. આ ફોટોગ્રાફ જોયા બાદ કેતલાનું હસવાનું રોકાય એમ નહોતુ. 'ગંદા હૈ પર ધંધા હૈ' ના ધોરણે એણે અમિતભાઈને કોલ કર્યો. એને પણ મિટીંગ માટે તૈયાર કરી એણે આ 'અમિતને ઠેકાણે પાડો' મિશનનું શુભારંભ કર્યુ.


તેઓએ આ મિટીંગ ભાવલાના ઘરે બીજા જ દિવસે ગોઠવી. પછી એણે પિતલી પલટવારને આ આયોજન વિશે જાણ કરી. એ તો દિલથી હસી પડી.


આ તરફ અમિત, કેતલાએ વોટ્સએપ પર ટ્રાન્સફર કરેલા કન્યાના ફોટોગ્રાફ જોઈ ચલિત થઈ ગયો. એને એનું અત્યાર સુધી રાહ જોવાની ધીરજનું ફળ માની, મનોમન શુભવિવાહની શરણાઈ સાંભળી શરમાઈ ગયો. એકંદરે સૌ આ લગ્નોત્સુક મિટીંગની ક્રોવ્ઝ આઈઝ (કાગ ડોળે) રાહ જોવા લાગ્યાં.


એક સમયે, બાળકો ધરાવતા બીજવર, બીજી વાર પરણવા માટે ઉત્સુક મુરતિયાઓ તો એમને માટે આવતા રહેતા. સમયાંતરે કાચા કુંવારા છોકરા માટે આશા ભૂલી ચૂકેલી તારામાસી કેતલાને લીધે અચાનક તારા સુતરીયા બની ગઈ. એ સંધ્યા શાંતારામ બની નાચવા ગાવા લાગી, "ઓઓઓઓ....ઓ, પંખ હોતે તો ઉડ આતી રે. રસીયા ઓ બાલમા. તૂજે દિલકા દાગ દિખલાતી રે. ઓઓઓઓ....ઓ..."


તો બીજી તરફ અમિત, તારાના એ ફોટાને જોઈને મોહી પડ્યો. એની શોધ સમાપન થઈ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ હતું. એ આ સંધ્યા શાંતારામનો મહિપાલ બની નવરંગે ખીલી ઊઠ્યો હતો, "તું છુપી થી કહાં, મેં તડપતા યહાં. તેરે બીન ફિકા ફિકા થા દિલ કા જહાં. છુપી થી કહાંઆઆઆઆઆ."


ત્રીજી તરફ છોકરાના માતૃશ્રી પણ ગેલમાં આવી ગયાં હતાં, "લો ચલી મેં, અપને બેટે કી બારાત લેકે, લો ચલી મેં. ના બેંડ બાજા, ના હૈ બારાતી, અપની સંધી કો સાથ લેકે, લો ચલી મેં."


ચોથી તરફ સધકી સંધિવાત અને ભાવલો ભૂસ્કો સુખદ અનુભવ કરતાં હતાં, "ઐ માલિક તેરે બંદે હમ, ઐસી હો હમારી મિટીંગ, સબ સીધા ચલે ઔર બદી સે ટલે, ગોળધાણા ખાકે નિકલે હમ..." આમ સૌ અચાનક સંધ્યા શાંતારામના રસીયા બની ગયાં હતાં.


તો પાંચમી તરફ પિતલી પલટવાર અને કેતલો કીમિયાગાર ઉવાચ હતાં, "આજ ઈનકી પહેલી મુલાકાત હોગી, ફિર આમને સામને બાત હોગી. ફિર હોગા ક્યા, કયા પતા ક્યા ખબર!" એમણે સંધ્યા શાંતારામને બદલે રાકેશ રોશનના પરાયા ધનની મદદ લીધી હતી.


આ બંને લગ્નોત્સુક, યુવતી અને યુવક, નોકરીયાત હતાં એટલે જ આ મિટીંગ રાત્રે નવ વાગ્યે નિર્ધારીત કરવામાં આવી હતી. પણ યુવતીએ નોકરી પર અચાનક સીક લીવનો ઇમેલ કરી એની ગ્રાહક સાથે અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી નાખી. અને એણે એક નામાંકિત, પ્રતિષ્ઠિત તથા એક્ષપેન્સીવ એવા 'લૂક, ઇટ્સ મી બ્યુટી પાર્લર' ની અપોઈન્ટમેન્ટ બૂક કરી લીધી હતી. એ નિર્ધારીત સમય કરતાં પણ પહેલાં પહોંચીને પોતાના વારાની રાહ જોઈ રહી હતી. ત્યારે એનું હ્રદય પોતાની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય એ ક્ષણે કોઈ પ્રોડકશન હાઉસના માલિકની જેમ ધડકી રહ્યું હતું. જેવી પેલી પાર્લર એટેન્ડન્ટ એને બોલાવવા આવી એ દોડી અંદર.


પેલી ત્રણ એના મેકઓવર માટે તૈયાર હતી. એમાંની એકે ધંધાદારી સ્મિત સાથે પુછ્યું, "વેલકમ મેડમ, આપે અમારુંં સુપર ડિલક્ષ બ્યુટી ટ્રીટમેન્ટ પેકેજ પરચેઝ કર્યું છે. તો આપની ઈચ્છા પ્રમાણે બ્યુટી ટ્રીટમેન્ટ વીથ ટિપ્સ થશે. પ્લીઝ સિલેક્ટ." એણે એક ફોટો આલ્બમ એના હાથમાં સોંપી દીધું.


આ યુવતીએ તરત મોબાઈલમાંથી પેલો ફોટોગ્રાફ, જે અમિતને મોકલવામાં આવેલ, એ શોધી બતાવ્યો. પેલીએ પૂર્ણ પણે પ્રોફેશનલ સ્માઈલ આપી. એની મદદનીશોને વિવિધ સૂચનાઓ આપી કામ શરૂ કરી દીધું.


એમણે મેળવેલ પૈસા સાટે એમનું શ્રેષ્ઠ કામ કરી આપ્યું. પણ ચહેરા પર ઉમરની પાકટતા, વિવિધ ઠેકાણે ચરબીના શારીરિક થરો અને વજન સામે એમની કાર્યદક્ષતા કમજોર પડતી હતી. એટલે એણે શાબ્દીક પ્રોત્સાહન આપી, શુભેચ્છાઓ વ્યકત કરી આ ગ્રાહકને વિદાય આપી.


સામે અમિત પણ ઓફિસેથી બે કલાક વહેલા નીકળી જેન્ટસ પાર્લર (મોટા અને મોંઘા હજામની દુકાન) પર જઈ દાઢી, બ્લીચ અને ફેશિયલ કરાવી આવ્યો.


સાંજે ભાવલાના ઘરે એ પહોંચ્યો તો એના મમ્મી બપોરથી અહીં આવી ગયેલા. આ લાડાની માતાઓને ભારે ઉતાવળ હોય એ સ્વાભાવિક બાબત છે. થોડીવારમાં જ કેતલો કીમીયાગાર અને પિતલી પલટવાર, તારાને લઈને ત્યાં પહોંચી ગયાં. સામસામે પ્રણામ કરી એમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું.


એમને માનભેર બેસાડી સધકી સંધિવાત પાણી લેવા ગઈ. અહીં અમિત અને મીનામાસી ચકળ વકળ ડોળે તારામાસી સામે તાકી રહ્યાં. છેવટે આ મીનામાસીએ જ ભાંગરો વાટ્યો.


એ તારામાસી સામે જોઈને બોલી પડ્યાં, "વેવાણ, તારા બેટી હજી નથી આવી?"


શું થશે હવે? આ મહામુશ્કેલીએ મળેલી મિટીંગ મિથ્યા થઈ જશે? શું અમિત તારાની જોડી જામશે કે કેતલાની ચેલેન્જ આગળ વધશે? આપના દરેક સવાલનો જવાબ મળશે, ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૦ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર. ક્રમશ...


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).