ધૂલો તો હરખપદૂડો (DTH) - 17 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 17

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૭


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વેચ્છાએ સ્વીકારી લીધી હતી. પણ એ મધરાતે સધકીના માસી અને અમિતના માતાનો સધકી સંધિવાત પર ફોન આવ્યો. હવે આગળ...


સધકીની લાડકી મીનામાસીનો અડધી રાતે ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. એ હજી બૈજુ બાવરી સાથે મોબાઈલ પર વાત કરતી હતી અને માસીનો ફોન આવ્યો એટલે સધકીએ ઝડપભેર કોલ કાપીને તરત માસીનો ફોન લીધો, "માસી, અત્યારે?"


માસીનો રડમસ અવાજ આવ્યો, "સંધી, અમિતને..." એક ધ્રુસકો સંભળાયો. સધકી સંધિવાત ખૂબ ભાવુક થઈ ગઈ, "શું થયુ અમિતભાઈને?"


માસીએ જાણકારી આપી, "અમિતને રેખાનો મેસેજ આવ્યો છે કે એને અમેરીકા જઈ અમેરીકન નથી બનવું. આ માટે એણે અમિતનો અભિપ્રાય પણ વ્યક્ત કરવા વિનંતી કરી છે."


"વાહ, આ તો કોથળામાંથી બિલાડું નહીં પણ આખે આખો કેસરી સાવજ નીકળ્યો." સધકી ખીલી ઊઠી, "માસી ખૂબ ખૂબ અભિનંદન, તમને અને અમિતભાઈને. પછી એની સાથે વાત થઈ?"


"ના. અમિત એને ફોન કરવાનો જ હતો પણ એ મેસેજ અડધી રાત બાદ આવ્યો હતો. એટલે મેં જ અમિતને ના પાડી. એમાં આપણી છાપ બરાબર ના પડે એટલે ફોન સવારે જ કરાય. પછી તરત તને ફોન કર્યો." માસીએ ફોડ પાડી.


આ કોલ સધકીએ બૈજુ બાવરી સાથે વાત કરતાં કરતાં રિસીવ કર્યો હતો એટલે હજી સ્પીકર ઓન હતું. જોકે બધા પારિવારિક મિત્રો હોઈ કોઈ પણ વાતનો વાંધો નહોતો. આખા ગ્રુપે ચિચિયારી, કિલકારી સાથે તાળીઓના ગડગડાટ સાથે વાતને વધાવી લીધી. ખાસ કરીને ભાવલા ભૂસકાએ.


સધકીએ ઝડપભેર મૂકલા મુસળધાર સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મૂકલાએ એને સ્પીકર પર હાથ રાખવાનો ઇશારો કર્યો. સમજદાર સધકીએ તરત જ એના મોબાઈલના સ્પીકર પર હાથ રાખી એને વળતો ઇશારો કર્યો, હવે બોલો. મૂકલાએ મલકાટ કર્યો, "તારા માસીની વાત એકદમ યોગ્ય છે. આ સમયે કોલ ના કરાય. પણ જેમ એનો મેસેજ આવ્યો છે તેમ સામે મેસેજ કરી શકાય."


સધકીએ હવે સ્પીકર પરથી હાથ હટાવી એ જ વાત માસીને સમજાવી. માસીનો ફોન પણ સ્પીકર પર જ હતો એટલે સામેથી અમિતનો અવાજ આવ્યો, "સંધુ, તારી વાત તો બરાબર લાગે છે પણ મેસેજમાં લખવુ શું?" વાંઢો અમિત કોઈ પણ જાતનું જોખમ લેવાની તરફેણમાં નહોતો.


સધકીએ ફરી એક વખત ઝડપભેર મૂકલા મુસળધાર સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મૂકલાએ એને ફરી સ્પીકર પર હાથ રાખવાનો ઇશારો કર્યો. સધકીએ તરત જ એના મોબાઈલના સ્પીકર પર હાથ રાખી દીધો. મૂકલાએ એને ક્હ્યું, "એને બે મિનિટ વાટ જોવા કહી દે."


"અમિતભાઈ, હું બે મિનિટમાં મેસેજ મોકલાવું છું." એણે કાંઈ પણ જવાબ મળે એ પહેલાં જ ફોન ડિસકનેક્ટ કરી દીધો. હવે સધકીએ સમય બગાડ્યા વગર પોતાનો ફોન મૂકલાને સોંપી દીધો.


મૂકલાએ ત્વરિત મેસેજ ટાઇપ કરી, સૌને સંભળાય એવી રીતે મોટેથી વાંચી સંભળાવ્યો. એ મેસેજ હતો, 'રેખા, આપનો આમ મધરાતે મેસેજ આવતાં ચિંતા મિશ્રિત આનંદ થયો. ચિંતા સ્વાભાવિક છે પણ આપને મારા પર આવો તોતીંગ વિશ્વાસ છે એ જાણી ખૂબ ખૂબ આનંદ થયો. હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. આપણો દેશ એટલે આપણો દેશ. સારે જહાં સે અચ્છા. સંસ્કારોના આચાર પ્રમાણે આ સમયે તમને કોલ કરવો અયોગ્ય સમજીને સવારે સાત વાગ્યે હું કોલ કરીને વાત આગળ વધારશું. હું ડગલેને પગલે તમારી સાથે છું માટે તમારી ચિંતા મને સોંપીને નિરાંતે ઊંઘ માણો. આભાર. આપનો આભારી અમિત.'


એણે આ મેસેજ મોટેથી વાંચી સંભળાવ્યો એટલે બધાંએ મેસેજને પાસ કરી દીધો. સધકીએ એ મેસેજ અમિતને મોકલીને માસીને કોલ જોડ્યો. માસી કાગના ડોળે રાહ જોઈ રહ્યાં હતાં, "સંધી, જલ્દી બોલ..."


સધકીએ ઠાવકાઇથી જવાબ આપ્યો, "અમિતભાઈને મેસેજ મોકલ્યો છે." ત્યાં જ અમિતનો અવાજ આવ્યો, "હા, સંધુ. મને પણ આ મેસેજ પરફેક્ટ લાગે છે. ફોરવર્ડ કરાય?"


"ના." સોનકીએ સણસણાટ કર્યો, "તો તો એને ચોક્કસ ખબર પડી જાય કે આ ભાવનાથી છલકતાં મેસેજના શબ્દો તમારા નથી. આ મેસેજને કોપી કરી એની વોલ પર પેસ્ટ કરી દો."


અમિતનો જવાબ આવ્યો, "સંધુ, તારા સૌ મિત્રોનો આભાર પણ આ મેસેજ વોટ્સએપ પર નહીં પણ એસએમએસ દ્વારા આવ્યો છે." સોનકીનો સણસણાટ ભોંઠો પડી ગયો. અહીં સૌ હસી પડ્યાં. સધકીએ જવાબ આપ્યો, "અમિતભાઈ, ફટકારી દો છગ્ગો."


માસીના ફોન પર આ કોલ સ્પીકર પર ચાલુ જ હતો. એકાદ મિનિટ તો સૌને જાણે એક યુગ સમાન લાગી. ભાવલાએ ભૂસ્કો લગાવ્યો, "અમિતભાઈ, શું જવાબ આવ્યો?"


અમિતે જવાબ આપ્યો, "ભાવેશકુમાર, મેસેજ ડિલિવર થઈ ગયો છે પણ રીડ રિસિપ્ટ હજી આવી નથી." આ રીડ રિસિપ્ટ એટલે સામે પાર્ટીએ મેસેજ જોયો હોય (વાંચ્યો હોય એ જરૂરી નથી) તો એની જાણકારી મળે છે.


ભાવલાએ સધિયારો આપ્યો, "અમિતભાઈ, કદાચ રેખાબેન સૂઈ ગયાં હશે. વાંધો નહીં જવાબ આવે તો જણાવજો. અમે મિત્રો આજે રાત્રી જાગરણ પર છીએ એટલે બેધડક ફોન કરજો."


"ભલે." અને બંને તરફથી ફોન સંપર્ક સમાપ્ત થઈ ગયો.


ભાવલાએ વિજયી નજરે કેતલા કીમીયાગાર સામે જોઈ, મરક મરક થતાં, હાથ લાંબો કર્યો. સૌ એક સાથે હસી પડ્યાં. કેતલાએ કીમિયાગીરી ત્યાગી, સમયાનુસાર શાનમાં સમજીને, સધકીએ આપેલ રોકડા રૂપિયા ભાવલાના હાથમાં કચવાતે મને મૂક્યા. જોકે એ પૈસા ભાવલાના ગજવામાં જાય એ પહેલાં સધકીએ સનેપાત સર્જ્યો, "એ મારા પૈસા છે. લાવ અહીં." અને ફરી સૌ ખડખડાટ હસી પડ્યાં. ફરક માત્ર એટલો હતો કે આ વખતે કેતલો કીમિયાગાર એ હાસ્યમાં દીલથી જોડાયો.


છોભ અનુભવતા ભાવલાએ ભૂસકાની જગ્યાએ શરણાગતિ સ્વીકારી. એણે એ પૈસા સધકી સંધિવાતને આપી દીધા. એ તરત એ પૈસા લઈ બેડરૂમમાં જતી રહી. આશ્ચર્યચકિત કેતલો કીમિયાગાર ક્રોધાવિષ્ટ હોવા છતાં ખોટા, મલકાટ સાથે પત્તાની રમતમાં તલ્લીન થઈ ગયો. બીજી બાજુ સધકી એની સહેલી વૃંદ સાથે જોડાવા બહાર આવી કે બૈજુ બાવરીનો ફોન આવ્યો, "કેમ અચાનક ફોન કાપી નાખ્યો?"


સધકીએ એને વિગતવાર અહેવાલ આપ્યો કે રેખાબેનને એમની ભૂલ સમજાઈ ગઈ હતી. એમની આંખો પરથી અમેરીકન ગ્રીન સનગ્લાસ ઊતરી ગયાં એટલે એમને અમિતભાઈ યાદ આવ્યા. એણે અમેરીકા નહીં જવા અને થયેલી ભૂલ સુધારી લેવા માટે અમિતભાઈની મદદ માંગવા મેસેજ કર્યો હતો, એ જણાવ્યું.


બૈજુએ એને અને અમિતભાઈને અભિનંદન આપ્યાં. સામે બૈજુએ એણે અને મયુરીઆ કળાકારે એમની મજાક કરવા ખોટો ભય ઊભો કરવા માટેના પ્રયાસ બદ્દલ તમામ તૈયારીઓ પર પૂર્ણ પણે પાણી ફરી વળી નિષ્ફળ ગયા હોવાની વાત સ્વીકારી લીધી હતી. એમની ભયાનક ભયજનક ડર ફેલાવનાર અગ્નિ ઉપર મૂકલાએ મુસળધાર વરસીને એને પ્રજ્વલિત થતાં સાથે બૂઝાવી દીધી હતી. સૌને મૂકલાની સૂઝબૂઝ પ્રત્યે જે માન હતું એમાં વધારો થયો હતો.


એ હજી ફોન પર બોલતી હતી ને સધકીની માસીનો ફરી ફોન આવ્યો એટલે સધકીએ ફરી ઝડપભેર બૈજુનો કોલ કાપીને માસીનો ફોન લીધો, "આવ્યો જવાબ?"


માસીનો ફરી એ જ રડમસ અવાજ આવ્યો, "સંધી, અમિતને..." ફરી એક ધ્રુસકો સંભળાયો.


હવે શું થયુ હશે અમિતને? કોઈ તકલીફ વગર આ રીતે માસી અડધી રાતે ફરી ફરી ફોન કરે નહીં. શું રેખા મળવાની ખુશીમાં અમિતની તબિયત તો બગડી નહીં હોય? શું અમિત આ વખતે ખૂંટીએ બંધાવામાં સફળ થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર હલ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH)' - પ્રકરણ ૧૮ અને આગળના પ્રકરણો માણી આપનો પ્રતિભાવ ચોક્કસ આપશો એવી અપેક્ષાસહ આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)